મહાન પ્રેરણાદાયી અને કર્મશીલ સ્વામી અભેદાનંદજી મહારાજની 150મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં યોજાયેલ રાષ્ટ્રિય સેમિનારમાં આપણે સૌ એકઠા થયા છીએ. આપણે બધા ભારતીય સંસ્કૃતિની ગૌરવગરિમામય પાસાંને જાણીએ છીએ. પરંતુ આપણામાંથી મોટા ભાગના પોતાની પીઠ પર ચંદનકાષ્ઠ ઉઠાવનાર પેલા ગધેડા જેવા છીએ, આપણે શેનો ભાર વહન કરી રહ્યા છીએ એનું મૂલ્ય જાણતા નથી. આપણા લોકોને આપણી ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિનું શિક્ષણ આપવા કોઈ નિશ્ર્ચિત પદ્ધતિ કે પ્રણાલી નથી, એ વાતને આપણે જાણીએ સમજીએ છીએ ખરા? પરિણામે આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઝડપથી ક્ષીણ થતા જઈએ છીએ. ભાષણો, પુસ્તકો, સમાચારપત્રો કે જાહેર પ્રચારપ્રસારનાં સાધનોને બદલે આંકડાકીય માહિતીથી માહિતગાર થવું જોઈએ. સમગ્ર ભારતમાં એવા હજારો અજ્ઞાન ભારતીયો છે કે જે ભારતીય સંસ્કૃતિનો ‘સ’ પણ જાણતા નથી. આ વિશેનું જ્ઞાન એમને શૈક્ષણિક સંસ્થાઓનાં આંગણેથી કે ઘરના વડિલો પાસેથી પણ મળતું નથી. આનાથી ઊલટું માત્ર યુવાનોનું ‘બ્રેઈન વોશીંગ’ થાય છે. બીજા યહૂદી, ખ્રિસ્તી જેવા સેમિટિક ધર્મો પાસે આવું જ્ઞાન આપવાની પાકી કાર્યતંત્ર પરિપાટી છે. શું આપણે એમાંથી કંઈ ન શીખી શકીએ ?
સ્વામીજીએ એકવાર કહ્યું છે, ‘હિન્દ મહાસાગરમાં તમારા જેવા બધા મૂર્ખાઓને ડુબાડી દેવા શું પૂરતું જળ નથી ?’ આટલી મહાન સમૃદ્ધ સંસ્કૃતિ હોવા છતાં અત્યાર સુધી આપણાં બાળકો, જંગલમાં રહેતાં આદિવાસીઓ, ઝૂંપડપટ્ટીમાં રહેનારાંઓ, સામાન્યમાં સામાન્યજન સુધી એ સંસ્કૃતિને પહોંચાડવા આપણી પાસે કોઈ કાર્યતંત્ર પરિપાટી છે ખરી ? આપણા દેશનાં દૂરસુદૂરનાં ગામોનાં બાળકો સુધી આપણી આધ્યાત્મિક સંસ્કૃતિના પાયાનાં તત્ત્વો કેવી રીતે પહોંચી શકે? પશ્ર્ચિમના લોકો આવે છે, તેઓ ભારતીય સંસ્કૃતિ શીખે છે અને ભારતમાંથી બહાર જાય છે; પણ સારી વાત તો એ છે કે આપણી સંસ્કૃતિના કેટલાક અંશો તેમની સાથે ચાલ્યા જાય છે. એનું કારણ એ છે કે આ સંસ્કૃતિનું એક મૂલ્ય છે અને બીજા દેશના લોકો એ મૂલ્યને સમજે જાણે છે અને આપણે તો ગુલામ અને મૂર્ખ જેવા છીએ કે જ્યારે પશ્ર્ચિમના લોકો આપણને કહે કે યોગ અને આયુર્વેદ સારાં છે, પછી આપણે માનવા લાગીએ છીએ કે યોગ અને આયુર્વેદ સારાં છે.
આપણે પોશાક, કેશકલા જેવી બીજી ઘણી ક્ષુદ્ર બાહ્ય બાબતોનું અનુકરણ કરવામાં રત રહીએ છીએ અને પશ્ર્ચિમની સંસ્કૃતિની બીજી ઉજળી બાજુઓને કિનારે કરીએ છીએ. એમની પાસે લોકો સુધી પોતાના ધર્મને પહોેંચાડવા માટેની સુયોગ્ય પદ્ધતિ છે. એટલે જ સ્વામીજી કહેતા કે જાઓ અને સામાન્ય જનસમૂહને શિક્ષણ આપો. જાદુઈ ફાનસ સાથે ગામડે ગામડે જાઓ. એમને આપણી સંસ્કૃતિનું રસપાન કરાવો. ‘ભૂખ્યાપેટે લોકોને ધર્મનું શિક્ષણ આપવું એ સારું નથી’, સ્વામીજીના આ કથનનુંં લોકો ક્યારેક ક્યારેક ખોટું અર્થઘટન પણ કરે છે. કોઈ વિશિષ્ટ સંદર્ભ કે સંજોગોમાં તેમણે કહ્યું છે કે લોકોને માત્ર ધર્મનું જ્ઞાન આપવાને બદલે તેમને મદદ પણ કરવી જોઈએ. એનો અર્થ એ નથી કે આપણે એમને અન્ન, વસ્ત્ર અને ઘર જ આપવાનું ચાલુ રાખીશું. મેં જોયું છે કે ઘણાં રાહત સેવાકાર્યો ચાલે છે અને લોકોને રોટી, કપડાં, મકાન અપાય છે. દશ વર્ષ પછી હું ત્યાં જઉં છું અને જોઉં છો તો દશા તો એની એ જ છે. આપણે એમને સંસ્કૃતિનું જ્ઞાન આપતા નથી. આપણે આંકડાકીય માહિતીમાં આર્થિક ગરીબી વિશે જાણીએ છીએ, પરંતુ પોતાની સંસ્કૃતિના જ્ઞાનની ગરીબીનું શું ?
એક વરિષ્ઠ ખ્રિસ્તી પાદરી અમારી શાળામાં આવ્યા. અમે એમને ક્રિસમસની ઉજવણી માટે આમંત્ર્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી તેઓ મારી પાસે આવ્યા અને મને કહ્યું, ‘તમારો ધર્મ ઘણો સારો છે. પરંતુ તે બધાનું અસ્તિત્વ ટાપુઓ જેવું છે કે જ્યાં ઘણા મહાન લોકોએ કાર્ય કર્યું છે પરંતુ તમારા લોકોનો મોટાભાગનો વિશાળ સમૂહ પોતાનો ધર્મ શું છે એ જાણતો નથી.’ હું રસ્તા પર આવતાં જતાં સેંકડો લોકોને મળું અને પૂછું ‘આપનામાંથી કોઈપણ ભગવદ્ગીતાનો માત્ર એક શ્ર્લોક પણ જાણે છે ખરો?’ આપણા લોકો એ જાણતા નથી. ઉપનિષદોનાં સામાન્ય નામો પણ તેઓ જાણતા નથી. તેમણે મને એકપક્ષીય સીધો પ્રશ્ર્ન પૂછ્યો, ‘તમારા વેદો એ તમારા શાસ્ત્રગ્રંથો છે અને તેમાંથી ઉપનિષદોમાં મહત્ત્વનું જ્ઞાન તારવેલું છે. તમે લોકોને ભગવદ્ગીતાનો એક શ્ર્લોક પણ શીખવી શક્યા છો ? શું તેઓ દરરોજ મંદિરે જાય છે? શું તેઓ ઘરે પૂજા કરે છે ? અમારા સમાજના ઓછામાં ઓછા 95% લોકો ચર્ચમાં જાય છે. 90% લોકો ઘેર બાઈબલ વાંચે છે.’ આપણે તેની ટીકાનિંદા કરી શકીએ પણ શું આપણે તેમની પાસેથી કંઈ શીખી ન શકીએ ? તેમણે સંશોધન પત્રો લખ્યા છે અને એવું તારણ કાઢ્યું છે કે આપણો ધર્મ કે આપણી સંસ્કૃતિમાં આચરણ નથી, પરંતુ અહીં ધર્મ અને સંસ્કૃતિના નામે નાસ્તિકતા જ ચાલી રહી છે.
જેમ આપણે આપણા જીવનના સુખ-આરામ માટે આજીવિકા રળવાનો પ્રયત્ન કરીએ છીએ, અને જે રીતે ધંધામાં આપણે નફામાં જ રસરુચિ રાખીએ છીએ, જેવી રીતે આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી લઈએ છીએ, એવી જ રીતે શું આપણે મહાન ભારતની આ સંસ્કૃતિની કાળજી કે ચિંતા સેવીએ છીએ ખરા ? સ્વામીજીએ એ માટે પ્રયત્ન કર્યો અને એ માટે ઘણી મથામણ પણ કરી. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના જેવા કેટલાય પ્રયત્નો પણ કર્યા. પરંતુ આપણે એવું વિચિત્ર વલણ ધરાવીએ છીએ કે જે શાળા કોલેજમાં શીખવાય એ જ આપણે કરવું.
જેવી રીતે દૂરસુદૂરના ગામડાંમાં ઔષધિઓ, કમ્પ્યુટર, મોબાઈલનું જ્ઞાન પહોંચી ગયું છે તેવી જ રીતે આપણી સંસ્કૃતિ અને આપણો ધર્મ પણ ત્યાં પહોંચવો જ જોઈએ. સ્વામીજી કહે છે ધર્મે પાપી અને અજ્ઞાનીને સહાયભૂત થવું જોઈએ અને તે દરેક ઘરના ઉંબરા સુધી પહોંચવો જ જોઈએ. ધર્મ મૂંઝવી દેતી સંસ્કૃતપ્રચૂર શબ્દજાળની ગ્રંથિ ન બની જવો જોઈએ. નાનું બાળક પણ સમજી શકે તેટલો તે સરળસહજ સુલભ હોવો જોઈએ.
આપણે શ્રીરામકૃષ્ણનાં જીવનસંદેશને સરળસહજ શૈલીમાં રજૂ કરીને ધર્મને વિકસિત કરવો પડશે. તેઓ આપણા લોકો માટે વ્યવહારુ ધર્મના બોધપાઠ આપવા માટે અંતિમ સત્ય જેવા છે. જેમ રોમાં રોલાં અને સ્વામીજીએ પોતે કહ્યું છે કે આપણી 2000 વર્ષોથી પણ વધુ સમયથી વિસ્તરેલી આધ્યાત્મિક સંસ્કૃતિનું સારભૂત તત્ત્વ શ્રીરામકૃષ્ણે ગ્રહણ કર્યું છે. તેઓ સહજસરળ ધર્મમાં માનતા હતા. તેમનો ધર્મ પ્રત્યેનો અભિગમ વૈજ્ઞાનિક, વ્યવહારુ, વાસ્તવિક અને અનુભૂતિશીલ હતો. તેમનું દર્શન એ આચરણમાં મુકાયેલું દર્શન હતું. ધર્મનું ન સમજાય તેવા સત્યના દર્શનશાસ્ત્રને એમણે એટલું સરળ બનાવ્યું કે સામાન્યમાં સામાન્ય માણસ પણ તેને સમજી શકે. એમનો અભિગમ સુસંગત અને સમાધાનકારી, સર્વધર્મ સમભાવી હતો. શ્રીરામકૃષ્ણનું જીવન આ સંસાર કે વિશ્ર્વ કરતાં પણ ઈશ્ર્વર વધારે વાસ્તવિક અને સત્ય છે, એ તરફ આપણને દોરી જાય છે. આ વાત તેઓ ઘણી રીતે કહે છે. પણ દિવસે આપણે તારાને જોઈ શકતા નથી એટલે શું આપણે એમ કહી શકીશું કે દિવસ દરમિયાન આકાશમાં તારા હોતા જ નથી ? કોઈ ભૌગોલિક કારણોને લીધે આપણે એ તારાઓ જોઈ શકતા નથી. શ્રીરામકૃષ્ણના ઉપદેશોમાં સુંદર મજાના ગળે ઊતરી જાય તેવાં દૃષ્ટાંતો છે કે જેથી એક ગામડિયો પણ ધર્મનું સારભૂત તત્ત્વ સમજી શકે.
ઈશ્ર્વરાનુભૂતિનું જીવનજીવનાર, સતત ઈશ્ર્વરનો અનુભવ કરતા રહેનાર અને આપણને બધાંને ઈશ્ર્વર સત્ય છે એમ માનતાં કરનાર શ્રીરામકૃષ્ણને જે પ્રબળ ધર્મે પરિવર્તન કરનારી મહાન શક્તિ બક્ષી છે, એવા એ ધર્મના સરલાતિસરલ પાસાનો અભ્યાસ કરવા આપણે આપણું મન લગાડીશું ?
આપણા લોકોનો એક પક્ષ વિધિવિધાનો-કર્મકાંડોમાં રત રહે છે અને બીજો પક્ષ વિધિવિધાનો પ્રત્યે પશ્ર્નો કરતા રહે છે અને આ રીતે આવા ઝઘડામાં ધર્મની અખિલ અને મૂળ વસ્તુ જ ગુમાવી બેસીએ છીએ, સમયનો પણ વ્યય કરીએ છીએ. વિધિવિધાનો કે કર્મકાંડ એ હિમાલય શા મોટા દેખાતા સ્પોંજ-જળશોષક પદાર્થ જેવા છે. અને જ્યારે આપણે તેને નિચોવીએ ત્યારે પાણીનાં માત્ર એકાદબે ટીપાં જ આપણને મળે છે. સ્વામીજી કહે છે કે ધર્મ એ અનુભૂતિ છે અને બાકીની ગૌણ બાબતો પશ્ર્ચાદભૂમાં ધકેલવા જેવી છે. આમૂલ પરિવર્તન કરનારી શક્તિ ધર્મના સમાજશાસ્ત્ર, ધર્મના મનોવિજ્ઞાન અને ધર્મની શ્રદ્ધાના માળખાને શ્રીરામકૃષ્ણે અને સ્વામી વિવેકાનંદે કેવી સરસ મજાની રીતે જીવી બતાવ્યાં અને સરળસહજ બનાવી દીધાં, જેને કારણે ઈશ્ર્વરના મંદિરનું પ્રવેશદ્વાર ખોલવું સરળ બની ગયું.
જ્યારે સ્વામીજી સર્વ પ્રથમવાર શ્રીરામકૃષ્ણ પાસે ગયા ત્યારે તેમણે એમને સીધો જ પ્રશ્ર્ન પૂછ્યો, ‘મહાશય, આપે ઈશ્ર્વરને જોયા છે ?’ આવો જ પ્રશ્ર્ન આજના જુવાનિયાઓ પાસે પણ હોય છે. શ્રીરામકૃષ્ણે તેનો ઉત્તર આપતાં કહ્યું, ‘હા, મેં ઈશ્ર્વરને જોયા છે. તને જોઉં છું એના કરતાં પણ વધારે સ્પષ્ટ રીતે હું જોઉં છું.’ એનો અર્થ શો છે. વિશ્ર્વ એ કોઈ ઇન્દ્રિયબદ્ધ બાહ્ય વસ્તુ નથી; ‘ત્તરુશ્ર્પ્ર સળણપરુવપ્ર ઇૈંટ્ટમળ ક્ષશ્રજ્ઞટ રૂૄસ્ત્રપ્રૂપ્ર ઘઉંટ’ ની જેમ હું એમને જોઉં છું. તેઓ બાહ્યાભ્યંતર ઈશ્ર્વરને જોઈને દિવસરાતભર ઈશ્ર્વરભાવમાં રહેતા. પછી તેઓ સ્વામીજીને કહે છે, ‘જો તું ઇચ્છે તો તું ઈશ્ર્વરની અનુભૂતિ કરી શકીશ.’ અને પછીથી માત્ર એક સ્પર્શ દ્વારા નરેન્દ્રનાથને એ અનુભૂતિ કરાવી. આ ભાવાવસ્થામાં સ્વામીજી પોતે જ કહે છે કે આખું બાહ્ય જગત જાણે કે ઓગળી ગયું. અને મારું મન દિવ્યપ્રકાશ અને આધ્યાત્મિક મોજાંથી ઘેરાઈ ગયું. જુઓ, વાસ્તવિક ઈશ્ર્વરની અનુભૂતિને ઇન્દ્રિયગમ્ય બનાવીને કેવી રીતે સંક્રમિત કરી દીધી! આવી છે અનુભૂતિના પાયા પર સમૃદ્ધ થયેલી આપણી ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ.
ફિલોસોફી આપણા માટે કોઈ પુસ્તકિયું જ્ઞાન નથી, એનું નામ ‘દર્શન’ છે. ધર્મ એટલે અનુભૂતિ. જ્ઞાનની ભૂમિકા પર રચાયેલ નક્કર વૈજ્ઞાનિક, વૈશ્ર્વિક અને સાર્વત્રિક વ્યવહારુ ધર્મ આપણી પાસે છે. તેથી આપણે શા માટે સર્વકોઈને એ ધર્મ ન આપવો જોઈએ ? આજે ‘માર્કેટીંગ’ એક ઘણી મોટી સંકલ્પના જોવા મળે છે. આપણે ધર્મની વહેંચણી ન કરી શકીએ ? આપણે એટલા માટે બેસવું પડે, વિશ્ર્લેષણ કરવું પડે અને શોધી કાઢવું જોઈએ કે શું આપણે સર્વસ્થળે લોકો સુધી પહોંચી શકીશું ? આપણે ત્યાં તો સર્વત્ર મંદિરો છે. આ મંદિરોનો ‘જ્ઞાનપ્રસારકેન્દ્ર’ના રૂપે ઉપયોગ કરી શકાય ખરો ? આપણે બધા આજે ગુરુઓ અને સંન્યાસીઓ પર આધારિત છીએ. આ બધાએ તાલીમાર્થીઓને તાલીમ આપવી જોઈએ. ગૃહસ્થોએ એમાં અગત્યનો ભાગ ભજવવો જોઈએ. સુરેશચંદ્ર સાથેના એક વાર્તાલાપમાં સ્વામીજીએ કહ્યું છે, ‘ગૃહસ્થમે અધ્યાત્મ’.ગૃહસ્થોએ ઋષિત્વ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું થાય તો જ સનાતન ધર્મ કે ભારતીય સંસ્કૃતિને બચાવી શકાય.
તો ચાલો આપણે શ્રીરામકૃષ્ણદેવના અનન્ય તત્ત્વદર્શનને સાથે લઈને પોતાના ઈશ્ર્વર સરળસહજ છે, એમને જ્ઞાતિ, જાતિ કે સંપ્રદાય નથી એવો અભિગમ અપનાવીએ. શ્રીઠાકુર તો દલિત પાસેથી ભિક્ષા લે છે, તે દક્ષિણેશ્ર્વરના સફાઈ કામદાર રસિક મહેતર પાસે પણ જાય છે. અને પોતાની જાતને નિરહંકારી, અને જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય કે રીતિરિવાજની સંકુચિત દિવાલોના બંધનમાંથી મુક્ત થવા પોતે સંડાસનું સફાઈકામ પણ કરે છે. એને સહજસરળ બનાવો, એવી સંકલ્પના કરો, એને વધારે સરળ બનાવો અને તમારા મિત્રો અને પાડોશીઓને તે અનોખું જ્ઞાન આપો. તમે પોતે એનું પ્રશિક્ષણ બીજાને કેળવવા માટે મેળવો. સાથે ને સાથે તમે તમારા ઘરને મંદિર બનાવો અને ત્યાં સત્સંગ કરતા રહો. આપણે આપણા જ્ઞાનને ચોમેર પ્રસરાવવું જોઈએ. આપણે માત્ર ક્રિકેટ જોઈએ, એની જાહેરાતો જોઈએ, આવી બધી જાગતિક બાબતો કરવી પૂરતી નથી. કુટુંબ, સંસાર અને અર્થોપાર્જન એ ત્રણેયની કાળજી સેવવી એ આવશ્યક છે. આ બધું કરવા છતાં પણ આપણી પાસે પ્રચુર ઊર્જા અને સમય શેષ રહે છે. માત્ર આર્થિક ઉન્નતિથી આપણા દેશને બચાવવો શક્ય નથી. આપણને એટલે કે આપણા રાષ્ટ્રને બધી આર્થિક અને ભૌતિક સમૃદ્ધિથી બીજું સિંગાપોર બનાવવાનું ગમશે. આ બધી સમૃદ્ધિને અત્રતત્ર સર્વત્ર વેરતાં રહેવું એ સનાતન સત્ય છે. અમેરિકા અને યુરોપમાં ધર્મમાં શ્રદ્ધા ન ધરાવનારા લોકો વધતા જાય છે. તેઓ ધર્મ કે ઈશ્ર્વરમાં જરાય શ્રદ્ધા ધરાવતા નથી, એનું મૂળ કારણ છે આ ભૌતિકવાદ. એટલે શ્રીરામકૃષ્ણ ભૌતિકવાદ, નાસ્તિકતા, અજ્ઞેયવાદ અને સંશયવાદ પડકારવા અવતર્યા હતા. તેમણે ઉદ્ઘોષણા કરી કે ઈશ્ર્વર એ જ ધર્મ છે અને માનવ ભલે આ સંસારનો હોવા છતાં એ દિવ્યતાનો અનુભવ કરી શકે છે. દરેક વ્યક્તિએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે અને રીત પ્રમાણે ધર્મના સાચા શિક્ષક બનવું જોઈએ. તેના માટે આપણામાં ચાહના અને ભૂખ હોવાં જરૂરી છે. જો એ રીતે કર્મ કરવામાં આવે તો જ આવી શિબિરો ધર્મના પ્રચારપ્રસારના કાર્ય પર પ્રભાવ પાડશે અને આપણા સામાન્ય ભારતીયોને પુન:શિક્ષિત કરીને તેમને આપણી પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિના પાયાના જ્ઞાનથી સજ્જ કરી શકીએ. ડીએનએ- આપણા લોહીમાં રહેલા પ્રાચીન સંસ્કારોનું ‘આપણી રાષ્ટ્રિયતાને ઢંઢોળો અને જાગૃત કરો’ એ જ ભાવના આ વારંવાર વપરાતા શબ્દમાં છે.
Your Content Goes Here



