તેઓ સત્યને ચાહતા હતા. ‘માનવના મનની પ્રતિછાયાથી તેના મનનું માપન કરી શકાય.’ મહાત્મા ગાંધી તો વાસ્તવિક રીતે સત્યની શોધના કરનાર હતા. તેમનું સમગ્ર જીવન સત્યમાં જ આરોપાયેલું હતું. આવા ઉચ્ચ કક્ષાના લોકો કે જે સત્યને વરેલા હોય છે, તેઓ યુગો સુધી પોતાનો પ્રભાવ સતત પાડતા રહે છે. તેમની મહાનતા પાછળ આપણને પોતાની સ્વશિસ્તથી સર્જેલી ઉત્કટ આધ્યાત્મિક શક્તિ જોવા મળે છે. જેમ એક માતા પોતાના એકમાત્ર સંતાનને અત્યંત પ્રેમભાવથી ચાહે છે, તેમ ગાંધીજી સત્યને ચાહતા હતા. મહાત્માજીની પોતાના સંપૂર્ણ આત્મા સાથેની સત્ય પ્રત્યેની ભક્તિએ તેમની વાણીને પણ અદ્ભુત સામર્થ્ય બક્ષ્યું હતું. અહીં એક કુટુંબ પર તેમના પડેલા પ્રભાવનું એક દૃષ્ટાંત આપું છું :

ગાંધીજીએ સ્ટેશન માસ્ટરને લોકસેવા માટે પ્રેર્યા

૧૯૨૪માં મહાત્માજી પશ્ચિમ ભારતના અને હાલ પાકિસ્તાનમાં આવેલા એક કસબામાં વક્તવ્ય આપી રહ્યા હતા. જીવન મલ સભરવાલ નામના એક સ્ટેશન માસ્ટર ગાંધીજીની વાતથી ખૂબ પ્રભાવિત થયા. એમના વક્તવ્યનો વિષય હતો : ‘ભારતીયોની સુખાકારી માટે આરોગ્ય અને શિક્ષણનું મહત્ત્વ.’ ગાંધીજીના વક્તવ્યથી સભરવાલમાં એક નવજાગૃતિ ઉદ્ભવી અને તેમણે નિર્ણય કર્યો કે પોતાના કુટુંબની બધી વ્યક્તિઓને તબીબી શિક્ષણ અપાવશે. તેમણે પોતાના સૌથી મોટા પુત્ર બોધ રાજ સભરવાલ સાથે આ વાતની ચર્ચા કરી. બોધ રાજે ૧૯૧૯માં તબીબી ડિગ્રી લીધી હતી અને તેને કહ્યું, ‘હવે તને ડિગ્રી મળી ગઈ છે. આપણે એક હાૅસ્પિટલ બંધાવીશું અને આપણું સમગ્ર કુટુંબ ચિકિત્સકો બનશે. આપણે આ બધું ભારતના લોકોની સેવા માટે કરીશું.’

પુત્ર નેતૃત્વ સંભાળે છે

ડૉ. બોધ રાજ ગાંધીજીના વિચારોથી અત્યંત પ્રેરાયા અને તેમણે પોતાના વિચારો અને આદર્શાે તેમનાં ધર્મપત્ની લીલાવતી સભરવાલ સાથે ચર્ચ્યા. લીલાવતી પણ એનેસ્થેશિયાનાં નિષ્ણાત હતાં અને ૧૯૨૩માં બોધ રાજ સાથે પરણ્યાં હતાં. પોતાનાં પત્નીના સહકારથી ડૉ. બોધ રાજે સોનાના બધા દાગીના વેચ્યા અને પોતાના ત્રણ ભાઈઓને પણ તબીબી વિદ્યાલયમાં ભણવા મોકલ્યા. તેમણે જલાલપુર જતનમાં સ્ત્રીઓ માટે એક પ્રાથમિક શાળા અને હાૅસ્પિટલ બાંધવાનો પ્રારંભ કર્યો. ૧૭૦૦ પથારીવાળી આ એક મોટી હાૅસ્પિટલ હતી. સ્થાનિક લોકોની મદદથી તેમણે આ હાૅસ્પિટલને જોડતા પથ્થરના રસ્તા પણ બંધાવ્યા.

તેમની પ્રેરણાનું સતત વહેતું ઝરણું – ગીતા

ભારતના ભાગલા પડ્યા પછી ડૉ. બોધ રાજ સાથે તેમનું કુટુંબ ભારતમાં આવ્યું. પોતાના વતનમાં બધું છોડી દેવું પડ્યું હતું. એ સમયે તેઓ ધનવાન હતા. તેમનું કુટુંબ કપડાં અને ભગવદ્ગીતાના પુસ્તક સિવાય પૈસા કે દાગીના ન લઈ શક્યું ! તેમના પ્રેરણામય જીવનમાં ગીતાનો કર્મયોગ સતત સ્રોત બની રહ્યો.

અહીં ડૉ. ફેલિક્સ માર્ટિ-ઈબાનેઝનો ઉલ્લેખ કરવો અસ્થાને નહીં ગણાય. તેમણે સ્વામી વિવેકાનંદને ‘મિલિટન્ટ મિસ્ટિક – લશ્કરી મિજાજવાળા તત્ત્વજ્ઞાની’ના નામે સંબોધ્યા હતા. તેમણે ૧૯૩૯ના ફેબ્રુઆરીમાં રાષ્ટ્રનું પતન થયા પછી એક પુસ્તક સાથે સ્પેન છોડ્યું. તેમણે આમ લખ્યું છે, ‘પુસ્તકાલયનાં હજારો પુસ્તકોમાંથી.. મેં રોમાં રોલાંએ લખેલ ‘Life of Swami Vivekananda and Universal Gospel’ પુસ્તક પસંદ કર્યું. બીજાની સેવા માટે મારું સમગ્ર જીવન સમર્પિત કરવામાં વર્ષો સુધી આ ભવ્ય તાત્ત્વિક અને અનન્ય ગ્રંથે મને પ્રેર્યો છે.’ (The Mirror of Souls and other Essays, p.310)

ઉમદા આદર્શને ચરિતાર્થ કરતું આ કુટુંબ

જીવન મલનું ૧૯૩૦માં અવસાન થયું. પરંતુ જે ઉમદા આદર્શ એમણે પોતાના કુટુંબના મનહૃદયમાં ઊંડાણથી રોપ્યો હતો તેણે આ વિશિષ્ટ કુટુંબ માટે એક દંતકથા જેવી ભવ્ય કીર્તિનું સર્જન કર્યું. આ કુટુંબ અત્યારે નવી દિલ્હીમાં ચાર હાૅસ્પિટલ અને ત્રણ ક્લિનિક્ ધરાવે છે. આ બધાંનાં નામ ‘જીવન મલ સભરવાલ, હાૅસ્પિટલ કે ક્લિનિક’ એમ રાખવામાં આવ્યાં છે. આ મહાન અભિગમને પૂર્ણ કરવા અને જીવન મલની મરણોત્તર ઇચ્છાને સંતોષવા આ મહાન ઉમદા કુટુંબનાં નરનારીઓએ ફરજિયાત ફિજિશ્યન બનવું પડતું અને દરેકે ડાૅક્ટર સાથે પરણવું પડતું.

ડાૅક્ટર બોધ રાજ કહેતા, ‘છોકરી કેટલી સુંદર છે કે અસુંદર તે મહત્ત્વનું નથી, પણ તે ચિકિત્સક હોવી જોઈએ તે અગત્યનું છે.’ આજે આ આદર્શ કુટુંબમાં આશરે ૫૬ ડાૅક્ટર છે. એમાંના એક ડૉ. સુધીર ૨૯ વર્ષના છે અને યુ.એસ.એ.માં છે. આ કુટુંબના એકમાત્ર ડાૅકટર ભારતની બહાર વિદેશમાં છે. તેમનાં માતા કૃષ્ણા ન્યૂ દિલ્હીમાં પ્રસૂતિ-સ્ત્રીરોગનાં નિષ્ણાત છે. તેઓ પોતાના પુત્રના ગ્રેજ્યુએશન માટે UCLA માંથી આવ્યાં છે. તેઓ પોતાનો પુત્ર સેવા કરવા માટે ભારત પાછો આવે એમ ઇચ્છે છે, પણ પુત્ર કેલિફોર્નિયામાં પ્રેક્ટીસ કરવા ઇચ્છે છે. ડાૅક્ટર સુધીરના પિતા ડાૅક્ટર ઓમ પ્રકાશ દિલ્હી યુનિવર્સિટીના ફિજિયોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગના ચેરમેન છે.

૮ જુલાઈ, ૧૯૮૧ના ‘લાૅસ અૅન્જૅલસ ટાઇમ્સ’માં પ્રસિદ્ધ થયેલા લેખમાંથી આ સમાચાર વાંચતી વખતે આ અમીકૃપાવાળા કુટુંબના ઉચ્ચ આદર્શ મારા હૃદયને સ્પર્શી ગયા. પોતાનાં યશકીર્તિ માટે નહીં પણ લોકોની સેવા કરવાના ઉદ્દાત હેતુથી આ બધાં ડાૅક્ટરી વ્યવસાયમાં સમર્પિત છે.

પેઢી દર પેઢી એક મશાલની જેમ હાથોહાથ પસાર થતી આ એક મહાન સંસ્કૃતિ કહેવાય. સમર્પણ અને ઉચ્ચ આદર્શ વિના કોઈપણ મહાન પ્રણાલીની જાળવણી કરી શકાતી નથી. એટલે આ પ્રમાણે સાચું કહેવાયું છે, ‘જિંદગીની સદીઓ એક નાનો ઇતિહાસ રચે છે અને ઇતિહાસની શતાબ્દીઓ એક નાની પ્રણાલીનું સર્જન કરે છે.’

Total Views: 105
By Published On: October 2, 2019Categories: Tathagatananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram