ગતાંકથી આગળ….
શારીરિક નહીં પણ આંતરિક સૌંદર્યની આવશ્યકતા
આપણા આચાર્યોનું કથન છે કે આધ્યાત્મિક જીવનમાં શારીરિક સૌંદર્ય નહીં, પરંતુ મનનું સૌંદર્ય, મનની સમરસતા સૌથી વધારે મહત્ત્વનાં છે. આપણે જીવનનાં ગંભીરતમ રહસ્યોને ભેદવાની માનસિક ક્ષમતા અર્જિત કરવી જોઈએ. આપણામાં આંતરિક સૌંદર્ય, નૈતિક સૌંદર્ય હોવાં જોઈએ.
અમેરિકાના પ્રેસિડન્ટ લિંકન વિશે એક વાત પ્રસિદ્ધ છે. તેઓ સુંદર ન હતા. એક વાર ફિલાડેલ્ફિયાનું એક પ્રતિનિધિમંડળ એમને મળવા આવ્યું. એમણે એક સભ્યનો પરિચય આપતાં કહ્યું, ‘આ ભાઈએ સૌજન્યપૂર્વક આપણા સમિતિકક્ષ માટે આપનું એક અત્યંત સુંદર ચિત્ર બનાવીને આપણને ભેટ આપ્યું છે.’ રાષ્ટ્રપતિ લિંકને એના પર થોડી વાર વિચાર કર્યો અને ચિત્રકારની તરફ જોઈને કહ્યું, ‘મહાશય, મને એવી ખાતરી છે કે આ ચિત્ર બનાવતી વખતે આપે મારા દેહના રૂપ પર આધારિત નહીં, પરંતુ મારા આદર્શાેના આધાર પર મારા ચિત્રનું અંકન કર્યું છે.’ અને વાસ્તવિક રીતે એની જ આવશ્યકતા છે. દેહના માધ્યમથી મન અને હૃદયની પવિત્રતા પ્રગટ થાય છે. મેં અતિ સામાન્ય દેખાતા લોકોમાં અલૌકિક શ્રી-સંપન્નતા જોઈ છે. આવી સંપન્નતા અત્યંત સુંદર દેહ ધરાવતા લોકોમાં પણ નથી હોતી. એટલું જ નહીં, પરંતુ પવિત્ર અને આધ્યાત્મિક અનુભૂતિવાળી વ્યક્તિ પવિત્ર અને સમરસતાપૂર્ણ સ્પંદનો પ્રસારિત કરતી હોય છે. એનો એમના સાન્નિધ્યમાં આવનારા લોકો પર માત્ર સુખદ જ નહીં, પરંતુ તેમને ઉદાત્ત બનાવનારો પ્રભાવ પડે છે.
જેવું આ પહેલાં કહ્યું છે તેમ આપણા અધ્યાત્મના આચાર્યો ઉચ્ચતર આધ્યાત્મિક જીવનયાપન માટે ઉપયુક્ત ગુણસંપન્ન બનાવવા અત્યંત ચિંતિત રહેતા, કારણ કે એમના વિના ‘તલવારની ધાર પર’ ચાલી શકાય નહીં.
આપણા દુર્ગુણ
દેહના દોષ તથા દેહની અસામંજસ્યપૂર્ણ ક્રિયાને દૂર કરવી પડે. એક પુરાતન ઔપનિષદિક આચાર્ય પોતાના શિષ્યની સાથે પ્રાર્થના કરતાં કહે છે, ‘મારાં બધાં અંગ, વાણી, શ્વાસ-ઉચ્છ્વાસ, નેત્ર, કર્ણ, પ્રાણ તથા બધી ઇન્દ્રિયો પૂર્ણ સમર્થ બને – ‘आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि’ (छांदोग्य उपनिषद् – शांतिपाठ). આવી સમરસતા થયા પછી દેહમાં રહેવું કેટલું આનંદપ્રદ છે, એનો અનુભવ આપણને થશે. દેહનાં વિભિન્ન અંગોની સમરસતા કેવી રીતે સ્થાપિત કરી શકીએ ? અસ્વાસ્થ્યકર આહાર ન કરો, નિષ્કામ કર્મ કરો તેમજ સુનિયોજિત સંયમિત તથા નૈતિક જીવનયાપન કરો. સંતુલિત, સુુસંયત ચિંતન અને કર્મ દેહને સુસંતુલિત કરે છે.
ઇન્દ્રિયોના દોષોને અશુભ ઇન્દ્રિયવિષયોથી હટાવીને, સાચી દિશા આપીને તેમને દૂર કરવા જોઈએ. શુભ, પવિત્ર અને આધ્યાત્મિક વિષયો સાંભળો અને જુઓ. આપણી ઇન્દ્રિયોનો એવી રીતે ઉપયોગ કરો કે તે તમને શ્રીહીન કરવાને બદલે મનને શુભ આહાર આપીને તમને સંપન્ન બનાવે.
મનના દોષોનું નિરાકરણ મનોવેગો દ્વારા નહીં, પરંતુ ઉચ્ચતર વિવેક અને મનનથી પરિચાલિત જીવન દ્વારા તેનું નિરાકરણ કરવું જોઈએ. આધ્યાત્મિક જીવન માટે હાનિકારક હોય એવી બાબતોથી દૂર રહેવું જોઈએ અને તેમાં મદદરૂપ થાય તેવી બાબતોને ગ્રહણ કરવી જોઈએ. જે સહાયક છે તે ખૂબ અપ્રિય બની શકે છે, આમ છતાં આપણે તેને સ્વીકારવું જોઈએ. સાથે ને સાથે તેનું અનુસરણ કરીને મનના દોષોને મહદંશે દૂર કરવામાં આપણે સફળ થઈ શકીશું.
વિશેષ કરીને આપણે જ્યારે એને નિયંત્રિત કરવા ઇચ્છીએ છીએ, ત્યારે આપણું મન આપણને અનેક પ્રકારનાં દુ :ખકષ્ટ આપે છે. ક્યારેક ક્યારેક તે ઘણું જડ બની જાય છે. તે આગળ વધવા જ ઇચ્છતું નથી. ક્યારેક ક્યારેક તે ઉન્મત્ત બનીને એક વિષય પરથી બીજા વિષય પર દોડતું રહે છે. જો કે આ જડ મન થોડા સમય માટે શાંત પણ રહે છે, છતાં પણ તે પુન : પોતાનું ઉન્મત્ત-કાર્ય આરંભી દે છે. પરંતુ પ્રશિક્ષણ દ્વારા આ ઉન્મત્ત મનને એકાગ્ર કરી શકાય છે. આપણા આચાર્યોનું કથન છે કે આપણો આહાર શુદ્ધ હોવો જોઈએ. મુખેથી ગ્રહણ કરેલો આહાર શુદ્ધ હોવો જોઈએ. એને લીધે દેહમાં સમરસતા આવવી જોઈએ. આવી રીતે બીજી બધી ઇન્દ્રિયો દ્વારા આહારિત કરવામાં આવતો આહાર શુદ્ધ હોવો જોઈએ. આ એક શુદ્ધ સૂક્ષ્મ શરીરના નિર્માણમાં સહાયક બને છે. જેને લીધે તેઓ એક સમરસ સૂક્ષ્મ શરીરના નિર્માણમાં સહાયક બને તે માટે મન દ્વારા આપણે જે આહાર કરીએ છીએ તે પણ શુદ્ધ હોવાં જોઈએ. એક સંસ્કૃત કહેવત છે – ‘फणी पीत्वा क्षीरं वमति गरलं दुःसहतरम् – સાપને ભલે આપણે દૂધ પિવડાવીએ પણ તે તો અસહ્ય વિષ જ ઉત્પન્ન કરશે.’ એ એનો સ્વભાવ છે. એવી જ રીતે શુદ્ધ શાકાહારી ભોજન કરવું એ પૂરતું નથી, પરંતુ આપણો સ્વભાવ બદલવો જોઈએ; આપણે પવિત્ર, પ્રેમી અને મૃદુ સ્વભાવના બનવું જોઈએ.
આપણામાં કેટલાય દોષ છે. વારુ, શું આપણે આ દોષોને એક પછી એક દૂર કરીશું ? કેટલાક મનોવૈજ્ઞાનિક કહે છે કે પહેલાં મસ્તકને, ત્યાર પછી કાનને, પછી નાકને, પછી હાથ, છાતી અને પગ વગેરેને ઢીલાં કરો. કેટલાક બીજા વૈજ્ઞાનિકો વાસનાઓનું દમન ન કરવાની અને તેની પૂર્ણ અભિવ્યક્તિ કરવાની સલાહ આપે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં પોતાની જાતને સુધારવાના આ ખંડશ : ઉપાયોથી બહુ ઓછા લોકોને સ્થાયી લાભ મળ્યો છે. વેદાંત આ વિષયના મૂળમાં જાય છે. તે આપણી સમગ્ર આત્મસત્તાનું નિદાન રજૂ કરે છે. આપણા સામાન્ય અહંકારની પાછળ એક ઉચ્ચ આત્મા છે; અને તે પવિત્રતા, શક્તિ અને આનંદનો સ્રોત છે. તમે એ આત્માને જેટલો વધારે ચાહશો અને તેને પોતાનાં વિચારો અને ક્રિયાઓના માધ્યમથી અભિવ્યક્ત થવા દેશો તેટલા પ્રમાણમાં તમે પૂર્ણ અને શાંત બનશો. શ્રીરામકૃષ્ણના મહાનતમ શિષ્ય સ્વામી વિવેકાનંદ આપણને નિર્દેશ આપતાં કહે છે, ‘તમે પોતાને અને પ્રત્યેક વ્યક્તિને પોતાના સાચા સ્વરૂપનું શિક્ષણ આપો અને ઘોરતમ મોહનિદ્રામાં પડેલ જીવાત્માને એ ઊંઘમાંથી જગાડી દો. જ્યારે તમારો જીવાત્મા પ્રબુદ્ધ બનીને સક્રિય થઈ જશે, ત્યારે તમે પોતે જ શક્તિનો અનુભવ કરશો, મહિમા અને મહત્તા પામશો; સાધુતા આવશે અને પવિત્રતા પણ પોતાની મેળે ચાલી આવશે; એનો અર્થ એ થયો કે જે થોડા સારા ગુણો છે તે બધા તમારી પાસે આવી જશે.’ એક પછી એક એવું અંગનું શુદ્ધીકરણ નહીં, પરંતુ અખંડ આત્માને પ્રાપ્ત કરવા વેદાંત આવું શીખવે છે. (ક્રમશ 🙂
Your Content Goes Here




