વિશ્વના ઇતિહાસમાં જે અગણિત બનાવો બન્યા છે તેમાં ૧૮૯૩માં અમેરિકામાં યોજાયેલ વિશ્વધર્મ-પરિષદ પણ એક મહત્ત્વનો બનાવ છે. આ બનાવ ભારતીય ઇતિહાસ માટે પણ એક વળાંક આપતો બનાવ હતો. આ બનાવને અનેક રીતે તપાસી શકાય છે. પણ અહીં તો આ બનાવ બે દૃષ્ટિકોણથી તપાસવાનો પ્રયાસ કરીએ.
એક વાત ધ્યાનમાં રાખવાની તાતી જરૂર છે કે જો સ્વામી વિવેકાનંદ આ પરિષદમાં હાજર રહ્યા ન હોત, તો તે ઐતિહાસિક બનાવ ન બન્યો હોત. એક સામાન્ય ઘટના બની ભુંસાઈ ગઈ હોત. (જેમ ૧૯૯૩માં આવી જ પરિષદ ભરાઈ ભુલાઈ ગઈ હતી !) માત્ર વિવેકાનંદની હાજરીએ જ આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્યારના એક વર્તમાનપત્ર ‘ધ ન્યૂયોર્ક હેરાલ્ડે’ પણ નોંધેલ કે, ‘વિશ્વધર્મ-પરિષદમાં તે જ એક મહાન વ્યક્તિત્વ હતા.’ પરિષદના સો વર્ષ પછી પણ ૧૯૯૩ના એ જ સમાચારપત્રના અંકમાં લખેલ કે, ‘સ્વામી વિવેકાનંદ પરિષદના મુખ્ય વ્યક્તિ હતા.’ અને તેમનો કેવો પ્રભાવ હતો ? રોમા રોલાં નોંધે છે કે, ‘જ્યારે સ્વામી વિવેકાનંદે સ્ટેજ પર સ્થાન લીધું, ત્યારે તેમની પ્રભાવક હાજરીમાં બાકીના બધા જ વક્તાઓ ભુલાઈ ગયા.’
તો આ બે દૃષ્ટિકોણ કયા છે ?
પહેલો છે સ્વામીજીનો પશ્ચિમ પર શું પ્રભાવ પડ્યો અને બીજો છે સ્વામીજીનો ભારત પર શું પ્રભાવ પડ્યો? સાથે એક જોડી શકાય કે આજે તેમનો શંુ પ્રભાવ છે ? આ ત્રણેય ટૂંકમાં તપાસીએ.
પશ્ચિમ પર પ્રભાવ
સ્વામીજીએ પોતે જ એક જગ્યાએ કહેલ કે, ‘જેમ બુદ્ધનો પૂર્વ માટે સંદેશ હતો, તે જ રીતે મારો પણ પશ્ચિમ માટે સંદેશ છે.’ સ્વામીજીનો ત્યાં કેવો પ્રભાવ પડેલ તે બાબતે થોડાં વર્ષો પછી તેમના એક ગુરુભાઈ સ્વામી અભેદાનંદે એક પ્રવચનમાં કહેલ કે, ‘છેલ્લા દાયકામાં અમેરિકામાં ચર્ચાેની બહુ ઓછી વ્યાસપીઠો હશે જ્યાં સ્વામી વિવેકાનંદની તરફેણમાં કે વિરોધમાં કોઈ વક્તા ન બોલ્યા હોય.’ એનું કારણ એ હતું કે વિવેકાનંદે ત્યારનાં વિવિધ ધાર્મિક જૂથોના વિચારકો પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. ત્યારે અમેરિકામાં નાણાકીય કટોકટી હતી. તેનાથી લોકો મૂંઝવણમાં હતા. તે સમયે પરિષદના પ્રભાવથી, એક છાપાના કહેવા પ્રમાણે, ‘ન્યૂયોર્ક અને બ્રૂકલીનમાં એક નવું જ ધાર્મિક મોજું પ્રસર્યું હતું.’ તેમાં સ્વામી વિવેકાનંદનો, તેમના આધ્યાત્મિક પ્રભાવનો જ ફાળો હતો, એમ બધા એકી સાથે કહે છે. તેમણે અમેરિકામાં જે સુષુપ્ત આધ્યાત્મિક બળને જગાડ્યું હતું. તેણે સેંકડો અમેરિકન લોકોના હૃદયમાં આધ્યાત્મિક ભૂખને પ્રગટાવી હતી.
તેનું પહેલું પરિણામ તો એ આવ્યું કે પશ્ચિમના જગતમાં એક એવી લાગણી ઊભી થઈ કે ભારત જેવા ડહાપણભર્યા દેશમાં ખ્રિસ્તી મિશનરીઓને મોકલવા કેવળ મૂર્ખતા હતી. એક ભારતીય વિદ્યાશાસ્ત્રી એ.એલ.બાશમે તો નોંધ્યું કે સ્વામી વિવેકાનંદ પહેલા ભારતીય આધ્યાત્મિક ઉપદેશક હતા જેમણે છેલ્લાં હજાર વર્ષમાં પહેલી વાર ભારત બહાર પ્રભાવ પાડ્યો હતો. સી.ઈ.એમ. જોડે તેને ‘પૂર્વ તરફથી થયેલ પ્રતિ આક્રમણ’ કહેલ. સ્વામીજીએ પણ તેમના એક શિષ્ય આલાસિંગા પેરુમલને લખેલ કે, ‘મેં જે રીતે દેશનો બચાવ કર્યો, તેમાં તેમણે કલ્પના પણ નહીં કરી હોય કે એક હિન્દુ તેમની સાથે વ્યાજ સહિત જેવા સાથે તેવાની જેમ વર્તશે.’
ત્યારનો ખ્રિસ્તી ધર્મ તો સંકુચિત હતો. તે આ પરિષદ દ્વારા પોતાના ધર્મનો જયજયકાર બોલાવવા માગતો હતો. પણ સ્વામીજીએ તેમના ‘કૂવામાંના દેડકા’ જેવા વલણને ખુલ્લું પાડી દીધું. પરિણામે તેમને કારી ઘા વાગ્યો અને તેઓ ખુલ્લા પડી ગયા. તેમને અને બીજા ધર્મોના ઉપદેશકોને ભાન થયું કે દરેકે એકબીજા પાસેથી શીખવાનું છે. આ રીતે સ્વામીજીનાં પ્રવચનોથી ધાર્મિક સહિષ્ણુતાનો ઉદય થયો.
ભારત પર પ્રભાવ
જો સ્વામીજીનો પ્રભાવ પશ્ચિમ પર પડ્યો હતો, તો તેનાથી પણ વધારે પ્રભાવ ભારત પર પણ પડ્યો હતો. જ્યારે સ્વામીજીની સફળતાના સમાચાર ભારતીય કિનારે પહોંચ્યા, ત્યારે આ સફળતાનો આશ્ચર્યકારક પ્રભાવ પડ્યો હતો. સમગ્ર દેશ નવાઈથી આ ઘટનાને જોઈ રહ્યો. સમગ્ર દેશને જાણે વિદ્યુતનો ઝટકો વાગ્યો. સદીઓથી ઊંઘતો દેશ આ બનાવથી જાગી ગયો. તેણે સદીઓથી લઘુતાગ્રંથિથી પીડાતા ભારતીય મનમાં સ્વાભિમાન જગાડ્યું. અરે, જેઓ નાસ્તિક હતા અને યુરોપીયન સંસ્કૃતિથી પ્રભાવિત હતા, તેઓ પણ સ્વામીજીના વિચાર ‘ભારત જ વિશ્વનું આધ્યાત્મિક ગુરુ છે’થી ખળભળી ઊઠ્યા. ખુદ સ્વામીજીએ પણ લખ્યું કે, ‘શિકાગોમાં થયેલ પરિષદે ભારત, તેના લોકો અને તેના વિચારોને વિશ્વ સમક્ષ તીવ્ર રીતે પ્રગટ કર્યા છે.’ આ બનાવે ભારતીય લોકોને આત્મસન્માન અને આત્મવિશ્વાસ આપ્યાં. પાછળથી જ્યારે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ તીવ્ર બનતો ગયો, ત્યારે જે નેતાઓ આવ્યા, તે બધા જ સ્વામીજીના વિચારોથી પ્રેરિત થયા હતા. ગાંધી, નહેરુ, સુભાષ વગેરે બધા જ તેમના વિચારોથી પ્રેરાઈને લડ્યા હતા. આ કારણે ભારતની સંસ્કૃતિમાં પણ જે રસ જાગ્યો અને તેના પુનરુત્થાનના પ્રયાસો શરૂ થયા, તે પણ સ્વામીજીના પ્રભાવી વિચારોનું જ પરિણામ હતું.
સ્વામીજીએ કદાચ જે સૌથી મહત્ત્વનું પ્રદાન આપ્યું હતું તે હિન્દુ ધર્મનું પુનરુત્થાન હતું. સિસ્ટર નિવેદિતાએ નોંધેલ છે કે, ‘જ્યારે સ્વામીજીએ બોલવાનું શરૂ કર્યું, ત્યારે તે હિન્દુ ધર્મના ધાર્મિક વિચારો હતા. પણ જ્યારે તે બેઠા ત્યારે હિન્દુ ધર્મનું સર્જન થયું.’ સ્વામી વિવેકાનંદ પહેલાં કોઈએ હિન્દુ ધર્મ વિશે આટલા સ્પષ્ટ વિચારો વ્યાપક રીતે વ્યક્ત કર્યા ન હતા. તેના પરિણામે કેવળ પશ્ચિમમાં જ નહીં, પણ ભારતમાં પણ હિન્દુ ધર્મ બાબતે આદર વધ્યો. ભારતીય ધર્મના ઇતિહાસમાં આ એક વિશિષ્ટ બનાવ બની ગયો. તેને કારણે ભારતીય રાષ્ટ્રીય જીવનમાં એક જાતની સુગ્રથિતતા આવી.
આનો એક બીજો પ્રભાવ એ પડ્યો કે ભારતમાં સેવાના મિશનની કામગીરી શરૂ થઈ. ભારતમાં પહેલી વાર આટલી વ્યાપક રીતે લોકોના પુનરુદ્ધાર માટે કામ શરૂ થયું, જેઓ સદીઓથી ગરીબી અને ભૂખમરાથી પીડાતા હતા અને કોઈ જ જેમની પરવા કરતું ન હતું. આ મિશન દ્વારા સ્વામીજીએ ભારતના લોકો સમક્ષ ભવ્ય નવા ભારતનું વીઝન મૂક્યું. એટલે સ્વાભાવિક છે કે, સ્વામીજી ત્યારે ભારતના મુખ્ય રાષ્ટ્રીય હીરો બની ગયા.
સ્વામીજીનું વિશ્વ-મિશન
આ સંદર્ભમાં સ્વામીજીના વિશ્વ-મિશનનો પણ ઉલ્લેખ કરવો જોઈએ.
જે પળે સ્વામીજી પરિષદમાં બોલવા ઊભા થયા, તે જ પળે તેમનાં વિશ્વ-મિશનનો ઉદય થયો. અલબત, સ્વામીજી માટે આ વિશ્વમિશન ન હતું, પણ ‘માનું કાર્ય’ હતું જે તેમને તેમના ગુરુએ સોંપ્યું હતું. તેમણે જ કહેલ કે, ‘નરેન બધાને શીખવશે.’ સ્વામીજીનું મિશન હતું ‘આધ્યાત્મિક પાયા પર માનવજાતનું પુન :ગઠન.’ આ સંદર્ભમાં તેમણે પરિષદ સામે આ વિચારો મૂક્યા :
‘પવિત્રતા, કરુણા વગેરે ગુણો વિશ્વમાં ઇતિહાસમાં સર્વત્ર અને બધા જ દેશોમાં જોવા મળે છે. દરેક ધર્મે મહાન લોકો આપ્યા છે. દરેક ધર્મમાં સત્ય છે.’ તેમણે બીજા ધર્મના ધર્મગુરુઓને ચેતવણી આપી કે પોતાના ધર્મનો વિજય થાય અને બીજા ધર્મો નાશ પામે એ તદ્દન અશક્ય આશા છે. એટલે જ તેમણે ધર્મગુરુઓને ધાર્મિક ઉદારતાનો અને વિવિધતામાં એકતાનો ઉપદેશ આપ્યો. આના કારણે તત્કાલીન સમાજોને સંકુચિતતા, ધાર્મિક ઝનૂન વગેરેમાંથી મુક્ત થવાની પ્રેરણા મળી. સ્વામીજીએ સ્પષ્ટતાથી કહ્યું કે, ‘હું લોકોને ત્યાં લઈ જવા માગું છું જ્યાં વેદ કે કુરાન કે બાઇબલ નથી, પણ જ્યાં તે બધાનો સાર માનવજાતના કલ્યાણ માટે ઉપયોગી થાય છે.’
પરિષદ પહેલાં ખ્રિસ્તીઓ માનતા હતા કે માણસ પાપી છે. સ્વામીજીએ તો જાહેર કર્યું કે માણસ તો અમૃતનું સંતાન છે. આના પરિણામે સમગ્ર ખ્યાલ બદલાયો અને માણસ તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ. તેના આધારે જ આર્નાેલ્ડ ટોયન્બીએ લખ્યું, ‘છેલ્લાં સો વર્ષમાં માણસે અદ્ભુત કહી શકાય તેવી સિદ્ધિઓ મેળવી છે.’
ધર્મોની સંવાદિતા અને માનવજાતની પ્રભાવક એકતાનો સ્વામીજીએ પાયો નાખ્યો. તેમણે આપેલા ઉમદા વિચારોનાં સૂક્ષ્મ અને સ્થૂળ પરિણામો હવે જોવા મળે છે. તેના કારણે આંતર-ધર્મ-ચળવળ શરૂ થઈ. ખુદ રૂઢિચુસ્ત કેથોલિક ચર્ચે પણ પોતાના વિચારોમાં પરિવર્તન આણ્યું અને અન્યોના વિચારોને સ્વીકૃતિ આપી.
હવે વિવિધ ધર્મોના વડા સૌના વિચારો જાણવા માગે છે અને તે બાબતે સંવાદ સાધવાનો પ્રયાસ કરે છે.
પરિષદ અને સ્વામીજીના વિચારોના પ્રભાવથી છેલ્લી સદીથી પૂર્વના ધર્મો બાબતે પશ્ચિમમાં જિજ્ઞાસા વધી છે અને તેઓ સ્વીકૃત થવા લાગ્યા છે. અમેરિકામાં પણ હવે વિવિધ ધર્મોના લોકોની સંખ્યા વધતી જાય છે.
આવા તો અનેક સૂક્ષ્મ પ્રભાવ વિશ્વમાં પથરાઈ રહ્યા છે. તેના મૂળમાં સ્વામીજીએ વિશ્વધર્મ-પરિષદમાં વ્યક્ત કરેલ વિચારો છે. ક્યારેક તો એવું લાગે છે કે જાણે આ પરિષદ કેવળ સ્વામી વિવેકાનંદ માટે જ યોજાઈ હતી. જો કે સ્વામીજીને તો કદાચ આનો ખ્યાલ જ હતો. તેમણે અમેરિકા જતાં પહેલાં સ્વામી તુરીયાનંદને કહેલ, ‘હરિભાઈ, આ પરિષદ મારા માટે જ યોજાઈ છે. મારું મન એવું ખાતરીપૂર્વક કહે છે.’
આજે ફરી જગત સંકુચિતતા, ધર્મઝનૂન વગેરેથી હેરાન થઈ રહ્યું છે. ત્યારે આજથી સવા સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ-પરિષદમાં જે સહિષ્ણુતાના, ઉદારતાના અને વિશાળતાના વિચારો મૂક્યા હતા, તેની વધારે જરૂરિયાત અનુભવાઈ રહી છે. આજે વિશ્વના લોકોને તાત્કાલિક વિશાળ, વ્યાપક વૈશ્વિક વિચારો આપવાની જરૂર છે. અને આ કાર્ય કેવળ અને કેવળ સ્વામી વિવેકાનંદના વિચારો જ કરી શકવાનું સામર્થ્ય ધરાવે છે.
આ સંદર્ભમાં વિશ્વધર્મ-પરિષદનું મહત્ત્વ આજે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.
Your Content Goes Here



