ગતાંકથી આગળ…

કઠ ઉપનિષદમાં યમે નચિકેતાને કહ્યું હતું કે : ‘જીવન પૂર્ણતા માટેનો પ્રવાસ છે અને દરેક માનવીને આ પ્રવાસ માટે સુસજ્જ કરવામાં આવ્યો છે. પ્રવાસ માટે તમારે શું જોઈએ ? રથ-ઘોડા અને લગામ જોઈએ, સારથિ જોઈએ. તો પ્રવાસ સુખરૂપ બને.’ પ્રકૃતિએ આ બધાં સાધનો તમને આપ્યાં છે. શરીર રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે; ચલનશક્તિ ઘોડાઓમાં છે, રથમાં નથી. એટલે અહીં આ ઇન્દ્રિયતંત્ર શક્તિથી સભર છે. પછી એ ઇન્દ્રિયશક્તિને વશમાં રાખવા મન છે અને લગામ સારથિના હાથમાં હોય છે. બુદ્ધિ એ સારથિ છે. बुदिं्ध तु सारथिं विद्धि, ‘બુદ્ધિને રથનો સારથિ જાણ’, એમ યમે કહ્યું છે. અને યમ આપણને ચેતવે છે કે પ્રવાસ આપણને મુકામે પહોંચાડવાનો હોય તો, આપણે ચોક્કસ શાણપણનો સાથ લેવો જોઈએ. પ્રવાસનું નિયમન ઇન્દ્રિયોને નહીં સોંપો, મનરૂપી લગામને પણ ન સોંપો. પ્રવાસનું નિયમન બુદ્ધિએ કરવું જોઈએ, સારથિએ કરવું જોઈએ. ઇન્દ્રિયોની બધી શક્તિઓ ઉપર બુદ્ધિનો અંકુશ જોઈએ. પણ બીજાં અંગોને રોગનાં જંતુ વળગે તો, બુદ્ધિને પણ ચેપ લાગે; પછી તમે મુકામે પહોંચી ન શકો. તમારો બેડો ખરાબે ચડી તૂટી જાય. યમે કઠ ઉપનિષદમાં આ કહ્યું છે તે અહીં યાદ રાખવું જોઈએ.

આપણું માનવતંત્ર આ રીતે સુસજ્જ છે; ઇન્દ્રિયતંત્ર, જ્ઞાનતંતુતંત્ર અને મગજ છે. એ સર્વ આ મનુષ્યદેહને સમગ્ર પ્રકૃતિમાં એકદમ ગતિશીલ પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવે છે. કેટલી પ્રચંડ શક્તિ ત્યાં કામ કરી રહી છે ! પણ આપણે એ શક્તિને દોરવી જોઈએ, અંકુશમાં રાખવી જોઈએ અને ઉચ્ચતર હેતુઓ તરફ વાળવી જોઈએ. માનવીનો મુક્ત વૈયક્તિક પ્રયત્ન ત્યાં કામિયાબ આવે છે. એમ ન કરવામાં આવે તો, આ શક્તિઓ પરસ્પરનો છેદ ઉડાવવામાં જ મંડી પડશે. अ, ब નો છેદ ઉડાડશે અને ब, अ નો; તમે હતા ત્યાંંના ત્યાં જ રહો છો અથવા, નીચે સરકો છો ! માટે, સમગ્ર ઊર્જાતંત્રને તમારી અંદર કુશળતાપૂર્વક કામે લગાડવાની જરૂર છે. નિયંત્રિત શક્તિ ગુણ અને માત્રા બેઉમાં વધારે નીવડે છે. જળધોધ પાણીની પ્રચંડ શક્તિ દર્શાવે છે. ને, ઉપરથી પાણી નીચે પડે છે, એ શક્તિ વેડફાઈ જાય છે. પરંતુ એ શક્તિને નાથીને તમે વીજળી પેદા કરો અને નહેરોમાં એ પાણીને વહેવડાવો તો, તમને ઊર્જા અને વધારે કૃષિ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. આ માનવતંત્રમાં, આ પાંચ ઇન્દ્રિયોનું તંત્ર પ્રચંડ શક્તિનું કેન્દ્ર છે પરંતુ એ દિશા વિનાની શક્તિ છે. પછી મન આવે છે. આ બધી શક્તિઓને એકત્રિત રાખવાનું અને પાંચ ઇન્દ્રિયોમાં એકસૂત્રતા સ્થાપવાનું કાર્ય કરતું પહેલું સાધન મન આવે છે. ઇન્દ્રિયોના જેવું જ. એ છઠ્ઠી ઇન્દ્રિય છે અને જરા વધારે સૂક્ષ્મ છે. લગામની માફક, શક્તિઓના ‘ઘોડા’-ઇન્દ્રિયોને-અંકુશમાં રાખવાની શક્તિ એની પાસે છે. અવિચારી અશ્વોને વશ રાખવા માટે કડક લગામ જોઈએ. એટલે જુવાનોમાં હોય છે તેમ, ઇન્દ્રિયોને ગતિશીલ રહેવા દો. પણ એમને સ્વતંત્ર રીતે કામ કરવા ના દો, નહીં તો એ પ્રવાસ તમારો નહીં પણ ઘોડાઓનો થશે. એટલે ઘોડાઓને લગામ બાંધો. તો જ, તમને યોગ્ય લાગે તે દિશામાં તમે શક્તિને વાળી શકો. નહીં તો એ પ્રવાસ ઘોડોઓનો પોતાનો થશે અને તમે લટકતા રહી જશો. ઇન્દ્રિયતંત્રને સુગ્રથિત કરવામાં મન મદદ કરે છે. અને એ શક્તિને નિયંત્રિત કરવાનું અને દિશા દોર આપવાનું કાર્ય બુદ્ધિ કરે છે. બુદ્ધિ તદૃન નીરોગી અને વિવેકપૂત હોવી જોઈએ. તમારા પ્રવાસની જવાબદારી પીધેલા ગાડીવાનને તમે સોંપતા નથી. તો માર્ગમાં તમારો જાન જ જવાનો. બુદ્ધિ સંપૂર્ણપણે શાંત અને સ્થિર હોવી જોઈએ. કેળવણીનો આ મહત્તમ હેતુ છે : બુદ્ધિને સંતુલિત, વિવેકપૂત અને નિર્મળ ચિંતન માટે સમર્થ કરવી; તો જ જીવનને ઉત્તમ માર્ગદર્શન મળે. આવી બુદ્ધિ માનવજીવન માટે ઉત્તમ માર્ગદર્શક છે. બીજા અધ્યાયના ૪૯મા શ્લોકમાં શ્રીકૃષ્ણે આપણને કહ્યું જ છે : बुद्धौ शरणं अन्विच्छ, ‘તું બુદ્ધિનું શરણ લે.’ એમ ન કર્યું તો, બધી શક્તિ વેડફાઈ જવાની, આપણા જીવનનો તેમજ, સમાજનો નાશ કરવાની. આ ક્ષેત્રમાં આપણે કશું ચોક્કસ કાર્ય કર્યું નથી અને જગતમાં પણ હિંસાની અને ગુનાની વૃદ્ધિ જોઈએ છીએ કારણ કે આ ક્ષેત્રમાં આપણે કશું કર્યું નથી. અને ગુનો કરનારા તથા હિંસા આચરનારામાંના ઘણા શિક્ષિત લોકો છે ! આપણી અંદરની શક્તિને વશ રાખવાનું આપણને ગમતું પણ નથી. આપણા આવેગોની, ઇન્દ્રિયોની સપાટીએ જ અમને જીવવા દો. એને છુટ્ટો દોર આપવા દો. આજે ઘણા લોકો જે ભૌતિકવાદી ફિલસૂફી મુજબ જીવે છે તેનું એ ફળ છે.

૧૯૬૮-૬૯માં ૧૮ મહિનાના યુ.એસ.એના સાંસ્કૃતિક પ્રવાસમાં હું હતો, ત્યારે માનવતંત્રમાંની આ શક્તિઓના નિયમનની આવશ્યકતા વિશે બોલવાનો મોકો મને મળ્યો. પોર્ટલેંડ રેડિયો પર રાતે ૧૦ વાગ્યે હું બોલતો હતો. નક્કી કરેલો વીસ મિનિટનો એ કાર્યક્રમ બે કલાકનો કાર્યક્રમ થઈ ગયો, કારણ કે રેડિયો સંવાદદાતા મિ. ફ્રેનિકને એ વિષયમાં ખૂબ રસ પડયો. તે સમયે પ્રચલિત હિપ્પી આંદોલને એમની ઉપર ખૂબ અસર કરી હતી. મનુષ્યમાં રહેલી શક્તિઓને નિયંત્રિત રાખવાની આવશ્યકતાનો મેં ઉલ્લેખ કર્યો. સંવાદદાતા તરત જ બરાડી ઊઠયા : ‘અમારે નિયમન જોઈતું નથી, અમારે સ્વાભાવિક જીવન જોઈએ છે’. મેં કહ્યું, ‘તમે પંડિત રવિશંકરના સંગીતની પ્રશંસા કરતા હતા, કેવું સ્વાભાવિક, કેવું સ્વયંસ્ફુરિત ! મહાન સંગીતકાર થવા તેમણે વર્ષોની શિસ્તમાંથી પસાર થવું પડયું, એનો તમે વિચાર કર્યો છે ? આપણાં બાળકોને પણ આપણે મળમૂત્ર ત્યાગની તાલીમ નથી આપતા? એવી તાલીમ આપણે વાછરડાને કે બકરીને નથી આપતા?’ મારા આ શબ્દોથી ખૂબ ખુશ થઈ એણે માઈકમાં લગભગ બૂમ જ પાડી, ‘ભારતમાંથી આવતા આ મહાપુરુષને સાંભળો,’ ને પછી મને પૂછયું, ‘તમે થાકી નથી ગયા ને ? આપણે કાર્યક્રમ લંબાવીશું ?’ જાહેરાત મુજબની વીસ મિનિટ પૂરી થઈ ગઈ હતી. કાર્યક્રમ ચાલુ રાખવાની મેં હા પાડી અને એ મધરાત સુધી ચાલ્યો. પછીને રવિવારે એ અને એની પત્ની પોર્ટલેંડ વેદાંત સોસાયટીમાં મારું વ્યાખ્યાન સાંભળવા માટે આવ્યાં ! (ક્રમશ 🙂

 

Total Views: 126

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram