દિવસ અને રાતનો સંધિસમય પરમાત્માની પ્રાર્થના માટે બહુ જ મંગલકારક છે. એ સમયે મન પવિત્ર રહે છે.

અસંખ્ય પ્રવૃત્તિઓની વચ્ચે વચ્ચે પણ કંઈ નહીં તો ઈશ્ર્વરને યાદ કરીને તેમને નમન તો કરવાં જ જોઈએ. ધીમે ધીમે ધ્યાન અને પ્રાર્થનાનો સમય વધારતાં જવું.

સારાં કર્મો કરશો તો ભૂતકાળનાં ખરાબ કર્મો ખપી જશે. ધ્યાન, જપ અને આધ્યાત્મિક વિચારણા દ્વારા પૂર્વનાં પાપ બાળી શકાય.

આકાશમાં ચંદ્રને વાદળાંએ ઢાંકી દીધો છે. ધીમે ધીમે પવનથી વાદળાંને વિખેરી નાખવાની જરૂર છે; તે પછી જ ચંદ્રનાં દર્શન કરી શકાય. વાદળાં શું એકાએક વિખેરાઈ જાય કે ? આધ્યાત્મિક પૂર્ણતાના સંબંધમાં પણ એમ જ સમજવું. સંચિત કર્મોની અસર ધીરે ધીરે નાશ પામે છે. જ્યારે આત્મસાક્ષાત્કાર થાય છે, ત્યારે ઈશ્ર્વર અંતરમાંથી જ્ઞાન અને પ્રકાશ બંને આપે છે – તેની ખબર પોતાને જ પડી જાય છે.

જ્યારે આધ્યાત્મિક સાક્ષાત્કાર પૂર્ણતાએ પહોંચે છે ત્યારે એમ સમજાય છે કે જે પોતાના હૃદયમાં વસે છે, તે જ બીજાઓનાં હૃદયમાં પણ – દુ:ખી, પીડિત, અસ્પૃશ્ય અને અંત્યજ ગણાતાંમાં પણ વસે છે. સાક્ષાત્કારથી માણસ ખરેખરો નમ્ર બને છે.

ઈશ્ર્વર આપણા પોતાના જ છે. જેટલી તીવ્રતાથી માણસ સાધના કરે છે, તેટલી ઝડપથી તેને ઈશ્ર્વરપ્રાપ્તિ થાય છે.

આંગળીઓના વેઢાથી તેમનું નામ જપ કરી આપણે આંગળીઓને ધન્ય કરીએ એટલા માટે ભગવાને આપણને તે આંગળીઓ આપી છે.

જેમ પવન વાદળાઓને વિખેરી નાખે છે, તેમ ઈશ્ર્વરનું નામ સંસારનાં વાદળાં વિખેરી નાખે છે.

મન

મન ઉપર બધાનો આધાર છે. મનની પવિત્રતા સિવાય કંઈ વળે નહીં. એમ કહેવાય છે કે સાધકના ઉપર ગુરુની, ભગવાનની અને ભક્તની કૃપા થઈ હોય, પરંતુ ‘એક’ની કૃપાની ખામી હોય તો સત્યાનાશ વળી જાય. એ ‘એક’ એટલે મન. સાધકના મનની તેના ઉપર કૃપા થવી જોઈએ.

ઈશ્ર્વરસાક્ષાત્કારથી સાધકને બીજું શું મળે છે ? શું તેને બે શિંગડાં ઊગે છે ? ના, તેનું મન પવિત્ર થાય છે અને પવિત્ર મન દ્વારા સાધકને જ્ઞાન અને પ્રબુદ્ધતા મળે છે.

જેનું મન પવિત્ર હોય છે તેને બધું પવિત્ર દેખાય છે.

જ્યારે પવિત્ર મનથી જપ થાય છે, ત્યારે જાણે તેને આપોઆપ અંતરમાંથી એ પવિત્ર નામ સડસડાટ ઉપર આવતું હોય એમ લાગે છે. નામજપ કરવા માટે તેને પ્રયત્ન કરવો પડતો નથી. આળસ છોડીને નિયમિત સમયે જપ અને ધ્યાન કરવાં જોઈએ. (દિવ્યકૃપા, 28-31)

Total Views: 134
By Published On: March 1, 2018Categories: Ma Sarada Devi0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram