(સ્થળ : કોલકાતા, સને ૧૮૯૮)

ભગિની નિવેદિતા, સ્વામી યોગાનંદ અને બીજાઓની સાથે સ્વામીજી બપોરે અલીપુરના પ્રાણી સંગ્રહસ્થાનની મુલાકાતે આવ્યા છે. બાગના સુપરિન્ટેન્ડેન્ટ રાય બહાદુર રામબ્રહ્મ સંન્યાલે તેમનો સત્કાર કર્યો અને બગીચો બતાવવા લઈ ગયા. જુદી જુદી જાતનાં પ્રાણીઓ જોતાં જોતાં સ્વામીજીએ વાતવાતમાં શ્રી ડાર્વિને શોધેલ પ્રાણીઓના ક્રમવિકાસના ઉત્ક્રાંતિવાદવાળા સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો. શિષ્યને યાદ છે તે પ્રમાણે સર્પાેના સંગ્રહસ્થાનમાં જતાં શરીર ઉપર ગોળ ગોળ ચાઠાંવાળા મોટા અજગરને જોઈને તેમણે કહ્યું : ‘કાળના પસાર થવા સાથે આમાંથી જ કાચબાની ઉત્ક્રાંતિ થઈ, આ જ અજગર એક જ સ્થળે લાંબા કાળ સુધી પડ્યો રહેવાથી કઠણ પીઠવાળો થઈ ગયો.’ આમ કહી તેમણે મજાકમાં શિષ્યને કહ્યું : ‘તમે લોકો કાચબા ખાઓ છો ખરું ને ? ડાર્વિન માને છે કે આ અજગર સમય જતાં કાચબો બન્યો. એટલે કે તો તમે સાપ પણ ખાઓ છો !’

આ સાંભળીને શિષ્યે ઘૃણાપૂર્વક મોં બગાડીને કહ્યું : ‘સ્વામીજી ! ઉત્ક્રાંતિ દરમિયાન એક વસ્તુ બીજી વસ્તુમાં પરિણમે ત્યારે તેનામાં અગાઉનું રૂપ કે ટેવો રહેતાં નથી. તો પછી આપ એમ કેમ કહો છો કે કાચબો ખાવાનો અર્થ સાપ ખાધા બરાબર થાય ?’

આ જવાબથી મંડળમાં હાસ્ય ફેલાયું. બીજી કેટલીએક વસ્તુઓ જોયા પછી સ્વામીજી બાગમાં રામબ્રહ્મ બાબુના મકાને ગયા. ત્યાં તેમણે ચા પીધી; સાથે બીજાઓએ પણ પીધી.

રામબ્રહ્મ બાબુએ કહ્યું : ‘ડાર્વિને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત અને તે માટેનાં કારણો જે પ્રકારે સમજાવ્યાં છે તે વિશે આપનો શો અભિપ્રાય છે ?’

સ્વામીજી : ડાર્વિનના સિદ્ધાંતો તર્કસંગત હોઈ શકે છે, પણ ઉત્ક્રાંતિનાં કારણો વિશે એનો નિર્ણય જે આખરી જ છે તે હું સ્વીકારી શકતો નથી.

રામબ્રહ્મ બાબુ : શું આપણા દેશના પ્રાચીન વિદ્વાનોએ આ વિષયની ચર્ચા કરી હતી ?

સ્વામીજી : સાંખ્યદર્શનમાં આ વિષયની સુંદર રીતે છણાવટ કરવામાં આવી છે. હું એવા મતનો છું કે ઉત્ક્રાંતિવાદ વિશે પ્રાચીન ભારતીય તત્ત્વવેત્તાઓના સિદ્ધાંતો અંતિમ શબ્દો છે.

રામબ્રહ્મ બાબુ : જો થોડા શબ્દોમાં એ વિષય સમજાવી શકો તો હું ખૂબ રાજી થઈશ.

સ્વામીજી : તમે Struggle for existence (જીવનસંઘર્ષ), Survival of the fittest (સામર્થ્યવાનનો જય), Natural selection (કુદરતી પસંદગી) વગેરે સિદ્ધાંતો જરૂર જાણતા હશો. પાશ્ચાત્ય વિદ્વાનોએ આ સિદ્ધાંતોને નીચલી કોટિનાં પ્રાણીઓને ઊંચી કોટિમાં લાવવાનું નિમિત્તકારણ લેખ્યા છે. પણ આમાંનો કોઈપણ સિદ્ધાંત તેનું કારણ છે એમ પતંજલિના દર્શનમાં સ્વીકારાયું નથી. પતંજલિ માને છે કે પ્રકૃતિ દ્વારા ઊણપની પુરણી (प्रकृत्यापूरात्) થવાથી એક જાતિનું બીજીમાં રૂપાંતર થાય છે; પ્રતિબંધો સામેના સતત સંગ્રામને કારણે તેમ બને છે એવું નથી.

મારા અભિપ્રાય મુજબ સંઘર્ષ અને હરીફાઈ પૂર્ણતા પ્રાપ્ત કરવામાં જીવને ઘણી વાર અવરોધક બને છે. પાશ્ચાત્યદર્શન અનુસાર હજારો જીવનનો વિનાશ કરીને એક જીવની ઉત્ક્રાંતિ થાય છે. જો આપણે આ વાતનું સમર્થન કરીએ તો કહેવું જ પડે કે આ ઉત્ક્રાંતિ દ્વારા સંસારની વિશેષ કોઈ ઉન્નતિ થતી જ નથી. સંસારિક ઉન્નતિની વાત માની લઈએ તોપણ એટલું આપણે કબૂલ કર્યા વિના છૂટકો નથી કે તે આધ્યાત્મિક વિકાસમાં ગંભીર વિઘ્નરૂપ છે.

આપણા દેશના તત્ત્વજ્ઞાનીઓના મત પ્રમાણે દરેક જીવ પૂર્ણ આત્મા છે; પ્રકૃતિની વિવિધતા અને વિકાસ એ તો માત્ર આત્માની અભિવ્યક્તિના પ્રમાણમાં રહેલા ભેદને લીધે છે. જે ઘડીએ પ્રકૃતિની અભિવ્યક્તિ અને વિકાસની આડે આવતાં વિઘ્નો સંપૂર્ણપણે દૂર થાય, તે જ ક્ષણે પૂર્ણપણે આત્મપ્રકાશ થાય. પ્રકૃતિની અભિવ્યક્તિના નીચલા થરોમાં ગમે તે થતું હોય, પણ ઓછામાં ઓછું ઉપલા થરો માટે તો અંતરાયો સતત સંગ્રામ દ્વારા જ જય કરી શકાય છે તે સાચું નથી.

ઊલટાનું એમ જોવામાં આવ્યું છે કે કેળવણી અને સંસ્કાર, એકાગ્રતા અને ધ્યાન અને સૌથી વધારે તો આત્મબલિદાનને કારણે અંતરાયો ખસી જાય છે અને અભિવ્યક્તિ સવિશેષ થાય છે. તેથી અંતરાયો આત્માની અભિવ્યક્તિનાં કાર્ય નથી પણ કારણ છે, તથા પ્રકૃતિની આ અપૂર્વ વિચિત્રતાને તે મદદરૂપ થાય છે એમ કહેવું તે તર્કશુદ્ધ નથી. હજારો દુષ્કર્મ કરનારાઓને મારી નાખીને દુનિયા પરથી અનિષ્ટ દૂર કરવાના પ્રયાસથી તો માત્ર દુનિયામાં અનિષ્ટ વધે છે; પણ જો ધાર્મિક ઉપદેશ દ્વારા લોકોને અનિષ્ટ કર્મમાંથી રોકી શકાય તો દુનિયામાં અનિષ્ટ રહે નહિ. હવે તમે જોઈ શકશો કે પશ્ચિમનો સંઘર્ષનો સિદ્ધાંત કેવો ભયંકર છે !

રામબ્રહ્મ બાબુ સ્વામીજીના શબ્દો સાંભળી આશ્ચર્ય પામ્યા. છેવટે તેમણે કહ્યું : ‘ભારતમાં આજે આપના જેવા પ્રાચ્ય તેમજ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં નિષ્ણાત પુરુષોની જરૂર છે. ભણેલા લોકો જેઓ ઢાલની એક બાજુએ જ જુએ છે, તેમને તેમની ભૂલ બતાવવા માટે આવા પુરુષો જ શક્તિમાન બને. ઉત્ક્રાંતિવાદ વિશેનું આપનું મૌલિક સ્પષ્ટીકરણ સાંભળી મને બહુ જ આનંદ થયો.’

ત્યાર પછી તરત જ સ્વામીજી મંડળી સહિત બાગબજાર તરફ રવાના થયા અને રાતના આઠ વાગ્યે બલરામ બોઝને ઘેર પહોંચ્યા. થોડા આરામ પછી સ્વામીજી બહાર દીવાનખાનામાં આવ્યા; ત્યાં પ્રાણીસંગ્રહાલયમાં થયેલી વાતચીતને વિસ્તારપૂર્વક સાંભળવા એક નાની મંડળી ઉત્સુક બનીને બેઠી હતી. સ્વામીજી દીવાનખાનામાં પ્રવેશ્યા એટલે શિષ્યે આખી મંડળીના વતી તે વિષય ઉપાડ્યો.

શિષ્ય : સ્વામીજી ! પ્રાણીસંગ્રહાલયમાં ઉત્ક્રાંતિવાદ વિશે આપે જે વિચારો દર્શાવ્યા તે બધા હું સમજી શક્યો નથી. કૃપા કરી આપ ફરીથી સાદી ભાષામાં તે સમજાવશો ?

સ્વામીજી : શા માટે ફરી વાર ? તું કયા કયા મુદ્દાઓમાં મને સમજી શક્યો નથી ?

શિષ્ય : આપ ઘણી વાર અમને કહો છો કે બાહ્ય બળો સાથે સંઘર્ષ કરવાની શક્તિ એ જ જીવનનું ચિહ્ન છે, એ જ વિકાસનું પહેલું પગલું છે. આજે આપે તેનાથી તદ્દન ઊલટી જ વાત કરી હોય એમ લાગે છે.

સ્વામીજી : હું શા માટે ઊલટી વાત કરું ? મને લાગે છે કે તમે જ મારી વાત પૂરી સમજ્યા નથી. પ્રાણીજગતમાં જીવનસંગ્રામ, વધારે બળવાનનું ટકી રહેવું વગેરે નિયમો સ્પષ્ટપણે કામ કરતા આપણે ખરેખર જોઈએ છીએ. તેથી ડાર્વિનનો સિદ્ધાંત કંઈક અંશે સાચો લાગે છે. પણ બુદ્ધિના વિકાસવાળા માનવજગતમાં આપણે આ નિયમોથી વિપરીત જ દશા જોઈએ છીએ. દાખલા તરીકે જેમને આપણે ખરેખરા મહાન પુરુષો કે આદર્શ ચારિત્ર્યવાળા પુરુષો ગણીએ છીએ, તેમનામાં ભાગ્યે જ આપણને કોઈ બાહ્ય સંઘર્ષ જોવા મળે છે. પ્રાણીજગતમાં કુદરતી વૃત્તિ જ પ્રબળ હોય છે; પણ જેમ જેમ માનવી આગળ વધે છે તેમ તેમ તેની બુદ્ધિનો વિકાસ વધારે ને વધારે થતો જાય છે. આ કારણથી માનવજગતમાં પ્રાણીજગતની જેમ બીજાઓના નાશ દ્વારા જ પ્રગતિ સધાતી નથી.

માનવી જેટલા પ્રમાણમાં અન્યને માટે પોતાનું બલિદાન આપી શકે તેટલા પ્રમાણમાં તે માનવસમાજમાં મહાન ગણાય છે, જ્યારે પ્રાણીજગતના નીચલા થરોમાં જે વધારેમાં વધારે પ્રાણીઓનો સંહાર કરી શકે તે સૌથી વધારે શક્તિશાળી ગણાય છે. માટે આ સંઘર્ષનો સિદ્ધાંત બંને જગતને એકસરખો લાગુ પડતો નથી. માનવીનો સંઘર્ષ માનસિક ક્ષેત્રમાં છે; જેટલા પ્રમાણમાં મનુષ્ય પોતાનું મન કાબૂમાં રાખી શકે તેટલા પ્રમાણમાં તે મોટો છે. જ્યારે મનની વૃત્તિઓ સંપૂર્ણપણે શાંત હોય છે, ત્યારે આત્મા પોતાને પ્રકટ કરે છે.

જે સંઘર્ષ પ્રાણીજગતમાં સ્થૂળ શરીરના રક્ષણ માટે થતો આપણે જોઈએ છીએ, તે માનવજગતમાં મન ઉપર કાબૂ મેળવવા માટે અગર તો સમત્વની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે થાય છે. જેમ એક જીવંત વૃક્ષ અને તળાવના પાણીમાં પ્રતિબિંબિત થતો તેનો પડછાયો તદ્દન ભિન્ન હોય છે, તેમ પ્રાણીજગતમાં અને મનુષ્યજગતમાં સંઘર્ષના પ્રકાર પણ તદ્દન ભિન્ન છે, એમ આપણે જોઈએ છીએ.

શિષ્ય : તો પછી શરીર સુધારણા ઉપર આપ આટલો બધો ભાર શા માટે મૂકો છો ?

સ્વામીજી : તમે શું મનુષ્ય છો ખરા ? તમારામાં બુદ્ધિનો થોડો અંશ છે, એટલું જ. જો શરીર મજબૂત નહિ હોય તો મન સાથે શી રીતે લડશો ? સૃષ્ટિના સર્વશ્રેષ્ઠ વિકાસરૂપ તમે માનવ તરીકે કહેવડાવવાને યોગ્ય છો ખરા? ખાવું, પીવું અને દૈહિક ભોગેચ્છા ભોગવવા સિવાય તમારામાં બીજું છે શું વળી? નસીબનો આભાર માનો કે તમે હજી ચતુષ્પાદ બની ગયા નથી. શ્રીરામકૃષ્ણ કહેતા : ‘જેને પોતાના સ્વમાનનો ખ્યાલ છે તેને જ મનુષ્ય કહેવાય.’ તમે તો ‘જાયસ્વ મ્રિયસ્વ’ વાક્યના નમૂનારૂપ થઈ સ્વદેશવાસીઓની ઈર્ષ્યાના પાત્ર અને પરદેશીઓ માટે ધિક્કારરૂપ થઈ પડ્યા છો.

તમે જાનવરની કક્ષામાં છો તેથી જ તમને સંઘર્ષ કરવાનું કહું છું. થિયરી-ફિયરીને ફેંકી દો. તમારાં રોજ-બ-રોજનાં કાર્યો અને વ્યવહારનું શાંતિથી વિવેચન કરીને જુઓ તો કે તમે જાનવર અને મનુષ્યના મધ્યવર્તી કોઈ જીવ છો કે નહીં ! શરીરને પહેલાં સુદૃઢ બનાવો. તો જ તો મન ઉપર આધિપત્ય પ્રાપ્ત થશે. नायमात्मा बलहीनेन लभ्यः – આ આત્મા નિર્બળ મનુષ્યથી પમાતો નથી. સમજ્યા!

શિષ્ય : પણ સ્વામીજી ! ભાષ્યકારે (શંકરાચાર્ય) તો ‘બલહીન’ શબ્દનો અર્થ બ્રહ્મચર્ય કે સંયમ વગરનો એવો કર્યો છે ?

સ્વામીજી : તો ભલેને કરે. પણ હું કહું છું કે The physically weak are unfit for the realization of the Self. (શરીરે અશક્ત હોય તે આત્માનો સાક્ષાત્કાર કરવાને સક્ષમ નથી.)

શિષ્ય : પરંતુ શરીરે સશક્ત તો ઘણા જડબુદ્ધિવાળા માણસો પણ હોય છે.

સ્વામીજી : જો તમે તેને એક વખત સારા વિચારો આપવા જેટલી તકલીફ લો તો શરીરે નિર્બળ માણસો કરતાં તેઓ તેને વધારે જલદીથી અમલમાં લાવી શકશે. જોતા નથી કે નિર્બળ શરીરવાળાઓ માટે કામક્રોધનો સંયમ કરવો મુશ્કેલ છે ? માયકાંગલા લોકો તરત જ ગુસ્સે થઈ જાય – તરત જ કામવૃત્તિને વશ થઈ જાય.

શિષ્ય : આ નિયમના અપવાદો પણ જોવા મળે છે.

સ્વામીજી : તો નથી એમ કોણ કહે છે ? જો એક વખત મન ઉપર સંયમ આવી જાય તો પછી શરીર સબળ રહે કે સુકાઈ જાય, તેથી કશો ફરક પડતો નથી. વાતનો મર્મ એ છે કે Physique સારું ન હોય તો આત્મજ્ઞાનના અધિકારી થઈ શકે નહીં. શ્રીરામકૃષ્ણ કહેતા : ‘શરીરમાં જરા સરખોય દોષ હોય તો જીવ સિદ્ધ થઈ શકે નહીં.’

સ્વામીજીને આવેશમાં આવી ગયેલા જોઈને શિષ્યે આ વિષયને વધારે ચર્ચવાની હિંમત કરી નહિ. પરંતુ તેમના દૃષ્ટિબિંદુને સ્વીકારીને શાંત રહ્યો.

મધ્યરાત્રિ વીતી જતાં સુધી વાતચીત ચાલી. જ્યારે શિષ્ય પોતાને ઉતારે આવ્યો, ત્યારે જોયું તો બારણું બંધ થઈ ગયું હતું. આથી તેને રાત્રિ બહાર વિતાવવી પડી.

કાળચક્ર પોતાની અવિરત – અચૂક ગતિથી ફરી રહ્યું છે. સ્વામીજી, સ્વામી યોગાનંદ અને ભગિની નિવેદિતા હવે આ લોકમાં રહ્યાં નથી; તેમનાં જીવનની પવિત્ર સ્મૃતિ માત્ર રહી છે. આ સ્મરણો ગમે તેટલાં અધૂરાં નોંધાયાં હોય તો પણ તે રજૂ કરવામાં શિષ્ય પોતાને ધન્ય માને છે.

Total Views: 108
By Published On: May 1, 2019Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram