જો તમે ખરેખર સમયનું મહત્ત્વ જાણવા માગતા હો તો વિદ્યાર્થીને પૂછો. તમે એક વર્ષનું મહત્ત્વ જાણવા ઇચ્છતા હો, તો એવા વિદ્યાર્થીને પૂછો કે જેણે પરીક્ષામાં નાપાસ થઈ એક વર્ષ બગાડ્યંુ હોય. જો તમે એક મહિના જેટલા સમયનું મૂલ્ય જાણવા ઇચ્છતા હો તો તેવી સ્ત્રીને પૂછો કે જેણે ચાર માસના અવિકસિત બાળકને જન્મ આપ્યો હોય.
જો તમે એક અઠવાડિયાનું મહત્ત્વ જાણવા માગતા હો, તો તમે સાપ્તાહિક મેગઝીનના તંત્રીને પૂછો. જો તમે એક દિવસનું મૂલ્ય જાણવા માગતા હો, તો એક એવા વેપારીને પૂછો કે જેણે ટેન્ડર એક દિવસ મોડું ભરવાના કારણે પોતાનો કોન્ટ્રાક્ટ ગુમાવ્યો હોય. એક ક્લાકની કિંમત જાણવી હોય તો પોતાના સંતાનની એક કલાકથી રાહ જોઈને બેઠેલી માતાને પૂછો. જો તમે એક મિનિટની કિંમત જાણવા માગતા હો, તો એક મિનિટ માટે મોડા પડીને ટ્રેન ચૂકેલા મુસાફરને પૂછો. જો એક સેકન્ડનું મૂલ્ય જાણવું હોય, તો આંખના પલકારામાં જ અકસ્માતથી બચી ગયેલ વ્યક્તિને પૂછો. અને એક મિલિસેકન્ડનું મહત્ત્વ જાણવા ઇચ્છતા હો, તો એક મિલિસેકન્ડ માટે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાથી વંચિત રહી ગયો હોય તેવા ખેલાડીને પૂછો.
કેટલાક લોકો ટાઇમ મેનેજ્મેન્ટને સમયબદ્ધતાનો પર્યાય સમજે છે, પરંતુ તે સાચુંં નથી. તે તો ટાઇમ મેનેજમેન્ટનો એક ભાગ છે. આમ છતાં સમયબદ્ધતા એ પણ એક સારી બાબત છે. પરંતુ ભારતમાં વધુ પડતા સમયબદ્ધ હો તો તમે હતાશાનો ભોગ બનો છો, કારણ કે અહીં બધું ‘ભારતીય સમય’ પ્રમાણે ચાલે છે. આ ‘ભારતીય સમય’ એટલે કે અડધો ક્લાક મોડું ચાલવું : આ પ્રકારની માનસિકતા સાથે હું પોરબંદર ગયો. પરંતુ ત્યાં જઈને મને ખબર પડી કે અહીં તો ‘પોરબંદર સ્ટાન્ડર્ડ ટાઇમ’ ચાલે છે. આપ જાણો છો કે આપણા રામકૃષ્ણ મિશનમાં આપણે હંમેશાં કોઈ પણ કાર્યક્રમ સમયસર જ શરૂ કરીએ છીએ. ૮.૩૦ એટલે ૮.૩૦. કાર્યક્રમ સમયસર જ શરૂ થાય. એક વખત ૮.૩૦ વાગ્યે નક્કી થયેલા કાર્યક્રમમાં કેટલાક લોકો ૧૦.૩૦ વાગ્યે આવ્યા અને પૂછવા લાગ્યા, ‘તમે શા માટે કાર્યક્રમ શરૂ નથી કરતા ?’ મેં તેમને કહ્યું કે કાર્યક્રમ એક ક્લાકનો જ હતો. તે પૂરો થઈ ગયો છે. સભાખંડને તાળું મરાઈ ગયું છે.
ધીરે ધીરે ત્યાં (પોરબંદર)માં લોકોને સમજાઈ ગયું કે જો તમારે રામકૃષ્ણ મિશનના કાર્યક્રમમાં હાજરી આપવી હોય તો સમયસર જ જવું જોઈએ. તેમને આ પ્રકારની આદત પાડવા મને ઘણાં વરસો લાગ્યાં. વડોદરામાં પણ આ ‘ભારતીય સમય’ ની પ્રણાલી જ ચાલતી હતી. તેના ઉપચારરૂપે મેં એક યુક્તિ કરી.
હું એવી જાહેરાત કરતો કે આધ્યાત્મિક શિબિર ૮.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન યોજાશે. હું જાણતો હતો કે લોકો ૯.૦૦ વાગ્યા પહેલાં આવશે જ નહીં, તેથી ૮.૩૦ થી ૯.૦૦ વાગ્યાનો સમય રજીસ્ટ્રેશન માટેનો રાખવામાં આવતો. આમ, આપણને પડતી મુશ્કેલીઓમાંથી રસ્તો શોધવાનો આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ.
આપણે પશ્ચિમી સમયબદ્ધતાનું અનુકરણ કરતા નથી…
આપણે પશ્ચિમના દેશો પાસેથી ઘણી બાબતો શીખવાની જરૂર છે. પરંતુ તમે જાણો છો કે આજનું આપણું યુવાધન પશ્ચિમના જગતની ભૌતિકતાનું આંધળું અનુકરણ કરી રહ્યું છે. સ્વામી વિવેકાનંદજી આવા હલકા અને અવિવેકી અનુકરણના હળાહળ વિરોધી હતા. તેઓ આપણને ઘેટાંનાં ટોળાં બનવા સામે હંમેશાં ચેતવતા. અલબત્ત, સારી બાબતો આપણે હંમેશાં શીખવી જ જોઈએ – તે પૂર્વની હોય કે પશ્ચિમની. સ્વામીજી કહેતા કે આપણે પશ્ચિમના વિજ્ઞાન અને ભારતીય વેદાંતનો સમન્વય કરવો જોઈએ. પરંતુ સમયબદ્ધતા જેવો સારો ગુણ આપણે પશ્ચિમના દેશો પાસેથી શીખ્યા નહીં.
આપણા આદરણીય પૂજ્ય સંતોમાંના એક એવા રામકૃષ્ણ મઠના પરમાધ્યાક્ષ સ્વામી રંગનાથાનંદજી ભારતીય સંસ્કૃતિના એમ્બેસેડર તરીકે નિમાયા હતા. વેદાંતનો સંદેશો વિશ્વમાં ફેલાવવા માટે ભારત સરકાર દ્વારા દેશ-વિદેશમાં તેમને મોકલવામાં આવતા. એને લીધે ઘણા દેશોમાં એમણે (ઘણી વિશિષ્ટ વ્યક્તિઓ સાથે) મૈત્રીસંબંધો બાંધ્યા હતા.
તેમના એક મિત્ર જાપાનીઝ હતા. જ્યારે તેઓ ભારત આવ્યા, ત્યારે સ્વામીજીને મળ્યા અને કહ્યું : ‘સ્વામીજી, મને ભારતમાં એક આશ્ચર્યજનક બાબત જોવા મળી. અમે જાપાનમાં ઘણી બધી ઘડિયાળોનું ઉત્પાદન કરીએ છીએ, પરંતુ અમે તેનો ઉપયોગ કરતા નથી. અમે તેને બહારના દેશોમાં વેચીને વિદેશી હૂંડિયામણ કમાઈએ છીએ. અમારે ત્યાં જાપાનમાં કુટુંબ દીઠ માત્ર એક ઘડિયાળ હોય છે. પરંતુ અહીં ભારતમાં તો દરેક વ્યક્તિ ઘડિયાળ પહેરે છે, અરે રીક્ષાવાળાઓ પણ ! આમ છતાં આશ્ચર્યજનક બાબત એ છે કે કોઈ સમયપાલન કરતું જ નથી.’
જાપાનમાં તો ત્રણ મિનિટ ટ્રેન મોડી થવાના કારણે ટ્રેન ડ્રાઇવરને સજા કરવામાં આવી હતી. શા માટે ? કારણ કે ટ્રેનમાં પાંચ હજાર મુસાફરો હતા. પાંચ હજાર મુસાફરોની ત્રણ મિનિટ એટલે કુલ પંદર હજાર મિનિટનો સમય વેડફાયો, તેવો તેના પર આરોપ હતો. પરંતુ અહીં ભારતમાં કોઈ ટ્રેન અડધો કલાક મોડી હોય તો તેને સામાન્ય ઘટના જ ગણવામાં આવે છે. જો ત્રણ-ચાર કલાક ટ્રેન મોડી હોય તો જ ‘કેમ થયું ?’ ‘શું થયું ?’ જેવી પૂછપરછ શરૂ થાય છે. રાહ જોઈને ઊભેલા મુસાફરો ક્યારેક લાંબા અંતરની ટ્રેન સમયસર આવતી જુએ છે, અને અચરજ પામે છે. પરંતુ તપાસ કરતાં તેને ખબર પડે છે કે આ ટ્રેન ચોવીસ કલાક મોડી છે, એટલે કે ગઈકાલની છે !
હું ઈ.સ. ૨૦૦૪માં યુરોપ ગયો. લંડનમાં સરસ મજાનું વિવેકાનંદનું કેન્દ્ર આવેલું છે. જ્યારે હું ત્યાં ગયો ત્યારે કેન્દ્ર સંભાળતા શ્રી જય લાખાણીએ મને ત્યાંના યુવાનોના ગ્રુપને સંબોધવાનું કહ્યું. કાર્યક્રમનો સમય સાંજના ૬.૧૫ વાગ્યાનો નક્કી થયો. ઇંગ્લેન્ડના હવામાન વિશે કશું કહી શકાય નહીં. અચાનક તોફાન શરૂ થયું અને ધોધમાર વરસાદ પણ ચાલુ થઈ ગયો. સારું થયું કે અમે સમયથી પણ પહેલાં પહોંચવાની યોજના કરી હતી એટલે બરાબર ૬.૦૦ વાગ્યે તો સ્થળ ઉપર પહોંચી પણ ગયો.
જ્યારે મેં જઈને જોયું તો સભાખંડ ખાલી હતો. આવી પરિસ્થિતિ ભારતમાં સર્જાય તો ? તો કહેવામાં આવે કે કાર્યક્રમ રદ કરેલ છે ! તેથી મેં મન મનાવ્યું કે ખરાબ મોસમના કારણે આ કાર્યક્રમ રદ થયો હશે. હું ઓફિસમાં ગયો. મને ચા આપવામાં આવી.
બરાબર ૬.૧૩ વાગ્યે આયોજકોએ મને કહ્યું : ‘સ્વામીજી, કાર્યક્રમ માટે મોડું થઈ રહ્યું છે.’ ‘શું કાર્યક્રમ રદ નથી થયો ?’ મેં આશ્ચર્ય સાથે પૂછ્યું. આયોજકે તરત જ કહ્યું, ‘તમને કોણે કહ્યું કે કાર્યક્રમ રદ થયો છે?’ મેં કહ્યું, ‘ભારે વરસાદ છે અને સભાખંડ ખાલી છે.’ એટલે તેણે કહ્યું : ‘સભાખંડ ખાલી છે એમ કોણ કહે છે ! સભાખંડ તો ખીચોખીચ ભરેલો છે, આવો, જુઓ.’ હું તરત જ ચા છોડીને ત્યાં ધસી ગયો અને જોયું તો ૬.૧૦ વાગ્યે ત્યાના લોકોએ આવવાનું શરૂ કર્યું. તેઓ ત્યાં રાખેલ હેંગરમાં પોતાનો રેનકોટ રાખતા હતા અને ૬.૧૫ સુધીમાં તો દરેકે પોતાની બેઠક મેળવી લીધી. આખો સભાખંડ ભરાઈ ગયો. તે એક ક્લાકનો કાર્યક્રમ હતો, જેથી બરાબર ૭.૧૦ વાગ્યેે આયોજકે મારા કાનમાં કહ્યું, ‘સ્વામીજી, ૭.૧૦ વાગ્યા છે અને હવે તમે મને માઇક આપો જેથી હું આભારવિધિ કરું; એટલે ૭.૧૫ વાગ્યે ઓડિયન્સ અહીંથી હોલ છોડી નીકળી શકે, કારણ કે તેમાંના મોટા ભાગના શ્રોતાઓએ અન્ય જગ્યાએ સમયસર પહોંચવાનું છે.’
યુ.કે.થી હું હોલેન્ડ, જર્મની, ફ્રાન્સ અને પછી સ્વિટ્ઝર્લેન્ડ ગયો. જ્યારે પૂ. સ્વામી વિવેકાનંદ બીમાર પડ્યા, ત્યારે તેમના ત્યાંના મિત્રો તેમને સ્વિટ્ઝર્લેન્ડ લઈ ગયા હતા. ત્યાં સાફે (SassFee)માં મધર મેરીનું એક ચર્ચ હતું. તેનાથી સ્વામીજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આથી મને પણ તે પવિત્ર સ્થળની મુલાકાત લેવાની અદમ્ય ઇચ્છા હતી. હું બસ દ્વારા તે સ્થળેએ પહોંચ્યો. ચર્ચ સુધી પહોંચવા થોડું પગપાળા ચાલવું પડે તેમ હતું, તેથી હું ચાલીને ત્યાં પહોંચ્યો. ત્યાંની મુલાકાત લઈને હું બસ સ્ટોપ પર પાછો આવ્યો. રેલવે સ્ટેશને લઈ જતી બસ ક્યારે આવશે તેની મને ખબર હતી. બસનો સમય ૩.૩૫નો હતો. તેથી હંુ ઝડપથી દોડતો દોડતો બસ સ્ટોપ પર લગભગ ૩.૩૬ મિનિટે પહોંચી ગયો.
મેં લગભગ દસેક મિનિટ સુધી રાહ જોઈ. મને એમ થયું કે બસ મોડી છે. મારી બાજુમાં એક અન્ય વ્યક્તિ પણ ઊભી હતી. મેં તેમને પૂછ્યું, ‘બસ કેમ આવતી નથી ? મોડી છે ?’ તેણે કહ્યું, ‘તમે શું કહો છો? બસ તો બરાબર ૩.૩૫ વાગ્યે આવી જ હતી. આ સ્ટેશને ખૂબ થોડા મુસાફરો ચડતા ઊતરતા હોવાથી અહીં માત્ર ૩૦ સેકન્ડનો જ સ્ટોપ છે. પછી તેણે મારું ધ્યાન દોર્યું કે મારી ઘડિયાળ એક મિનિટ મોડી ચાલે છે. એના કારણે હું બસ ચૂકી ગયો. (ક્રમશ 🙂
Your Content Goes Here




