(ગતાંકથી આગળ)
જગદંબાની ભક્તિના મહાન ગ્રંથ ‘દેવી માહાત્મ્યમ્’ (૧.૫૫)માં આ શ્લોક આવે છે :
ज्ञानिनां अपि चेतांसि देवी भगवती हि सा,
बलाद् आकृष्य मोहाय महामाया प्रयच्छति ।।
‘મહામાયારૂપે પ્રકટ થતી જગદંબા – આ આવિષ્કૃત જગતનો એ મોટો મોહ – જ્ઞાનીના ચિત્તને પણ બળપૂર્વક મોહમાં નાખે છે.’
એટલે એ વિશે આપણે ચિંતાકુલ રહેવાનું છે. આપણી અંદરનું બધું સરળ ને સીધું નથી. મનુષ્યજીવન સંઘર્ષ છે. સંઘર્ષ તરીકે મનુષ્યજીવનની વિભાવના અદ્ભુત વિભાવના છે. પોતાની જાતને ઊંચેરી કક્ષાએ આવિષ્કૃત કરવા પશુઓ સંઘર્ષ નથી કરતાં. આપણે સંઘર્ષ કરીએ છીએ. પશુઓનો સંઘર્ષ કેવળ અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો છે, આહાર, પાન, મૈથુન; આપણો સંઘર્ષ માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે નથી; આપણી ભીતરનું કશુંક અભિવ્યક્તિ ચાહે છે અને આ દેહમન સંકુલ પર આધિપત્ય ઝંખે છે. પ્રકૃતિને ‘ના’ કહીને અને કેટલેક અંશે પ્રકૃતિથી પર જઈને આપણે સભ્યતાને અને સંસ્કૃતિને વિકસાવીએ છીએ. પણ તે છતાંયે સભ્ય અને સંસ્કૃત માનવી પણ પ્રકૃતિનાં દબાણોને વશ છે. અને આપણે સભ્યતામાં એ સર્વત્ર જોઈએ છીએ. માત્ર સભ્યતા નહીં, તેથી ઊંડેરું એક પરિમાણ મનુષ્યજીવનમાં છે. સભ્યતાને વધારે એશઆરામ, સગવડો, કરામતિયાં સાધનો સાથે જ સંબંધ છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટનના વડાપ્રધાન ડિઝરાએલી કે જે મોટો વિદ્વાન હતો તેનું એક અવતરણ હું વારંવાર ટાંકું છું. એણે કહ્યું છે, ‘યુરોપના લોકો પ્રગતિની વાત કરે છે, કારણ કે કેટલીક વૈજ્ઞાનિક શોધખોળોની મદદથી એશઆરામને સભ્યતા સમજતો સમાજ એણે ઊભો કર્યો છે !’ આપણી પાસે વધારે સુખ સગવડ છે માટે અમે વધારે સભ્ય છીએ ! એ સાચું નથી. જે કશુંક ઉચ્ચતર છે તેનો આવિષ્કાર આપણે કરવો જોઈએ. સગવડમય જીવન એ સાચા અર્થમાં સભ્ય જીવન નથી. એટલે આ શ્લોક કહે છે : प्रकृतिं यान्ति भूतानि, ‘પ્રાણીઓ પ્રકૃતિના આવેગોને અનુસરે છે.’ અગાઉ કાર્લ યુંગમાંથી અવતરણ આપીને મેં કહ્યું તે પ્રમાણે આપણે કરીએ છીએ તેના મોટા ભાગનું કાર્ય આ સીધીસાદી પ્રકૃતિ છે. આ બધી બાબતોમાં પ્રવૃત્તિ એ સીધીસાદી પ્રકૃતિ જ છે, પણ વાત એટલેથી જ પૂરી નથી થતી. સંસ્કૃતિ અથવા વ્યક્તિત્વ વિકાસ જેવું પણ કશુંક છે. ત્યાં તમારે જાતે ફોડી લેવાનું છે. પ્રકૃતિની સપાટીથી ઉપર કોઈ ભીતરી પરિમાણને પ્રગટ કરવા તમે પ્રયત્ન કરો છો. એમાંથી વ્યવહારુ નીતિશાસ્ત્ર, નીતિ અને ઉચ્ચતર આધ્યાત્મિક જીવન પ્રગટે છે.
ભારતીય ચિંતન મનુષ્યજીવનના ચાર વિભાગ કરે છે : ब्रह्मचर्य, વિદ્યાર્થીજીવન, गार्हस्थ्य, લગ્નજીવન, वानप्रस्थ, નિવૃત્ત જીવન અને संन्यास, ત્યાગમય જીવન. છેલ્લી બે અવસ્થા જીવનનાં ઉચ્ચતર પરિમાણો વિશે વધારે ઘનીભૂત રીતે વાત કરે છે. પ્રથમ બે અવસ્થાઓમાં પણ ઉચ્ચતર પરિમાણ સાથે આપણે થોડો પનારો તો પાડવાનો રહેશે જ. પરંતુ જીવનનો સંઘર્ષ એટલો પ્રબળ છે કે આપણે એની તરફ વધારે ધ્યાન દઈ શકીએ નહીં. પરંતુ તમે જીવનમાં હવે કશુંક મેળવ્યું છે, તમારે કુટુંબ છે, નામ છે, કીર્તિ છે, બધું તમને મળ્યું છે, તો જિંદગીની નવી ફિલસૂફી વિકસાવવાનો તમને હવે મોકો મળ્યો છે. જિંદગીના ‘નમતા પહોર’ની એ ફિલસૂફી છે. મેં કશી ગુણવૃદ્ધિ સાધી છે ખરી ? કેટલી સુંદર વિભાવના છે! વધારે શાંતિ, વધારે આનંદ, વધારે કરુણા – જીવનને ઢળતે પહોરે એ આધ્યાત્મિક વિકાસ મુખ્ય પ્રવૃત્તિ બનવો જોઈએ. પૂર્વાર્ધકાળની પ્રવૃત્તિઓ ઉત્તરાર્ધમાં પણ ચાલુ રાખો, તો શું પરિણામ આવશે ? કાર્લ યુંગમાંથી અગાઉ અવતરણ આપ્યા પ્રમાણે વ્યક્તિત્વનું સંકુચન. દહાડે દહાડે આપણે વધારે ને વધારે વામણા થતા જઈશું, કારણ કે સંસાર આપણને હડસેલે છે, પ્રવૃત્તિ હડસેલે છે.
ઉદાહરણ તરીકે, જનનશાસ્ત્રની વિભાવના લો. વંશવૃદ્ધિ કરી શકે ત્યાં સુધી જ જીવની અગત્ય છે. વંશવેલો વધારતું એ અટકે પછી પ્રકૃતિને એ પ્રાણીમાં જરીય રસ નથી. પ્રકૃતિ તમને ભલે હડસેલે, પણ તમારી જાતને તમે જાતે શા માટે હડસેલો છો ? પ્રકૃતિથી ઉચ્ચતર સપાટીએ જીવનને લઈ જવાની શક્તિ તમારામાં છે. પ્રકૃતિની સપાટીએ જ સદા ન જીવવું, આ ગહન સત્ય છે. ગીતા આ શ્લોકોમાં એ વાત ઉપર ભાર દે છે કે આપણા જીવનનો મહદ્ અંશ પ્રકૃતિની સપાટીએ છે. આપણે એનો સ્વીકાર કરીએ, પણ એ સદાય એમ જ ન હોવું જોઈએ. પ્રકૃતિના બંધનમાંથી આપણી જાતને આપણે છોડાવી શકીએ છીએ. મુક્ત છે, તેવું કશુંક આપણી ભીતર છે. એ મુક્તિનો આવિષ્કાર આપણે કરી શકીએ. જીવનનું ઉચ્ચતર દર્શન આવે છે અને બંનેએ એકમેકનો વિરોધ ન કરવો જોઈએ. એક પછી બીજું આવે છે. પ્રથમ સિદ્ધિ છે, એમ યુંગ કહે છે; વીસ વર્ષના જુવાને શાંતિથી પોતાની ‘નાભિ સામે જોઈ’ ધ્યાન ધરીને બેસી ન રહેતાં, સખત મહેનત કરવી જોઈએ, પૈસો રળવો જોઈએ અને બીજાં કાર્યો કરવાં જોઈએ. નહીં તો એ અસફળ થશે. આ શ્લોકોમાં શ્રીકૃષ્ણે ઉચ્ચારેલું એ સત્ય વ્યક્ત થયેલું છે : सदृशं चेष्टते स्वस्याः प्रकृतेः, स्वस्याः प्रकृतेः सदृशं चेष्टते, ‘વ્યક્તિ પોતાની પ્રકૃતિ અનુસાર કર્મપ્રવૃત્તિ કરે છે ! જ્ઞાની પણ તે જ પ્રમાણે વર્તે છે. निग्रहः किं करिष्यति ‘માત્ર દબાણ શું કરી શકે?’ તમે એને અહીં દબાવો, બીજે રૂપે એ ત્યાં પ્રકટ થશે.
તમે પ્રકૃતિનો નાશ કરી શકતા નથી. એનું અસ્તિત્વ છે જ. પણ એની સાથે કેવી રીતે કામ પાડવું, તે તમારે જાણવું જોઈએ. વેદાંતના આધ્યાત્મિક સંદેશના વિકાસ માટે ગહન (depth) માનસશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માનવપ્રકૃતિ પર હિંસાચાર કર્યા વિના આપણે પ્રકૃતિને કેળવીએ છીએ અને વધારે ઊંચે ને ઊંચે જઈએ છીએ. સીધો સંઘર્ષ નહીં, દબાણ, નિગ્રહ નહીં. નિગ્રહ નિરર્થક જ છે, કારણ કે દબાવેલી શક્તિઓ બહાર નીકળવાનો માર્ગ શોધી કાઢે છે. વાસ્તવમાં એ છદ્મવેશે પ્રગટ થાય છે. પાશ્ચાત્ય માનસશાસ્ત્રમાં ફ્રોઈડનું એ મોટું પ્રદાન છે : તમને જે અપ્રિય છે, તમારી વિવેકબુદ્ધિને જે અણગમતું છે, તેને તમે મનમાં દબાવી રાખો છો. એ ઉપસંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત મનમાં પ્રવેશે છે. ત્યાંથી એ છદ્મવેશે બહાર આવે છે, માનસિક વિકૃતિનાં વિવિધ રૂપો લે છે અને ગ્રંથિઓ તરીકે આ કે તે વિકૃત વર્તન સ્વરૂપે પ્રગટ થાય છે. એ શું છે તે તમે જાણતા નથી. માનસશાસ્ત્રી કે માનસપૃથક્કરણશાસ્ત્રી એને વધારે સારી રીતે સમજી શકે, એટલે પૃથક્કરણ કરીને વિકૃતિ ઊભી કરનાર દબાયેલી શક્તિમાં એનો સ્રોત શોધી શકે. એટલેે શ્રીકૃષ્ણ કહે છે કે નિગ્રહ સાચો ઈલાજ નથી, એ શક્તિઓને કેળવણી આપો; તેમને કેળવી શકાય છે.
શ્રીરામકૃષ્ણ એને સરળ રીતે રજૂ કરે છે, ‘મોડ ફિરિયે દાઓ, આ શક્તિઓની દિશા બદલાવી નાખો.’ એ બધાં ઊર્જાકેન્દ્રો છે; દરેક ઊર્મિ ઊર્જાકેન્દ્ર છે, દરેક ચૈતસિક અનુભવ ઊર્જાકેન્દ્ર છે. એ ઊર્જાનું શોધન કરીને એને દિશા આપવાની છે. એ શક્તિ આપણી પાસે છે. એ કાર્ય આપણે કાળજીપૂર્વક અને વિવેકપૂર્વક કરવાનું છે, સીધા સંઘર્ષ દ્વારા નહીં. પણ ઘણા લોકો પાસે આધ્યાત્મિક બળ હોય છે તેઓ સીધો સંઘર્ષ કરી શકે છે. પરંતુ દરેક તેમ કરી શકતા નથી અને એમ કરવું પણ ન જોઈએ. લડાઈમાં એ હાર પામશે. निग्रहः किं करिष्यति કથનનો એ અર્થ છે, ‘માત્ર દબાવી દેવાથી શું વળે ?’ આ સર્વ આવેગોની અને વલણોની સાથે વિવેકબુદ્ધિથી કામ પાર પાડવું વધારે યોગ્ય થશે. એટલે તમે ઉચ્ચતર પ્રગતિ સાધી શકો. વિવેક શબ્દ અહીં ફરી ફરી આવે છે. જે પ્રકૃતિ બહાર છે અને જે માનવીની ભીતર રહેલી છે, તેને વિશે આ વિવેચન છે. બાહ્ય પ્રકૃતિ અને મારાં ઇન્દ્રિય તથા ચિત્તતંત્રો વચ્ચે સામ્ય છે, એમ શ્રીકૃષ્ણ હવે પછી કહેવાના છે. (ક્રમશ 🙂
Your Content Goes Here




