આધુનિક પશ્ચિમના વિશ્વ માટે સ્વામી વિવેકાનંદ સર્વપ્રથમ આપણી આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના ભારતીય એમ્બેસેડર હતા. એ પહેલાં ભગવાન બુદ્ધ અને એમના શિષ્યો વિશ્વના કેટલાક દેશોમાં ફરી વળ્યા હતા. પ્રાગૈતિહાસિક કાળથી ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વ પર પોતાનો પ્રભાવ પાડ્યો છે. ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે જ્યારે સ્વામીજી પશ્ચિમમાં આવ્યા ત્યારે પરિસ્થિતિ સાનુકૂળ કે સારી ન હતી. તેમણે પોતે જ કહ્યું છે તેમ પશ્ચિમમાં જવા માટે તેમને પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવ પાસેથી દિવ્ય પ્રેરણા મળી હતી. શરૂઆતમાં પશ્ચિમમાંના પોતાના મિશન-કાર્ય વિશે પોતે સ્પષ્ટ ન હતા. પછીથી તેમણે કહ્યું, ‘જેમ બુદ્ધ પાસે પૂર્વ માટે સંદેશ હતો, એમ મારી પાસે પશ્ચિમના વિશ્વ માટે સંદેશ છે.’ પરંતુ જ્યારે તેઓ હિંદ મહાસાગરના દક્ષિણ છેડાના કન્યાકુમારીમાં હતા ત્યારે તેમને એક દિવ્ય દર્શન થયું. એ દર્શનમાં તેમણે જોયું કે શ્રીરામકૃષ્ણદેવ જળ પર ચાલતા હતા અને પશ્ચિમના વિશ્વ તરફ અંગુલીનિર્દેશ કરતા હતા. કદાચ આ માટે તેમને પૂરી ખાતરી ન હતી એટલે તેમણે શ્રીમા શારદાદેવીને લખ્યું અને એમના આશીર્વાદ માગ્યા. શ્રીરામકૃષ્ણદેવની ઇચ્છા પ્રમાણે પશ્ચિમના દેશોમાં એવો સંદેશ આપવા શ્રીમાના આશીર્વાદ મળતાં તેમણે પશ્ચિમમાં જવાનું નક્કી કર્યું.

પ્રારંભમાં જ્યારે તેઓ પશ્ચિમમાં જવાનું આયોજન કરતા હતા ત્યારે તેમનો હેતુ જુદો હતો. તેમણે પોતાના ગૃહસ્થ શિષ્ય શરત્ચંદ્ર ચક્રવર્તીને લખેલા પત્ર પ્રમાણે ભારતનાં નારીઓ અને સામાન્ય જનસમૂહની કેળવણી માટે કંઈક કરવું એવો હેતુ હતો. એનું કારણ એ હતું કે એમને લાગ્યું કે ભારતને જે દુ :ખકષ્ટ સહેવાં પડે છે, તેનું મુખ્ય કારણ કેળવણીનો અભાવ અને એમાંય વિશેષ કરીને નારી-કેળવણીનો અભાવ. એ વખતના આંકડા પ્રમાણે ૧૮૯૩માં ભારતની ૨% નારીઓ જ પ્રાથમિક શિક્ષણ સુધી પહોંચી હતી. કદાચ આ જ કારણ હતું કે જેથી તેઓ પશ્ચિમમાં જવા ઇચ્છતા હતા. તેઓ યુરોપમાં ભગિની નિવેદિતાને મળ્યા અને નિવેદિતાએ ભારતીય નારીઓની કેળવણી માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. ખરેખર તો નિવેદિતાએ એના કરતાંય વધારે કાર્ય કર્યું છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે તેઓ એક એવાં નારી હતાં કે જેમણે એકલે હાથે ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરવા પ્રયત્નો કર્યા. એમણે એવા રાષ્ટ્રિયત્વનો ઉપદેશ આપ્યો કે જેનો ભારતીય નારીઓને સ્વપ્નમાંય એ દિવસોમાં ખ્યાલ નહીં આવ્યો હોય!.

સ્વામીજીએ ‘હિંદુધર્મ અને શ્રીરામકૃષ્ણ’ વિશેના પોતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે અનેક કારણોમાંના એક ભારતીય સંસ્કૃતિના એક અનન્ય પાસા એવા ઈશ્વરના માતૃસ્વરૂપના આદર્શને પુન : જીવિત કરવા પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા. તેમણે કહ્યું હતું કે શ્રીમા શારદાદેવી કેન્દ્રમાં રહેશે અને તેની આસપાસ ભારતની નારીઓ એકી સાથે મળશે. વિશ્વભરમાં ભારત એક એવો અનોખો દેશ છે કે જેણે ઈશ્વરના માતૃસ્વરૂપને આટલું બધું મહત્ત્વ આપ્યું છે. બીજી સંસ્કૃતિઓમાં ઈશ્વરનો ઉપદેશ આપ્યો છે, પણ તે પુરુષપ્રધાન સમાજ રહ્યા છે. જ્યારે ભારત વૈદિક કાળથી માંડીને ભારતીય નારીઓને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં સમાન અધિકાર અને સામાજિક આર્થિક પ્રવૃત્તિઓમાં પણ એવો જ અધિકાર સાંપડ્યો છે.

‘આ ધર્મ ગૃહસ્થો માટે પણ છે અને એ જ રીતે સંન્યાસીઓ માટે પણ છે,’ આવી ભારતીય સંસ્કૃતિની એક વિશિષ્ટતા તરફ સ્વામીજીએ આંગળી ચીંધી છે. ભારતીય સંસ્કૃતિ જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય કે ધર્મના ભેદભાવ વિનાની સર્વ કોઈ માટે હતી. આપણી સંસ્કૃતિનું આ એક એવું અનન્ય પાસું હતું કે જે શ્રીરામકૃષ્ણના જીવનમાં જોવા મળ્યું. એટલે ભારત કઈ બાબતનો આગ્રહ સેવે છે એ જો આપણે સમજવા ઇચ્છતા હોઈએ તો જેમ ટાગોરે કહ્યું છે તેમ, આપણે સૌએ સ્વામી વિવેકાનંદનો અભ્યાસ કરવો જોઈએ; સાથે ને સાથે શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવીના જીવનનું પણ અધ્યયન કરવું જોઈએ. સ્વામીજીએ પોતે સ્પષ્ટપણે નિર્દેશ કર્યો છે કે ભારતીય સંસ્કૃતિના અનન્ય પાસા ‘ઈશ્વરનું માતૃત્વ’નું પુનર્જીવન શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવીના આગમન સાથે આરંભાયું. આ આદર્શ સ્વામી સારદાનંદજી કૃત શ્રીરામકૃષ્ણદેવની બંગાળી જીવનકથા ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ અને ‘ભારતમાં શક્તિપૂજા’માં પણ પડઘાય છે. આ બંને પુસ્તકો લગભગ બધી ભાષાઓમાં પ્રસિદ્ધ થયાં છે. દરેક નારીએ આ પુસ્તકો વાંચવાં જોઈએ. સ્વામીજીએ પોતાના ગુરુબંધુઓને એકવાર કહ્યું હતું કે તેઓ શ્રીરામકૃષ્ણના અવતારના મહત્ત્વને પૂરેપૂરું સમજ્યા નથી. એમણે શા માટે શ્રીમા શારદાદેવીને પોતાનાં લીલાસહધર્મિણીરૂપે પસંદ કર્યાં હતાં અને શા માટે શ્રીમાએ શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી ૩૪ થી વધારે વર્ષ સુધી આધ્યાત્મિક કાર્યભાર ઉપાડ્યો હતો? જો તમે ભારતના ઇતિહાસ પર એક નજર નાખો તો તમને આટલા પ્રમાણમાં નારીસશક્તીકરણની વાત જોવા નહીં મળે. એનો અર્થ એ થયો કે શ્રીરામકૃષ્ણદેવના અવતરણનો આ એક મુખ્ય હેતુ હતો.

ભારતીય સંસ્કૃતિ પર વિભિન્ન ધર્મો, જાતિઓ અને સંસ્કૃતિઓનો પ્રભાવ પડ્યો છે. આવી સાંસ્કૃતિક વિવિધતા કે જે ભારતમાં આવી, તેનો સર્વત્ર સ્વીકાર થયો. ભારતમાં પહેલેથી જ આવી વિવિધતા હતી અને ભારતનાં સીમા-બંધનોમાં રહીને આ વિવિધતાવાળા દર્શનનો ઉપદેશ આપવાનો દરેકને અધિકાર હતો. એટલે જ સ્વામીજી કહે છે, ‘વિવિધતામાં એકતા એ આપણી ભારતીય સંસ્કૃતિનાં મહત્ત્વનાં પાસાંમાંનું એક પાસું છે.’ તેઓ આને હિંદુધર્મના પાસા તરીકે કહેતા નથી કારણ કે એ વખતે હિંદુ ધર્મનું અસ્તિત્વ ન હતું. આવી સીમાઓ તો ઘણા સમય પછી ઊભી કરવામાં આવી હતી. આપણે એટલા બધા સંકીર્ણ કે સંકુચિત ન હતા કે જેથી ધર્મ અને જાતિ વચ્ચે આવી કૃત્રિમ દીવાલો ઊભી કરીએ. કમભાગ્યે શ્રીરામકૃષ્ણદેવના આગમન પહેલાં ૩૦૦ વર્ષ પૂર્વે આપણે આપણી ભીતરની પ્રકૃતિને ગુમાવી બેઠા હતા. એટલે શ્રીરામકૃષ્ણદેવે આ ધરતી પર અવતરવું પડ્યું.

આપણો બીજો દોષ એ હતો કે આપણે ભૂતકાળમાં ક્યારેય આપણી સાથે બીજાં રાષ્ટ્રોની તુલના ન કરી. આપણે વિદેશ ન ગયા. કેટલાક ધર્મોના લોકોએ, આશ્રમોએ અને સંપ્રદાયોએ એવાં બંધનો લાદ્યાં હતાં કે જેથી લોકો વિદેશ ન જઈ શકે. એટલે સ્વામીજીને દક્ષિણેશ્વરના મંદિરમાં આવવાની મના ફરમાવી હતી, કારણ કે તેઓ દરિયાપાર ગયા હતા અને બીજી જાતિઓ સાથે હળ્યામળ્યા હતા. એવું નથી કે ભારતની સંસ્કૃતિને માત્ર ભારતીયોએ જ પ્રદાન કર્યું છે. આપણામાં બીજા પાસે જે શુભ તત્ત્વો હોય તેને સ્વીકારવાની ક્ષમતા હતી. અરે! બૌદ્ધ ધર્મ પણ હિંદુ ધર્મમાંનું એક સુધારણાનું ભાવઆંદોલન હતું. જ્યારે બુદ્ધ પૂર્વના દેશો માટેના સંદેશ માટે આવ્યા ત્યારે આપણા દેશ માટે હાનિકારક અને અપ્રાસંગિક એવાં કેટલાંક ચોક્કસ વિધિવિધાનોમાં નવસુધારણા લાવવા તેઓ આવ્યા હતા. એટલે જ સ્વામીજી કહે છે કે ભારતીય સંસ્કૃતિ હંમેશાં એવી સંસ્કૃતિ રહી છે કે જેણે માત્ર સહેવાને બદલે સર્વ કોઈનો સ્વીકાર કર્યો છે. આ જ વાત એમણે શિકાગોની વિશ્વધર્મ પરિષદના પોતાના વ્યાખ્યાનમાં પ્રધાનરૂપે મૂકી હતી. એટલે જ હજુ પણ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. અને સમગ્ર માનવજાતને આધ્યાત્મિકતાના રંગે રંગવા ભારતે ઘણું મોટું પ્રદાન આપવાનું છે.

સ્વામી વિવેકાનંદ પશ્ચિમમાં ગયા અને પોતાના ગુરુદેવનાં અનન્ય દર્શન, અનુભૂતિ અને જીવનને રજૂ કરીને તેમને સાચા ધર્મ વિશે શીખવ્યું. તેમણે કહ્યું છે, ‘હું વિશ્વધર્મ પરિષદમાં ગયો એ પહેલાં ઘણા સમય પૂર્વે દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુરના ખંડમાં જીવંત ધર્મ પરિષદ ભરાતી.’ હિંદુ ધર્મના જુદા જુદા સંપ્રદાયના લોકો અને બીજા ધર્મોના લોકો પણ શ્રીરામકૃષ્ણ પાસે આવતા અને તેમનું માર્ગદર્શન ઝંખતા. શ્રીરામકૃષ્ણે પોતાના જીવનની પ્રયોગશાળામાં જીવી બતાવીને એક ધર્મની સંસ્થાપના કરી કે જે અનુભૂતિ પર અધારિત હોય, માત્ર સિદ્ધાંતો પર નહીં. આમ, સર્વસમાવેશક ધર્મ ભારતમાં અસ્તિત્વ ધરાવતો હતો અને એ મહત્ત્વના અંગને લીધે આજે પણ આપણે જીવંત છીએ. સાથે ને સાથે બીજા દેશોમાં આ ધર્મને લઈ જવાનો અને સમગ્ર સંસ્કૃતિ અને માનવતાને બચાવવાનો મહત્ત્વનો ભાગ આપણે ભજવવાનો છે.

વિશ્વમાં બીજાં બે મહાન સંસ્કૃતિનાં ઝરણાં હતાં. એમાંની એક ગ્રીસમાંથી આવી અને એણે કળા અને વિજ્ઞાનને ઉન્નત કર્યાં. પછીથી એ સંસ્કૃતિ ઇંગ્લૅન્ડ સહિત યુરોપ અને અમેરિકામાં પણ પ્રસરી ગઈ. આપણને એ જોવા મળે છે કે પશ્ચિમના જગતે બાકીના બધા ભૂભાગો પર ઇંગ્લૅન્ડમાં આરંભાયેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે પોતાનું આધિપત્ય જમાવવાની શક્તિ મેળવી. અને આ જ ઔદ્યોગિક ક્રાંતિ અમેરિકામાં પણ જામતી જતી હતી. કોલંબસે અમેરિકાની શોધ કરી, તેના ૪૦૦ વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં અમેરિકાએ શિકાગોમાં ‘વિશ્વવ્યાપાર મેળા’નું આયોજન કર્યું હતું. અને અમેરિકાનો આ વિચાર હવે શક્તિનું મધ્યસ્થ કેન્દ્ર લંડનમાંથી શિકાગોમાં સ્થળાંતરિત થયું હતું, એ ઘટના વિશ્વ સમક્ષનું એક નવું દર્પણ હતું. આમ, પશ્ચિમનાં રાષ્ટ્રોએ ભૌતિક ને બાહ્ય સંશોધનો કરીને માનવપ્રજાની સમસ્યાઓને દૂર કરવામાં પોતાનું મહત્ત્વનું પ્રદાન આપ્યું છે. એવી જ બીજી સંસ્કૃતિ હતી, રોમન સંસ્કૃતિ. આ સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને રાજનીતિ અને વહીવટીતંત્રની ભેટ આપી છે. રોમન સંસ્કૃતિનાં લોકશાહીના આદર્શને કે રાજનીતિશાસ્ત્રને વિશ્વના બધા દેશોએ કોઈ ને કોઈ રીતે સ્વીકાર્યાં છે. પછી ભલે એ દેશ સામ્યવાદી હોય, પ્રજાસત્તાક હોય કે લોકશાહી મૂલક હોય.

આજે ગ્રીસ એક સાવ નાનો દેશ છે અને એણે ચોક્કસપણે પોતાનું બધું મહત્ત્વ ગુમાવ્યું છે. એવી જ રીતે રોમ અને ઇટાલી એક વખત જેવાં હતાં તેવાં પ્રબળ રાષ્ટ્રો રહ્યાં નથી. પરંતુ સ્વામીજી કહે છે કે ભારત હજુ જીવંત છે કારણ કે એણે વિશ્વનાં રાષ્ટ્રોમાં પોતાનો મહત્ત્વનો ભાગ ભજવવાનો છે. જે અનન્યતાએ ભારતને સુદીર્ઘકાળ સુધી ટકી રહેવા સમર્થ બનાવ્યું તેની મૂળ શક્તિનો સ્રોત પોતાની આધ્યાત્મિકતામાં છે, એમ સ્વામીજીએ કહ્યું હતું.

સ્વામીજીએ કહ્યું છે,

‘આપણે જોઈએ છે એ શક્તિ, એ સ્વાતંત્ર્ય- પ્રેમ, એ સ્વાશ્રયની ભાવના, એ અડગ સાહસ, એ કર્મકૌશલ્ય, એ એક જ લક્ષ્યસાધના, એ સુધારાની તૃષા… આપણે જોઈએ છે બળવાન રજોગુણ ક્રિયાશીલતા કે જે આપણી નસેનસમાં આપાદમસ્તક થનગની રહી હોય.’

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૫.૩૫૨-૫૨)

આમ છતાં પણ તેઓ ઉમેરે છે,

‘ભારતમાં રજોગુણ લગભગ લુપ્ત છે; પશ્ચિમમાં એ જ અવસ્થા સત્ત્વગુણની છે. એટલા માટે એ નિર્વિવાદ છે કે પાશ્ચાત્ય દુનિયાનું સાચું જીવન ભારતમાંથી સત્ત્વગુણના યાને અતીન્દ્રિયતાના પ્રવાહના વેગપૂર્વક પ્રવેશ પર આધાર રાખે છે; અને એ પણ ચોક્કસ છે કે જો આપણે આપણા તમોગુણને તેથી ઊલટા જોરવાળા રજોગુણની ભરતીથી દબાવીને ડુબાવી નહીં દઈએ તો આપણે આ જીવનમાં કદીયે કશું ભૌતિક સુખ કે કલ્યાણ મેળવીશું નહીં.’ (એજન, ૫.૩૫૩)

 

Total Views: 144
By Published On: December 1, 2018Categories: Sarvasthananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram