ગોવર્ધન ધારણ
વૃન્દાવનમાં દર વર્ષે વ્રજવાસીઓ ઇન્દ્રયજ્ઞનું અનુષ્ઠાન કરતા. બધાં નરનારીઓ ઉત્સાહપૂર્વક એ યજ્ઞમાં ભાગ લેતાં. જ્યારે શ્રીકૃષ્ણે એક દિવસ બધા ગોવાળિયાઓને યજ્ઞની તૈયારી કરતા જોયા, ત્યારે એમણે વિનયપૂર્વક નંદબાબા જેવા મોટા અને વૃદ્ધ ગોવાળોને પૂછ્યું, ‘પિતાજી, આપ કયા ઉત્સવની તૈયારી કરો છો ? એનું ફળ શું છે ? કયા હેતુથી, કયા કયા લોકો, કેવાં કેવાં સાધનોથી આ યજ્ઞ કરતા હોય છે ? આ બધું મને બતાવવા વિનંતી છે.’
પુત્રના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં નંદબાબાએ કહ્યું, ‘બેટા ! ભગવાન ઇન્દ્ર વરસાદ વરસાવનારાં વાદળોના સ્વામી છે. આ વાદળાં જ પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓને તૃપ્ત કરી શકે તેમજ તેમને જીવનદાન આપી શકે એ માટે વરસાદ વરસાવે છે. એટલે આપણે મેઘપતિ ઇન્દ્રની યજ્ઞો દ્વારા પૂજા કરીએ છીએ. આ યજ્ઞપ્રથા આપણી વંશપરંપરાથી ચાલી આવી છે.’ પિતાની વાતો સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું, ‘પિતાજી ! ઇન્દ્રને વર્ષા સાથે શી લેવા દેવા ? એ તો એક પ્રાકૃતિક ઘટના છે. વળી આપણી પાસે કોઈ દેશનું રાજ્ય નથી અને ન તો મોટાંમોટાં નગરો આપણા તાબામાં છે. આપણે તો સદૈવ વનવાસી છીએ; વન અને પહાડો જ આપણું ઘર છે એટલે આપણે ગોવર્ધન પર્વત, ગાયો અને બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ; ન કે ઇન્દ્રનું.’
શ્રીકૃષ્ણની ઇચ્છા તો આ ઇન્દ્રના અભિમાનનો ભુક્કો બોલાવી દેવાની હતી. નંદબાબા અને ગોવાળિયાઓએ શ્રીકૃષ્ણના પ્રસ્તાવને હસતેમુખે સ્વીકાર્યો. શ્રીકૃષ્ણે કહ્યું, ‘ભાતભાતનાં પકવાન જેવાં કે ખીર, શીરો, માલપૂડા સાથે મગની દાળ પણ બનાવવી. વ્રજનું બધુંય દૂધ એકઠું કરી લેવું. વેદજ્ઞ બ્રાહ્મણો દ્વારા હવન વગેરે કરાવવા. બધા દરિદ્ર લોકોને પણ ખવડાવવાની વ્યવસ્થા કરવી.’
શ્રીકૃષ્ણે જે રીતે યજ્ઞ કરવાનું કહ્યું હતું, તે જ રીતે યજ્ઞવિધિનો પ્રારંભ થયો. પહેલાં તો બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાયું અને એ જ સામગ્રી ગિરિરાજ અને બ્રાહ્મણોને ભાવપૂર્વક અર્પણ કરી. ગાયોને લીલું ઘાસ ખવડાવ્યું. પછી બધી ગાયોને આગળ કરીને શ્રદ્ધાભાવથી ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી. શ્રીકૃષ્ણ ગોવાળિયાઓને શ્રદ્ધાવિશ્વાસ અપાવવા ગિરિરાજની ઉપર એક બીજો વિશાળ દેહ ધારણ કરીને પ્રગટ્યા અને કહ્યું, ‘હું ગિરિરાજ છું.’ આમ કહીને તેમણે બધી સામગ્રી ગ્રહણ કરી. આ રીતે વિધિપૂર્વક પૂજન કર્યા પછી નંદબાબા અને બીજા ગોવાળિયાઓ સાથે શ્રીકૃષ્ણ વ્રજભૂમિમાં પાછા ફર્યા.
પોતાની પૂજા બંધ કરી દીધી છે એનો ખ્યાલ જ્યારે ઇન્દ્રદેવને આવ્યો, ત્યારે તેઓ ખૂબ ક્રોધે ભરાયા. એમને પોતાના પદનું ઘણું મોટું મિથ્યાભિમાન હતું. તેઓ માનતા કે હું તો ત્રિલોકનો નાથ છું. એમણે ક્રોધાગ્નિમાં બળતાં બળતાં સાંવર્તક નામના મેઘગણને વ્રજ પર આક્રમણ કરવાની આજ્ઞા આપતાં કહ્યું, ‘આ ગોવાળિયાનો ગર્વ તો જુઓ! એમણે એક સાધારણ બાળકના કહેવાથી મારા જેવા દેવરાજનું અપમાન કરી નાખ્યું. તમે વૃન્દાવનમાં જાઓ અને ભયંકર વરસાદ વરસાવો. એમનાં સંપત્તિ અને પશુઓનો સંહાર કરી નાખો. હું તમારી પાછળ પાછળ ઐરાવત હાથી પર બેસીને વ્રજભૂમિનો નાશ કરવા આવું છું.’
ઇન્દ્રની આજ્ઞા થતાં મેઘ-વાદળાં વેગથી વ્રજભૂમિ પર ચઢી આવ્યાં અને પછી તો સાંબેલાની ધારે વરસાદ વરસવા લાગ્યો. ચારે બાજુ વીજળીના પ્રબળ ચમકારા થવા લાગ્યા. વાદળાંમાં ભયંકર મેઘગર્જના થવા લાગી. પ્રચંડ આંધી ઊપડી. લોકોનાં મકાન ઊડવા લાગ્યાં. મોટા મોટા કરા વરસવા લાગ્યા. વ્રજભૂમિનો ખૂણેખૂણો પાણીથી છલોછલ થવા લાગ્યો. કયું સ્થળ ઊંચંુ છે અને કયું નીચું એનીય ખબર ન પડે એવો વરસાદ. ગોપાલો અને ગોવાલણો તેમજ પશુઓ ઠંડીથી ધ્રૂજવા માંડ્યાં. બધાં ભયભીત થઈને શ્રીકૃષ્ણના શરણે આવ્યાં અને બોલી ઊઠ્યાં, ‘તમે જ અમારા એક માત્ર રક્ષક છો. ઇન્દ્રના કોપથી તમે જ અમને બચાવી શકશો.’
શ્રીકૃષ્ણે જોયું કે વરસાદ, મેઘગર્જના અને કરા વરસવાને કારણે લોકો પીડાઈને બેહોશ થઈ રહ્યા છે. તેમને તરત જ સમજાઈ ગયું કે આ કારનામું ઇન્દ્રનું છે. મનમાં ને મનમાં કહેવા લાગ્યા, ‘ઇન્દ્ર પોતાને ત્રણ લોકનો સ્વામી માને છે. હું એનાં અજ્ઞાન, ધન અને ઐશ્વર્યના ચૂરેચૂરા કરી નાખીશ. સમગ્ર વ્રજ મારું આશ્રિત છે. હું મારી યોગમાયાથી બધાં વ્રજવાસીઓનું રક્ષણ કરીશ.’
આવું વિચારીને શ્રીકૃષ્ણે રમતરમતમાં જ એક જ હાથે ગિરિરાજ ગોવર્ધનને ભૂમિમાંથી ઉખેડી નાખ્યો. જેમ નાનાં બાળકો કોઈ પુષ્પને તોડીને હાથમાં લઈ લે, તેવી જ રીતે એમણે ગોવર્ધન પર્વતને હાથમાં ધારણ કરી લીધો. ત્યાર પછી બધાંને સંબોધીને કહ્યું, ‘મા, પિતાજી અને વ્રજવાસીઓ ! તમે લોકો પોતપોતાનાં ગૌધન અને બધી સામગ્રીઓ લઈને આ પર્વતની નીચે નિરાંતે બેસી જાઓ. મારા હાથમાંથી આ પર્વત છટકી જશે અને તમને કચડી નાખશે, એવી શંકા મનમાં ન લાવતાં. અહીં તમને આ ભયંકર વરસાદ અને આંધી હેરાન નહીં કરી શકે. મેં તમને સહુને બચાવવા આ યુક્તિ રચી છે.’
શ્રીકૃષ્ણનું આશ્વાસન પામીને બધાં વ્રજવાસીઓ પોતપોતાનાં ગૌધન અને માલસામાન લઈને ગોવર્ધન પર્વત નીચે આવી ગયાં. શ્રીકૃષ્ણે આ રીતે સતત સાત દિવસ સુધી એ પર્વતને ઊંચકી રાખ્યો. એક ડગલું પણ આમતેમ ખસ્યા નહીં.
શ્રીકૃષ્ણની આ અસાધારણ શક્તિ જોઈને ઇન્દ્રના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમનો અહંકાર ભાંગીને ભુક્કો થઈ ગયો. પછી તેણે સાંવર્તક મેઘોને રોકી દીધા. આકાશમાંથી વાદળાં દૂર થઈ ગયાં, સૂર્ય ફરીથી ચમકવા લાગ્યો. શ્રીકૃષ્ણે વ્રજવાસીઓને કહ્યું, ‘જુઓ, આંધી અને વરસાદ બંધ થઈ ગયાં છે. હવે ભયનું કોઈ કારણ નથી. તમે બધાં પોતપોતાનાં સ્વજન અને ગૌધન વગેરે લઈને ગોવર્ધન પર્વતની છાયામાંથી બહાર આવી જાઓ.’
શ્રીકૃષ્ણની આ આજ્ઞા થતાં વ્રજવાસીઓ પોતપોતાનાં સ્વજનોને સાથે લઈને અને સામગ્રી ગાડાંમાં રાખીને ધીમે ધીમે બહાર આવ્યાં. શ્રીકૃષ્ણે એમના દેખતાં જ ગોવર્ધન પર્વતને પહેલાંની જેમ પોતાને સ્થાને મૂકી દીધો. વ્રજવાસીઓનાં હૃદય પ્રેમના આવેગથી ભરાઈ ગયાં. તે બધાં શ્રીકૃષ્ણ પાસે આવ્યાં. કેટલાંક એમને ભેટી પડ્યાં, તો વળી કેટલાંકે એમને શુભ આશીર્વાદ આપ્યા. ઇન્દ્રે આવીને શ્રીકૃષ્ણનાં ચરણોનો સ્પર્શ કર્યો અને પોતે કરેલા અપરાધને ક્ષમા કરવા પ્રાર્થના કરી. શ્રીકૃષ્ણે ઇન્દ્રને કહ્યું, ‘ઇન્દ્ર, તમે ઐશ્વર્ય અને ધનસંપત્તિના મદથી ગાંડા થઈ રહ્યા હતા. એટલે તમારા આ મિથ્યાભિમાનને ભાંગવા મેં તમારા યજ્ઞનો ભંગ કરાવ્યો. હવે ક્યારેય આવો અહંકાર ન રાખતા અને તમારાં કર્તવ્યોનું યથાયોગ્ય પાલન કરજો.’
Your Content Goes Here



