મદ્રાસથી પાછા આવીને બેલુર મઠમાં રહ્યો, તબિયત ખરાબ. શ્રી મ. જોઈને ચિંતિત થયા. પરંતુ લોકાચાર પ્રમાણે સેવા-શુશ્રૂષાની વ્યવસ્થા કરવાની શક્તિ હોવા છતાં પણ ન કરી. કહેવા લાગ્યા, ‘ઘણાયમાં પોતાના શરીરની રક્ષા કરવાની શક્તિ નથી હોતી. ઘણા એવા case જોયા છે. પરંતુ આ માર્ગ જ છે માર્ગ – સંન્યાસ. બીજો માર્ગ નથી. શરીર રહે કે જાય. બુદ્ધદેવે પિતાને કહ્યું હતું : મહારાજ, હું બુદ્ધવંશમાં જન્મ્યો છું. મારા વંશની રીત આ જ છે – ભિક્ષા કરીને ખાવું, ભિક્ષુ-જીવન જીવવું. મારા સંન્યાસ પછી શ્રી મ.એ કહ્યું હતું, ‘હવે સંન્યાસી થયા છો, કેવળ પોતાની મુક્તિ થયે ચાલશે નહીં. સાથે-સાથે બીજાઓ માટે પણ ભાવના કરવી પડશે.’

દેવઘર શ્રીરામકૃષ્ણ મિશન વિદ્યાપીઠમાં હતો. ત્યાં મનમાં હંમેશાં એક ચિંતા રહેતી – ઠાકુરે તો પોતાના ભક્તોને ઈશ્વરદર્શન કરાવી દીધાં – તેઓ તો પરિપૂર્ણ. મને તો એ થયું નહીં. એમનાં સંતાનો પણ એક-એક કરીને ચાલ્યાં જાય છે. શું જોઈને રહીશ- tangible (સ્પર્શનીય-નક્કર) તો કાંઈ પ્રાપ્ત થયું નહીં. મહાપુરુષ મહારાજ અથવા શ્રી મ.ના મુખેથી જો અયાચિતભાવે કાંઈક આશાની વાણી નીકળે તો ખૂબ સારું થાય. મઠમાં જઈને જોયું તો મહાપુરુષ મહારાજ અસ્વસ્થ છે. વાતો કરવી પણ લગભગ બંધ થઈ ગઈ છે. સાંજે કલકત્તા શ્રી મ.ની પાસે ‘ઠાકુરવાડી’ ગયો. બાબા વૈદ્યનાથના પ્રસાદનાં પેંડા તો ઉપર મોકલી દીધા, હું નીચે નળના પાણીથી હાથ-પગ ધોવા લાગ્યો. શ્રી મ. ત્રીજે માળેથી અધીર થઈને નીચે આંગણાની બાજુ જોઈને કહેવા લાગ્યા, ‘કેમ જગબંધુ, આવતો કેમ નથી? આટલી વાર કેમ?’ મેં ઉપર જવા માટે ત્રીજા માળની સીડીઓ ઉપર પગ મૂક્યો જ હતો, એ સમયે તેઓએ ઉપરથી ઊતરીને સીડી પાસે જ આલિંગન કરીને છાતીએ લગાવ્યો. આવું એ મોટે ભાગે કરતા નહીં. મુખ પર દૃષ્ટિ કરતાં જોયું તો એક આનંદમય અપાર્થિવ ભાવથી મુખ ઝળાહળા કરી રહ્યું હતું. મને પકડી રાખીને ઉપર લઈ ગયા. ઠાકુરઘર પાસે એક આસન બિછાવીને મને એના પર બેસાડી દીધો. બીજા આસન પર સ્વયં બેસી ગયા, મારી અડોઅડ. ધીરે ધીરે મારા ખોળામાં પોતાનું અડધું શરીર રાખીને ફરી આલિંગન કરીને કહેવા લાગ્યા, ‘ભય શું, ચિંતા શું, ઠાકુર છે, મા છે; મા-બાપવાળા બાળકની જેમ રહેજે. બાપવાળું બાળક કેવી રીતે રહે છે ?’ મેં ઉત્તર આપ્યો, ‘આનંદમાં અને નિશ્ચિંત’. એમણે પણ કહ્યું, ‘हां आनंदे औ’ निशिं्चते.’ એમ જ રહેજે, ચિંતા કેવી ?’ શ્રી મ.નો આવો આનંદમય માતૃભાવ પહેલાં ક્યારેય જોયો નહોતો, વ્યવહારમાં પણ એવું જોયું નહોતું. સદાય તેઓ ગંભીર પ્રકૃતિના હતા અને વ્યવહારમાં અતિ કઠોર નીતિવાન. પરંતુ આજે જાણે માતૃવત્ થઈ ગયા – એલોમેલો (અસંબદ્ધ) માતૃસ્નેહમાં.

પછી પણ એક વાર ‘વિદ્યાપીઠ’માંથી રજાઓમાં મઠ ગયો. ત્યાંથી શ્રી મ.ના દર્શન માટે ગયો. કેટલાય સાધુ અને અનેક ભક્ત ઉપસ્થિત હતા. મોર્ટન સ્કૂલની ચોથા માળની દાદરવાળી રૂમમાં બધા બેઠા હતા. શ્રી મ. ખૂબ ઉદ્દીપિત થઈને સ્વામીજીની વાતો કરી રહ્યા હતા. ‘આ વીરે માયાજાળને બન્ને હાથોથી છિન્ન-ભિન્ન કરી નાખી હતી. જેમ સિંહ પિંજરું તોડીને ભાગી જાય છે – કેવા મહાવીર !’ બોલતાં-બોલતાં જ પોતાના ઓરડામાં ઘૂસી ગયા અને પથારીમાં તરફડવા લાગ્યા. હાથ અને પીઠ પર ન્યૂરેલ્જિક વેદના શરૂ થઈ ગઈ. પીડા ક્રમશ : વધીને ચરમસીમા પર પહોંચી ગઈ. બાળકવત્ આર્તનાદ કરવા લાગ્યા, અને મારી ગોદમાં ચડી ગળે વીંટળાઈને કહેવા લાગ્યા, ‘ઓ જગબંધુ, ઓ જગબંધુ,’ જાણે અધીર બાળક. ડાૅકટર કાંઈ પણ કરી શકતા નહોતા. આગના ગરમ શેકથી દોઢ ક્લાક પછી જરાક ઠીક થયા અને કહેવા લાગ્યા, ‘જુઓ, દેહ રહેતાં આ બધાં દુ :ખ-કષ્ટ આવે જ છે. એના પંજામાંથી કોઈનો છુટકારો નથી.’

બીજી એક વાર શ્રી મ.ને વીંછી કરડી ગયો. એ સમયે પણ પીડાથી તરફડવા લાગ્યા. કોઈ કાંઈ પણ ઉપાય ન કરી શક્યું. અચાનક જ શ્રી મ. જાણે સ્વસ્થ થઈને બેઠા થયા, મુખ પર શાંત સ્થિર ભાવ દૃષ્ટિગોચર થયો. શ્રી મ. કહેવા લાગ્યા, ‘ઓ મા, જેવી ઠાકુરની રોગશૈયાની પીડાની છબિ યાદ આવી, ત્યાં જ કોણ જાણે ક્યાં ચાલ્યું ગયું મારું દુ :ખ. મનમાં થયું, એમણે જગતની દુ :ખજ્વાળા સ્વયં સહીને ભોગવી અને મારાથી આટલું સહન નથી થતું. ત્યારે શરમ આવી અને સાથે-સાથે બધું જ શાંત થઈ ગયું.’ એ પણ એક miracale, જાદુ થયો હતો એ સમયે.

વળી એક વાત શ્રી મ.ના મુખેથી અનેક વાર સાંભળી હતી – જીવોનું દુ :ખ-કષ્ટ બધું મંગલ માટે જ હોય છે. દુ :ખ મનને Majestic height (ઉચ્ચતમ શિખર) પર ઉઠાવે છે. દુ :ખ ન હોત તો બ્રહ્માનંદની ખબર કોઈ લેત જ નહીં. એટલે જ ઈશ્વરે દુ :ખની સૃષ્ટિ કરી. પોતાની વાતમાં કહેતા હતા, જુઓને મારો પોતાનો જ વ્યવહાર ! કેવી સમસ્યા ! ઘરમાં ઝગડૉ. એક દિવસ રાત્રે દસ વાગે ઘર ત્યાગી દીધું. મનમાં એ જ સંકલ્પ, આ દેહને હવે વધારે રાખીશ નહીં. ‘Life is not worth living’! પત્ની પણ સાથે ચાલી. શ્યામબજારના વળાંક પર ગાડીનું પૈડું તૂટી ગયું. પાસે જ એક મિત્રનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો. મિત્રે વિચાર્યું : આટલી રાત્રે આ કેવી ઉપાધિ આવી. બહુ મુશ્કેલીથી રાત્રે બાર વાગે એક ભાડાની ગાડી લઈને વરાહનગરમાં બહેનને ઘેર ગયો. ઈશાન કવિરાજ હતા બનેવી. બીજો આખો દિવસ સિધુ સાથે એક બાગથી બીજા બાગે ફરીને કાઢ્યો. સિધુ મારા મનની એ અવસ્થા જાણતો નહોતો. સંધ્યા થવાને થોડી વાર પહેલાં પાછા ફરવાના જ હતા, એવા સમયે સિધુએ કહ્યું : મામા, રાસમણિના બગીચામાં એક સાધુ રહે છે, ચાલો જોવા. બાગમાં પ્રવેશ કરતાં જ જોયું, સુંદર ફૂલોનો બાગ. ફૂલ તોડતા, સૂંઘતા અને વિચારતા : આહા, કેવું સુંદર – હું યે કવિ હતો ને ! એ પછી ઠાકુરઘરની બહાર ઊભા રહીને મેં વાત સાંભળી – આખો ઓરડો ભરીને માણસો બેઠા હતા.

ઠાકુર કહી રહ્યા હતા : જ્યારે એક વાર હરિ અથવા એક વાર રામનું નામ લેવાથી રોમાંચ થાય, આંસુ આવે તો નક્કી જાણો કે સંધ્યા વગેરે કર્મ કરવાની જરૂર નથી. ત્યારે કર્મત્યાગનો અધિકાર મળી જાય છે. એ પછીની બધી વાતો ‘કથામૃત’માં છે. સાત દિવસ પછી કાલીવાડીના આંગણામાં ફરી રહ્યો હતો ઠાકુરની સાથે – સાહસ કરીને એમને કહી દીધું કે આ સંસારમાં ન રહેવું જ સારું છે, આટલા દુ :ખની વચ્ચે. અંતર્યામી ઠાકુરે પહેલેથી જ મારા હૃદયની વાત સમજી લીધી હતી. એમણે ભરોસો આપતાં કહ્યું, ‘તારી બલા ! તું શું કામ આ સંસારમાંથી વિદાય લે. કહેવાથી જ શું થઈ જાય છે ? તને તો ગુરુ પ્રાપ્ત થયા છે. જે અભાવનીય, અચિંતનીય, સ્વપ્નમાં પણ અગોચર, એમની કૃપાથી એ પણ સહજ થઈ જાય છે.’ કહ્યું હતું, ‘બાજીગરે દસ હજાર માણસો સામે ગાંઠોવાળી એક દોરડી ફેંકી દીધી. કોઈ એક ગાંઠ પણ ખોલી ન શક્યું. પછી બાજીગરે પોતાના હાથમાં લઈ હલાવતાં હલાવતાં બધી ગાંઠો ખોલી નાખી. એમની કૃપાથી અસંભવ પણ સંભવ બની જાય છે.’

શ્રી મ. બોલ્યા, ‘જુઓ, ક્યાં શરીરત્યાગનો સંકલ્પ અને ક્યાં ભગવાનપ્રાપ્તિ ! એટલે તેઓ દુ :ખ આપે છે પોતાના ખોળામાં ખેંચી લેવા માટે. ‘Human life is an excellent apology for suicide without ગુરુ.’

શ્રી શ્રી માની પાસે શ્રી મ. હતા શિશુ. ઠાકુર અને મા અભિન્ન, એ શ્રી મ.ના પ્રત્યેક કાર્યમાં પ્રગટ થતું હતું. શ્રી માનું શરીર ગયું ત્યારે વૃદ્ધ શ્રી મ. માતૃહીન બાળકની માફક કહેતા, ‘ઠાકુરને અમે પામ્યા હતા માત્ર પાંચ વર્ષ, અને માને પામ્યાં પાંત્રીસ વર્ષ સુધી. એ જ મા ચાલ્યાં ગયાં.’

એક વાર અમે શ્રી મ. પાસે પ્રસ્તાવ મૂક્યો – ‘કથામૃત’નો અંગ્રેજી અનુવાદ કરવા માટે. એમણે પ્રશાંત ભાવે ઉત્તર આપ્યો, ‘અનુવાદ તો આઠમા ધોરણનો વિદ્યાર્થી પણ કરે છે. અમારી શક્તિથી શું ‘કથામૃત’ ના પ્રથમ ભાગનો અનુવાદ થયો ? અથવા કથામૃત લખાયું? માએ શક્તિ આપી ત્યારે બધું થયું.

જયરામવાટીના માના મંદિરનો નકશો એક જણ શ્રી મ. પાસે લાવ્યો. બાળકની જેમ આગ્રહથી અધીર થઈને એમના હાથમાંથી ખેંચીને માથા પર રાખી લીધો, એ પછી જોવા લાગ્યા. એક પ્રવીણ ભક્તે આ દૃશ્ય જોયું હતું. એમણે એક દિવસ ભક્તસભામાં વાતવાતમાં શ્રી મ.ની આ બાળકો જેવી વાતનો ઉલ્લેખ કર્યો. શ્રી મ. સાંભળીને કહેવા લાગ્યા, ‘આપ તો એમને મળ્યા નથી ને – મા કેવાં હતાં ! એવું બીજું કોઈ ન હોય, સાક્ષાત્ જગદંબા – એવો સ્નેહ બીજા કોનામાં છે ?’

માની કૃપાથી એમના શિશુ શ્રી મ. આકાશ-પાતાળે, જલે-સ્થલે સર્વત્ર એમના માતૃસ્નેહનું આસ્વાદન કરતાં કરતાં ઉલ્લાસિત થઈને, ક્યારેક-ક્યારેક પોકારીને ભક્તોને કહેતા વિસ્મયાવેગથી : શું કરી રહ્યા છો તમે બેસીને ? માના સ્તનનું દુગ્ધપાન કરો. માના સ્તનનું દુગ્ધપાન કરો. (આંગળી દ્વારા ચારે તરફ બતાવીને, આ સર્વ છે માના સ્તન.)

ગૃહસ્થ શ્રી મ.ને મળીને ઘણા યુવાનો શ્રીરામકૃષ્ણ મઠના સંન્યાસી થયા. આ એક જ યોગ્ય પ્રમાણ છે, ક્યા પ્રકારના ગૃહસ્થ હતા શ્રી મ. અંતરમાં પૂર્ણ સંન્યાસ લઈને શ્રી મ. હતા ઘરમાં – ‘ચપરાસ’ લઈને – જગતને ‘ભાગવત’ સંભળાવવા માટે. સ્વયં વૃદ્ધાવસ્થા સુધી ઘરમાં રહીને સેવાવ્રત સાથે ત્યાગ, તપસ્યાનું પાલન કર્યું. લગભગ ૬૦ વર્ષની ઉંમરમાં શ્રી મ.એ કનખલ, હૃષીકેશ અને સ્વર્ગાશ્રમમાં કુટીરમાં રહીને કઠોર તપસ્યા કરી અને ૭૦ વર્ષની વયે આવ્યા મિહિજામ. તેમની વાણી આ પ્રથમ ભાગમાં છે.

ભારતની સ્વાધીનતા માટે આત્મત્યાગી વિપ્લવી યુવકોને શ્રી મ. કહેતા : ‘ઋષિબાળક.’ અસહયોગ આંદોલનમાં ટોળેટોળાં સ્ત્રી-પુરુષોને જેલમાં જતાં જોઈને શ્રી મ. અધીર થઈ ઊઠતા અને કહેતા, ‘કોઈની પણ શક્તિ નથી ભારતને હવે પરાધીન રાખવાની.’ કેટલું આ મોટું બળ છે એમની પાછળ ! કેટલું મોટું spiritual culture આ દેશનું ! દેશબંધુ સી.આર.દાસ મહાશયના ત્યાગને જોઈને કહ્યું, ‘બુદ્ધદેવ – જેવો ત્યાગ છે.’ એમનું શરીર ગયું ત્યારે મા સમાન શોકાર્ત થઈને એમણે મોર્ટન સ્કૂલમાં ત્રણ દિવસની રજા આપી હતી.

પોતે લખ્યું : for the demise of the patriot saint of Bengal. દાસ મહાશયના શ્રાદ્ધસ્થળે વૃદ્ધ શ્રી મ.એ ટ્રામમાં ચઢીને ત્રણ વાર આવન-જાવન કરી. મહાત્મા ગાંધીના અનશન વ્રત આરંભ સમયે શ્રી મ. ખૂબ ઉત્કંઠિત થઈ જતા. એમનો આહારવિહાર ત્યારે ઓછો થઈ જતો. એક વાર વિનયપૂર્વક નમ્રભાવે કહ્યું, ‘અમારી વાતથી કાંઈ થાય નહીં – બોલવું જ પડે તો કહીશ કે શ્રી મહાત્મા ગાંધીની અંદર જાણે અવતારની શક્તિ પ્રગટ થઈ રહી છે.’

શરીરત્યાગ પૂર્વે પાંચ દિવસ શ્રી મ. સાથે રહ્યો. એ સમયે દરરોજ સવારે અને સાંજે ઠાકુરની સ્મૃતિથી વિજડીત હોય એવાં પુરાતન સ્થાનનાં દર્શન અને નવાં સ્થાનોનું સંશોધન કર્યું, કેટલાક મિત્રોના વિશેષ અનુરોધથી. પહેલાં જ્યારે આ સંકલ્પની વાત કરી તો શ્રી મ. રાજી ન થયા. પછી જ્યારે કહ્યું કે સદાય ધ્યાન-જપ અને કામમાં મન નથી લાગતું ત્યારે આ લીલાસ્થાનોનાં દર્શન કરવાથી મનમાં વધારે ઉદ્દીપન થાય છે. ત્યારે ખુશ થઈને શ્રી મ.એ અનુમતિ આપી દીધી. હું પાછો ન ફરું ત્યાં સુધી તેઓ ભૂખ્યા બેસી રહેતા.

સવારથી નીકળીને બાર વાગી જતાં પાછા ફરતા. પાછો ફરું ત્યારે ખાતાં ખાતાં સાંભળતા અને હું ય ખાતો રહેતો. એક દિવસ ‘ચૈતન્યસભા’ની શોધ કરવા ક્લુટોલામાં ગયો. નસીબ જોગે ભક્તપ્રવર વૃદ્ધ કુંજ મલ્લિક મહાશયની સાથે પરિચય થયો. એમણે ઠાકુરનાં દર્શન કર્યાં હતાં અને એમનો પ્રેમ પણ પામ્યા હતા. એમણે એ સ્થાન બતાવી દીધું. હવે એ એમના ભાણેજના ભાગમાં આવ્યું છે. આ સંવાદ સાંભળીને શ્રી મ. અત્યંત ખુશ થઈ ગયા. કહેવા લાગ્યા, ‘અમે એ શોધવાને ઘણી કોશિશ કરી પરંતુ શોધી ન શક્યા. રસ્તા-ઘાટ બધું બદલાઈ ગયું છે.’ પછી તેઓ સ્વયં એ જોવા ગયા અને અનેક ભક્તો પણ.

જે દિવસે શ્રી મ.નો દેહત્યાગ થવાનો હતો તે દિવસે વહેલી સવારે પ્રણામ કરીને મેં શ્રી મહાપુરુષ મહારાજ પાસેથી અનુમતિ લીધી હતી શ્રી મ. પાસે જઈને સાત દિવસ રહેવાની. એ સમયે શ્રી મ.ની સહાયતાથી કલકતામાં આવેલા ઠાકુરનાં લીલાસ્થાનોનાં જૂનાં અને નવાં ઠેકાણાઓને લખી લઈશ એવો મનસૂબો મનમાં હતો.
ઓરડામાંથી નીકળ્યો ત્યાં ફોનથી સમાચાર મળ્યા કે થોડી ક્ષણો પહેલાં શ્રી મ.એ મહાસમાધિ પ્રાપ્ત કરી છે, રાજહંસની જેમ ગીત ગાતાં ગાતાં, ‘ગુરુદેવ, મા, કોલે તોલે નાઓ’ અર્થાત્ હે ગુરુદેવ, હે મા, ખોળામાં લઈ લો.

પહેલાં જ કહેવામાં આવ્યું છે કે આ પુસ્તક શ્રીરામકૃષ્ણ મઠના બહુ જ પ્રવીણ અને નવીન સાધુભક્તોના અનુરોધ અને શુભેચ્છાથી લખવામાં આવ્યું છે. એમનામાંથી ઘણાએ આની પાંડુલિપિ વાંચી અને સાંભળી પણ. સ્વામી જગદાનંદજીએ વાંચીને લખ્યું, ‘શ્રી મ.ના વચનસમૂહને ગ્રંથકારે જાણે જીવંત રૂપમાં આ ગ્રંથમાં ઉપસ્થિત કર્યાં છે.’ શ્રી મ. લિખિત શ્રીરામકૃષ્ણ કથામૃતના વાચન પછી આ ગ્રંથના વાચનથી પાઠકને ‘કથામૃત’ના વિષયમાં વિશેષ પ્રકાશ મળશે, એમાં સંદેહ નથી.

અમેરિકાના પ્રવીણ ભક્ત સ્વામી અતુલાનંદજીએ લખ્યું હતું : This book may serve a double purpose. To those who are acquainted with the Kathamarita by ; ‘M’. it may be welcome as a companion volume, and to those not yet acquainted with Kathamarita, it may arouse a desire to make that acquaintance. For, in this book which is a record of M’s talk to his admirers, M’s reminiscences not only reveal new facts about the life of Sri Ramakrishna but they also throw new light on that wonderful life.

રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ સંઘાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ અંતિમવાર દહેરાદૂનમાં આનો પાઠ સાંભળીને મુગ્ધ થઈ ગયા હતા. મને કહેવા લાગ્યા – ‘કેવી સુંદર વાત લખી છે! મને પહેલાં આપી કેમ નહીં ? ગમે તે થાય બધું લખવાનું પૂરું કરો. મનુષ્ય શરીરનું કાંઈ નક્કી નહીં. લખેલું હશે તો બીજા પણ પ્રગટ કરી શકશે. આહા, ‘The move is as dramatic as the subject is sublime…’

મારી અનિચ્છા હોવા છતાં પ્રકાશકની ઇચ્છાથી ભૂમિકા વિસ્તૃત થઈ ગઈ છે. જેમણે, જે પણ રીતે આ ગ્રંથની રચનામાં સહાયતા કરી છે એ બધાં પ્રત્યે શ્રદ્ધા સાથે કૃતજ્ઞતા પ્રગટ કરું છું. આ ગ્રંથનો પાઠ કરીને બધામાં શ્રીરામકૃષ્ણચરણમાં ભક્તિનો વધારો થાય એ જ ગ્રંથકારની એકાન્તિક પ્રાર્થના.

-નિત્યાત્માનંદ

શ્રીરામકૃષ્ણ લાયબ્રેરી,
તુલસીમઠ, હૃષીકેશ,
ચૈત્ર પૂર્ણિમા, ૧૩૬૬ (બં.) સાલ.

Total Views: 115

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram