(આંતરરાષ્ટ્રીય મેગસૅસૅ અૅવોર્ડ પ્રાપ્ત કરનાર દેશનાં પ્રથમ મહિલા આઈ.પી.એસ. અધિકારી શ્રીમતી કિરણ બેદીએ ૨૦મી નવેમ્બર, ૧૯૯૫ના રોજ રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કોલકાતામાં રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત યુવસંમેલનમાં ઉપસ્થિત ચાલીસ હજાર યુવા ભાઈ-બહેનોને કરેલ પ્રેરક સંબોધનનો સારાંશ અહીં પ્રસ્તુત છે.)

આદરણીય સ્વામીજીઓ, આ સભાના અધ્યક્ષ ખેલકૂદ અને યુવપ્રવૃત્તિઓના રાજ્ય મંત્રીશ્રી આપણા આદરણીય મુકુલ વાસનિકજી અને મારાં વહાલાં યુવા ભાઈ-બહેનો, આ વિશાળ સ્ટેડિયમમાં તમને આટલી મોટી સંખ્યામાં આવેલાં જોઈને મને અત્યંત આનંદ થાય છે. હું મારું વક્તવ્ય હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષામાં આપીશ, જેથી વધુમાં વધુ લોકો મારું વક્તવ્ય સમજી શકે. મને ખેદ છે કે હું બંગાળીમાં બોલી શકીશ નહીં. મારે એ ભાષા પહેલાં શીખવી પડશે. એ માટે તમારે મારું પોસ્ટિંગ બંગાળમાં કરાવવું પડે.

હમણાં જ તમે પૂ. સ્વામી જિતાત્માનંદજીનું પ્રેરક પ્રવચન સાંભળ્યું તેમાં એમણે સ્વામીજીનો મુખ્ય સંદેશ કહી સંભળાવ્યો કે દરેક વ્યક્તિમાં અનંત દિવ્યશક્તિ રહેલી છે. હું તો એમ માનું છું કે સ્વામી વિવેકાનંદજીનો યુવા વર્ગ માટે જો કોઈ પહેલા નંબરનો સંદેશ હોય તો તે આ છે : ‘બળવાન બનો, સાહસી બનો, નિર્ભય બનો.’

સ્વામીજીએ કહ્યું હતું, ‘તમે ગીતાના અધ્યયન કરતાં ફૂટબાૅલની રમત દ્વારા ઈશ્વરની વધુ નજીક પહોંચી શકશો.’ વિચાર તો કરો. એક સંન્યાસી આવી ક્રાંતિકારી વાત કરે છે ! એક સર્વ ત્યાગી સંન્યાસી જ્યારે કોઈ વાત કરે ત્યારે આપણે માનવી જ પડે. એનો અર્થ એવો નથી કે સ્વામીજી ગીતાના અધ્યયનને ઓછું મહત્ત્વ આપે છે. તેઓ જાણતા હતા કે Strong mind in a strong body – શક્તિદાયી મન બલિષ્ઠ શરીરમાં જ શક્ય છે. એટલા માટે તેમણે આપણા યુવાનોને સૌ પ્રથમ શરીરથી બળવાન બનવાનું આહ્વાન કર્યું હતું.

એક બીજી વાત કે જે સ્વામીજી વારંવાર કહેતા, તે છે, ‘તમે પોતે જ તમારા ભાગ્યના ઘડવૈયા છો.’ નસીબને દોષ દઈને રોદણાં રોવાથી કોઈ લાભ થતો નથી. બધો દોષ પોતાના પર લો અને પુરુષાર્થમાં લાગી જાઓ. આજકાલના મોટા ભાગનાં યુવકયુવતીઓમાં આવી વાત જોવા મળે છે કે તેઓ પોતાની ખામીઓ માટે બીજાને જવાબદાર ગણે છે, બીજાઓ પર આધાર રાખે છે, પણ પોતે પોતાની સહાય કરવા તત્પર થતાં નથી. હમણાં જ તમે પૂ. જિતાત્માનંદજી મહારાજ પાસેથી સાંભળ્યું કે તેઓ મારા નિમંત્રણને માન આપીને તિહાર જેલમાં કેદીઓને પ્રવચન આપવા આવ્યા હતા. કેદીઓના ચારિત્ર્યઘડતર માટે, તેમના વિકાસ માટે અમે પ્રયત્નશીલ છીએ. આ કેદીઓમાંના મોટાભાગના યુવકો આમ જ કહે છે, ‘અમે અમારાં માતપિતાને કારણે નાલાયક બન્યા છીએ અથવા અમુકતમુકને કારણે લાયક બની શક્યા નથી.’ પરંતુ એ યુવકો આ વાતનો સ્વીકાર કરતા નથી, ‘જે કંઈ ભૂલો અમે કરી છે, તે માટે અમે પોતે જ જવાબદાર છીએ.’

નસીબને દોષ દેવાથી કોઈ લાભ થતો નથી. એનું કારણ એ છે કે આપણાં કર્મો પ્રમાણે આપણા ભાગ્યનું નિર્માણ થાય છે. ભગવાનને ભરોસે બેસી રહેવું ન જોઈએ, કારણ કે ફળ તો ભગવાન આપે છે, પણ કર્મ તો આપણે જ કરવાં પડે છે. એટલે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિમ્મત હાર્યા વગર આપણાં યુવા ભાઈબહેનોએ પ્રબળ પુરુષાર્થ કરવા તત્પર રહેવું જોઈએ. સ્વામી વિવેકાનંદજીનાં પુસ્તકોમાં તમને આવા જ બધા શક્તિશાળી વિચારો જોવા મળશે.

Total Views: 111
By Published On: June 1, 2019Categories: Kiran Bedi, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram