ગતાંકથી આગળ…

સ્વાભાવિક, સ્વયંસ્ફુરિત માનવીઓ માટે જીવન ઉત્તમ છે, એમ વેદાંત સ્વીકારે છે; પણ શિસ્તના, નિયમનના કઠિન કોઠામાંથી પસાર થયા વિના તમને કશુંય નહીં મળે. એ નહીં હોય તો તમે પ્રાણી-સ્વભાવના જ બની રહેશો. પછી મેં ભાગવત (૩.૭.૧૭)માંથી એક શ્લોક ટાંક્યો હતો :

यस्तु मूढात्मो लोके यस्तु बुद्धेः पारं गतः।

तावुभौ सुखमेधेते क्लिश्यत्यंतरितो जनः।।

‘બે પ્રકારના મનુષ્યો સુખ (અને સ્વાભાવિક જીવન) માણે છે – તદ્દન મૂર્ખ અને બુદ્ધિની પાર જનાર (આત્મસાક્ષાત્કાર કરનાર); વચ્ચેના બધા લોકો કલેશ અને તણાવની વિવિધ ભૂમિકાઓએ હોય છે.’

આપણે પહેલાં સંઘર્ષમાંથી પસાર થઈએ છીએ, મન અને બુદ્ધિની સહાયથી ઇન્દ્રિયતંત્રની શક્તિઓને નિયંત્રિત કરીએ છીએ. પછી આપણે સ્વાભાવિકતાના બીજા પ્રકારે પહોંચીએ છીએ. એ સાચી સ્વાભાવિકતા છે; ઉદાહરણ તરીકે, રમણ મહર્ષિની સ્વાભાવિકતા છે. એવા જ એક શ્રીરામકૃષ્ણ સ્વાભાવિક અને સ્વયંસ્ફુર્ત હતા. અમેરિકાના હિપ્પી આંદોલનના એ સમયમાં અમેરિકન યુવાનો સ્વાભાવિકતા પ્રાપ્ત કરવા આતુર હતા. કોઈ તણાવ, કોઈ નિયમન એમને પસંદ ન હતાં. એવું કશું જ એ ઇચ્છતા ન હતા. સાવ સાચું, પણ યુવાનો સાચી સ્વાભાવિકતા ઝંખતા હોય તો ભીતરની શક્તિઓના નિયમનવાળા જીવનમાંથી તેમણે પસાર થવું પડે. આ માર્ગદર્શન વિના યુ.એસ.એ.નું હિપ્પી આંદોલન ધીમે ધીમે ગુના તરફ, માદક દ્રવ્યો તરફ અને નર્યા આળસુપણા તરફ વળ્યું અને અંતે એ અસ્ત પામ્યું. એ આંદોલન વિશે અમેરિકામાં મને જે કહેવામાં આવ્યું તે આ હતું : ‘આવેગમુક્તિની ફિલસૂફીને અનુસરવાનું અમને ગમે છે.’ કોઈ આવેગ પર એ લોકો અંકુશ મૂકવા ચાહતા ન હતા, આવેગ ઊઠે તેવો એને વહેવા દેવો. આવી ફિલસૂફીને પરિણામે માનવસમાજ એક ‘ઢોરવાડા’માં ફેરવાઈ જાય, એમ મેં કહ્યું. બધા આવેગોને છૂટા વહેતા કરી શકાય નહીં. કયો મુક્ત કરવા જેવો છે ને કયો નહીં તે વિશે તમારે વિવેક વાપરવો જોઈએ. તમે આધ્યાત્મિક દૃષ્ટિએ ‘સાચા સમર્થ’ બનો પછી બધા આવેગોને મુક્તપણે વહેવા દઈ શકાય, કારણ કે આત્માના ઊંડાણમાંથી આવતા એ આવેગો નિત્ય નિર્મળ હશે; એ નિમ્નતર, રોગિષ્ઠ કક્ષાના નહીં હોય.

સમાજમાં આંતરિક શાંતિના આ સૌથી અગત્યના પ્રશ્ન વિશે શ્રીકૃષ્ણના આ સુંદર વિચારોની આ પીઠિકા છે. શાંતિ ન હોય તો માનવજીવનને આપણે કેમ માણી શકીએ ? તમારામાં મને વિશ્વાસ ન હોય તો હું મારું જીવન શી રીતે માણી શકીશ ? આપણામાં રહેલી અણઘડ શક્તિઓને નિયંત્રિત કર્યાથી અને કેળવ્યાથી એ આવે છે. એમનું ઊર્ધ્વીકરણ કરો, એમને દોષમુક્ત કરો, એમને વિશુદ્ધ કરો. સમાજવિજ્ઞાનમાં સામાજિકીકરણ મોટો શબ્દ છે. માનવબળનું સામાજિકીકરણ કરવાનું છે, સમાજના સભ્ય બનવાની યોગ્યતા એનામાં વિકસાવવાની છે. એથી એકબીજામાં વાત્સલ્યનું આરોપણ એ કરી શકે. આ અણઘડ માનવશક્તિતંત્રના નિયમનથી એ આવશે. એમ નહીં કરીએ તો સમાજમાં ગુનેગારોની અને ખંડિત વ્યક્તિત્વવાળાઓની તથા માનસિક વિકૃતોની સંખ્યા વધી જશે. આ પ્રકારનો સમાજ કોઈ ઇચ્છતું નથી, પરંતુ આજે સમાજ એ દિશામાં જ જઈ રહ્યો છે. આપણે એમાંથી એને વાળવો છે. આ સંદર્ભમાં આજની માનવજાતને માટે આ શ્લોકો પરમ અગત્યના છે. શ્રીકૃષ્ણ કહે છે, एतैः विमोहयत्येष ज्ञानं आवृत्य देहिनम्, ‘મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને અંકુશમાં રાખી આ પરિબળો વડે જ્ઞાન ઢંકાઈ જાય છે અને મોહનું રાજ્ય સ્થપાય છે.’ અહીં આ ત્રણ સ્થાનો આપણને દર્શાવવામાં આવ્યાં છે. પછીના ત્રણ શ્લોકો માનવચિત્તના ઊંડાણમાં ડોકિયું કરાવે છે. પોતાની અંદર રહેલી આધ્યાત્મિક શક્તિઓના પૂર્ણ આવિષ્કારની દિશામાં મનુષ્યજીવનની પ્રગતિ પર આટલો વેધક પ્રકાશ કયાંય પણ નખાતો જોવા નહીં મળે. એટલે શ્રીકૃષ્ણ કહે છે :

तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ।

पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम्।।41।।

‘માટે, હે ભરતર્ષભ, ઇન્દ્રિયોને નિયમનમાં રાખવાનું પહેલું પગલું ભરી, જ્ઞાન અને અધ્યાત્મજ્ઞાનનો નાશ કરનાર આ પાપી બળને તું હણી નાખ.’

‘માટે અર્જુન, પ્રથમ તું તારા ઇન્દ્રિયતંત્રને નિયમનમાં રાખ,’ બધો ચેપ એ દ્વારેથી આવે છે. અદ્ભુત વિચાર ! આ ચેપ મારામાં કયાંથી પ્રવેશ્યો છે ? એ જાણવું જોઈએ. કોઈ ડાૅક્ટર એ પ્રશ્ન કરશે. પછી ચેપના એ સ્રોતને રોકવા કોશિશ કરો. આમ અહીં માનસશાસ્ત્રની દૃષ્ટિએ ચેપ બુદ્ધિમાંથી આવતો નથી. એ પ્રથમ ઇન્દ્રિયતંત્રમાંથી આવે છે. तस्मात् त्वं इन्द्रियाण्यादौ नियम्य, માટે ‘ઇન્દ્રિયશક્તિઓને અંકુશમાં રાખો, એમને શિસ્તમાં રાખો.’ आदौ એટલે ‘પહેલાં’. પછી पाप्मानं प्रजहि ह्येनं, ‘તમારી અંદર રહેલા આ પાપીને, આ ગુનેગારને જેર કરો !’ ઇન્દ્રિયતંત્રને દરવાજેથી કોઈ ચેપને હું મારામાં પ્રવેશવા નહીં દઉં. હું એમને અંકુશમાં રાખીશ, એમને શિસ્તમાં રાખીશ. ઇન્દ્રિયતંત્ર દ્વારા પ્રવેશતું અનિષ્ટ કયું છે ? ज्ञानविज्ञाननाशनम्, ‘અધ્યાત્મ જ્ઞાન અને શાણપણનો નાશ કરનાર.’ આરંભમાં જ એની દરકાર ન કરો તો એ કેન્સરની માફક વધી જશે. કેન્સરના થોડાક કોષો શરીરની અંદર દાખલ થઈ જાય અને એટલા વિકસે કે રોગ અસાધ્ય બની જાય. प्रजहि, અર્થાત્ ‘વિજય મેળવ.’ ‘હણી નાખ’ એ પ્રયોગ છે. एनं ‘આ’, આમ કહી, જાણે એને પ્રત્યક્ષ કરી બતાવાયું છે. આપણા શરીરમાં ચેપ લાગે તેના જેવું આ છે : ચેપને નોખો તારવીને લોહીની પરીક્ષા કરીએ, મળમૂત્રની પરીક્ષા કરીએ અને રોગનું કેન્દ્ર શોધીને સારવાર લાગુ કરીએ. ચિત્તતંત્રમાં પણ તેના જેવું જ છે : एनं, ‘આ’, જાણીતું અનિષ્ટ તત્ત્વ ત્યાં દેખાય છે તે. તમારું ઇન્દ્રિયતંત્ર ચેપગ્રસ્ત બન્યું છે. બરાબર કાળજી લો ! એમાંથી જ દરેક અનિષ્ટ ઉદ્ભવે છે. આ ચેતવણી શ્રીકૃષ્ણે આપી છે. ज्ञानविज्ञाननाशनम्, ‘જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર’.

 

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram