રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાનો વાર્ષિક મહોત્સવ

૧૪મી એપ્રિલથી ૨૧મી એપ્રિલ, ૨૦૧૯ સુધી સંસ્થાના વાર્ષિક મહોત્સવના કાર્યક્રમનું આયોજન થયું હતું. ૧૪મી એપ્રિલ, રવિવારે રામનવમીના રોજ આ કેન્દ્રના સ્થાપના દિન નિમિત્તે શ્રીમંદિરમાં શ્રીરામનામ સંકીર્તન યોજાયું હતું. ૧૫મી એપ્રિલથી ૧૭મી એપ્રિલ સુધીના ત્રણ દિવસ રામકૃષ્ણ મિશન આશ્રમ, ગ્વાલિયરના સચિવ સ્વામી રાઘવેન્દ્રાનંદજી મહારાજના ‘મુંડક ઉપનિષદ’ પરનાં વિશેષ વ્યાખ્યાનોનો લાભ ભાવિકજનોએ લીધો હતો. ૧૮મી એપ્રિલના રોજ યોગનિકેતન, ફતેહગંજ, વડોદરાના સંગીતસાધકોની ભજનસંધ્યાને ઘણા ભાવિકોએ માણી હતી. ૧૯મી એપ્રિલે ‘સ્વામી વિવેકાનંદ : જીવનસંદેશ’ વિશે સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ, અને રામકૃષ્ણ મિશન, ઇન્દોરના સચિવ સ્વામી નિર્વિકલ્પાનંદજી મહારાજનાં વ્યાખ્યાનોનો લાભ ભક્તજનોએ લીધો હતો. એવી જ રીતે ૨૦મી એપ્રિલે ‘શ્રીમા શારદાદેવી : જીવનસંદેશ’ વિશે ઉપર્યુક્ત બન્ને સંન્યાસીઓનાં વ્યાખ્યાનો રસપ્રદ રહ્યાં હતાં.

૨૧મી એપ્રિલના રોજ ‘ભગવાન શ્રીરામકૃષ્ણદેવ : જીવનસંદેશ’ વિશે સ્વામી નિર્વિકલ્પાનંદજી અને રામકૃષ્ણ મઠ, અમદાવાદના સ્વામી મંત્રેશાનંદજી મહારાજની અમૃતવાણીનો લાભ ભક્તજનોએ લીધો હતો. સવારે ૮ :૩૦ થી ૧૨ :૩૦ સુધી ભક્તજનો માટે આધ્યાત્મિક શિબિરનો પ્રેરણાભર્યો કાર્યક્રમ યોજાયો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિક મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિક મહોત્સવનો કાર્યક્રમ ૨૧મી એપ્રિલથી ૨૯મી એપ્રિલ, ૨૦૧૯ સુધી આશ્રમના વિવેક હાૅલમાં યોજાયો હતો.

૨૧મી એપ્રિલથી ૨૩મી એપ્રિલ, ૨૦૧૯ સુધી દરરોજ સાંજે ૭ :૪૫ કલાકે રામકૃષ્ણ મિશન, પટણાના સચિવ શ્રીમત્ સ્વામી સુખાનંદજી મહારાજના મુખેથી વહેલી સત્સંગગંગાનું રસપાન બહોળી સંખ્યામાં ભાવિકજનોએ કર્યું હતું. તેમણે સંગીત સાથે રામચરિત માનસ પર આધારિત ‘ભરતમિલાપ’નું આખ્યાન રજૂ કર્યું હતું.

૨૪મી થી ૨૬મી એપ્રિલ, ૨૦૧૯ સુધી દરરોજ સાંજે ૭ :૪૫ કલાકે ગુજરાતના સુખ્યાત માણભટ્ટ શ્રી ધાર્મિકલાલ પંડ્યાએ મહાકવિ પ્રેમાનંદ કૃત સુદામા ચરિત્ર, નળાખ્યાન અને રામચરિત માનસ પર આધારિત ‘ભરતમિલાપ’ની આખ્યાનકથા પોતાની માણના સંગીત સાથે રજૂ કરી હતી. ભાવિકજનોએ આ પ્રસંગકથાને મનભરીને માણી હતી.

૨૭, ૨૮ અને ૨૯ એપ્રિલના રોજ સાંજે ૭ :૪૫ કલાકે અનુક્રમે ‘શ્રીરામકૃષ્ણદેવના સંદેશની પ્રાસંગિકતા’, ‘શ્રીમા શારદાદેવીના સંદેશની પ્રાસંગિકતા’ અને ‘સ્વામી વિવેકાનંદના સંદેશની પ્રાસંગિકતા’ વિશે સ્વામી આદિભવાનંદજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જાહેરસભામાં રામકૃષ્ણ મિશન, ઇન્દોરના સચિવ સ્વામી નિર્વિકલ્પાનંદજી; રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ શ્રીમત્ સ્વામી આત્મદિપાનંદજી અને રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી ગુણાશ્રયાનંદજી મહારાજનાં વ્યાખ્યાનોનો લાભ ભક્તજનોએ લીધો હતો. દરરોજ કાર્યક્રમના અંતે શ્રીમત્ સ્વામી આદિભવાનંદજી મહારાજે તળપદી ગુજરાતી ભાષામાં ભક્તજનોને પોતાની પ્રભાવક શૈલીથી સંબોધ્યા હતા.

૨૧થી ૨૩મી એપ્રિલની સંગીત સંધ્યા, ૨૪થી ૨૬મી એપ્રિલની આખ્યાનમાળા સંધ્યા અને ત્રણેય દિવસની જાહેરસભામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં. બધા કાર્યક્રમોનો પ્રારંભ રાજકોટ આશ્રમના સંન્યાસી અને બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચાર અને ભજનોથી થયો હતો.

અંતર્યોગ શિબિર

૨૭થી ૨૯મી એપ્રિલ, ૨૦૧૯ એમ ત્રણ દિવસ સુધી અગાઉથી નોંધાયેલા શહેરના તેમજ બહારગામના ભક્તજનો માટે સવારના ૪ :૩૦થી ૧૨ :૦૦, બપોર પછી ૨ :૪૫થી ૫ :૦૦ તેમજ સાંજે ૬ :૩૦થી ૮ :૪૫ સુધીની ત્રણ દિવસની અંતર્યોગ શિબિરનું આયોજન થયું હતું. તેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે શ્રીરામકૃષ્ણદેવ વિશે, બીજા દિવસે શ્રીશ્રીમા શારદાદેવી વિશે અને અંતિમ દિવસે સ્વામી વિવેકાનંદ વિશે પ્રવચન; પ્રથમ દિવસે શ્રીરામકૃષ્ણનામ, બીજા દિવસે શ્રીમા નામ, અંતિમ દિવસે શ્રીશિવનામ સંકીર્તનનું આયોજન થયું હતું. આ ત્રિદિવસીય કાર્યક્રમોમાં મંદિરમાં જપધ્યાન, વૈદિક મંત્રોચ્ચાર, વિવેક હાૅલમાં ગાઈડેડ મેડિટેશન, ભજન, ગીતાપાઠ, પ્રશ્નોત્તરી વગેરે આયોજિત થયાં હતાં. દરરોજની સાંજની જાહેરસભામાં બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા અને રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી મહારાજ

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી મહારાજ ૮ થી ૧૨ મે, ૨૦૧૯ સુધી રામકૃષ્ણ મિશન, વડોદરામાં પધાર્યા હતા. ૧૦ મે, શુક્રવારે અગાઉથી નોંધાયેલા જિજ્ઞાસુ ભક્તજનોને પૂ.મહારાજશ્રીએ મંત્રદીક્ષા આપી હતી. ૧૧ મે, શનિવારે સંધ્યા આરતી પછી તેમણે ભક્તજનોને આશીર્વચન આપ્યાં હતાં. ૮ થી ૧૧ મે સુધી સંધ્યા આરતી પછી ઘણા ભક્તોએ તેમનાં દર્શનનો લાભ લીધો હતો.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી મહારાજ ૧૨ થી ૧૭ મે, ૨૦૧૯ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પધાર્યા હતા. ૧૪ મે, મંગળવાર અને ૧૬ મે, ગુરુવારે અગાઉથી નોંધાયેલા જિજ્ઞાસુ ભક્તજનોને પૂ.મહારાજશ્રીએ મંત્રદીક્ષા આપી હતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમના વિવેક હાૅલમાં સ્વામી વિવેકાનંદજીના શિકાગો વ્યાખ્યાનોની ૧૨૫મી જયંતીના ઉપલક્ષે

તા. ૧૩-૫-૨૦૧૯, સોમવારના રોજ સાંજે ૭.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી મહારાજની અધ્યક્ષતા હેઠળ એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં પૂજ્ય મહારાજશ્રીએ ભક્તજનોને આશીર્વચન આપ્યાં હતાં અને પ્રકાશન વિભાગ તરફથી પ્રકાશિત નવાં પાંચ પુસ્તકોનું વિમોચન કર્યું હતું.

ભગિની નિવેદિતા કૃત ‘મારા ગુરુદેવ સ્વામી વિવેકાનંદ’ અને લક્ષ્મીનિવાસ ઝુનઝુનવાલા લિખિત ‘વિશ્વધર્મ સંમેલન શિકાગો ૧૮૯૩’ – આ બંને અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ છે. ‘વિશ્વ ધર્મ પરિષદ અને વિવેકાનંદ’ તથા ‘આધુનિક યુવા વર્ગ અને સ્વામી વિવેકાનંદ’ – આ બંને પુસ્તકો અમારા માસિક પત્ર ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં આવેલ લેખોનું સંકલન છે. સ્વામી અભેદાનંદજી મહારાજની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘Indian Culture and Philisophy’ વિશે તા. ૩ અને ૪ ફેબ્રુઆરી, ૨૦૧૮, બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન થયું હતું. તેમાં ભારતભરના ખ્યાતનામ વક્તાઓએ મનનીય પ્રવચનો આપ્યાં હતાં. આ પ્રવચનોને ‘Indian Culture and Philisophy’ પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવ્યાં છે.

૧૨ મે થી ૧૭ મે સુધી સંધ્યા આરતી પછી ઘણા ભક્તોએ તેમનાં દર્શનનો લાભ લીધો હતો.

Total Views: 95
By Published On: June 1, 2019Categories: Samachar Darshan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram