લગભગ ઈ.સ. ૧૮૯૨ની વાત છે. શિકાગોની વિશ્વપ્રદર્શનીમાં થયેલ સુપ્રસિદ્ધ ધર્મપરિષદની પહેલાં એકવાર હું મુંબઈથી પૂના પાછો ફરી રહ્યો હતો. વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશનથી મારા ડબ્બામાં એક સંન્યાસીએ પ્રવેશ કર્યો. કેટલાક ગુજરાતી સજ્જનો એમને વિદાય આપવા આવ્યા હતા. તેમણે અમારો બંનેનો પરિચય કરાવ્યો અને મેં સંન્યાસીને કહ્યું કે તેઓ પોતાના પૂનાના રોકાણ દરમિયાન મારા ઘરે નિવાસ કરે. અમે લોકો પૂના પહોંચ્યા અને તે સંન્યાસીએ આઠ અથવા દશ દિવસ મારે ત્યાં નિવાસ કર્યો. મેં નામ પૂછ્યું ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે તેઓ એક સંન્યાસી છે. તેમણે ત્યાં કોઈ સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું નહિ. પણ ઘરે તેઓ વેદાંત અને અદ્વૈત દર્શન પર ચર્ચા કરતા હતા. તેઓ લોકો સાથે વધુ હળતા-મળતા ન હતા. એમની પાસે એક પણ પૈસો ન હતો. એક મૃગચર્મ, એક બે વસ્ત્ર અને એક કમંડળ – બસ, આ જ વસ્તુઓ હતી. એમની યાત્રા વખતે એમના કોઈ આગામી પ્રવાસની ટિકિટ ખરીદી આપતું હતું.

મહારાષ્ટ્રની નારીઓ પડદાપ્રથાથી મુક્ત છે એટલે સ્વામીજીએ હાર્દિક આશા વ્યક્ત કરી હતી કે બુદ્ધકાલીન પ્રાચીન યોગીઓની જેમ સંભવ છે કે અહીંના ઉચ્ચવર્ણની થોડી ઘણી વિધવાઓ ધર્મ અને આધ્યાત્મિકતાના પ્રચારાર્થે પોતાનું જીવન અર્પણ કરી દેશે. મારા જેવો જ સ્વામીજીનો મત હતો કે ભગવદ્ ગીતા દરેક વ્યક્તિને ત્યાગનો નહિ પરંતુ અનાસક્ત ભાવથી, ફળની ઇચ્છા છોડીને કર્મ કરવાનો ઉપદેશ આપે છે.

એ દિવસોમાં હું હીરાબાગમાં આવેલ ડેક્કન મંડળનો સભ્ય હતો, જેમાં દર અઠવાડિયે સભાનું આયોજન થતું હતું. આવી જ એક સભામાં સ્વામીજી પણ મારી સાથે આવ્યા હતા. એ સાંજે કાશીનાથ ગોવિંદનાથે કોઈ દાર્શનિક વિષય પર સુંદર વ્યાખ્યાન આપ્યું. એના જવાબમાં કોઈ કંઈ પણ ન બોલી શક્યું. પરંતુ સ્વામીજી ઊઠ્યા અને ધારાવાહિક અંગ્રેજી ભાષામાં સહજ ભાવથી એ વિષયની બીજી બાજુ તેમણે રજૂ કરી. એ રીતે ત્યાં ઉપસ્થિત બધા લોકો એમની મહાન ક્ષમતાઓથી મુગ્ધ બની ગયા. આ ઘટનાના થોડા દિવસો પછી સ્વામીએ પૂનાથી પ્રસ્થાન કર્યું.

બે કે ત્રણ વર્ષ પછી ધર્મમહાસભા અને એના પછી અમેરિકા તથા ઇંગ્લેન્ડ – બંને સ્થળેથી મળેલ વિશ્વવ્યાપી ખ્યાતિ સાથે સ્વામી વિવેકાનંદ ભારત પાછા આવ્યા. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમને અભિનંદનપત્ર આપવામાં આવ્યા અને એવા દરેક પ્રસંગ પર એમણે હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું. મેં ઘણાં સમાચારપત્રોમાં એમની છબી જોઈ અને ચહેરાની સમાનતા જોઈને વિચાર્યું – ‘અરે આ તો મારા ઘરે રોકાયા હતા એ જ સંન્યાસી છે.’ મેં એમને પત્ર દ્વારા પૂછ્યું કે શું મારું અનુમાન સાચું છે અને સાથે જ કોલકાતા જતી વખતે કૃપા કરીને પૂના થઈને જાય એવો એમને અનુરોધ પણ કર્યો. મારા પત્રનો ભાવભીનો ઉત્તર આપતાં સ્વામીજીએ કહ્યું હતું કે તેઓ તે જ સંન્યાસી છે અને એ સમયે પૂના આવવા પોતે સમર્થ ન હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો. આ પત્ર હાલ ઉપલબ્ધ નથી. ૧૮૯૭માં કેસરી-સંબંધી મુકદ્દમાની સમાપ્તિ પછી બીજા ઘણા રાજનૈતિક તથા વ્યક્તિગત પત્રો સાથે સંભવત : તેને પણ નષ્ટ કરી દેવાયો.

ત્યાર બાદ કોલકાતા-કોંગ્રેસ (૧૯૦૧)ની બેઠકો દરમિયાન એક વાર હું કેટલાક મિત્રો સાથે રામકૃષ્ણ મિશનનું વડું મથક બેલુર મઠ જોવા ગયો. અહીં સ્વામી વિવેકાનંદે અમારું હાર્દિક સ્વાગત કર્યું. અમે ત્યાં ચા પીધી. અમારી વાતચીત દરમિયાન સ્વામીજીએ વિનોદપૂર્વક કહ્યું કે હું સંસારત્યાગ કરીને બંગાળમાં એમનું કાર્ય સંભાળી લેત તો વધુ સારું થાત અને તેઓ સ્વયં મહારાષ્ટ્રમાં આવીને એ કાર્યને ચાલુ રાખત. એમણે કહ્યું હતું, કારણ કે ‘વ્યક્તિ પોતાના પ્રદેશમાં એટલો પ્રભાવ પાડી શકતો નથી, જેટલો બીજા પ્રદેશોમાં.’

Total Views: 98
By Published On: November 1, 2018Categories: Bal Gangadhar Tilak0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram