બરેલી જિલ્લા હોસ્પિટલના ડાૅક્ટરોએ અને કર્મચારીઓએ તેમનાથી બનતું મારા માટે બધું કર્યું. હવે યાદવજી તથા અન્ય કર્મચારીઓ કે જેણે મારી સરસ કાળજી લીધી હતી, તેમને છોડવા અને તેમની વિદાય લેવાનો સમય આવી ચૂક્યો હતો. હવે મારે ઘણી વિશિષ્ટ સારવારની જરૂર હતી. સ્થાનિક નેતાના સૂચન પ્રમાણે લખનૌના ટ્રોમા સેન્ટરમાં આ સારવાર થઈ શકે તેમ હતી. એટલે અમારો ઇરાદો ત્યાં જવાનો હતો.

બરેલીમાં મારા અઢી દિવસોમાં ઘણું બધું બન્યું હતું. હું એક અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ રૂપે દાખલ થઈ હતી. ચોવીસેય કલાક કામ કરતા મિડિયાને કારણે આખા દેશના લોકો મારા સમાચાર મેળવતા અને તેમની શુભેચ્છાઓ પણ મળતી. ૧૪મી એપ્રિલે અમે એમ્બ્યુલન્સમાં લખનૌ જવા નીકળ્યાં. મિડિયા અમારી સાથે જ હતું. રસ્તો ઘણો ખરબચડો એટલે વારેવારે હું એના ઝટકાઓથી થતી પીડાને લીધે ચીસ પાડી ઊઠતી. ટાંકા હજી કાચા હતા એટલે એમાંથી લોહી પણ ટપકતું.

એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ધીમેથી ચલાવવાનું કહ્યું, પણ આવા રસ્તાઓમાં ડ્રાઈવર પણ કશું કરી શકે તેમ ન હતો. ચાર કલાકની પીડાદાયી સફર પછી અમે છેવટે લખનૌના ટ્રોમા સેન્ટર પર પહોંચ્યાં. આ મુસાફરી દરમિયાન મારા ટાંકા ખૂલી ગયા હતા. અહીં મને સામાન્ય વોર્ડમાં દાખલ કરી.

જો અહીં મિડિયા એકઠું ન થયું હોત તો મને નિત્યક્રમ પ્રમાણે સારવાર મળી હોત. સેન્ટરની બહાર ટીવી ચેનલો અને ઓબી વેનો ઊભી રહેવા લાગી. કેટલીક વેનોએ મારા અહીં પહોંચવાની વાત પણજાહેર કરવા માંડી. બરાબર એ વખતે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના વહીવટકારોએ મિડિયાને કેમ્પસમાં દાખલ થવાની મનાઈ કરી.

હોસ્પિટલના સત્તાધીશોએ સમજાવ્યું કે દર્દીઓના હિતમાં આ પગલું લેવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે દર્દીઓને તદ્દન પ્રાઈવસી અને શાંતિની જરૂર હોય છે. મિડિયાનું આગમન અને તેની સાથે આવતી અવ્યવસ્થા તેમાં ખલેલ પહોંચાડી શકે. પરંતુ આવાં પગલાં લેવા પાછળ આ એક જ કારણ હતું ? મને લાગે છે કે મોટાભાગની સરકારી હોસ્પિટલોની સ્થિતિ આદર્શ નથી હોતી. લગભગ ઘણી ચીજોની અછત અહીં રહેતી હોય છે. સમાચારવાળાઓથી કશું છૂપું રહી શકતું નથી. અલબત્ત, મિડિયાવાળાઓના દબાણથી મને વીવીઆઈપી વોર્ડમાં મૂકવામાં આવી. અમને પાછળથી જાણવા મળ્યું કે સામાન્ય રીતે આ વોર્ડ ઉચ્ચકક્ષાના રાજકારણીઓ, અધિકારીઓ અને લાગવગ ધરાવતા લોકો માટે હોય છે.

સામાન્ય વોર્ડની દશા ઘણી આઘાતજનક હતી. વીવીઆઈપી વોર્ડ તેનાથી સાવ વિપરીત સ્થિતિનો હતો. મને તો કોઈ મોટી હોટેલના સ્યૂટ જેવો લાગ્યો. સરસ મજાની પથારી, બધે સફાઈવાળા ખંડ, વ્યવસ્થિત સાફ-સ્વચ્છ ટોઇલેટ અને કર્મચારીઓ પણ વિનમ્ર વર્તણૂકવાળા અને સ્મિત સાથે સેવા કરે.

મનાઈ કરવા છતાં મિડિયાએ લોકોને મારી બધી અપટુડેટ માહિતી જાહેર કરવા માંડી. પ્રેસની આવી સતત કામગીરીને લીધે મુલાકાતી રૂપે મંત્રીઓ, અધિકારીઓ, સમાજસેવકો, બિલ્ડરો, ઇજનેરો જેવા મોટા મોટા માણસો અને આમઆદમીઓ પણ આવવા લાગ્યા.

રાજ્યભરના શાસક નેતાઓ, અધિકારીઓ અને મદદનીશોએ આર્થિક સહાયની તૈયારી બતાવી. સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ સૈનિકોએ આવીને મારા માટે રક્તદાન પણ કર્યું. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ આર્થિક સહાયના પ્રસ્તાવ મૂક્યા. બે દિવસોમાં મારી પ્રસિદ્ધિ ઘણી વધી અને મિડિયાના લોકોના સતત રસને લીધે હોસ્પિટલના વહીવટી લોકો સતત સતર્ક રહેવા લાગ્યા. જે કોઈ મોટા માણસો મળવા આવતા તેઓ સારી સારવાર આપવાની તાકીદ કરતા. આ રીતે મારું સ્થાન ‘ખાસ’ હતું અને મારી સારવારનું સ્તર નીચે ન જાય એની સૌ કાળજી લેતા.

એ દરમિયાન ડાૅક્ટરોએ મારા ડાબા પગ પર બીજું ઓપરેશન કર્યું. હાલ તો બધું જ ધ્યાન એ પગ પર હતું. હજી મારા જમણા પગને સ્પર્શ થયો ન હતો. હોસ્પિટલના ડાૅક્ટરોને એવી આશા હતી કે ઓપરેશન પછી કૃત્રિમ પગ લગાડીને હું લગભગ સામાન્ય જીવન જીવી શકીશ.

સામાન્ય રીતે સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાતી રહે છે અને ડાૅક્ટરો પણ એ રીતે સારવાર માટે ટેવાઈ જાય છે. ઘણાને મન આ બધું તિરસ્કારને પાત્ર લાગે છે. પણ મારા અનુભવ પરથી કહી શકું કે જો તમે કોઈ ખાસ જોડાણ કે ઓળખાણ મેળવી શકો તો સરકારી ડાૅક્ટરોના નિદાનનું સ્તર અજોડ હોય છે. એનું કારણ એ છે કે તેમને મળતા કેસોનું મસમોટું પ્રમાણ હોય છે અને સમય જતાં તેઓ સારું નિદાન કરી શકે છે.

બરેલીમાં મિડિયાને કારણે દેશના અત્યંત શક્તિશાળી લોકોનું ધ્યાન મારા તરફ ખેંચાયું. ઉત્તરપ્રદેશના તત્કાલીન રાજકીય આગેવાન અને મંત્રી તેમજ તત્કાલીન વડાપ્રધાનના સૂચનથી રાજકીય પક્ષના એક અગ્રણીએ મારી મુલાકાત લીધી. તેઓ પોતાની સાથે દિલ્હીની પ્રખ્યાત ‘એમ્સ’ હોસ્પિટલના ડાૅક્ટરોની એક ટીમ લાવ્યા હતા. તેમણે ધ્યાન અને ધીરજથી મારા પરિવારની બધી વાત સાંભળી. હું અહીં કેવી રીતે દાખલ થઈ એ પણ એમણે જાણ્યું. ડાૅક્ટરોએ મારું મેડિકલ ચૅકઅપ કરાવ્યું એટલે જે તે મંત્રીએ પૂછ્યું કે મારી સારવારને કેટલો સમય લાગશે ? થોડી વાતચીત કર્યા પછી તેમણે જતી વખતે મને કહ્યું, ‘જો તમે સંમત થતાં હો તો તમારી સારવારની ગોઠવણ અમે એમ્સમાં કરી શકીશું. ઉતાવળ કરવાની જરૂર નથી. બધું વિચારીને તમે નિર્ણય લઈ શકો છો.’

Total Views: 89

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram