આમ તો ગૌરીપૂજા, જયાપાર્વતીના બાલિકા અને નારીઓના પર્વ નિમિત્તે આપણે ત્યાં ઘઉંના જવારા વાવીને વેંત દોઢવેંત ઊંચા થાય ત્યાં સુધી ઉછેરાય છે. આ ઉપરાંત આપણા કેટલાક ધાર્મિક મહોત્સવમાં પણ આ જવારા વવાય છે. જૂના વખતમાં આનું ઔષધીય મૂલ્ય આપણાં પ્રાચીન વૈદકીય શાસ્ત્રો જાણતાં જ હશે. પણ ઘણી વખત સાપ જાય અને લીસોટા રહે એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. એનું મૂળ મૂલ્ય વિસરાઈ જાય અને બાહ્ય ઉપયોગ ચાલુ રહે છે. પરંતુ આધુનિક ચિકિત્સાશાસ્ત્ર અને દવા ઉત્પાદન કરતી કંપનીઓ આવી પ્રાચીન બાબતોનું સાંગોપાંગ સંશોધન કરીને તેમાંથી કંઈક સત્ત્વ તારવવાનો સફળ પ્રયત્ન કરે છે. પ્રકૃતિએ આપણી સમક્ષ કેટકેટલાંય ઔષધો મૂક્યાં છે. આપણે વિદ્યાને વંશવારસાગત કરી અને ઘણી વસ્તુ ગુમાવી પણ છે. આજના આધુનિક વિજ્ઞાન જગતમાં માણસને જિવાડવા માટે જે પ્રશંસનીય પ્રયાસો થઈ રહ્યા છે એ આપણા સૌનું સદ્નસીબ છે. એવી જ વાત આ ઘઉંના જવારા- Wheat Grassની છે.

આપણે ઉપર જોયું તેમ આરોગ્ય સાથે સંબંધિત દરેક નાની મોટી સમસ્યા સામે લડવા માટે પ્રકૃતિએ આપણને અનેક વસ્તુઓ આપી છે. તેની આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે. પ્રકૃતિએ આપેલી ભેટમાંથી એક છે ઘઉંના જવારા જેનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે.

આરોગ્યમાં થતા ફાયદા

ઘઉંના જવારામાં શુદ્ધ રક્ત બનાવવાની શક્તિ હોય છે. એટલે જ તો આ જ્વારાના રસને ‘ગ્રીન બ્લડ’ કહેવામાં આવે છે. આને ગ્રીન બ્લડ કહેવાનું એક કારણ એ પણ છે કે ઘઉંના જવારાનો રસ અને માનવ રુધિર બંનેનું પી.એચ ફેક્ટર ૭.૪ જ છે. તેને કારણે તેનંુ સેવન કરવાથી તેનું રક્તમાં જલદી અભિશોષણ થઈ જાય છે.

ઘઉંના જવારાનંુ સૌથી મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે ક્લોરોફિલ. આ ક્લોરોફિલ ક્લોરોપ્લાસ્ટ નામના વિશેષ પ્રકારના કોષોમાં હોય છે. ક્લોરોપ્લાસ્ટ સૂર્યકિરણોની મદદથી પોષકતત્ત્વોનંુ નિર્માણ કરે છે. એ જ કારણ છે કે ડાૅક્ટર વર્શર ક્લોરોફિલને સકેન્દ્રિત સૂર્યશક્તિ કહે છે. આમ તો લીલા રંગની બધી વનસ્પતિઓમાં ક્લોરોફિલ હોય છે. પણ ઘઉંના જ્વારાનું ક્લોરોફિલ ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે. ક્લોરોફિલ ઉપરાંત તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને એંટી-ઓક્સીડેંટ પણ હોય છે.

ઘઉંના જવારા રક્ત અને રક્તસંચાર સંબંધી રોગો, રક્તની કમી, ડાયાબિટીઝ, કેન્સર, ત્વચા રોગ, મોટાપો, કિડની અને પેટ સંબંધી રોગના ઉપચારમાં ઘણા લાભકારી છે. ઘઉંના જવારામાં ક્ષારીય ખનિજ હોય છે. એ અલ્સર, કબજિયાત અને ઝાડામાં રાહત આપે છે અને ખરજવું, શરદી-ખાંસી અને દમમાં લાભકારી છે. મોસમી બીમારીઓની સાથે સાથે આ મલેરિયામાં પણ લાભકારી છે. ડેંગૂમાં પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. સામાન્ય રીતે આવા જવારાના પ્રયોગો કરતાં પહેલાં તમારા ડાૅક્ટરોની સલાહ લેવી સારી. જો કે કોઈ ડાૅક્ટર એનો વિરોધ નહીં કરે.

વિટામિન્સનો ખજાનો

આહારશાસ્ત્રી વિગ્મોરે અનેક પ્રકારના ઘાસ પર પરીક્ષણ કર્યું અને તેમને ઘઉંના જ્વારા સર્વશ્રેષ્ઠ જોવા મળ્યા. તેમના મુજબ ઘઉંના જ્વારામાં ૧૩ પ્રકારનાં વિટામિન્સ અને એંટીઓક્સીડેંટ હોય છે. તેમાં વિટામિન બી-૧૨, અનેક ખનિજ લવણ, સેલિનિયમ અને બધા પ્રકારના અમીનો અમ્લ જોવા મળે છે. ઘઉંના જ્વારામાં જોવા મળતા એંજાઈમ્સ શરીરને વિષાક્ત દ્રવ્યોથી મુક્ત કરે છે. તેથી તેને આહાર નહીં, પણ અમૃત પણ કહી શકાય છે. ઘઉંના જ્વારાનો ઉપયોગ અમેરિકા, યુરોપ, એશિયા અને ભારતના લોકો ઝડપથી કરી રહ્યા છે. ઔષધીય ગુણોને જોતાં આહાર વિશેષજ્ઞોએ પણ આને પ્રકૃતિની સંજીવની બુટી કહી છે.

થાયરોઈડ, હૃદયરોગ અને હાઈબીપીમાં પણ લાભકારી છે કારણ કે આ કોલેસ્ટરલને નિયંત્રિત રાખે છે. ઘઉંના જ્વારાને ચાવવાથી ગળાની ખરાશ અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. તેના રસના કોગળા કરવાથી દાંત અને મસૂઢાના ઈન્ફેક્શનમાં લાભ થાય છે. ત્વચા પર જ્વારાનો રસ લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.

તેનો રસ પાચનક્રિયાને ઉત્તેજિત કરે છે. મંદાગ્નિવાળા માટે જવારાનો ઉપયોગ ઘણો લાભકારી બને છે. શરીરની રોગ-પ્રતિકારક ક્ષમતાને વધારે છે. શરીરમાંથી દૂષિત પદાર્થ બહાર કાઢીને શરીરને બલિષ્ઠ બનાવે છે અને તરત જ શક્તિ પ્રદાન કરે છે.

ઘઉંના બીજને ઉપજાઉ માટીમાં વાવતાં થોડાક જ દિવસોમાં તે અંકુરિત થાય છે. જ્યારે આ અંકુરણ પાંચ છ પાનનંુ થઈ જાય, તો અંકુરિત બીજના આ ભાગને ઘઉંના જ્વારા કહેવાય છે. સારા પ્રકારના જૈવિક ઘઉંના બીજને વાવવા માટે ઉપજાઉ માટી ને જૈવિક કે છાણના ખાતરનો ઉપયોગ કરો. રાત્રે સૂતી વખતે જરૂર મુજબ ઘઉંને એક પાત્રમાં પલાળીને રાખો. બીજા દિવસે ઘઉંને ધોઈને કુંડામાં પાથરી દો અને ઉપરથી માટી નાખો અને પાણીથી સીંચો. કુંડાને કોઈ છાંયડાવાળા સ્થાન પર મૂકો, જ્યાં તેને પૂરતા પ્રમાણમાં હવા અને પ્રકાશ મળતો રહે. પણ સીધાતાપથી બચાવો. ૫-૬ દિવસ પછી ૭-૮ ઈંચ લાંબા જ્વારા થઈ જાય તો તેને જડ સહિત ઉખાડીને સારી રીતે ધોઈ લો. હવે તેને વાટી લો. લગભગ અડધો ગ્લાસ પાણી મિક્સ કરીને તેને ગાળી લો અને સવારે ખાલી પેટ પીઓ.

એક કલાક સુધી કોઈપણ આહાર કે પેય પદાર્થ ન લો. જ્વારાના રસમાં ફળો જેવાં કે સફરજન, અનાનસ વગેરે અને શાકભાજીઓના રસને મિક્સ કરી શકાય છે. હા, પણ ક્યારેય તેમાં ખાટો રસ જેવાં કે લીંબું કે સંતરાનો રસ મિક્સ ન કરો, કારણ કે આ જ્વારાના રસમાં રહેલા એંજાઈમ્સને નિષ્ક્રિય કરી નાખે છે.

ઘઉંના જ્વારા અત્યંત પોષક હોય છે. તેમાં શરીરને જરૂરી એવાં લગભગ તમામ ન્યુટ્રીઅન્ટ્સ છે. તે આવશ્યક એમિનો એસિડ્સ ઉપરાંત લગભગ મોટાભાગનાં વિટામિન ધરાવે છે. તે આયર્ન, કેલ્શિયમ, એન્ઝાઇમ્સ, બાયો ફલેવોનોઈડ્સ જેવાં ખનિજોથી પણ ભરપૂર છે. તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીએજિંગ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે. તેના રસના સેવનથી આર્થ્રાઇટિસનાં લક્ષણો જેવાં કે જકડાટ, દુખાવો, સોજો વગેરેમાં રાહત મળે છે. ઘઉંના જ્વારાનો જ્યુસ. જો કે આ રસ ખૂબ મર્યાદિત માત્રામાં લેવો, નહીં તો તેની આડઅસર થઈ શકે છે. ઘણાને રસ પીધા પછી ઊબકા, માથાનો દુ :ખાવો, ગળામાં સોજો જેવાં એલર્જીક રિએક્શન થઈ શકે છે, માટે તમને તે અનુકૂળ છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ જ તેનું સેવન કરવું અને હંમેશાં તાજો જ્યુસ જ પીવો.

આમાં ૯૦ જેટલાં ખનિજ તત્ત્વો, ૧૯ પ્રકારના એમિનો એસિડ અને વિટામિન્સ અને મિનરલ્સનો સૌથી સારો સોર્સ છે. તેમાં વિટામિન એ,બી,સી,ઈ,કે અને ડાયેટરી ફાયબર સહિત ક્લોરોફિલ પણ છે. સવાર-સાંજ ૧-૧ ચમચી જવારા પાઉડર કે ટેબ્લેટ લેવાથી શરીરને અનેક પ્રકારનાં ખૂટતાં તત્ત્વો મળી રહે છે. તમે ઘઉંના જ્વારા અને તેનો રસ બન્નેનો ઉપયોગ કરી શકો છો. અત્યારે માર્કેટમાં ઘઉંના જવારાનો પાઉડર મળી રહે છે. તેનો પાઉડર અને ટેબ્લેટ વધુ અસરકારક સાબિત થશે. આયુર્વેદની દૃષ્ટિએ પણ ઘઉંના જવારા ખૂબ જ ગુણકારી અને લાભકારી ઔષધિ છે.

Total Views: 126
By Published On: July 1, 2019Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram