એક બીજા પ્રકારની અહંકેન્દ્રી વ્યક્તિ હોય છે. તેઓ બીજાને સુખી કરવા જરૂર કરતાં વધુ માત્રામાં ચિંતિત રહે છે અને એમને પ્રાર્થના માટે સમય મળતો નથી. આવા લોકો ક્લબો, સંગઠનો, બ્રિજપાર્ટી, ભોજન-સમારંભ અથવા રાજનૈતિક સમિતિઓમાં સામેલ થઈને જગતનો ઉદ્ધાર કરવા વ્યગ્ર રહે છે. એને લીધે એમને થોડા સમય માટે આત્મસન્માન પણ મળે છે, પરંતુ જ્યારે તેની નવીનતા ક્ષીણ થઈ જાય છે અથવા જ્યારે કાર્ય અને ગપશપ થોડાં શાંત થઈ જાય છે ત્યારે તેઓ તત્કાલ અશાંત અને દુ:ખી થઈ જાય છે. મૃદુ શબ્દોનો ઉપયોગ કર્યા વિના સ્વામી વિવેકાનંદ કહે છે : ‘પરાધીનતાને કર્તવ્ય તરીકે લેખવાનું કાર્ય કેટલું સરળ છે ! શરીર ઉપરની આસક્તિના ગાંડપણભર્યા ખ્યાલને કર્તવ્ય માનવું ! માણસો જગતમાં કામ કરવા બહાર પડે છે અને દ્રવ્ય માટે અગર જેના પ્રત્યે આસક્તિ હોય એવા અન્ય કશા માટે મથામણ કરે છે, લડે છે. આમ નાહક શા માટે કરો છો એમ તમે એમને પૂછશો તો તેઓ કહેશે, ‘અમે અમારું કર્તવ્ય બજાવીએ છીએ.’ ખરેખર તો એ સુવર્ણ અને કીર્તિનો ગાંડપણભર્યો લોભ છે – માત્ર લોકો તેને થોડાં સુંદર વાણીનાં ફૂલોથી ઢાંકી દેવા મથે છે.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 1.115)
સ્વાર્થપરાયણતાને પુષ્પો વડે ઢાંકી દેવાથી આપણે અનાસક્તભાવે સાચું કર્તવ્યપાલન કરીને તેને આધ્યાત્મિક જીવનનું અભિન્ન અંગ બનાવી ન શકીએ. અહંકેન્દ્રી કર્તવ્ય આપણા માટે કેટલીય સમસ્યાઓ અને નવાં બંધનોનું નિમાર્ણ કરી શકે છે.
અહંકારનાં વિભિન્ન રૂપો
માનવ ભિન્ન ભિન્ન ભાવોનો વિચિત્ર સમૂહ છે. વિલિયમ જેમ્સના મત પ્રમાણે મોટાભાગના લોકો જેટલા પ્રમાણમાં વિભિન્ન જનસમૂહોના મતાભિપ્રાયનો તેઓ આદર કરે છે, એટલા પ્રમાણમાં તેમનાં સામાજિક વ્યક્તિત્વ હોય છે. આપણાં બે જ નહિ, પણ અનેક વ્યક્તિત્વ હોય છે. વ્યવસાયમાં આપણું એક રૂપ હોય છે, ચર્ચ કે મંદિરમાં વળી બીજું અને ઘરમાં તો ત્રીજું. આપણા વ્યક્તિગત જીવનમાં જે કાર્ય આપણે હસતા મુખે કરીએ છીએ, તેને સમાજમાં કરવામાં અચકાઈએ છીએ. આપણાં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ કેટલીય વાર એકબીજાં સાથે કોઈ મેળ ખાતાં નથી અને એટલે એ આપણા માટે અનંત અંતર્દ્વન્દ્વોની સૃષ્ટિ રચે છે.
એક દુકાનદારની વાત છે : તે પોતાના પરિવાર સાથે ધાર્મિક પુનર્જાગરણની સભામાં સામેલ થવા – ધર્મ-પરિવર્તન કરતાં પહેલાંના સમય સુધી – તે હંમેશાં રવિવારના દિવસે પણ પોતાની દુકાન ખુલ્લી રાખતો. પછીના રવિવારે પાડોશીના છોકરાએ દૂધ લેવા માટે બારણું ખખડાવ્યું. એ સાંભળીને દુકાનદારની નાની છોકરીએ ઉપરની બારીમાંથી ડોકિયું કરીને કહ્યું- ‘તમને ખબર નથી, અમે બધાં ગયા અઠવાડિયે ખ્રિસ્તી બની ગયાં છીએ ? હવે જો તમારે રવિવારે દૂધ લેવું હોય તો પાછલા દરવાજેથી આવવું પડશે.’
આવી જ રીતે પોતાની જાતને દગો કેવળ સામાન્ય લોકો જ નથી દેતા. ઉચ્ચસ્થાને વિરાજેલા લોકો પણ મોટે ભાગે આવું બેવડું જીવન જીવે છે. સમ્રાટના મતદાનમાં વિશેષ અધિકારપ્રાપ્ત જર્મનીના કોલોંગ નગરના એક રાજકુમાર કે જે મુખ્ય ખ્રિસ્તી ધર્માધ્યક્ષ પણ હતા, તેમના વિશે એક કથા કહેવાય છે. એક દિવસ તેમણે એક ખેડૂતને અધાર્મિક વેણ કહ્યાં. આવા શબ્દો સાંભળીને ખેડૂત પોતાના આશ્ર્ચર્યને ઢાંકી ન શક્યો. પોતાને સાચા સાબિત કરવાનો પ્રયત્ન કરીને તેમણે કહ્યું- ‘અરે! ભલા માણસ, એ અપશબ્દ એક ધર્મગુરુના રૂપે નહીં, પણ એક રાજકુમારના રૂપે કહ્યા હતા.’ તેનો પ્રત્યુત્તર સાંભળીને બુદ્ધિશાળી ખેડૂતે કહ્યું- ‘પરંતુ શ્રીમાન! જ્યારે આ રાજકુમાર નરકમાં જશે, ત્યારે ધર્માધ્યક્ષનું શું થશે ?’
એટલે આપણે બધાએ યાદ રાખવું જોઈએ કે જો આ વ્યક્તિગત જીવન અને સામાજિક જીવનને અલગ કરીએ અને તેને માટે વિપરીત નીતિનિયમો અપનાવીએ તો આપણે અશાંતિ અને બેવડાં બંધનના રૂપે ઘણો મોટો દંડ ભરવાનો રહેશે. વાસ્તવિક રીતે આપણે પોતાના જીવનમાં એક નરકનું નિર્માણ કરીએ છીએ. તેનાં અશુભ પરિણામોની એક શૃંખલાનો પ્રારંભ કરીએ છીએ.
સાચાં કે વાસ્તવિક કર્તવ્યની જેમ ખોટાં કર્તવ્ય પણ હોય છે. જીવનમાં આપણે જ નક્કી કરવાનું છે કે ક્યાં કાર્ય બરાબર છે અને ક્યાં બરાબર નથી. આ બાબત હંમેશાં સરળ-સહજ નથી હોતી.
શાંતિના સમયે કોઈની હત્યા કરવી કાયદાની દૃષ્ટિએ ખરાબ છે, પરંતુ યુદ્ધકાળમાં વધારે ને વધારે સંખ્યામાં શત્રુઓને હણવા એ બધાનું અને એમાંય વિશેષત: સેનામાં જોડાયા પછી એ એક કર્તવ્ય બની જાય છે. હિંદુ ધર્મ પ્રમાણે ગૌ-હત્યા પાપ છે, કારણ કે એને માતાનું સ્થાન પ્રદાન કર્યું છે, પરંતુ ઇસ્લામ કે બીજા કેટલાક ધર્મોમાં આવો નિષેધ નથી. અને વળી એક બાજુએ જ્યાં હિન્દુઓએ અહિંસા કે બીજા કોઈને કષ્ટ ન દેવાની બાબતને એક કર્તવ્યના રૂપે સદૈવ આચરણ કર્યું છે. ત્યારે બીજી બાજુએ કાફરની (ઇસ્લામમાં ન માનનાર) હત્યા મુસલમાનોમાં પ્રશંસનીય ગણાતી હતી. મધ્યયુગમાં ખ્રિસ્તી ન્યાયાધિકારી ખ્રિસ્તી ધર્મસંઘનું રક્ષણ કરવા માટે વિધર્મીઓને ખીલા સાથે બાંધી, બાળી નાખવાના કાર્યને કર્તવ્ય સમજતા હતા. આ રીતે કેટલાંય પરસ્પર વિરોધી કર્તવ્ય છે.
સ્વામી વિવેકાનંદ કહે છે તેમ :
‘કર્તવ્યની શાબ્દિક વ્યાખ્યા આપવી એ સાવ અશકય છે. તેમ છતાં કાર્ય કરનારની દૃષ્ટિમાં કર્તવ્યનો આદર્શ હોય છે. જે કાર્યથી આપણી ગતિ ઈશ્ર્વર ભણી થાય તે કાર્ય શુભ, એ આપણું કર્તવ્ય; જે કાર્યથી આપણું પતન થાય તે કાર્ય અશુભ અને તે અકર્તવ્ય.’
મહાન હિન્દુ દાર્શનિક રામાનુજના મત પ્રમાણે જેનાથી આત્માનો વિસ્તાર થાય તે શુભ છે અને જેનાથી આત્મા સંકુચિત થાય તે અશુભ છે.
હિન્દુ ધર્મમાં કર્તવ્યની અવધારણા-વર્ણાશ્રમધર્મ
હિન્દુ ધર્મમાં સમાજનાં ચાર વિભાગ કરવામાં આવ્યા છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર અને તે દરેકનાં કર્તવ્ય પણ નિર્ધારિત કર્યાં છે. વિકાસની અવસ્થા પ્રમાણે એ બધાંની વિશેષ જવાબદારી પણ છે, જેમ કે બ્રહ્મચારી કે વિદ્યાર્થી, ગૃહસ્થ, સક્રિય જીવનથી નિવૃત્ત વાનપ્રસ્થી તેમજ સંન્યાસી. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં આ બધી જીવનપદ્ધતિઓ પૃથક્ એવં સ્પષ્ટરૂપે નિર્દેશાયેલ હતી.
પરંતુ આધુનિક કાળમાં પાશ્ર્ચાત્ય સામાજિક અને રાજનૈતિક વિચારો તેમજ ટેકનોલોજીએ આ બધાંને બદલી નાખ્યાં છે. અત્યારે તો અધિકારો અને કર્તવ્યો વિશે વિભ્રાંતિ અને અસ્પષ્ટતા છે.
સાથે ને સાથે એવા લોકોની સંખ્યા પણ વધતી જાય છે કે જેઓ એ પણ નથી જાણતા કે તેઓ પોતે ક્યા વર્ગમાં છે અને એમણે શું કરવું જોઈએ. હિન્દુ ધર્મનો ઉપદેશ છે કે પ્રત્યેક વ્યક્તિનો એક ધર્મ અને આચારસંહિતા છે, તે એમને ઈશ્ર્વર તરફ આગળ લઈ જશે.
સમાજ અને વ્યક્તિના માધ્યમથી અભિવ્યક્ત થઈ રહેલ ગહન સાર્વભૌમિક લયનું માનવના સમગ્ર જીવનમાં સામંજસ્ય સ્થાપિત કરવું એ ધર્મજીવનનો વ્યાપક અને સર્વતોમુખી નિયમ છે.
આમ, અનંત અભિવ્યક્તિઓ સાથે આત્માનું એકત્વ રહેલું છે. (ક્રમશ:)
Your Content Goes Here



