અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા

બ્રહ્માનું કારનામું

આ રીતે ભોજન કરતાં કરતાં ભગવાનની આનંદરસભરી લીલામાં તન્મય થઈ ગયા હતા. એવામાં એમનાં ગાયવાછરુ લીલું ઘાસ ચરતાં ચરતાં દૂર જંગલમાં ચાલ્યાં ગયાં. ઓચિંતાનું ગોવાળિયાઓનું ધ્યાન એ તરફ જતાં તેઓ ભયભીત થઈ ગયા. એક ગોવાળિયાએ કહ્યું, ‘આપણું ગૌધન ક્યાં છે? અરે, કયાંક આ ગાઢ જંગલમાં કોઈ હિંસક પ્રાણીનો શિકાર તો નથી થઈ ગયાં ને?’ શ્રીકૃષ્ણે બધાને સાંત્વના આપી અને કહ્યું, ‘પહેલાં તો તમ તમારે જમી લો. હું ત્યાં જઈને આપણાં ગાયવાછરુને લઈ આવું છું.’ શ્રીકૃષ્ણ હાથમાં દહીંભાત લઈને ગાયવાછરુની શોધમાં નીકળી પડ્યા.

આ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ વૃંદાવનના આ અદ્ભુત બાળક વિશે ઘણું સાંભળ્યું હતું. એમને પણ શ્રીકૃષ્ણની લીલા જોવાની અને એમની શક્તિની કસોટી કરવાની ઇચ્છા થઈ. એટલે એમણે એક કારસો રચ્યો. એમણે પહેલાં તો ગાયવાછરુને છુપાવી દીધાં. શ્રીકૃષ્ણે અહીંતહીં શોધવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યાંય નજરે ન ચડતા તેઓ ખાલી હાથે પોતાના ગોવાળિયા મિત્રોની જગ્યાએ આવ્યા. અહીં આવીને જોયું તો બધા ગોવાળિયા પણ અદૃશ્ય ! વળી પાછા એમની શોધમાં નીકળી પડ્યા. ગાઢ વનમાં બધાંનું પગેરું કાઢવા ભમવા લાગ્યા. ઘણી શોધ કરી પણ ન તો ગાયવાછરુ નજરે ચડ્યા કે ન ગોવાળિયા ! હવે એમણે વિચાર્યું અને સમજાયું કે આ કોકે કરેલું કરતૂત છે. એમણે પોતાની આંખો મીંચીને થોડી વાર ધ્યાનમાં લીન થયા. આમ તો શ્રીકૃષ્ણ ભગવાન જ હતા. એને આ બધું સમજાઈ જતું. તેઓ મનમાં ને મનમાં હસ્યા અને બોલ્યા, ‘તો આ તો બ્રહ્માજીની રમત છે હવે હું પણ એનાથી વધારે સારી રમત રમી શકું છું.’

તરત જ એમણે તો ખોવાયેલ ગોવાળિયા અને ગાયવાછરુની જગ્યાએ બીજાં સર્જી દીધાં, વાસ્તવિક રીતે શ્રીકૃષ્ણે પોતે જ એ બધાંનું રૂપ લીધું. પરિણામે બ્રહ્માએ સર્જેલાં ગોવાળિયા અને ગાયવાછરુ અને શ્રીકૃષ્ણે સર્જેલાં વચ્ચે કોઈ ભેદ પારખી શકે તેમ ન હતું. એમની સંખ્યા, એમનાં શરીરનાં કદ, એમના હાથપગ, એમનાં વસ્ત્રાભૂષણ, ગુણનામરૂપ મૂળ જેવાં જ હતાં અને આ બધા રૂપે સર્વસ્વ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થઈ ગયા. પોતાનાં આત્મ સ્વરૂપ ગાયવાછરુ અને ગોવાળિયાઓથી ઘેરાઈને પોતાની સાથે અનેક પ્રકારની રમતો રમતાં રમતાં તેઓ વૃંદાવનમાં પ્રવેશે છે. ગોવાળિયાઓની માતાઓ વાંસળીના સૂર સાંભળતાં જ દોડતી આવી. ગોવાળિયા બનેલા પરબ્રહ્મ શ્રીકૃષ્ણને પોતાનાં સંતાનો સમજીને એમને ઊંચકીને બધી માતાઓ ભેટી પડી. આ રીતે દરરોજ એ ગોવાળિયાના રૂપે વનમાંથી પાછા આવતા અને પોતાની બાળસુલભ લીલાઓથી બધી માતાઓને આનંદિત કરી દેતા. પોતાના છોકરાઓ પ્રત્યે આ ગોવાલણોને પહેલાં જેવો જ માતૃભાવ પ્રગટતો હતો. સાથે ને સાથે પોતાના મૂળ પુત્રો કરતાંય આ નવા પુત્રો પર એમને વધારે સ્નેહભાવ આવી જતો. આ રીતે સર્વાત્મા શ્રીકૃષ્ણ ગાયવાછરુ અને ગોવાળિયાઓ બનીને એક વર્ષ સુધી વન અને ગોષ્ઠમાં ક્રીડા કરતા રહ્યા.

હવે બ્રહ્માજી વૃંદાવનમાં પોતાના કારનામાની કમાલ જોવા આવ્યા. એમણે પોતાની સગી આંખે જોયું કે શ્રીકૃષ્ણ ગોવાળિયા અને ગાયવાછરુ સાથે એક વર્ષ પહેલાંની જેમ ક્રીડા કરી રહ્યા છે. આ દૃશ્ય જોઈને તેઓ તો મંત્રમુગ્ધ બની ગયા. મનમાં વિચારવા લાગ્યા, ‘બધાં ગોવાળિયા અને ગાયવાછરુને તો મેં બેહોશ કરીને ગુફામાં સુવડાવી દીધાં છે, તો પછી એ બધાં અહીં શ્રીકૃષ્ણ સાથે ક્રીડા કરવા કેવી રીતે આવી ગયાં ?’

બ્રહ્માજીએ બન્ને સ્થળે એવાં જ ગાયવાછરુ અને ગોવાળિયાને જોયાં. પછી ઘણા સમય સુધી ધ્યાન કરતાં કરતાં એનું રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન કર્યો. પણ એમણે જેમ જેમ આ સમસ્યાને ઉકલવાનો પ્રયત્ન કર્યો તેમ તેમ તેઓ તો ભારે મૂંઝવણમાં પડી ગયા. બ્રહ્માજી ભગવાનની માયાથી મોટી ભ્રમણામાં ફસાઈ ગયા. આ બાજુ શ્રીકૃષ્ણે જોયું કે બ્રહ્માજી મૂંઝવણના કાદવમાં બરાબર ફસાઈ ગયા છે. અંતે એમના પર દયા કરીને બ્રહ્માજીની આંખો પરથી માયાનો પડદો ખસેડી લીધો. જોતજોતામાં બ્રહ્માજીને એ જ ક્ષણે ગાયવાછરુ અને ગોવાળિયા શ્રીકૃષ્ણનાં રૂપમાં દેખાયાં ! અને જુઓ તો ખરા, હવે એમની સમક્ષ ગાયવાછરુય ન હતાં અને ગોવાળિયાઓ પણ નહીં ! એ બધાંનાં રૂપે કેવળ શ્રીકૃષ્ણ જ દેખાતા હતા. બ્રહ્માજીનો અહંકાર ભાંગીને ભૂકો થઈ ગયો અને તેઓ તરત જ દોડીને શ્રીકૃષ્ણનાં ચરણોમાં પડી ગયા. પછી તેઓ ધીમે ધીમે ઊભા થયા અને અત્યંત નમ્રતાપૂર્વક એમણે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થન કરી. ત્યાર પછી બ્રહ્માજીએ શ્રીકૃષ્ણની ત્રણવાર પરિક્રમા કરી અને બ્રહ્મલોક ચાલ્યા ગયા.

એ પહેલાં જ બ્રહ્માજીએ પોતે સંતાડેલાં ગાયવાછરુ અને ગોવાળિયાને યથાસ્થાને પહોંચાડી દીધાં. શ્રીકૃષ્ણ ફરીથી યમુનાજીના રેતીના પટ પર આવ્યા કે જ્યાં તેઓ પોતાના બાલસખા ગોવાળિયાઓને મૂકીને ગયા હતા.

જો કે આ બાલગોપાલો પોતાના પ્રિયસખા શ્રીકૃષ્ણને તો એક વર્ષ પછી મળતા હતા, પણ આ સમય પણ એમને અડધી ક્ષણ જેવો લાગ્યો.

પોતાના વહાલા કનૈયાને જોતાં જ તેમણે અત્યંત વ્યગ્રતા અને ત્વરાથી કહ્યું, ‘અરે કનૈયા ! તમે ભલે પધાર્યા! સ્વાગતમ્, સ્વાગતમ્ ! હજી તો તમારા વિના એક કોળિયો પણ ખાધો નથી. અહીં આવો, અમારી સાથે આનંદથી ભોજન કરો.’ ત્યારે હસતાં હસતાં શ્રીકૃષ્ણે ગોપબાલો સાથે ભોજન કર્યું.

..

Total Views: 89
By Published On: September 1, 2018Categories: Raghaveshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram