વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના પરમ નિ :સ્વાર્થ શ્રમને સફળતા મળી છે.

આવું અજબ સ્વપ્ન પ્રથમ સેવનાર, સત્યસેવી, ઉદારહૃદયી અભિજાત આત્માઓનો હું આભાર માનું છું… આ વ્યાસપીઠ પર જે ઉદાર વિચારોની, જે ઉમદા લાગણીઓની વર્ષા છલકાઈ છે તે માટે હું આભાર માનું છું….. આ સુસંવાદિતામાં વચ્ચે કોઈવાર કર્કશતા આવતી હતી; એ કર્કશતા લાવનારનો પણ હું આભાર માનું છું, કેમ કે એ કર્કશતાને લીધે સામાન્ય સંવાદિતામાં વધુ મધુરતા આવી છે.

ધાર્મિક એકતાની સામાન્ય મિલનભૂમિ વિશે ઘણું કહેવાયું છે…. પણ જો તમારામાંના કોઈની એવી માન્યતા હોય કે બીજા ધર્મોનો પરાભવ કરીને કોઈ એક ધર્મના વિજયમાંથી આ એકતા આવશે, તો એને હું કહેવા માગું છું કે, ‘ભાઈ ! તમારી આશા ફળે એ અશક્ય છે.’

બીજને ખેતરમાં વાવવામાં આવ્યું છે અને એની આસપાસ માટી, હવા અને પાણી સીંચવામાં આવ્યાં છે. બીજ શું માટી થશે, હવા થશે, પાણી બનશે ? ના, ભાઈ ! ના. એ છોડ થશે; એના વિકાસના નિયમ અનુસાર એ વિકાસ પામશે. એ હવાને પચાવશે, માટીને પચાવશે, પાણીને પચાવશે અને બીજ આખરે એક છોડ રૂપે જ વિકસશે.આવું જ કંઈક ધર્મ વિશે છે. ખ્રિસ્તી ધર્મીએ હિંદુ ધર્મી કે બૌદ્ધધર્મી થવાનું નથી, હિંદુધર્મી કે બૌદ્ધધર્મીએ ખ્રિસ્તી થવાનું નથી, પણ એકબીજાએ એકબીજાનાં તત્ત્વને પચાવવાનાં છે અને તે સાથે પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખવાનું છે…

વિશ્વધર્મ પરિષદે જગતને જો કાંઈ આપ્યું હોય તો તે આ છે : પવિત્રતા, શુદ્ધિ અને દયા એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ જો કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન સેવતો હોય, તો મારા હૃદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવાને કહું છું કે, ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે : ‘સહાય; પરસ્પર વેર નહીં.’ ‘સમન્વય; વિનાશ નહીં.’ ‘સંવાદિતા અને શાંતિ; કલહ નહીં.’ (શિકાગો ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે આપેલ છેલ્લું ભાષણ)

Total Views: 124
By Published On: September 2, 2019Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram