હમણાં હમણાં લગભગ બધે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી જોવામાં આવે છે. નાસ્તિક થઈ જવાને બદલે, ખાસ કરીને શિક્ષિત લોકો પણ આમ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે એક યા બીજી રીતે જોડાતા રહે છે. ધર્મનંુ આચરણ કરનારાઓમાં પણ જુદી પ્રકૃતિના માણસો મળી આવે છે. તેમાંના કેટલાક કહે છે : ‘અમે અમારી પરંપરાને વળગી રહીએ છીએ, કુલગુરુ પાસેથી દીક્ષા લઈએ છીએ, નામ-જપ કરીએ છીએ અને અન્ય લોકોની જેમ ઇન્દ્રિયદમન પણ કરીએ છીએ. આ જ અમને સાક્ષાત્કાર કરાવશે. કુલગુરુનો ત્યાગ ન કરવો જોઈએ. તેમનો ત્યાગ એ તો મહાપાપ છે. આથી કુલગુરુના ચારિત્ર્યની કડાફૂટમાં ઊતર્યા વિના તેમની પાસેથી મંત્ર ગ્રહણ કરવો જોઈએ અને બને એટલાં જપ-તપ કરવાં જોઈએ.’ આવા લોકો પોતે આ જ પ્રકારનું આચરણ કરે છે. અવારનવાર તેઓ મહાભારત, પુરાણો અને બીજા ધાર્મિક ગ્રંથો વાંચે છે અને કથાવાર્તા સાંભળે છે. કેટલાક લોકો તંત્રગ્રંથોનો પણ અભ્યાસ કરે છે.

કેટલાક પોતાના પ્રયત્નથી શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. હવે તો ગીતા, પુરાણો, ઉપનિષદો, વેદાન્ત, યોગ અને બીજાં શાસ્ત્રોના અનુવાદો પ્રકાશિત થયા છે. આ અનુવાદોની સહાયથી કે કોઈ પંડિતની સહાયથી કેટલાક લોકો યથાશક્તિ શાસ્ત્રોનો ભાવાર્થ શોધી કાઢવાનો પ્રયાસ કરે છે. શાસ્ત્રોમાંથી પોતાની પસંદગી પ્રમાણેની ઉપાસના પદ્ધતિ અપનાવીને તે લોકો આધ્યાત્મિક આચરણ પણ કરે છે. આ લોકો ગુરુની આવશ્યકતાનો સ્વીકાર કરતા નથી અને કરે તોપણ એમ માનતા નથી કે ગુરુ અનિવાર્ય છે. અને બીજા કેટલાક તો આ બાબતમાં બહુ વિચાર જ કરતા નથી. આવા લોકોમાંથી કેટલાક કહેતા હોય છે, ‘જો માણસને પ્રબુદ્ધ ગુરુ ન મળે તો ગુરુ હોય તોય ઠીક અને ન હોય તોય સરખું જ છે. આથી મને જયારે પ્રબુદ્ધ ગુરુ મળી જશે ત્યારે હું તેમને મારા ગુરુ તરીકે સ્વીકારી લઈશ.’ આમાંના કેટલાક મહાત્માઓની સાથે રહે છે, જયારે કેટલાક ખાસ કાંઈ કરતા નથી હોતા.

ઈશ્વર અંતર્યામી છે, આંતરિક તંત્રનો નિયામક. જો આપણે તેની પ્રાર્થના કરીએ તો તે જવાબ આપે. જરૂરી વસ્તુ તે પૂરી પાડશે જ. બહારના ગુરુની શી જરૂર છે ? વળી આ વિચારધારાનો વિરોધ કરનારા લોકો કહે છે : ‘ગુરુ વિના કોઈ વસ્તુ મળતી નથી. વળી સામાન્ય ગુરુની સહાયથી પણ કાંઈ મળતું નથી. પ્રબુદ્ધ ગુરુ અનિવાર્ય છે.’ કુલગુરુનાં પરંપરાગત સૂચન પ્રમાણે આધ્યાત્મિક અનુશાસનનું પાલન કરનારા લોકોને પૂછવામાં આવે તો તેઓ કહે છે : ‘હું મારા ગુરુના ઉપદેશ પ્રમાણે આચરણ કરું છું. પણ મને ખબર નથી પડતી કે કાંઈ પ્રગતિ થઈ રહી છે કે નહીં. મનની ચંચળતા શું ચાલી ગઈ છે ?’ તેઓ જવાબ આપે છે : ‘ખરેખર ! એ પણ ગઈ નથી.’ અને આપણે જોઈએ છીએ કે ભગવાન માટેનો તેમનો પ્રેમ દરરોજ વધતો જતો નથી. ભગવાન માટેના પ્રેમનું દર્શન જ તે લોકોમાં થતું નથી, તેમને આ દુનિયાના ઇન્દ્રિયોના વિષયો અને સંપત્તિ પ્રત્યે જેટલી આસક્તિ હોય છે, તેનો એકાદો કણ થાય એટલોય નહીં.

આ બધી જુદી જુદી વિચારધારાઓનું અવલોકન કરતાં એક પ્રશ્ન થાય છે : ‘શું મોક્ષ મેળવવા માટે કે આધ્યાત્મિક જીવન જીવવા માટે ગુરુની આવશ્યકતા છે ખરી ? જો તમે હા કહો તો શું આ આવશ્યકતા અનિવાર્ય છે ?’ કહેવાનો ભાવાર્થ એ છે કે શું ગુરુ સિવાયનાં અન્ય સાધનો દ્વારા મુક્તિ મેળવવી અશકય છે ? વળી ગુરુમાં કયા કયા ગુણો જરૂરી છે ?

આ પ્રશ્નનો જવાબ આપવા માટે ત્રણ પરિબળોનો આધાર લેવો પડશે – યુક્તિ (તર્ક), શાસ્ત્ર (ધર્મગ્રંથ) અને પ્રબુદ્ધ આત્માનાં આપ્તવાકયો.

સૌથી પહેલાં આપણે એ જોઈએ કે તર્કે આ બાબતમાં શું કહેવાનું છે. જરાક પણ વિચાર કરનાર લોકોને સમજમાં આવી જશે કે ભગવાનનું ધ્યાન ધરવું અથવા આધ્યાત્મિક જીવન જીવવું એ વ્યક્તિગત સાધનાનો વિષય છે. તેમ છતાં જન્મતાંની સાથે જ એકાંત સ્થળનો આશ્રય લઈને પોતે પ્રબુદ્ધ થઈ જાય ત્યાં સુધી ભગવાન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે બેસી જતો હોય એવો કોઈ માણસ જોવામાં આવતો નથી. ઘણા લોકો આ સમજે છે. શાસ્ત્રના અથવા અન્ય ગ્રંથોના અભ્યાસના અને જુદા જુદા લોકો પાસેથી શ્રવણ કરવાના પરિણામે જ ભગવાન અને ધર્મ વિષેની પોતાની માન્યતા ઉદ્ભવેલી છે, એ વાતનો ઇન્કાર કરે એવો કોઈ અજ્ઞાની માણસ હોતો નથી. જે લોકોને ગુરુની આવશ્યક્તા વિશે શંકા છે, તેમની પાસે કદાચ એટલી સમજશક્તિ નથી કે પવિત્ર માણસોના સંગથી, પવિત્ર મનુષ્ય સાથે લાંબો સમય રહેવાથી, તેનો દાખલો જોઈને માણસ ઘણી બધી પ્રગતિ કરી શકે છે; ભગવાનનંુ ધ્યાન ધરવા માટેનો તેમનો આગ્રહ, અન્યની સેવા કરવાનું વ્રત વગેરે સદ્ગુણોનંુ નિરીક્ષણ કરીને આપણને પણ એમ લાગવા માંડે છે કે એ બધા ગુણો આપણામાં પણ આવે, કદાચ પેલા લોકોના મનમાં આ ભીતિ હોય છે. એક ચોક્કસ માણસની પૂજા કરવાની હોય, તેના ઉપદેશનું હંમેશાં અનુસરણ કરવાનું હોય- શું એ વ્યવહારુ છે? જવાબમાં આમ કહી શકાય, ‘માણસ ભલે ગમે તે વિજ્ઞાન શીખે-એક યા બીજા સ્વરૂપે તેને શિક્ષકની જરૂર પડવાની જ.’ બીજાની મદદ એક યા બીજા પ્રકારે લીધા વિના શીખવાનો માણસ નિર્ણય કરે તો શિક્ષણ શકય જ નથી, એમ નથી. પણ એમાં ખૂબ વાર લાગે છે, ઘણો પરિશ્રમ ઉઠાવવો પડે છે અને પુષ્કળ સહન કરવું પડે છે. બધાં વિજ્ઞાનો શીખવા માટેનો આ નિયમ છે : આપણા પૂર્વજોને જેટલું જ્ઞાન હતું તેટલા પર પ્રભુત્વ મેળવીને, તેનાથી આગળનું કાંઈક આપણે આપણી પોતાની મેળે શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ બીજા પાસેથી શીખવું એટલે કાંઈ યંત્રમાનવની પેઠે અમુક વિષયો ગોખી મારવા એટલું જ નહીં. તેમાં મહા પ્રયત્ન કરવો પડે છે. બીજા પાસેથી શીખવાનો અર્થ થાય છે જ્ઞાનને પોતાનું બનાવી લેવંુ.

આધ્યાત્મિક ઉપદેશક-ગુરુની બાબતમાં પણ આ વાત સાચી બની રહે છે. જો કોઈ ખૂબ આગળ વધેલા મહાત્મા સાથે આધ્યાત્મિક સંબંધ બાંધે, તો પેલા મહાત્માએ જીવનમાં સાકાર કરેલાં સત્યોને પોતાના જીવનમાં આત્મસાત્ કરવાનું અનુકૂળ બની જાય છે.

વળી, ખરેખર આગળ વધેલા ગુરુ પાસે એક વિશેષ શક્તિ હોય છે. તેઓ પોતાના શિષ્યની આધ્યાત્મિક પ્રકૃતિને સ્પષ્ટ રીતે સમજતા હોય છે. તે પ્રકૃતિને જાણી લઈને તેઓ પોતાના શિષ્યને માર્ગ દર્શાવે છે. તે માર્ગે સારું માર્ગદર્શન મળતાં શિષ્યને માટે મોક્ષ અથવા ભગવાનના સાક્ષાત્કારની શકયતા સહેલાઈથી ઊભી થાય છે. અને જો શિષ્યને પોતાના ગુરુને હંમેશાં મળવાનું થાય તો સાધના દરમ્યાન ઊભી થતી આધ્યાત્મિક સમસ્યાઓ અને વિઘ્નોને દૂર કરવાનાં સાધનો બતાવીને ગુરુ તેને સહાય કરી શકે છે અને શિષ્ય જેમ જેમ પોતાની સાધનામાં આગળ વધતો જાય છે તેમ તેમ ગુરુ પણ તેને ક્રમશ : ઉચ્ચતર બોધ કરાવતા જાય છે. જેને સદ્ગુરુ-ખરેખરા આધ્યાત્મિક ગુરુ- મેળવવાનું સદ્ભાગ્ય મળ્યું હોય તેમને સામાન્ય કુલગુરુ અને સદ્ગુરુ પાસેથી મેળવેલ મંત્રમાં સ્પષ્ટ રીતે ભેદ દેખાઈ આવતો હોય છે. મંત્ર આપતી વેળાએ સદ્ગુરુ પોતાના સાધક-શિષ્યની પ્રકૃતિને બંધબેસતી થાય તેવી વિશિષ્ટ આધ્યાત્મિક શક્તિ મૂકી દેતા હોય છે. તેના દ્વારા સાધકને સરખામણીમાં ઓછા પ્રયત્ન અને ઓછી સાધના દ્વારા લક્ષ્યની પ્રાપ્તિ થતી હોય છે.

એક વધુ રીતે સાચા ગુરુઓ પોતાના શિષ્યોને સહાયરૂપ બનતા હોય છે. ખરેખર તો તેઓ શિષ્યનો બોજો પોતે લઈ લેતા હોય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જો શિષ્ય કદાચ આડે માર્ગે ચડી જોય તો તેઓ તેને સાચે માર્ગે પાછો લાવવા માટે કુદરતી કે અતિપ્રાકૃતિક જુદા જુદા ઉપાયો અજમાવે છે. જો એમ થાય કે પોતાના ગુરુએ શીખવેલાં બધાં સત્યોનો શિષ્ય સાક્ષત્કાર કરી લે અને વધારે ઉચ્ચ સત્યોની ખોજ કરવાની તેને ઇચ્છા થાય તો તે વધારે આગળ વધેલા ગુરુને અપનાવે. પરંતુ જો શિષ્ય બહુ આગળ વધેલો ન હોય તો સમગ્ર જીવન પર્યંત એક જ ગુરુ પ્રત્યે નિષ્ઠા ટકાવી રાખવી સારી. જો આમ નહીં થાય તો તે પોતાના આધ્યાત્મિક લક્ષ્યને સાચી રીતે વળગી નહીં રહી શકે. ગુરુની આજ્ઞાને તાબે થવા વિષેનું જે વિધાન છે, તેના બારામાં કહી શકાય કે સદ્ગુરુ કદી અતાર્કિક રીતે આજ્ઞા કરતા જ નથી. કોઈ પણ વ્યક્તિને સદ્ગુરુ તરીકે અપનાવતાં પહેલાં ઘણા દિવસો સુધી તેની કસોટી કરી લેવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને એકાએક સદ્ગુરુ તરીકે નક્કી કરી લેવાનું સલાહભર્યું નથી. જેને સદ્ગુરુની જરૂર હોય તે શિષ્યે રાત અને દિવસ ગુરુ પાસે રહેવું જોઈએ અને તેમના ચારિત્ર્યનો અભ્યાસ કરવો જોઈએ. તેઓ ખરેખરા પવિત્ર મનુષ્ય છે તેની પ્રતીતિ થાય અને શ્રદ્ધા બેસી જાય ત્યાં સુધી આ અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. કેટલાક લોકો દલીલ કરે છે, જો હું ખરેખર ગુરુ વિષે નિર્ણય કરી શકતો હોઉં તો પછી હું પોતે જ ગુરુ બની ગયો. આની સામે અમારો જવાબ એ છે કે આ માત્ર છેતરામણી દલીલ છે. શું તમે દરેક પળે સારા અને ખરાબ વચ્ચે વિવેક નથી કરતા હોતા ? જો તમારામાં સારું-ખરાબ પારખવાની ક્ષમતા ન હોય તો તમે કેટલાક લોકોને સારા અને કેટલાક લોકોને ખરાબ શા માટે કહો છો ? કોઈ મનુષ્યનંુ ચારિત્ર્ય જોઈને આ માણસે કામને જીતેલો છે અથવા આ માણસે ક્રોધને જીતેલો છે કે આ માણસ મહાન ભક્ત છે અથવા આ માણસ મોટો જ્ઞાની છે અથવા આ માણસ લોભી નથી વગેરે વગેરે નક્કી કરવાની જો તમારામાં ક્ષમતા ન હોય તો તમારે હાથ જોડીને એકાંતમાં બેસીને પ્રભુને પ્રાર્થના કરવી : ‘હે પ્રભુ, સારું શું છે અને ખરાબ શું છે, તે સમજવાની મને શક્તિ આપો.’ ઘણા લોકો છેતરાઈ જાય છે, તેનું કારણ એ છે કે શકય એટલી પરીક્ષા કરી લીધા વિના તે લોકો કોઈકને સદ્ગુરુ તરીકે સ્વીકારી લે છે. એક વખત તેમને તમારા ગુરુ તરીકે સ્વીકારી લો તો પછી તમે તેમની આજ્ઞાનું સર્વથા પાલન કરવાનું શા માટે ટાળો છો? હવે એ સાવ સ્પષ્ટ છે કે જે લોકોને કુલગુરુ પાસેથી મંત્ર લેવાથી કોઈ ફાયદો ન જણાતો હોય અને જો તેઓ પ્રભુના સાક્ષાત્કાર માટે ખરેખર ઝંખતા હોય તો તેમને સદ્ગુરુ મુશ્કેલી વિના મળશે.

કોઈક સદ્ગુરુને સ્વીકારી લીધા પછી જો તેમના મરણને લીધે તેમનો સત્સંગ ન કરી શકાય તેમ હોય અથવા પોતે દૂર દૂર રહેતા હોવાથી કે અન્ય કારણોને લીધે જો તેમના સંપર્કનો લાભ ન લઈ શકાતો હોય તો તે ગુરુએ શીખવેલી સાધના પદ્ધતિનો ત્યાગ કર્યા વિના જરૂર પડ્યો કોઈક મહાપુરુષ પાસેથી ઉપદેશ ગ્રહણ કરી લેવો જોઈએ. કહેવામાં આવે છે કે અવધૂતે ર૪ ઉપગુરુઓને ગૌણ ગુરુઓ તરીકે અપનાવી લીધા હતા.
(વેદાંત કેસરી’ જુલાઈ ૧૯૮૭માંથી સાભાર)

Total Views: 113
By Published On: July 1, 2020Categories: Brahmananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram