બધા લોકો દેશપ્રેમની વાતો કરે છે. હું પણ દેશપ્રેમમાં માનું છું; અને મારી પાસે પણ મારો પોતાનો દેશપ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓને માટે ત્રણ વસ્તુઓની આવશ્યક્તા હોય છે. પ્રથમ હૃદયપૂર્વકની લાગણી. બુદ્ધિ કે તર્કશક્તિમાં છે શું? ચાર ડગલાં ચાલીને એ અટકે છે. પરંતુ હૃદય દ્વારા આવે છે અંત:પ્રેરણા.. વિશ્ર્વનાં સર્વ રહસ્યોનું પ્રવેશદ્ધાર છે પ્રેમ.. મારા ભાવી દેશપ્રેમીઓ ! લાગણી કેળવતાં શીખો… આ કરોડોની સંખ્યામાં આપણા દેવોના અને ઋષિમુનિઓના વંશજો પશુત્વની નજીક પહોંચી ગયા છે, તમને એ માટે દિલમાં લાગી આવે છે ?..  તમને એમ કદી થાય છે કે આ અજ્ઞાનનો અંધકાર આપણા દેશ પર ઘનઘોર વાદળાંની પેઠે છવાઈ ગયો છે ? તમને એ હલાવી નાખે છે ?.. એ તમારા રક્તમાં પ્રવેશીને તમારી નાડીઓ દ્વારા હૃદયના ધબકારાની સાથે તાલ પુરાવે છે ખરો ?..  આને માટે તમે તમારું નામ, તમારો યશ, તમારી કીર્તિ, તમારી સ્ત્રીઓ, તમારાં બાળકો, તમારી સંપત્તિ, તમારી માલમિલકત, અરે તમારો દેહ સુધ્ધાં, વીસરી બેઠા છો ખરા ?.. દેશપ્રેમી થવાનું પહેલું જ પગથિયું આ છે.. હું ભારતભરમાં બાર  બાર વર્ષો સુધી ભટક્યો હતો પણ મારા દેશબાંધવોને માટે કાર્ય કરવાનો કોઈ રસ્તો મને મળતો નહોતો.. અહીં તો મારું પોતાનું લોહી ને માંસ, મારાં ભાંડુઓ રોજ ને રોજ ખલાસ થયે જતાં હતાં..

વારુ, ત્યારે તમને કદાચ લાગણી તો થઈ..  તમે કોઈ ઉપાય શોધી કાઢ્યો છે ? તિરસ્કારને બદલે કંઈક સહાય, લોકોનાં દુ:ખો હળવાં કરવાને માટે મીઠાશભર્યાં વચનો, આ જીવતા નરકમાંથી તેમને બહાર કાઢવા માટેનો કોઈ વ્યવહારુ ઉકેલ તમને જડ્યો છે ? અને છતાંય, એ કાંઈ સર્વસ્વ નથી. તમારામાં પર્વત જેટલી મુશ્કેલીઓને પાર કરવાની ઈચ્છાશક્તિ છે ? દુનિયા આખી તમારી સામે હાથમાં તલવાર લઈને જો ખડી થઈ જાય, તો પણ તમે જે સાચું માનો છો તે કરવાની તમારામાં હિંમત છે ? તમારાં સ્ત્રીપુત્રાદિ તમારી વિરુદ્ધમાં હોય, તમારો પૈસો બધો ખલાસ થઈ જાય, તમારી કીર્તિને માથે પાણી ફરી વળે, તમારી સંપત્તિ સાફ થઈ જાય, તે છતાં તમારી માન્યતાને વળગી રહો ખરા ?.. તમારામાં એવી મક્કમતા છે ? જો તમારામાં આ ત્રણ બાબતો હશે તો તમે ચમત્કારો બતાવી શકવાના. તમારે છાપાંઓમાં છપાવવા જવાની જરૂર નહીં રહે; તમારે ભાષણખોરીનીયે જરૂર નહીં પડે. તમારો ચહેરો જ  દીપી ઊઠશે. તમે ગુફામાં રહેતા હશો તો પણ એ ખડકની દીવાલો સોંસરા તમારા વિચારો નીકળશે અને સેંકડો વર્ષો સુધી ગુંજતા ગુંજતા જગતભરમાં ઘૂમ્યા કરશે અને અંતે તે કોઈ એકના મગજમાં ચોંટી જઈને કદાચ ત્યાં કાર્યમાં પરિણમશે. વિચારની, સચ્ચાઈની અને શુદ્ધ હેતુની આવી શક્તિ છે.

(સ્વા.વિ.ગ્રં.માળા-ભાગ-4 પૃ.129-31)

Total Views: 112
By Published On: August 1, 2018Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram