આંતરરાષ્ટ્રિય યુવવર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો- સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઊજવવો. સરકારે આનું કારણ આપતાં કહ્યું, ‘એવું જોવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદનું દર્શન અને જે આદર્શાેનું એમણે પાલન કર્યું તથા જેમનો એમણે ઉપદેશ આપ્યો, એ ભારતના યુવવર્ગ માટે પ્રેરણાનો મહાસ્રોત બની શકે તેમ છે.’ આ સંદર્ભમાં ભારત સરકારે રાષ્ટ્રિય યુવા સપ્તાહ (૧૨ થી ૧૯ જાન્યુઆરી) ઊજવવા કાર્યક્રમો યોજવા નિર્દેશો આપ્યા છે. તેમાં સ્વામી વિવેકાનંદના આદર્શાે પર વિચાર કરવાને મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. ભારત સરકારનું આ પગલું અત્યંત પ્રશંસનીય છે. ખરેખર તો આ ઘોષણા આઝાદી પછી તરત જ થવી જોઈતી હતી. ખેર, જાગ્યા ત્યારથી સવાર.
ચિરયુવા સ્વામી વિવેકાનંદ યુવા વર્ગ માટે સદાય આદર્શરૂપ છે. સ્વામી વિવેકાનંદે ૩૯ વર્ષની વયમાં જ મહાસમાધિ લીધી અને આમ પોતાની યુવાવસ્થામાં જ મહાનતાનાં શિખરો આંબી લીધાં હતાં. ભૌતિકરૂપે તથા ભાવરૂપે તેઓ સદા યુવા રહ્યા. ૯ ભાગોમાં પ્રગટ થયેલ સ્વામી વિવેકાનંદના સંપૂર્ણ સાહિત્યનું અધ્યયન કરવાથી જોવા મળશે કે તેમણે લખેલા મોટા ભાગના પત્રો પોતાના યુવા ગુરુભાઈઓ અથવા આલાસિંગા પેરુમલ, ભગિની નિવેદિતા જેવાં યુવાનોને લખેલા; તેમના વાર્તાલાપો શરતચંદ્ર ચક્રવર્તી જેવા યુવકો સાથે થયેલા, તેમનાં વ્યાખ્યાનોના શ્રોતાઓ યુવકો (ભારતમાં) અને યુવતીઓ (વિદેશમાં) હતાં. તેમનાં વ્યાખ્યાનો સાંભળીને અથવા વાંચીને ઘણાં યુવક-યુવતીઓએ પોતાનાં જીવન ભારતવર્ષને માટે સમર્પિત કરી દીધાંં. ભગિની નિવેદિતા, શ્રી અરવિંદ, સ્વામી રામતીર્થ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચારી, ડૉ. રાધાકૃષ્ણન્, જેવાના પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ.
ગાંધીજીએ કહ્યું હતું, ‘હું સ્વામી વિવેકાનંદનાં લખાણો સાંગોપાંગ ઝીણવટથી વાંચી ગયો છું અને એ પૂરેપૂરાં વાંચી લીધા પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો.’ સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું, ‘શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ તરફનું મારું ઋણ હું શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત કરી શકું ? તેમના પવિત્ર પ્રભાવ તળે જ મારા જીવનની પહેલી જાગૃતિ થઈ. સ્વામીજી આજે જો જીવિત હોત તો મારા ગુરુ બન્યા હોત.’ તેમણે સ્વીકાર્યું છે કે ‘અમારા સમયમાં વિદ્યાર્થી વર્ગ પર સ્વામીજીનાં ભાષણો અને લેખોનો જેવો પ્રભાવ પડ્યો તેવો બીજી કોઈ વ્યક્તિએે પાડ્યો નહોતો. તેમણે જાણે કે તેમનાં આશાઓ અને અરમાનોને સંપૂર્ણપણે વ્યક્ત કર્યાં હતાં.’
સ્વામી વિવેકાનંદનો સંદેશ દરેક યુવા પેઢી માટે પ્રેરક છે. નહેરુજીએ રામકૃષ્ણ મિશન, દિલ્હીમાં ૧૯૪૯માં કહ્યું હતું તે આજની યુવા પેઢી માટે પણ એટલું જ લાગુ પડે છે. તેમણે કહ્યું હતું, ‘અત્યારે યુવા પેઢીના કેટલા લોકો સ્વામી વિવેકાનંદનાં લેખો અને ભાષણો વાંચે છે તે હું જાણતો નથી. પણ હું એટલું કહીશ કે મારી પેઢીમાંના ઘણા લોકો સ્વામીજીની પ્રબળ અસર હેઠળ આવેલા અને આજની પેઢી સ્વામીજીનાં લેખો અને ભાષણો વાંચશે તો તેને પણ તે ખૂબ લાભદાયી થશે એમ હું માનું છું.’
કાકા કાલેલકર જ્યારે પોતે તરુણ હતા ત્યારે તરુણો પર સ્વામી વિવેકાનંદની કેવી અસર થઈ હતી, તે વિશે તેઓ કહે છે, ‘જે સમયે સ્વામી વિવેકાનંદે દુનિયા પર અને ભારત પર પોતાનો તેજસ્વી પ્રભાવ પાડ્યો તે સમયનો હું એક તરુણ છું. સ્વામી વિવેકાનંદ પહેલાં અમે કેવી રીતે વિચાર કરતા હતા અને ત્યાર પછી કઈ રીતે વિચાર કરતા થયા આ આખું પરિવર્તન મેં પોતે અનુભવ્યું છે.’
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે રોમાં રોલાંને કહ્યું હતું, ‘તમારે ભારતવર્ષને સમજવું હોય તો વિવેકાનંદનું અધ્યયન કરો. તેમનામાં બધું જ વિધેયાત્મક છે, કશું જ નિષેધાત્મક નથી.’
રોમાં રોલાંએ સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર ફ્રેન્ચમાં લખ્યું ત્યારે સ્વામી વિવેકાનંદની મહાસમાધિને લગભગ ૩૦ વર્ષ થયાં હતાં. તેમાં તેઓ સ્વામીજીના ગ્રંથોની તેમના પરની અસરનું વર્ણન કરે છે, ‘સ્વામી વિવેકાનંદના શબ્દોને, જ્યારે સ્પર્શું છું, જે ૩૦ વર્ષો પૂર્વેના ગ્રંથોનાં પાનાંમાં ફેલાયેલા છે, ત્યારે મારા દેહમાં વિદ્યુતનો એક આંચકો અનુભવ્યા વગર રહી શકતો નથી.’
સુષુપ્તપણે રહેલી યુવાશક્તિને જગાડવા આજે આવા વિદ્યુતના આંચકાની જરૂર છે અને યુવા વર્ગને એ મળશે સ્વામી વિવેકાનંદના ગ્રંથોમાંથી. એશઆરામની આશામાં ડૂબેલી, ફક્ત નોકરીને જ જીવનનું સર્વસ્વ માનનારી આજની યુવા પેઢીને પોતાના ચારિત્ર્યનિર્માણ અને દેશના પુનર્નિર્માણના કાર્યમાં લાગી જવાની પ્રેરણાશક્તિ સ્વામી વિવેકાનંદનાં લખાણોમાંથી મળશે.
આજનો યુવા વર્ગ ઉચિત માર્ગદર્શનના અભાવમાં પોતાની શક્તિને કેવી રીતે વેડફી રહ્યો છે ! ક્રૂડ-ઓઈલને રિફાઈન કરવામાં આવે છે ત્યારે જ તેમાંથી પેટ્રોલ, ડિઝલ વગેરે મૂલ્યવાન પદાર્થાે મળે છે. તેવી જ રીતે આજની યુવાશક્તિને પણ રિફાઈન કરવાની જરૂર છે. આ રિફાઈનીંગ માટે અને યુવા વર્ગના ઉચિત માર્ગદર્શન માટે સ્વામીજીના ગ્રંથો અત્યંત ઉપયોગી નીવડી શકે તેમ છે.
આજે આપણો દેશ જ્યારે ભયંકર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે યુવા વર્ગની જવાબદારી વધી જાય છે. સ્વામી વિવેકાનંદની યુવા વર્ગ પાસેથી ઘણી અપેક્ષા હતી. તેમણે કહ્યું હતું – ‘મને યુવા પેઢીમાં – આધુનિક પેઢીમાં શ્રદ્ધા છે, મારા કાર્યકરો આ પેઢીમાંથી જ આવવાના છે. સિંહની માફક તેઓ સમગ્ર પ્રશ્નોનું નિરાકરણ કરશે.’
સ્વામી વિવેકાનંદનું યુવા વર્ગને આહ્વાન
‘ભારત વર્ષને પ્રેમ કરો’
સ્વામી વિવેકાનંદજીને એકવાર તેમનાં વિદેશી મહિલા મિત્ર મિસ મેકલાઉડે પૂછ્યું હતું, ‘સ્વામીજી, હું કેવી રીતે આપને સૌથી વધુ મદદ કરી શકું ?’ સ્વામીજીએ જવાબ આપ્યો, ‘ભારત વર્ષને પ્રેમ કરો.’ આજે જો સ્વામીજી ભૌતિક દેહે હયાત હોત અને તેમને ભારતવાસીઓએ પૂછ્યું હોત, ‘અમે કેવી રીતે આપની શ્રેષ્ઠ સેવા કરી શકીએ?’ તો સ્વામીજી આ જ જવાબ આપત, ‘ભારત વર્ષને પ્રેમ કરો.’
દેશપ્રેમની વ્યાખ્યા
દેશપ્રેમની સુંદર વ્યાખ્યા આપતાં સ્વામી વિવેકાનંદજીએ મદ્રાસના વિકટોરિયા હોલમાં ઈ.સ. ૧૮૯૭માં ‘મારી સમર યોજના’ નામના સુવિખ્યાત ભાષણમાં કહ્યું હતું, ‘બધા લોકો દેશપ્રેમની વાતો કરે છે. હું પણ દેશપ્રેમમાં માનું છું; ને મારી પાસે પણ મારો પોતાનો દેશપ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓને માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા હોય છે. પ્રથમ, હૃદયપૂર્વકની લાગણી. બુદ્ધિ કે તર્કશક્તિમાં છે શું ? ચાર ડગલાં ચાલીને એ અટકે છે. પરંતુ હૃદય દ્વારા આવે છે અંત :પ્રેરણા. પ્રેમથી અશક્યમાં અશક્ય દરવાજા ખૂલી જાય છે; વિશ્વનાં સર્વ રહસ્યોનું પ્રવેશદ્વાર છે પ્રેમ. માટે મારા ભાવિ સુધારકો ! મારા ભાવિ દેશપ્રેમીઓ ! લાગણી કેળવતાં શીખો. તમને લોકો માટે લાગણી છે ? આ કરોડોની સંખ્યામાં રહેલ આપણા દેવોના અને ઋષિમુનિઓના વંશજો પશુત્વની નજીક પહોંચી ગયા છે, તમને એ માટે જરાય દિલમાં લાગી આવે છે ? આજે લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને લાખો લોકો યુગો થયાં ભૂખમરો સહન કરતા આવ્યા છે, તેને માટે તમારા દિલમાં કાંઈ થાય છે ? તમને એમ કદી થાય છે કે આ અજ્ઞાનનો અંધકાર આપણા દેશ પર ઘનઘોર વાદળોની પેઠે છવાઈ ગયો છે? તમને એ હલાવી નાખે છે ? તમારી ઊંઘ એનાથી ઊડી જાય છે ખરી ? એ તમારા રક્તમાં પ્રવેશીને તમારી નાડીઓ દ્વારા હૃદયના ધબકારાની સાથે તાલ પુરાવે છે ખરો ? એણે તમને પાગલ કરી મૂક્યા છે ખરા ? આ સર્વનાશી દુ :ખના એકમાત્ર ખ્યાલે તમને ભરખી લીધા છે ખરા ? આને માટે તમે તમારું નામ, તમારો યશ, તમારી કીર્તિ, તમારી સ્ત્રી, તમારાં બાળકો, તમારી સંપત્તિ, તમારી માલમિલકત, અરે તમારો દેહ સુધ્ધાં વિસરી બેઠા છો ખરા ? તમે એવું કંઈ અનુભવ્યું છે ? દેશપ્રેમી થવાનું પહેલું જ પગથિયું આ છે.’ આ પછી સ્વામીજીએ દેશપ્રેમી થવા માટે અન્ય બે પગથિયાંની વાત કરી – આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટેનો વ્યવહારુ ઉકેલ શોધવાની યોગ્યતા અને પર્વતપ્રાય મુશ્કેલીઓને પાર પાડવાની દૃઢ સંકલ્પશક્તિ.
Your Content Goes Here



