ગતાંકથી આગળ….
ત્યાં તમે ‘महाशनः’નો અર્થ જોઈ શકો છો, તૃષ્ણાઓનો અંત નથી. એકને તૃપ્ત કરો કે બીજી દસ ઊઠવાની જ. આજે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં એને આવશ્યકતા અને લોભ કહીએ છીએ. માનવ- જરૂરિયાતો સંતોષી શકાય; માનવ-લોભ કદી તૃપ્ત ન કરી શકાય. દુનિયામાં ચાર અબજ માનવીઓની બધી આવશ્યકતાઓ પૂરી પાડવા માટે પૂરતો સાધનસ્રોત છે, પણ એમનો લોભ પૂરો પડી શકે તેમ નથી; સમાજમાં લોભ પ્રવર્તે તો કરોડો લોકોને પોતાની પ્રાથમિક જરૂરિયાતો જતી કરવી પડે. અર્વાચીન યુગની આ એક સમસ્યા છે. આ લોભને, આ ઉપભોક્તાવાદના રોગરૂપી આ લોભને આપણે નાથવો જોઈએ, એમ અર્થશાસ્ત્રીઓ, ફિલસૂફો અને ચિંતકો કહે છે. ઉદાહરણ તરીકે અનેક લેખકો અમેરિકાની ટીકા કરે છે. જગતની છ ટકા વસતિ જગતની સાધનસંપત્તિના ચાળીસ ટકા વાપરે છે. એ આજનું અમેરિકા છે. અમેરિકનો જાતે જ આ ટીકા કરે છે. એ સારાં ચિહ્નો છે. માનવ-પરિસ્થિતિને આપણે વધારે ને વધારે સારી રીતે સમજવા કોશિશ કરીએ છીએ – આ સાધનસંપત્તિ જગતભરના લોકોની જરૂરિયાતોને સંતોષવા પૂરતી છે, પરંતુ અલ્પ સંખ્યક લોભી લોકોની જરૂરિયાતોને સંતોષવા પૂરતી નથી. આ લોભવૃત્તિને કારણે પ્રકૃતિ નાશ પામે છે, પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જાય છે.
પંખીઓનો જ દાખલો લઈએ. તેમનો શિકાર કરીને પુરુષોના અને ખાસ કરીને સ્ત્રીઓના પોશાક બનાવવા માટે તેમનાં પીંછાં લેવામાં આવે છે. મોરિશિયસમાં ડોડો નામનું એક પંખી હતું. બસો વર્ષ પૂર્વે સુધી એ હતું. સંસ્થાનવાદીઓ ત્યાં ગયા અને એ લોકોએ ડોડોનો શિકાર કરી ખલાસ કરી નાખ્યાં, વજનમાં એ ઘણું ભારે હોવાથી એ સહેલાઈથી ઊડી શકતું ન હતું. એટલે આજે એ નાશ પામ્યું છે. એના પરથી અંગ્રેજીમાં કહેવત બની છે : ‘ડેડ એઝ ડોડો’, ‘ડોડોની જેમ નાશ પામેલું.’ વ્હેલોની પણ સંખ્યા ઘટતી જાય છે અને પ્રાણીઓની બીજી કેટલીક પ્રજાતિઓ વિશે પણ તેવું જ છે. આમ, લોભવૃત્તિ લઈને મનુષ્યજીવન ટકાવી રાખવા માટે આવશ્યક પર્યાવરણનું સંતુલન છે તે તૂટતું જાય છે. એટલે ‘महाशनः’ અદ્ભુત શબ્દ છે; આજની માનવ-પરિસ્થિતિ વિશે આપણે જે વિચારીએ છીએ તેની સાથે એને નિસબત છે.
બીજો શબ્દ ‘महापाप्मा’. આપણને ઘણું ખોટું કામ કરવા, ઘણો વિનાશ કરવા પ્રેરે છે, તે છે. કામક્રોધ આ બે પરિબળોમાંથી સર્વ પાપ, અનિષ્ટ, ગુના ઉદ્ભવે છે અને એ બે પોતે રજોગુણમાંથી જન્મે છે. આપણામાં રહેલા રજસ સાથે આપણે કેવી રીતે કામ પાર પાડી શકીએ, એ વિશે જરા ઊંડો વિચાર કરો. એની રીત શ્રીકૃષ્ણ પછીથી આપવાના છે : આ રજસને સત્ત્વનો પુટ લગાડી એનામાં પરિવર્તન કરો, એને ઊંચેરું પરિમાણ આપો. એનું શોધન કરો એટલે કશુંક મહાન નીપજશે. સેંકડો લોકોને તમારા દ્વારા એ જ શક્તિ આશીર્વાદ આપશે. કામ અને ક્રોધ આપણા સ્વાર્થ સાથે જ જોડાયેલા રહે, ત્યારે એમ બનતું નથી. એટલે શ્રીકૃષ્ણ કહે છે : विद्धि एनं इह वैरिणम्, એટલે, ‘આ મનુષ્ય લોકમાં’; ‘एनं આ’; ‘विद्धि જાણ’; वैरिणम्, ‘તારા વેરીઓ’, આ પહેલો ઉત્તર છે.
પછીનો શ્લોક દૃષ્ટાંત આપે છે : સર્વ પ્રાણીઓમાં વેદાંતને એક દિવ્ય સ્ફુલિંગ લાધ્યો છે, કારણ કે અનંત દિવ્ય સત્યમાંથી વિશ્વ ઉદ્ભવ્યું છે. આપણાં અજ્ઞાન અને મૂઢતાથી એ ‘કેદ કરાયેલી ભવ્યતા’ને આપણે, બ્રિટિશ કવિ બ્રાઉનિંગે કહ્યા પ્રમાણે ગોપિત રાખીએ છીએ; જ્ઞાનને કશાકથી ઢાંકી રાખ્યું છે; आव्रियते ‘સંતાડી રાખવું’.
धूमेनाव्रियते वह्निर्यथाऽदर्शो मलेन च।
यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम्।।38।।
‘અગ્નિ ધુમાડાથી ઢંકાય છે, અરીસો ધૂળથી ઢંકાય છે, ગર્ભ ઓરથી ઢંકાય છે, તેમ આ (સત્ય) એનાથી (રજસથી) ઢંકાય છે.’ – ત્રણ દૃષ્ટાંતો અપાયાં છે. માનવમાંના આ આધ્યાત્મિક જ્ઞાનને એનામાં રહેલી વિવેકશક્તિને માનવોએ ઢાંકી રાખેલ છે. કેવી રીતે ? આ રીતે : धूमेन आव्रियते वह्निः ‘અગ્નિ ધુમાડા વડે ઢંકાય છે તે રીતે’. यथा आदर्शो मलेन च, એ રીતે, ‘અરીસો ધૂળ વડે ઢંકાય છે તે રીતે’. અને ત્રીજું, यथोल्बेन आवृतो गर्भः, ‘ગર્ભાશયમાંનું શિશુ ઓરથી આચ્છાદિત હોય છે તેમ’; तथा तेन इदम् आवृतम्, ‘બરાબર એ જ રીતે, આ (જ્ઞાન) તે (કામ અને ક્રોધ વડે વ્યક્ત થતા રજોગુણ) વડે ઢંકાયેલ છે ! આમ કહ્યા બાદ પછીનો શ્લોક સ્પષ્ટપણે જણાવે છે કે દરેકમાં રહેલું જ્ઞાન કામથી આચ્છાદિત છે.
आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा।
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च।।39।।
‘હે કૌન્તેય, (નિરંકુશ) કામરૂપી મહા અગ્નિ વડે જ્ઞાન ઢંકાયેલું છે; એ કામાગ્નિ જ્ઞાનીનો નિત્યનો વેરી છે.
માનવીમાંનું આ જ્ઞાન ઢંકાયેલું, આચ્છાદિત થયેલું છે; શાના વડે ? માનવીનો नित्यवैरी, ‘સનાતન શત્રુ’ છે. તે રજોગુણમાંથી ઉદ્ભવતા કામ અને ક્રોધ. નિરકુંશ કામ અને ક્રોધ બધાં માનવીઓના સનાતન શત્રુઓ છે. અહીં વપરાયેલો શબ્દ; नित्यवैरी, છે, અર્થાત્ એક કે બે વારનો નહીં, આખી જિંદગીનો. ज्ञानिनः ‘જ્ઞાનવાળા માનવીનો’, એ બંને આ જ્ઞાનને ઢાંકે છે અને જ્ઞાન ઢંકાય ત્યારે માણસ બધા પ્રકારની ભૂલો કરે. कामरूपेण कौन्तेय, ‘હે અર્જુન, કામના રૂપમાં’, दुष्पूरेण अनलेन च, ‘સંતોષાય નહીં તેવા અગ્નિની જેમ.’ ગુનાના મૂળ વિશે ગીતાનો આ બોધ છે; પરંતુ એમાંથી કેવી રીતે બહાર નીકળવું, તે આપણે જાણવું જોઈએ. આ ગુનામાંથી અને ગુનાહિત વૃત્તિમાંથી આપણે શી રીતે મુક્ત થઈ શકીએ? (ક્રમશ 🙂
Your Content Goes Here




