વિદર્ભનગરમાં શ્રીકૃષ્ણનું સ્વાગત

મહારાજ ભીષ્મકને ખબર પડી કે શ્રીકૃષ્ણ અને બલરામજી એમની કન્યાના વિવાહ જોવા પધાર્યા છે, ત્યારે તેમણે વાજતેગાજતે એમનાં યથોચિત સ્વાગત-સત્કાર કર્યાં. એમણે તેમની સેના તથા સાથીઓ સાથે બન્ને ભાઈઓને બધી સુવિધાઓથી યુક્ત નિવાસસ્થાનમાં ઉતારો આપ્યો. વિદર્ભ દેશના નાગરિકોએ જ્યારે સાંભળ્યું કે શ્રીકૃષ્ણ એમના નગરમાં પધાર્યા છે, ત્યારે એ લોકો બહોળી સંખ્યામાં એમનાં દર્શન માટે આવવા લાગ્યા. તેઓ અરસપરસ આવી ચર્ચા કરતા હતા, ‘રુક્મિણી આમની જ અર્ધાંગિની બનવા પાત્ર છે અને આ પરમ પવિત્રમૂર્તિ શ્યામસુંદર જ રુક્મિણી માટે યોગ્ય પતિ છે. જો આપણું થોડું ઘણુંયે સંચિત પુણ્ય હોત તો વિધાતા આપણા પર પ્રસન્ન થાત અને એવી કૃપા કરત કે શ્રીકૃષ્ણ જ રુક્મિણીનું પાણિગ્રહણ કરે.’

શ્રીકૃષ્ણ રુક્મિણીનું અપહરણ કરે છે

વિવાહ ઉત્સવ પહેલાં વધૂનો દેવીમંદિર જવાનો સમય થઈ ગયો હતો. રુક્મિણી શ્રીકૃષ્ણનાં ચરણકમળનું ચિંતન કરતાં કરતાં દેવીમંદિર તરફ ચાલવા લાગ્યાં. સાથે એમની સખીઓ પણ ચાલતી હતી. ચારે તરફ સશસ્ત્ર સૈનિકો સંરક્ષણ કરી રહ્યા હતા. સાથે ને સાથે મૃદંગ, શંખ, ઢોલ, તુરી વગેરે વાજિંત્રો વાગી રહ્યાં હતાં. મંદિરમાં રુક્મિણીએ મા ભગવતીને આવી પ્રાર્થના કરી, ‘હે અંબિકામાતા ! આપ એવા આશીર્વાદ આપો કે મારી અભિલાષા પૂર્ણ થાય અને શ્રીકૃષ્ણ જ મને પતિરૂપે પ્રાપ્ત થાય.’

પૂજાવિધિ પૂર્ણ કરીને રુક્મિણી મંદિરમાંથી બહાર નીકળ્યાં. તે શ્રીકૃષ્ણના શુભાગમનની રાહ જોતાં જોતાં ધીરે ધીરે ચાલતાં હતાં. બરાબર એ જ સમયે એણે પોતાના રથ પર સવાર શ્રીકૃષ્ણને જોયા. તેઓ રુક્મિણી તરફ આવી રહ્યા હતા અને એમણે પોતાનો જમણો હાથ રુક્મિણીને પકડવા આગળ ધર્યો. રુક્મિણી પોતાના રથ પર ચડવા જ જતાં હતાં, ત્યાં જ શ્રીકૃષ્ણે જોતજોતામાં તેમને પોતાના રથ પર બેસાડી દીધાં. ત્યાર પછી તેઓ બલરામજી તથા અન્ય સહચરો સાથે ત્વરિત ગતિએ દ્વારકા તરફ ચાલી નીકળ્યાં.

ઉપસ્થિત રાજાઓએ આ કાર્યને પોતાના મોટા ભયંકર તિરસ્કાર જેવું માન્યું. તેઓ બધા ગુસ્સાના આવેશમાં આવીને કહેવા લાગ્યા, ‘ધિક્કાર હજો આપણને, આપણા દેખતાં જ તે કૃષ્ણ રુક્મિણીને ઉપાડી ગયો. રુક્મિણીની સાથે તે આપણા બધાનાં યશકીર્તિ છીનવી ગયો!’ બધા ક્રોધિત રાજા પોતપોતાની સેના સાથે શ્રીકૃષ્ણનો પીછો કરવા લાગ્યા. શત્રુસેનાઓને પોતાની તરફ આવતી જોઈને યાદવ સૈનિક પણ પાછા વળીને એમનો સામનો કરવા તૈયાર થયા. પોતાના સૈનિકોની સહાયથી બલરામજી શત્રુસેનાના રથ, ઘોડા, હાથી અને પાયદળ સૈનિકોનો નાશ કરવા લાગ્યા. ભયાનક યુદ્ધ ખેલાયું. રુક્મિણી આ ભયાનક યુદ્ધને જોઈને ભયભીત થઈ ગઈ. શ્રીકૃષ્ણે મરકલડું કરતાં તેને સાંત્વના આપી અને કહ્યું, ‘દેવી! ડરો નહીં. થોડા જ વખતમાં અમારું સૈન્ય શત્રુઓને હરાવી દેશે.’

તરત જ યદુવંશીઓએ શત્રુની સેનાને છિન્નભિન્ન કરી નાખી. જરાસંધ વગેરે રાજા પીઠ દેખાડીને નાસી ગયા.

રુક્મીની હાર

આ બાજુ શિશુપાલ પોતાની ભાવિ પત્નીને ગુમાવવાથી સાવ હતાશ થઈ ગયો. જરાસંધે જઈને તેને સાંત્વના આપતાં કહ્યું, ‘શિશુપાલજી ! તમે દુ :ખી ન થાઓ. સંસારમાં ન તો બધું આપણા મનને અનુકૂળ થાય છે કે ન પ્રતિકૂળ. જેમ કઠપૂતળી બાજીગરના ઇશારે નાચે છે, તેવી જ રીતે લોકો પણ ભગવાનની ઇચ્છાને અધીન છે. મેં વિશાળ સૈન્ય સાથે શ્રીકૃષ્ણ સાથે સત્તર વાર યુદ્ધ કર્યું, પણ મારે દર વખતે પરાજિત થવું પડ્યું હતું. આ વખતે પણ આપણા શત્રુઓની જીત થઈ, કારણ કે કાળ એમને જ અનુકૂળ હતો.’ અંતે શિશુપાલ પણ ઉદાસ મન સાથે પોતાની રાજધાનીમાં પાછો ફર્યો.

પરંતુ રુક્મિણીનો માટો ભાઈ રુક્મી શ્રીકૃષ્ણની બહુ ઈર્ષા કરતો હતો. એમાં વળી શ્રીકૃષ્ણ પોતાની બહેનનું અપહરણ કરી ગયા એ એનાથી સહન ન થયું. તે ક્રોધથી બળવા લાગ્યો અને એક મોટા સૈન્ય સાથે શ્રીકૃષ્ણનો પીછો કરવા લાગ્યો. તે પોતાના રથને ઝડપથી ભગાડીને શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યો અને એમને પડકારતાં કહ્યું, ‘ઊભો રહે, ઊભો રહે! યદુવંશીઓના કુળકલંક, ઊભો રહે ! જેમ કાગડો હોમની સામગ્રી ચોરીને ઊડી જાય, તેમ તું મારી બહેનને ચોરીને ક્યાં ભાગતો રહીશ ? મારાં બાણ તારા પ્રાણ હરી લે એ પહેલાં તું રુક્મિણીને છોડી દે !’ રુક્મીની વાત સાંભળીને શ્રીકૃષ્ણ હસવા લાગ્યા. તેમણે એક જ ક્ષણમાં રુક્મીના ધનુષને તોડી નાખ્યું. પછી રુક્મીએ નવું ધનુષ હાથમાં લીધું, પરંતુ એને પણ શ્રીકૃષ્ણે પોતાનાં બાણોથી તોડી નાખ્યું. આવી રીતે રુક્મીએ શૂલ, ઢાલ, શક્તિ અને તોમર જેવાં જે જે અસ્ત્રશસ્ત્ર ઉઠાવ્યાં, એ બધાંને શ્રીકૃષ્ણે પોતાના પર પ્રહાર થાય એ પહેલાં જ તોડી નાખ્યાં. અંતે રુક્મી હાથમાં તલવાર લઈને પોતાના રથ પરથી કૂદીને શ્રીકૃષ્ણને મારવા માટે તેમની તરફ આગળ વધ્યો. શ્રીકૃષ્ણે પોતાનાં બાણોથી તલવારના ટુકડે ટુકડા કરી નાખ્યા અને તેને હણી નાખવા પોતાના હાથમાં તલવાર લીધી. જ્યારે રુક્મિણીએ જોયું કે મારા ભાઈનો જીવ જવાનો છે, એટલે તે ભયથી થરથર કાંપવા લાગ્યાં. તેમણે શ્રીકૃષ્ણનાં ચરણોમાં પડીને પોતાના ભાઈ રુક્મીને છોડી દેવા પ્રાર્થના કરી. શ્રીકૃષ્ણે દયા કરીને રુક્મીને મારી નાખવાનો વિચાર છોડી દીધો. પરંતુ શ્રીકૃષ્ણ રુક્મીના અહંકારનો નાશ કરવા ઇચ્છતા હતા, એટલે એમણે રુક્મીને તેના જ દુપટ્ટામાં બાંધી દીધો અને તેનાં દાઢી-મૂછ તથા માથાના વાળને કેટલીય જગ્યાએ મૂંડીને તેને કુરૂપ બનાવી દીધો.

આ દરમિયાન બલરામજીના નેતૃત્વ હેઠળ યાદવસેના ત્યાં આવી પહોંચી. બલરામજીને રુક્મીની આવી હાલત જોઈને તેના પર દયા આવી. એમણે શ્રીકૃષ્ણને કહ્યું, ‘ભાઈ કૃષ્ણ ! તારે રુક્મી સાથે આવું કરવું જોઈતું ન હતું. આખરે તો એ પણ આપણો સંબંધી છે.’ પછી એમણે રુક્મિણીને સાંત્વના દેતાં કહ્યું, ‘રુક્મિણી ! તમારો ભાઈ બધાં પ્રાણીઓ પ્રત્યે દુર્ભાવ રાખે છે એટલે કૃષ્ણે રુક્મીના મંગલ માટે જ તેને આવો દંડ દીધો છે. પણ એને લીધે તમારે દુ :ખી થવાની આવશ્યકતા નથી. હવે જે કંઈ થયું એને ભૂલી જાઓ અને પ્રસન્ન ચિત્તે કૃષ્ણ સાથે સિધાવો.’

શ્રીકૃષ્ણે દ્વારકા પાછા ફરીને રુક્મિણીનું વિધિપૂર્વક પાણિગ્રહણ કર્યું. દ્વારકામાં સર્વત્ર રુક્મિણીહરણની ગાથા ગવાતી થઈ અને લોકો ઘેર ઘેર ઉત્સવ મનાવવા લાગ્યા.

Total Views: 102
By Published On: December 1, 2020Categories: Raghaveshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram