અભયનો સંદેશ : ઉપનિષદો અનોખાં જ છે. એ અમર સાહિત્ય છે અને તેથી આપણે તેમને શ્રુતિ કહીએ છીએ; ઇન્દ્રિયોની અને ઇન્દ્રિયબદ્ધ મનની પહોંચની બહારની, ઇન્દ્રિયાતીત અનુભૂતિમાં પમાયેલાં સત્યો એ છે; વિશુદ્ધ મનથી જ એ પ્રાપ્ત કરી શકાય છે. આ સત્યો સનાતન અને સાર્વત્રિક છે અને માનવજાતને સદા પ્રેરણા આપશે. પ્રેરણાના આ મહાનિધિને ચોમેર વેરવા માટેની તક આજનાં સંદેશ-વ્યવહારનાં સાધનો દ્વારા, વિચારો મોકલવાની અદ્યતન પદ્ધતિઓ દ્વારા આજે સાંપડી છે. સ્વામી વિવેકાનંદના સમય પહેલાં વેદાન્ત વિશે, ઉપનિષદોના તત્ત્વજ્ઞાન વિશે બહુ થોડા લોકો જાણતા હતા. આ સત્યો છાપરે ચડીને પોકારવાનું કાર્ય પૂર્વમાં અને પશ્ચિમમાં તેમણે પોતાનું ગણ્યું (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૪, પૃ.૧૬૫)
‘હું તમને કહેવા માગું છું કે આપણે જોઈએ છે સામર્થ્ય, સામર્થ્ય અને હર સમયે સામર્થ્ય ! ઉપનિષદો તો સામર્થ્યની મોટી ખાણ છે; આખા જગતને ચેતનવંતું કરી મૂકે એવી શક્તિ એમાં ભરેલી છે. એમના દ્વારા આખા વિશ્વને સજીવન કરી શકાય, તાકાતવાન બનાવી શકાય, શક્તિમાન બનાવી શકાય અને એ ઉપનિષદો દરેક પ્રજાના, દરેક સંપ્રદાયના, દરેક જાતિના દુર્બળોને, દુ :ખીઓને અને દલિતોને રણશિંગું ફૂંકીને ઘોષણા કરે છે કે તમારા પગ પર ઊભા રહો અને મુક્ત થાઓ! ઉપનિષદોનો મૂળમંત્ર છે મુક્તિ – શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ.’
આ દેશમાં ઉપનિષદોને લોકપ્રિય કરનાર શંકરાચાર્ય (ઈ.સ. ૭૮૮-૮૨૦) પ્રથમ આચાર્ય હતા. એની પહેલાં, બહુ જ થોડા લોકો, મુખ્યત્વે સંન્યાસીઓ, ઉપનિષદોનું મહત્ત્વ જાણતા હતા. શંકરાચાર્યે આ ખજાનો ગૃહસ્થો અને બધા નાગરિકો માટે ખુલ્લો કરી આપ્યો. તેમને એથી લાભ થશે, શંકરાચાર્યે કહ્યું, તે છતાંય ઉપનિષદો અલ્પ લઘુમતી સુધી જ પહોંચ્યાં. પરંતુ આજે એ સૌ કોઈની મિલકત બની શક્યાં છે તેનો યશ સ્વામી વિવેકાનન્દને જાય છે. એ દરેક ભારતીય ભાષામાં છે અને અંગ્રેજીમાં તેમજ બીજી પરભાષાઓમાં પણ તે ઉપલબ્ધ છે, એમનો લાભ લઈ પુષ્ટ થનાર જોઈએ. સ્વામી વિવેકાનન્દ ઉચ્ચારે છે (એજન, પૃ. ૧૨૯) :
‘ઉપનિષદોનાં સત્યો તમારી સમક્ષ આ રહ્યાં. એમને અપનાવો, એ પ્રમાણે જીવન જીવો, એટલે ભારતની મુક્તિ હાથવેંતમાં છે એમ સમજજો!’
પણ ઉપનિષદો ઊંડું અધ્યયન માગે છે. વર્તમાનપત્ર પણ એક પ્રકારનું સાહિત્ય છે, પણ સવારે વાંચીને સાંજે એ ફેંકી દેવાય છે. આમ સાહિત્યના રંગપટની એ તદ્દન નીચલી સપાટીએ છે. ઉપનિષદોનું તેવું નથી, એ તો રંગપટનો મુકુટ છે. એમને ફરી ફરી વાંચવાં જોઈએ. માનસિક પક્વતા અને નિર્મળતાના વિકાસનું દરેક સોપાન એ મહાન સાહિત્યના હૃદયની વધારે અને વધારે નિકટ આપણને લઈ જાય છે. જેમ એમને વધારે વાંચીએ છીએ તેમ આપણને એમાંથી વધારે પ્રાપ્ત થાય છે કારણ કે એમના શબ્દો હૃદયના ઊંડાણમાંથી આવે છે; ‘શબ્દો જ્યાં સત્યના ઊંડાણમાંથી આવે છે,’ એમ ટાગોર ગીતાંજલિમાં કહે છે. ઉપનિષદોના શબ્દો સત્યના ઊંડાણમાંથી આવે છે. ઋષિઓએ સત્ય અનુભવ્યું, મનુષ્યમાં અને પ્રકૃતિમાં તેમણે કશુંક ગહન નિરખ્યું અને તેમના આ દર્શનને ઝીલીને કવિતાની કણિકાઓમાં મૂકવા યત્ન કર્યો. ઉપનિષદોના ભવ્ય કાવ્યે પ્રાચીન કાળથી માંડી આજના કાળના ચિંતકો અને કવિઓનાં હૃદયોને ડોલાવ્યાં છે. મુણ્ડક ઉપનિષદનો શ્લોક (૨.૨.૭) લો :
ય : સર્વજ્ઞ : સર્વવિદ્ યસ્યૈષ મહિમા ભુવિ ।
દિવ્યે બ્રહ્મપુરે હ્યેષ વ્યોમ્ન્યાત્મા પ્રતિષ્ઠિત : ।
મનોમય : પ્રાણશરીરનેતા પ્રતિષ્ઠિતોઽન્ને હૃદયં સન્નિધાય ।
તદ્ વિજ્ઞાનેન પરિપશ્યન્તિ ધીરા :
આનન્દરૂપમ્ અમૃતં યદ્ વિભાતિ ।
‘જે સર્વજ્ઞ છે, સર્વવિદ્ છે, જેનો મહિમા આ વિશ્વ છે તે.’ પણ શું એનો મહિમા બાહ્ય પ્રકૃતિ, સ્થળકાળમાં વિસ્તરેલી પ્રકૃતિ પૂરતો મર્યાદિત છે ? ઉપનિષદ ના કહે છે. એનો મહિમા મનુષ્યમાં પોતાનામાં, એના અસ્તિત્વના ગહન ઊંડાણમાં પ્રતિષ્ઠા પામેલો છે. ‘મનુષ્યનું હૃદય જે દિવ્ય બ્રહ્મપુરી છે તેમાં આ આત્મા પ્રતિષ્ઠિત છે.’ વાચા, મન અને ચિન્તનમાં એની ઉપસ્થિતિ અનુભવાય છે : ‘મનમાં અને ચિંતનમાં એ પ્રતિષ્ઠિત છે, મનુષ્યની મનની અને પ્રાણની શક્તિ એનામાં અને એના દ્વારા કાર્ય કરે છે અને હૃદયમાં રહીને એ મનુષ્યના દેહને પ્રાણિત કરે છે.’ પછી એ શ્લોકની પૂર્ણાહુતિ સુંદર આનંદને સૂરે થાય છે : ‘ધીર પુરુષો એને અંદર તેમજ બહાર, સર્વત્ર પેખે છે; એ આનંદરૂપ છે, અમૃતરૂપ છેે, એનો મહિમા દૃશ્યમાન વિશ્વરૂપે વહે છે.’
શ્લોકમાંના ‘ધીર’ શબ્દોનો અર્થ ‘શાણો પુરુષ’ થાય છે અને બુદ્ધિ અને હિમ્મતના મેળનું સૂચન કરે છે. ઉપનિષદો મનુષ્યની મહત્તાની વાત બે સ્વરૂપમાં કહે છે : પ્રથમ એની બુદ્ધિ છે જેના વડે એ બહારનાં અને અંદરનાં જગતોની ઘટનાઓ સમજે છે; બીજું, એની હિમ્મત, એની વીરતા છે, જેના વડે એ માત્ર જાણતો જ નથી પણ સત્યને અને ઉત્કૃષ્ટતાને પણ પ્રાપ્ત કરે છે. માત્ર બુદ્ધિ પૂરતી નથી, વીરતા પણ આવશ્યક છે. એમનું મિશ્રણ ઉત્તમ ચારિત્ર્યનું નિર્માણ કરે છે જ્યાં જ્ઞાનની શક્તિનું પરિવર્તન દર્શનની શક્તિમાં થાય છે.
બુદ્ધિ વીરતાને રૂપે પ્રકાશે છે ત્યારે જ તે અનુભૂતિના અૅવરેસ્ટને, સત્યના ઊંચામાં ઊંચા શિખરને, આંબવા પામે છે. એ ધીર છે, આત્માનો સાક્ષાત્કારનો એ જ અધિકારી છે. એ સાક્ષાત્કારનું સ્વરૂપ કયું છે ? પરિપશ્યન્તિ ‘એ તેનો સાક્ષાત્કાર સર્વત્ર કરે છે.’ ભીતર તેમજ અંદર, મનુષ્યમાં તેમજ પ્રકૃતિમાં. એના દર્શને દિવ્યતા અર્પતી સમસ્ત પ્રકૃતિ ઝળાંઝળાં થઈ ઊઠે છે. એ તેનો સાક્ષાત્કાર કરે છે. આનન્દરૂપમ્ અમૃતં યદ્ વિભાતિ, ‘દૃશ્યમાન વિશ્વરૂપે જેનો મહિમા વહે છે તે આનન્દના રૂપનું, અમૃતના રૂપનું.’ આનંદના તરંગોમાં ને તરંગોમાં વિશ્વનું પરિવર્તન થાય છે; એ આનંદલહરી છે અને શંકરાચાર્યે કહ્યા પ્રમાણે ‘સૌન્દર્યના તરંગોમાં, સૌન્દર્યલહરીમાં પરિવર્તન પામે છે. મનુષ્યમાં અને પ્રકૃતિમાં, સૂર્યમાં, ચંદ્રમાં અને તારાઓમાં, પ્રત્યેક રજકણમાં’ એ આત્મા પ્રકાશે છે. કાવ્યકણિકામાં ઝિલાયેલું આ દર્શન છે. આ તો એક નમૂનો માત્ર છે, ઉપનિષદોમાં આવાં અનેક છે.
ઉપનિષદોનું આ સુંદર કાવ્ય ગહન ચિંતનનું વાહક છે. એ ચિંતન સરળતાથી ભેદી શકાતું નથી. ઉપરછલ્લા વાચનથી કશું સરતું નથી, નિત્ય અધ્યયન અને નિત્યની ખોજ આવશ્યક છે. ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રના અભ્યાસમાં કરીએ છીએ તેમ આપણી બહારની પ્રકૃતિનો લેશ પણ અભ્યાસ આપણે કરતા નથી. આપણા વ્યક્તિત્વમાં અભિવ્યક્ત થતી પ્રકૃતિનું આપણે અધ્યયન કરીએ છીએ અને એ વ્યક્તિત્વના હાર્દની ખોજ કરીએ છીએ. આપણું અધ્યયન આપણી જાત સાથે, આપણા વિકાસ સાથે, આપણી પરિતૃપ્તિ સાથે, આપણા સાક્ષાત્કાર સાથે સંકળાયેલું છે. આપણી અંદરની ઊંડી પ્રેરણાઓ સાથે ઉપનિષદોના દરેક વાક્યને લાગે વળગે છે. પોતાના બ્રહ્મસૂત્રભાષ્યમાં આચાર્ય શંકર કહે છે કે ઉપનિષદોનું વિષયવસ્તુ અને બ્રહ્મસૂત્રોનું આરંભબિન્દુ છે તે બ્રહ્મ આપણાથી અને આપણા દૈનિક જીવનથી દૂરનું કોઈ અમૂર્ત સત્ય નથી પણ સૌની અંદર રહેલા આત્મા તરીકે અપાયેલ અનુભૂતિનો પૂર્વપક્ષ છે.
આમ આ વારસાના અધ્યયનની આપણને ઘણી જરૂર છે. ઉપનિષદોનું થોડુંક જ્ઞાન આપણા જીવનમાં પ્રવેશે તો આખો દેશ નવી શક્તિથી, નવી નિર્ણાયકતાથી, નવા નિયમનથી ઝણઝણી ઊઠશે. આપણે ભગવદ્ગીતા (૨.૪૦)માં વાંચીએ છીએ : સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્- ‘આ ધર્મનો એક નાનો અંશ પણ આપણને મોટા ભયથી બચાવશે.’ નિર્ભયતાનો, બળનો, વિકાસનો, પ્રગતિનો, પ્રાપ્તિનો આ સંદેશ છે. સર્વને આવરી લેતા પ્રેમ અને જ્ઞાનની એકતાને અર્થાત્ પૂર્ણતાને પામવા માટે મનુષ્યે આગળ ને આગળ વધવું રહ્યું. ઉપનિષદોનો આ સંદેશ છે, આ શંખનાદ છે-સત્ય અને સંપૂર્ણ ઉત્કૃષ્ટતાની ખોજનો આ પોકાર છે. આધ્યાત્મિક પ્રાપ્તિ દ્વારા જીવનની પરિપૂર્ણતાની કક્ષાએ ઉત્ક્રાંંતિને આગળ ધપાવવાનું આ આહ્વાન છે.
વૈશ્વિક મનુષ્ય : જીવન અને અનુભૂતિમાં જે સનાતન, ચિરંજીવી, અમર જડેલું છે તેને પ્રાપ્ત કરવા, જે પરમ છે તેને પ્રાપ્ત કરવા સતત કાર્યરત રહેવાનું આહ્વાન ઉપનિષદો મનુષ્યને કરે છે. બાહ્ય પ્રકૃતિ પરના અધિપતિ તરીકે, મનુષ્યના સામૂહિક જીવનના ઉપલક્ષમાં મૂલ્યોના સર્જક તરીકે બીજી સંસ્કૃતિઓએ માણસની વાત કરી છે. દાખલા તરીકે ગ્રીક વિચારધારામાં પ્રોમિથિયન તત્ત્વની પરિકલ્પના છે, એ અનુસાર બહારની આડચો પર વિજય મેળવી પ્રકૃતિનાં બળો પર માનવીનું આધિપત્ય સ્થાપવાનો ભાવ છે અને આવશ્યક હોય તો બીજા માનવીઓની શક્તિઓને પણ પરાભૂત કરવાનો ભાવ છે. આ વિચારસરણીને એમ જ અનુસરવામાં આવે તો એનો મોટો દોષ એ છે કે એ સમગ્ર મનુષ્યજાતિને પોતાની સાથે લઈ જતી નથી. પોતાનાથી બહાર એવી તમામ વસ્તુઓ પરના મનુષ્યના આધિપત્યના ખ્યાલ પર એ આધારિત છે, પોતાના બાહ્ય પર્યાવરણ પરના આધિપત્યથી પરિણમતા માનવીના અહંકારને સીધો કેમ વશ કરવો તેની જરૂર પર એ ભાર મૂકતી નથી. પોતાના પર્યાવરણ પર મનુષ્ય આધિપત્ય ભોગવે એ ખ્યાલ સાચો છે, મનુષ્યની ઉત્કૃષ્ટતાનું એ સ્વરૂપ છે. એની અભિવ્યક્તિની ચરમ સીમાએ પશ્ચિમ એને લઈ ગયું છે અને ભારતમાં આ ઉત્કૃષ્ટતાના શિક્ષણની રાષ્ટ્રવ્યાપી ધોરણે તાતી જરૂર છે. પણ મનુષ્યની પરમ સિદ્ધિ આટલી જ નથી, મનુષ્યની સિદ્ધિઓના ગજમાં ભારતીય વિચારધારા એને સર્વોચ્ચ સ્થાને નહીં બેસાડે. અહંકારની પાર જઈ, મનુષ્યમાં જે વૈશ્વિક તત્ત્વ છે તેના પ્રાગટ્યમાં તે બિંદુ છે. મનુષ્ય ચરમ અહંકારપારત્વ પામે છે ત્યારે તે જાણે છે કે એ બધાંની સાથે એકરૂપ છે કારણ કે સર્વમાં એ આત્મદર્શન કરે છે.
બીજા શબ્દોમાં કહીએ તો પોતાનામાં એને વૈશ્વિક મનુષ્ય સાંપડે છે. એ અંદર-બહાર એકરૂપ થયેલો છે, મનુષ્યના અને પ્રકૃતિના હૃદયમાં સ્વયંને ધબકતી ભાળે છે. આપણે જે સામાન્ય નરનારીઓ છીએ તેમનામાંથી આ વૈશ્વિક માનવની મુક્તિ ઉપનિષદોનો હેતુ છે. ઉપનિષદોને રસનું અને અગત્યનું કેન્દ્ર બનાવનાર તત્ત્વ આ છે. આજની બધી પ્રગતિવાદી વિચારણાનું કેન્દ્ર વૈશ્વિક મનુષ્ય છે અને તેથી આજના જગતમાં બધી પ્રગતિવાદી વિચારધારાઓની અગ્રિમ હરોળમાં ઉપનિષદો ઊભાં છે. રાષ્ટ્રવાદી, જાતિવાદી, સંપ્રદાયવાદી કે દૃષ્ટિને મર્યાદિત કરતા બીજા કોઈ પણ પ્રકારમાં મનુષ્ય ડૂબેલો છે તેને તારવાનો છે. આજના માનવી સાથે સ્વામી વિવેકાનન્દ વેદાન્તના આ ભવ્ય સંદેશમાં સહભાગી બન્યા અને અર્વાચીન સમાજ પર એ શા આશીર્વાદો વરસાવી શકે તે તેમણે દર્શાવ્યું. નિત્ય વ્યવહારમાં આ ચિંતનનો અમલ શી રીતે થઈ શકે તે પણ તેમણે શીખવ્યું. એટલે ઉપનિષદો અને ભગવદ્ગીતાના આ ગહન સાહિત્યનું, એમાં જડેલા વેદાન્તના દર્શનનું આજની વિચારણા અને જરૂરિયાતોના ઉપલક્ષમાં બુદ્ધિપૂર્વકનું અધ્યયન સર્વત્ર નરનારીઓ માટે પરિતોષક અધ્યયન થશે.
(સ્વામી રંગનાથાનંદ કૃત પુસ્તક ‘ઉપનિષદોનો સંદેશ’માંથી પૃષ્ઠ – ૫૨)
Your Content Goes Here




