આ સંદર્ભમાં મને પોતાના જીવનના એ સમયની ઘટના યાદ આવે છે. એ વખતે હું 1950માં દર્શનશાસ્ત્ર વિષયની એમ.એ.ની પરીક્ષા કોલકાતા વિશ્ર્વવિદ્યાલયમાં આપતો હતો. પરીક્ષાનું સ્થળ સુપ્રસિદ્ધ સેનેટ હોલ હતું. એ પરીક્ષામાં મારો એક મેધાવી સહપાઠી મિત્ર જ્યોતિર્મય હોરે પણ મારી નજીક પરીક્ષા હોલમાં બેઠો હતો. પરીક્ષાનો ત્રીજો દિવસ હતો. પ્રશ્ર્નપત્ર અત્યંત કઠિન હતું. થોડા સમય પછી તે ધીમે અવાજે ગણગણ્યો, ‘હું તો પરીક્ષા હોલની બહાર જાઉં છું. પ્રશ્ર્નપત્ર ભયંકર રીતે કઠિન છે. હું પ્રથમ વર્ગ મેળવી નહીં શકું.’ મેં તેને જવાબ આપતાં કહ્યું, ‘ તું તો ઘણો મેધાવી છે. પરીક્ષા હોલ છોડીને ન જા. તું તારી જાતને સંભાળ અને ફરીથી પ્રયત્ન કર.’ પરંતુ તેણે મારી વાત કાને ન ધરી. તેના મનમાં નિરાશા છવાઈ ગઈ હતી અને પરીક્ષા ભવનની બહાર નીકળી ગયો. એની તેને ઘણી મોટી કિંમત ચૂકવવી પડી. તેનું એક વર્ષ નકામું વહી ગયું. બીજે વર્ષે પણ તે પ્રથમ શ્રેણી પ્રાપ્ત ન કરી શક્યો. પહેલી વાર જ્યારે તેણે એક પ્રશ્ર્નપત્ર છોડી દીધું ત્યારે એ સિવાયની બાકીની બધી ઉત્તરવહીઓમાં તેને પ્રથમ શ્રેણીના ગુણાંક મળ્યા હતા. જો તેણે થોડી ધીરજ રાખી હોત અને દૃઢતા સાથે ટકી રહ્યો હોત, તો એનું પરિણામ ખરેખર સારું હોત. પરંતુ નિરાશ અને અસહાય દૃષ્ટિકોણ એના પતનનું કારણ બની ગયો. નિરાશાથી વ્યક્તિની માનસિક ઊર્જા-શક્તિનો હ્રાસ થાય છે. જ્યારે કોઈ ચિકિત્સક રોગીને દવા આપે છે, ત્યારે તે રોગીને રોગ મટાડવામાં લાભ થાય છે અને રોગીમાં પૂરતી માનસિક શક્તિ હોય તો એનાથી સ્વાસ્થ્ય લાભની આશા ફલિત થાય છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કોઈપણ પિતા વિદ્યાર્થી-પુત્રને અધ્યયન કરવા પ્રોત્સાહિત કરે છે, પરંતુ જો તે વિદ્યાર્થી નિરાશાના ભાવથી પીડાતો હોય તો એનું મનોબળ ધીરે ધીરે ઘટવા લાગે છે. મારો મિત્ર કે જેણે મારી સાથે એમ.એ.ની પરીક્ષા આપી હતી તેની પણ આવી જ પરિસ્થિતિ હતી. મનોબળની કમીને કારણે તેનામાં દૃઢ સંકલ્પની ઊણપ ઊભી થઈ અને એણે તેને પરીક્ષા ભવન છોડવા લાચાર કર્યો.
હું જ્યારે એમ.એ.ની પરીક્ષા આપતો હતો, ત્યારે મારી સાથે પણ આવી જ ઘટના ઘટી હતી. પ્રશ્ર્નપત્રમાંના, જેનું કોઈ અનુમાન કર્યું ન હોય તેવા અણધાર્યા પ્રશ્ર્નોને કારણે હું ચિંતામાં પડી ગયો. મારી પહેલી પ્રતિક્રિયા, મારા પેલા મિત્ર હોરેને જે લાગણી કે અનુભૂતિ થઈ હતી, તેમ મારી ઇચ્છા પણ પરીક્ષા હોલ છોડીને ચાલ્યા જવાની થઈ. જો હું પણ મારા મિત્રનું અનુકરણ કરત તો સંભવત: હું એમ.એ.ની પરીક્ષા ક્યારેય પૂરી ન કરી શકત. મારા જીવનની દિશા બદલાઈ અને ત્યાર પછી તરત જ હું સંન્યાસી બની ગયો. જો હું પરીક્ષા ભવનની બહાર ચાલ્યો ગયો હોત, તો સંભવત: હું સંન્યાસ ગ્રહણ કરવાનો અવસર પણ ચૂકી જાત. આવા એક ખોટા નિર્ણયથી મારું સમગ્ર જીવન વેરાન બની જાત. પ્રશ્ર્નપત્રના ઉત્તર આપવાની સમય મર્યાદા ચાર કલાકની હતી. શું કરવું જોઈએ, એનો વિચાર કરવામાં પંદર મિનિટ વીતી ગઈ. મારી નજર નિબંધો પર પડી અને મારા મનમાં વિચાર ઝબકી ઊઠ્યો કે પૂછેલા નિબંધોમાંથી કોઈ એક વિષય પર નિબંધ શા માટે લખી ન નાખું. બીજા વિદ્યાર્થી પણ મારી જેમ આવી દ્વિધામાં હતા. એને લીધે મારી હિંમત વધી અને મેં એક પ્રશ્ર્નનો ઉત્તર લખવાનો નિર્ણય કર્યો. અચાનક મનના આવા નિર્ણયથી મારી પ્રાણ ઊર્જા જાગ્રત થઈ ગઈ અને એની સાથે નિરાશાની ભાવના પર મારું આધિપત્ય સ્થપાવા લાગ્યું. તેની પ્રતિક્રિયાના પરિણામે પ્રાણ ઊર્જા મનોમય ઊર્જા તરફ આગળ ધપવા લાગી. અને પછી તે વિજ્ઞાનમય કોષ સુધી પહોંચી, કારણ કે મેં ખરેખર સાચો નિર્ણય લીધો હતો. ક્યારેક જ્યારે આપણું મન નિર્ણય ન લઈ શકે, ત્યારે બુદ્ધિનું ઉચ્ચતર સ્તર આપણને સંભાળી લે છે. બુદ્ધિ મસ્તિષ્કના નિર્ણય લેનારી શક્તિ છે. તે આપણને સાચો નિર્ણય લેવામાં સહાય કરે છે. મારું કહેવાનું એ છે કે સેનેટ હોલમાં ઊભી થયેલી વિપદામાં મેં વિજ્ઞાનમય કોષને અનુનય વિનય કર્યા અને મેં ‘ગતિશીલ પરમતત્ત્વની ધારણા’ એ વિષય પર નિબંધ લખવાની શરૂઆત કરી અને એ ઉત્તરપત્રમાં મને વધારે ગુણ મળ્યા. મેં નિબંધ વિશે બીજા વિષયોની તૈયારી કરી હતી એવા પ્રશ્ર્નપત્રમાં પુછાયા જ નહીં. એનાથી નિરાશા તો ઊભી થઈ, પરંતુ મેં તરત જ નિરાશા પર નિયંત્રણ મેળવી લીધું. શારીરિક દૃષ્ટિએ હું સ્વસ્થ હતો, બીજા શબ્દોમાં કહું તો અન્નમય કોષ સંબંધી કોઈ દોષ ન હતો. પ્રાણ ઊર્જાની ઉપસ્થિતિનું એક કારણ એ પણ હતું કે મેં પરીક્ષા દેવાની તૈયારી કરી લીધી હતી. પ્રાણવાયુ હતો, પરંતુ મગજ નિર્ણય લેવા માટે તૈયાર ન હતું. એટલે નિર્ણય લેવા માટે મેં વિજ્ઞાનમય કોષને નિવેદન કર્યું.
જ્યારે મેં લખવાનો પ્રારંભ કર્યો ત્યારે અરધો કલાક વીતી ગયો હતો અને હવે સાડા ત્રણ કલાક બાકી હતા. આ સમય મર્યાદામાં મારે બીજા ચાર નિબંધ લખવાના હતા. આ અનુભવથી મેં એક મૂલ્યવાન બોધપાઠ મેળવ્યો. આ અનુભવના આધારે પછીથી વિદ્યાર્થીઓને એવી સલાહ આપી કે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ધૈર્ય ગુમાવવું ન જોઈએ. આનાથી ઊલટું સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. આશાને છોડ્યા વિના અને નિરાશાની સામે ઝૂક્યા વિના પણ પરિસ્થિતિઓનો સામનો કરી શકાય છે. હું મારા અનુભવ પરથી કહું છું કે એ વખતે મારું શરીર બરાબર કામ કરતું હતું, એ પ્રમાણે મારું શરીર સ્વસ્થ ન હોત તો હું પરીક્ષામાં બેસી ન શકત. મારામાં પ્રાણશક્તિ અધિક માત્રામાં હતી, કારણ કે બાકીના સાડા ત્રણ કલાકમાં હું ચાર કલાકનું પ્રશ્ર્નપત્ર લખી શક્યો. પરીક્ષા દીધા પછી મેં પરિણામ સર્વશક્તિમાન પ્રભુ પર આવી શ્રદ્ધાને આધારે છોડી દીધું કે મેં ‘ગતિશીલ પરમતત્ત્વની ધારણા’ એ વિષય પર ન્યાય સંગત રીતે લેખ લખ્યો હતો. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે આશા રાખવાથી ઊર્જાને ગતિ આપી શકાય છે અને નિરાશાને લીધે ઊર્જા પોતાનાં પગલાં પાછાં વાળી લે છે. જો આપણે આશા છોડી દઈએ તો કાર્ય પૂરું કરવા માટે પૂરતી માત્રામાં ઊર્જા બચશે નહીં. મારા મિત્ર હોરેએ આશા છોડી દીધી હતી. એટલે એના મનમસ્તિષ્કે કામ કરવાનું જ બંધ કરી દીધું. તેના મનોમય તેમજ વિજ્ઞાનમય કોષે મદદ કરવાનું બંધ કરી દીધું અને તેને લીધે પ્રાણ ઊર્જાનો હ્રાસ થયો. પરિણામે તે પરીક્ષા ભવન છોડીને ચાલ્યો ગયો. જ્યારે શરીરની અર્થાત્ અન્નમય કોષની જાળવણી બરાબર થઈ શકતી નથી, ત્યારે તેને શક્તિ આપનાર મનોમય કોષ તથા પ્રાણમય કોષ પણ શિથિલ પડી જાય છે. એટલે અધ:પતનની નૈસર્ગિક પ્રક્રિયાઓ તીવ્ર બની જાય છે અને રોગ સરળતાથી ઘર કરી લે છે. (ક્રમશ:)
Your Content Goes Here



