સ્વામી (વિવેકાનંદ)ના જીવનના આ અંશની જે થોડી ઘણી ઝાંખી મને થઈ છે, તેનું વિવરણ એમની શક્તિપૂજાના ઉલ્લેખ વિના તદ્દન અપૂર્ણ જ રહી જાય. આધ્યાત્મિક દૃષ્ટિએ કહીએ તો, તેમનું મન બે પ્રકારના ઉપાદાનથી ગઠિત હતું એવો મને સદાય અનુભવ થયો છે. તેઓ આજન્મ બ્રહ્મજ્ઞાની હતા, એ વાતમાં સંદેહ નથી; શ્રીરામકૃષ્ણ તો આનો વારંવાર ઉલ્લેખ કરી ગયા છે. સ્વામી જ્યારે કેવળ આઠ વરસના બાળક હતા, ત્યારે પણ તેઓએ રમતમાં બેસતાં જ સમાધિસ્થ થઈ જવાની શક્તિ મેળવી લીધી હતી.
ધર્મની બાબતમાં તેમના મનનો સ્વાભાવિક ઝોક અત્યંત સૂક્ષ્મ તથા દાર્શનિક ભાવોની દિશામાં હતો; સામાન્ય રીતે જે બધા ભાવોને ‘પૂતળાંની પૂજા’ કહેવામાં આવે છે, તેનાથી તદ્દન વિરુદ્ધનો હતો. યુવાનીમાં તેમજ ખૂબ સંભવત: શ્રીરામકૃષ્ણના જીવન-આદર્શ દ્વારા પ્રભાવિત થવાના કંઈ નહીં તો થોડા સમય પછી તેઓ યથારીતિ સાધારણ બ્રહ્મોસમાજના સભ્ય બન્યા હતા.
ઇંગ્લેન્ડ તથા અમેરિકામાં મૂર્તિવિશેષ પર પ્રતિષ્ઠિત હોય એવા કોઈ ભાવનો તેમણે પ્રચાર કર્યો ન હતો. બ્રહ્મસાક્ષાત્કાર જ તેમનું એકમાત્ર લક્ષ્ય હતું, અદ્વૈત-દર્શન તેમનો એકમાત્ર મતવાદ હતો, તેમજ વેદ અને ઉપનિષદ જ તેમના એકમાત્ર પ્રામાણ્ય ધર્મગ્રંથો હતા.
ભયંકર કાલીની ઉપાસના
પરંતુ સાથે સાથે વળી આ પણ સાચું કે ભારતવર્ષનો જગજ્જનની બોધક ‘મા’ શબ્દ પણ સદાય તેમના મુખે રહેતો. આપણે આપણા પરિવારની અંદરના કોઈ સુપરિચિત વિશે જેમ વાત કરતા હોઈએ, તેમ તેઓ પણ જગદંબા વિશે કથાવાર્તા કરતા. તેઓ રાતદિવસ જગન્માતાના ભાવમાં જ તન્મય રહેતા. બીજાં સંતાનોની માફક તેઓ બધો વખત શાંત-શિષ્ટ રહેતા નહીં. કોઈ કોઈ વાર તેઓ તેની સામે તોફાને ચડતા, વિદ્રોહ ભાવાપન્ન પણ થઈ જતા, પણ એ કેવળ જગન્માતા પ્રત્યે જ.
સારું-નરસું ભલેને ગમે તે થાય, એ બધું જગન્માતાની જ મરજી છે એમ તેઓ સમજતા. કોઈ એક શુભકાર્યના ઉપલક્ષ્યમાં તેમણે એક શિષ્યાને પોતાના જીવનમાં જેણે મંત્રશક્તિની જેવું કાર્ય કર્યું હતું તેવી એક માતૃપ્રાર્થના શીખવી દીધી હતી. તે પછી એકાએક અત્યંત ઉત્તેજિત ભાવે શિષ્યા તરફ ફરીને તેમણે કહ્યું હતું, ‘અને જો, માત્ર પ્રાર્થના નહીં, જગન્માતા પર જોર કરીને એ પ્રાર્થના પૂર્ણ પણ કરાવવી પડશે. માની પાસે એ બધો દીનહીન ભાવ નહીં ચાલે ! જોજે.’ વખતે વખતે તેઓ એકાએક કોઈ નવીન ભાવની આંશિક રૂપે અવતારણા કરતા; જેમ કે માનો જમણો હાથ અભયદાન માટે ઊંચે ઉઠાવેલો છે, તેમજ ડાબા હાથમાં ખડ્ગ શોભે છે.
તન્મયતાપૂર્વક લાંબો વખત ચિંતન કરતાં કરતાં વારંવાર તેઓ બોલી ઊઠતા, ‘માતાનો શાપ પણ વરદાન છે.’ અથવા તો ભાવાવેગે તેઓ જાણે કવિની ભાષામાં બોલી જતા, ‘અંતરંગ ભક્તોની ગહન હૃદયકંદરામાં માની રુધિરરંજિત અસિ ઝગઝગ કરતી રહે છે. તેઓ આજન્મ માની અસિ-મુંડ વરાભયકરા મૂર્તિના ઉપાસક!’ એ જ સમયે મેં ‘જગન્માતાની વાણી’ (‘Voice of the Mother’) – શીર્ષકવાળું જે નાનું સ્તોત્ર લખ્યું અને પ્રકાશિત કર્યું હતું, તેની લગભગ દરેક લીટી અને દરેક શબ્દ તેમના જ શ્રીમુખમાંથી આવી ક્ષણોએ નીકળેલા ઉદ્ગારોમાંથી સંગૃહીત થયેલ છે.
તેઓ હંમેશાં કહેતા, ‘હું ઘોર રૂપનો ઉપાસક છું.’ અને એકવાર તેમણે કહ્યું હતું, ‘બધાંય સુખની આશાથી કર્મમાં પ્રવૃત્ત થાય એમ મનમાં લાવવું એ મોટી ભૂલ છે; ઘણા બધા લોકો તો વળી આજન્મ દુ:ખ શોધે છે. આવો, આપણે નિષ્કામ ભાવે માની ભયંકરા મૂર્તિની ઉપાસના કરીએ.’
કાલી અને વેદાંત
કોઈ એક વિશેષ પૂજાને જ સારરૂપ માની તેમાં નિષ્ઠાવાન થવું એ તથા વેદાંતનો ચરમ બ્રહ્મવાદ – આ બંનેનો મેળ કેવી રીતે મળે – એ બાબતમાં તેમને આશંકા થઈ હતી કે તેમને પોતાને જ્યાં ખટકો લાગ્યો હતો, ત્યાં મને પણ જરૂર લાગશે. તેઓ જાણતા ન હતા કે તેમનાં અંતરંગ ભક્તોની સમક્ષ તેઓ પોતે જ આ બધા વિપરીત ભાવોના સમન્વય-સ્થળરૂપ હતા, તેમજ તેમાંના દરેક સત્ય છે, એના પુરાવા રૂપ હતા. તેથી આ વિષયનું ચિંતન કરતાં કરતાં તેઓ થોડો વખત જાણે પોતાના મન સાથે વાત કરતા હોય એમ બોલવા લાગ્યા; કેટલીક વાત તો અસંબદ્ધ, જાણે તેઓ કેટલાક પ્રશ્નોના ઉત્તર દેતા હોય એવી, તથાપિ જાણે પોતાની અંદર કંઈક જોઈને એમાં જ અર્ધમગ્ન થઈ ગયા છે, પ્રયત્ન કરવા છતાં પણ જાણે તેની મોહિનીમાંથી મુક્ત થઈ શકતા નથી.
સમર્પણ
અંતે તેઓએ કહ્યું, ‘અરે, મા કાલી અને તેની લીલાનો હું કેવો તિરસ્કાર કરતો! છ વરસ સુધી હું એ બાબતમાં સંઘર્ષ કરતો, કોઈ પણ રીતે માતાજીમાં માનું નહીં, પરંતુ છેવટે તો મારે માનવું જ પડ્યું ! શ્રીરામકૃષ્ણે મારું સમર્પણ માને કર્યું અને હવે તો મારી દૃઢ શ્રદ્ધા છે કે સામાન્યમાં સામાન્ય કામમાં પણ એ મા જ મને દોર્યે જાય છે, મને લઈને પોતાની ખુશી પ્રમાણે કર્યે જાય છે! … તેમ છતાંયે મેં ઘણા દિવસ એ જગજ્જનની મામાં માનીશ નહીં, એવી જીદ પકડી હતી.
હું શ્રીરામકૃષ્ણને ચાહતો ને, એટલે છોડી શકતો નહીં. મેં તેમની અદ્ભુત પવિત્રતા નજરે નિહાળી, તેમનો અનન્ય પ્રેમ રગે રગે અનુભવ્યો, પ્રાણે પ્રાણે સમજ્યો… તેઓ કેટલા મોટા હતા, એની ધારણા મને તે વખતે પણ આવી ન હતી… એ બધું તો પછીથી થયું… જ્યારે મેં મારી જાતને સમર્પિત કરી દીધી.
એ પહેલાં તો હું એમને માથું ફરી ગયેલ ધારતો – કેવળ કેટલાંક ખાલી સ્વપ્નાં જોયા કરે છે ! એ બધાંનો હું તિરસ્કાર કરતો. પણ છેવટે તો મારે પણ મા કાલીમાં માનવું પડ્યું.
‘મેં એમ શા માટે કર્યું એ તો એક ગુહ્ય ઘટના છે, એ તો હું કોઈનેય કહીશ નહીં. હું એ વખતે મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયો હતો; માને તક મળી ગઈ… તેમણે મને ગુલામ બનાવી દીધો. એ શબ્દો એ જ હતા – ‘માનો જ ગુલામ.’ શ્રીરામકૃષ્ણ પરમહંસે મને માને સોંપી દીધો. … આશ્ચર્યકારક ઘટના ! આ ઘટના પછી તેઓ માત્ર બે વરસ જીવ્યા હતા; એ સમયનો મોટો ભાગ પણ તેઓએ અસ્વસ્થ દશામાં ગાળ્યો હતો. તેઓ પોતાનાં સ્વાસ્થ્ય તેમજ તેજને છ માસથી વધુ સમય સુધી જાળવી શક્યા ન હતા.
‘ગુરુ નાનકનું પણ આમ જ થયું હતું. એ એક માત્ર શિષ્ય કોણ કે જેનામાં તેઓ પોતાની શક્તિનો સંચાર કરી જાય, એની જ તેઓ શોધ કરવા લાગ્યા. ગુરુ નાનકે પોતાના કુટુંબીજનોની ઉપેક્ષા કરી – પોતાનાં સંતાનો તેમની નજરે કંઈ જ નહીં ! છેવટે તેમને એ બાળકનું અનુસંધાન મળ્યું કે જેને તેઓએ આ શક્તિનો અધિકારી ગણ્યો. તેને આ શક્તિનું દાન કરીને પછી તેઓ નચિંત બની મૃત્યુવશ થઈ શક્યા હતા.
‘ભવિષ્યના લોકો શ્રીરામકૃષ્ણને મા કાલીનો જ અવતાર કહેશે, એમ તમને લાગે છે ?’ હા; મને પણ એમ થાય છે કે આ વાતમાં સંદેહ નથી કે મા તેમના પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે જ શ્રીરામકૃષ્ણના શરીરમાં આવિર્ભૂત થયાં હતાં.
‘જુઓ, મારો દૃઢ વિશ્વાસ છે કે ક્યાંક એવી એક મહાશક્તિ છે કે જે પોતાને પ્રકૃતિસત્તા તરીકે માને છે; તેનું જ નામ કાલી, તેનું જ નામ મા. … અને હું બ્રહ્મમાં પણ વિશ્વાસ કરું. અને શું આવું સદાય નથી હોતું ? જીવશરીરના અસંખ્ય કોષો (Cells) મળીને જ એક વ્યક્તિનું સર્જન કરે છે કે નહીં ?
મસ્તકનાં ઘણાં કેન્દ્રો એકઠાં મળીને જ મનની અભિવ્યક્તિ કરે; માત્ર એક કેન્દ્ર નહીં. … બહુત્વની અંદર એકત્વ! એ બીજું શું ? તો પછી બ્રહ્મના સંબંધમાં એનાથી ઊલટું શા માટે થાય ? બ્રહ્મ જ એક માત્ર સત્ પદાર્થ, તે અદ્વિતીય, કિન્તુ વળી તે જ દેવદેવી થયેલ છે !’
એવી જ રીતે કાશ્મીરની તીર્થયાત્રા કરીને પાછા આવ્યા પછી એક વાર તેમણે કહ્યું હતું, ‘આ બધાં દેવદેવી કાંઈ મન દ્વારા ઉપજાવી કાઢેલાં તૂત નથી. ભક્તોએ જે બધાં ઈશ્વરી સ્વરૂપો પ્રત્યક્ષ કર્યાં છે, તે બધાં જ દેવદેવીની મૂર્તિ તરીકે ગૃહીત થયાં છે.
શ્રીરામકૃષ્ણ માટે પણ કહેવાય છે કે તેઓ કોઈ કોઈ વાર સમાધિમાંથી બહાર આવતાં કોણ તેમનાં શરીરમનના આશ્રયે પ્રકાશિત થાય છે, એ વિશે તેઓ આમ કહેતા, ‘જેઓ રામ, જેઓ કૃષ્ણ, જેઓ ઈશુ રૂપે અવતીર્ણ થયા હતા, તે જ આ સમયે (પોતાનું શરીર બતાવીને) આમાં આવિર્ભૂત થયેલ છે.’ તે પછી એમના પટ્ટશિષ્ય તરફ જોઈને હસતાં હસતાં કહેતા, ‘નોરેન, પણ એ કંઈ તારી વેદાંતની દૃષ્ટિએ નહીં!’
વિભિન્ન સમયે ઉપલબ્ધ સત્યોનો અરસપરસ શો સંબંધ, તેમજ એ બધાંને કેવી રીતે એકસૂત્રે બાંધવાં પડશે, એ બાબતમાં મહાપુરુષોનાં મનમાં જે આંદોલનો ચાલે છે, તેનો થોડો ઘણો આભાસ આપણને પૂર્વોક્ત ઘટનાઓમાંથી મળી આવશે. એક બાજુ જગન્માતા, બીજી બાજુ બ્રહ્મ.
ઘણા દિવસો પહેલાં સ્વામીને મુખે જે સાંભળ્યું હતું તે અત્યારે યાદ આવે છે, ‘ઇંદ્રિયજન્ય જ્ઞાનની મરીચિકામાંથી જોઈએ તો નિર્ગુણ બ્રહ્મ જ સગુણ થઈ જાય.’ સાચું કહીએ તો, આ બંને ભાવનો એક સાથે મેળ કરાવી શકાય કે નહીં, એ સંદેહાસ્પદ છે. બંને માન્યતાઓ એક જ સમયે સમાન રૂપે સત્ય હોઈ શકે નહીં. આ સમજતાં વખત લાગશે નહીં કે અનુભૂતિના રાજ્યમાં કાં તો શક્તિને બ્રહ્મ થવું પડશે અને નહીં તો બ્રહ્મને શક્તિ થવું પડશે.
આ બંનેની અંદર એકને બીજાનો આકાર ધારણ કરવો જ પડશે. કોણ કોનો આકાર ધારણ કરશે તે તો ખાસ ખાસ સાધકનાં અદૃષ્ટ તથા પૂર્વજન્મના સંસ્કારો ઉપર આધાર રાખે છે.
જગદંબાની લીલા
ગીતાનું આ વેદગંભીર વાક્ય કોને સ્મૃતિપથે ચડતું નથી ? એટલે કે, કર્મનો માત્ર આરંભ ન કરવાથી જ કોઈ વ્યક્તિ નૈૈૈૈષકર્મ્યની પ્રાપ્તિ કરી શકતી નથી; માત્ર કર્મત્યાગ કરવાથી જ સિદ્ધિ હાથમાં આવી જતી નથી. એ જ રીતે આપણે પણ આ નિશ્ચિતપણે જાણી શકીએ કે આ અનુભૂતિમાંથી પસાર થયા વિના અંતે સત્યવસ્તુનો સાક્ષાત્કાર થાય નહીં. શક્તિમાં થઈને બ્રહ્મે પહોંચવું પડશે – નૂતન જીવન, અભિનવ જ્ઞાન તથા ઘણાં પરિવર્તનોમાં થઈને, દ્વંદ્વ તથા જય-પરાજયમાં થઈને આપણે આત્મારૂપી ચિરશાંતિધામે પહોંચીશું કે જ્યાં બધા સમરસ, એકાકાર અને શાંતિમય છે. જે આચાર્યશ્રેષ્ઠ (સ્વામી વિવેકાનંદ)નાં પદાંકનું મેં અનુસરણ કર્યું છે, તેમના જીવન પ્રત્યે જેમ જેમ વધારે ગંભીરભાવે દૃષ્ટિપાત કરતી જાઉં છું, તેમ તેમ દિન-પ્રતિ-દિન હું વધારે ને વધારે સ્પષ્ટભાવે જોવા લાગું છું કે તેઓ પોતે અનુભૂતિરૂપ મહાગ્રંથનાં એક પછી એક પાનાં ઊલટાવતા જતા હતા, તેમજ જ્યારે તેઓએ છેક છેલ્લા શબ્દ સુધી વાંચી નાખ્યું, ત્યારે જ થાકેલા બાળકની જેમ માના ખોળામાં શયન કરીને તેઓ ચરમ સમાધિમાં મગ્ન થઈ ગયા; ત્યારે જ તેમને જ્ઞાન થઈ ગયું કે ‘આ અનંત વૈચિત્ર્યમય જીવન સ્વપ્નમાત્ર હતું !’
Your Content Goes Here




