યમલાર્જુનનો ઉદ્ધાર

ખાંડણિયાનાં બંધનમાં બંધાયેલા હોવાથી કૃષ્ણને અહીંતહીં જવામાં ઘણી મુશ્કેલી પડી. થોડીકવાર તો શાંતિથી બેઠા રહ્યા. પણ બેસતાંય નિરાંત ન વળી. કંટાળી ગયા ત્યારે એમણે જોર લગાવીને સરકવાનું શરૂ કર્યું. એણે જોયું કે પેલો ખાંડણિયો પણ એમની સાથે સરકતો આવતો હતો. આમ, કૃષ્ણ ખાંડણિયાને ઘસડતાં ઘસડતાં મા યશોદાને ખબર ન પડે તેમ ઘરની બહાર નીકળી ગયા. ત્યાં એમણે કેટલાક ગોવાળિયાઓને રમતા જોયા. કદાચને પોતાને ખાંડણિયા સાથે બંધાયેલો જોઈને એ લોકો એમની ઠેકડી કરશે, એમ માનીને એ બધાની નજર ચૂકવીને એક સૂમસાન જગ્યાની શોધમાં લાગી ગયા. થોડે જ અંતરે એમણે બે વૃક્ષો જોયાં. એકનું નામ હતું યમલ અને બીજાનું નામ હતું અર્જુન. એ બંને વૃક્ષોની વચ્ચે થોડીક ખાલી જગ્યા હતી. એ ખાલી જગ્યા જોતાં જ એમના મનમાં આ ખાંડણિયાના બંધનમાંથી મુક્ત થવા માટેની યોજના સ્પષ્ટરૂપે દેખાણી. એમણે વિચાર્યું, ‘જાણે હું તો પોતાના શરીરને સંકોચીને આ બંને વૃક્ષની વચ્ચેથી નીકળી શકું પણ આ ખાંડણિયો બે વૃક્ષની વચ્ચે સલવાઈ જશે. પછી હું જોર કરીને ખાંડણિયાને ખેંચીશ. દોરડું તૂટી જશે અને હું મુક્ત થઈ જઈશ.’

આમ વિચારીને કૃષ્ણ તો બંને વૃક્ષની વચ્ચે ઘૂસી ગયા. તેમની કમરમાં દોરડું બરાબર બાંધ્યું હતું. તેઓ બીજી તરફ તો નીકળી ગયા, પણ પેલો ખાંડણિયો વાંકો વળી ગયો અને અટકી ગયો. શ્રીકૃષ્ણે પોતાની પાછળ સરકીને ખાંડણિયાને થોડાક જોરથી ખેંચ્યો. પણ આ શું! ખાંડણિયાને ખેંચવા જતાં વૃક્ષોનાં થડ, ડાળીઓ અને એકેએક પાંદડું કંપી ઊઠ્યાં. જોત જોતામાં બંને વૃક્ષ મૂળ સાથે ઊખડી ગયાં અને તડતડાટ જેવા મોટા અવાજે ધરતી પર પડ્યાં. વળી એક બીજું આશ્ર્ચર્ય સર્જાયું. એ વૃક્ષોમાંથી બે તેજસ્વી પુરુષો પ્રગટ થયા. એમના દેહના ચમકતા સૌંદર્યથી દિશાઓ ચમકી ઊઠી. એ બંને પુરુષોએ શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને કહ્યું કે એ બંનેનાં નામ નલકુબેર અને મણિગ્રીવ છે. અને તેઓ બંને કુબેરના પુત્રો હતા. કુબેરના આ બંને પુત્રોને દુષ્કર્મોને કારણે દેવર્ષિ નારદે વૃક્ષયોનિમાં જન્મ લેવાનો અભિશાપ આપ્યો. પરંતુ નારદજીએ એમને આશ્ર્વાસન આપતાં કહ્યું કે શ્રીકૃષ્ણનું સાંનિધ્ય મળતાં જ તેઓ પોતાના શાપમાંથી મુક્ત થશે અને પોતપોતાના લોકમાં ચાલ્યા જશે. આટલું કહીને બંને ભાઈઓએ શ્રીકૃષ્ણની ભક્તિભાવથી પ્રાર્થના કરી, એમનાં સ્તુતિગાન કર્યાં અને પછી મુક્તિ મેળવીને પોતાના ધામ ચાલ્યા ગયા.

ઘટનાસ્થળથી થોડે દૂર ઊભા રહીને કેટલાંક બાળકો શ્રીકૃષ્ણના આ અસાધારણ કાર્યને આશ્ર્ચર્યની નજરે જોતાં હતાં. વૃક્ષોના પડવાનો કાનતોડ અવાજ સાંભળીને મોટા ગોવાળિયાની સાથે નંદબાબા અને માતા યશોદાજી પણ ત્યાં દોડતાં આવી ગયાં. ત્યાં પહોંચ્યાં અને જોયું તો બંને અર્જુનવૃક્ષ જમીનદોસ્ત થઈ ગયાં હતાં. એ વખતે ત્યાં ઊભેલાં બાળકોએ આ બધાંને પૂરેપૂરી વાત કહી સંભળાવી. સાંભળતી વખતે તો કોઈએ એ બાળકો પર વિશ્ર્વાસ ન કર્યો. બધાં એમ જ કહેવા લાગ્યાં, ‘એક નાનકડો છોકરો અને આટલાં મોટાં વૃક્ષોને મૂળથી ઉખેડી નાખે! આવું કોઈ દિવસ બને નહીં.’ નંદબાબાએ જોયું કે પોતાના પ્રાણથીયે વહાલો બાલકૃષ્ણ દોરડાથી બંધાયેલ પેલા ખાંડણિયાને ઘસડી રહ્યો છે. તેઓ તો હસવા લાગ્યા અને પછી જલદી નજીક જઈને એમણે દોરડાની ગાંઠ છોડી દીધી.

ફળ વેચનાર નારી પર કૃપા

એક દિવસ કૃષ્ણ અને બલરામ ગોપબાલોની સાથે ઘરના ફળિયામાં રમતા હતા. એમણે રસ્તે જતી ફળ વેચનારીનો અવાજ સાંભળ્યો, ‘ફળ લ્યો, ફળ. જાંબુ લ્યો, જાંબુ !’ આ સાંભળતા જ કૃષ્ણને ફળ ખરીદવાની ઇચ્છા થઈ. પણ પાસે પૈસા ન હતા. ફળ ખરીદવા ક્યાંથી? એમની નજર પાસે પડેલા અનાજના ઢગલા પર પડી. પોતાના નાના ખોબામાં અનાજ લઈને ફળવાળી બહેન પાસે ગયા. પણ એમના નાના ખોબામાં કેટલું અનાજ સમાય ! એમાંય કેટલુંક અનાજ તો રસ્તામાં ઢોળાતું ગયું. કૃષ્ણ તો આવ્યા એ બહેન પાસે અને કહ્યું, ‘અરે માતાજી ! આ અનાજ લ્યો અને એના બદલામાં મને ફળ આપો.’ કૃષ્ણનું અનન્ય રૂપ જોઈને ફળવાળી તો મંત્રમુગ્ધ બની ગઈ, જાણે કે પોતાની જાતને જ ભૂલી ગઈ! કૃષ્ણના પગમાં બાંધેલી ઝાંઝરીનો મધુર સ્વર એના કાનમાં જાણે કે અમૃત રેડતો હતો. તેણે તો કૃષ્ણના બે હાથમાં ફળો આપી દીધાં. કૃષ્ણે પણ પોતાના હાથનું અનાજ એની ટોપલીમાં નાખી દીધું.

ફળવાળીએ ઘરે જઈને જ્યારે ટોપલી જોઈ તો એની આંખોને વિશ્ર્વાસ જ ન આવ્યો. કૃષ્ણે આપેલા અનાજના દાણા મણિમાણેક અને સોનામાં ફેરવાઈ ગયા!

Total Views: 110
By Published On: June 1, 2018Categories: Raghaveshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram