સ્યમન્તક મણિની કથા
સત્રાજિત્ નામનો રાજા ભગવાન સૂર્યદેવનો પરમ ભક્ત હતો. સૂર્યદેવે તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેને સ્યમન્તક નામનો એક મણિ આપ્યો. તે મણિ સૂર્યના જેવો તેજસ્વી હતો. સત્રાજિત્ તે મણિને પોતાના ગળામાં ધારણ કરીને એવો ચમકવા લાગ્યો કે જાણે પોતે એક સૂર્ય જ હોય. આ મણિની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ ગઈ. તે મણિ દરરોજ ૧૦૮ તોલા સોનંુ આપતો હતો. તેની બીજી એક વિશેષતા એ પણ હતી કે તેની જ્યાં પૂજા થતી ત્યાં દુકાળ, મહામારી, માનસિક અને શારીરિક વ્યથા વગેરે અશુભ ઘટના બનતાં નહિ. એક વખત શ્રીકૃષ્ણે સત્રાજિત્ને કહ્યું, ‘સત્રાજિત્ ! તમે આ મણિ મહારાજ ઉગ્રસેનને આપી દો તો સૂર્યદેવની કૃપાથી સમસ્ત પ્રજાનું કલ્યાણ થશે.’ પરંતુ લોભને કારણે સત્રાજિતે શ્રીકૃષ્ણની આ વિનંતીનો અસ્વીકાર કરી દીધો.
એક દિવસ સત્રાજિત્નો ભાઈ પ્રસેન સ્યમન્તક મણિને ગળામાં પહેરીને જંગલમાં શિકાર કરવા માટે ગયો. જ્યારે તે શિકાર માટે જંગલમાં અહીં તહીં રખડી રખડી રહ્યો હતો ત્યારે એક સિંહે તેના પર આક્રમણ કર્યું અને તેને તેમજ તેના ઘોડાને મારી નાખ્યો. તે સિંહ પ્રસેનના ગળાનો મણિ મોંમાં મૂકીને એક ગુફામાં પ્રવેશી ગયો. ઋક્ષરાજ જામ્બવાન આ બધું જોઈ રહ્યા હતા. તેઓએ તે સિંહને મારીને તે મણિ લઈ લીધો અને તે મણિ પોતાની પુત્રીને રમવા આપી દીધો.
આ બાજુ સત્રાજિત્ પોતાના ભાઈની પાછા વળવાની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે પ્રસેન પાછો ફર્યો નહિ ત્યારે સત્રાજિત્ને ખૂબ દુ :ખ થયું અને તે કહેવા લાગ્યો, ‘સંભવ છે કે કૃષ્ણે મણિ મેળવવા માટે મારા ભાઈને મારી નાખ્યો હોય.’
સત્રાજિત્ની વાત સાંભળી લોકો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા અને વાત વાતમાં આ અફવા શ્રીકૃષ્ણના કાન સુધી પહોંચી ગઈ. પોતાના ઉપર મુકાયેલા આ આરોપના કલંકને દૂર કરવા માટે શ્રીકૃષ્ણ પોતાના કેટલાક મિત્રો અને સાથીદારો સાથે પ્રસેનને શોધવા વનમાં ગયા. તરત જ તેમને પ્રસેનની લાશ મળી, જેની નજીક તેઓએ સિંહના પંજાનાં નિશાન જોયાં. પગના પંજાનાં નિશાનનું અનુસરણ કરીને આગળ વધતાં તેમને સિંહનો મૃતદેહ જોવા મળ્યો. સિંહના મૃતદેહની પાસે તેમને રીંછના પગનાં ચિહ્ન દેખાયાં. એનાથી તેમને ભાળ મળી કે તે રીંછે તે સિંહને મારી નાખ્યો છે. રીંછના પગનાં ચિહ્નોનું અનુસરણ કરીને તેઓ એક અંધારી ગુફાના દ્વાર સુધી જઈ પહોંચ્યા.
પોતાના મિત્રોને ગુફાના દ્વાર પર પ્રતીક્ષા કરવાનું કહીને શ્રીકૃષ્ણે ઋક્ષરાજની તે ભયંકર ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં તેઓએ એક રીંછ-બાળકને સ્યમન્તક મણિ સાથે રમતો જોયો. તે મણિને લેવા માટે શ્રીકૃષ્ણ તે બાળક પાસે ગયા. એક અજાણી વ્યક્તિને જોઈને બાળકની પરિચારિકા ગભરાઈને બૂમો પાડવા લાગી. જામ્બવાન તે અવાજ સાંભળીને ક્રોધિત થઈ ત્યાં આવી પહોંચ્યા. તે સમયે તે ક્રોધિત હતા અને તેમને ભગવાનની મહિમાનો, પ્રભાવનો ખ્યાલ આવ્યો નહિ. તેઓએ શ્રીકૃષ્ણને એક સાધારણ માનવી સમજી લીધા અને તેમને યુદ્ધ કરવા માટે પડકાર્યા.
જેવી રીતે માંસના ટુકડા માટે બે બાજપક્ષી અંદરોઅંદર લડે છે, તેવી જ રીતે ભગવાન શ્રીકૃષ્ણ અને જામ્બવાન પરસ્પર ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. પહેલાં શસ્ત્રોથી, તેના પછી પથ્થરોથી, ફરી મોટાં મોટાં વૃક્ષોથી અને અંતે વજ્રપ્રહાર જેવા મુક્કાથી યુદ્ધ ચાલતું રહ્યું. બન્ને ૨૮ દિવસો સુધી લગાતાર લડતા રહ્યા. ભગવાનના મુક્કાના પ્રહારથી જામ્બવાનના શરીરની પ્રત્યેક ગાંઠ ઢીલી પડી ગઈ. તેમનું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું અને યુદ્ધનો ઉત્સાહ ઓસરી ગયો. હવે તેઓ સમજી ગયા કે તેમના હરીફ બીજા કોઈ નહિ પરંતુ શ્રીકૃષ્ણના રૂપમાં તેમના સ્વામી રામ જ છે. તેઓએ અત્યંત વિસ્મિત થઈને શ્રીકૃષ્ણને પ્રણામ કરીને કહ્યું, ‘પ્રભુ ! હું સમજી ગયો કે આપ જ બધાં પ્રાણીઓના સ્વામી, રક્ષક, પુરાણપુરુષ ભગવાન વિષ્ણુના અવતાર છો. આપ વિશ્વના રચયિતા બ્રહ્મા વગેરેના પણ સર્જક છો. મને યાદ છે કે કેવી રીતે આપે સમુદ્ર પર સેતુ બાંધ્યો અને લંકાનો વિધ્વંસ કર્યો. અવશ્ય જ આપ આ સમયે શ્રીકૃષ્ણના રૂપમાં મારી સામે વિરાજમાન છો.’ જ્યારે જામ્બવાને ભગવાનને ઓળખી લીધા ત્યારે શ્રીકૃષ્ણે હસતાં હસતાં પોતાના પરમ કલ્યાણકારી શીતળ કરકમળ તેમના શરીર પર ફેરવ્યા જેથી જામ્બવાન્ના શરીરની પીડાનું શમન થઈ ગયું. પછી શ્રીકૃષ્ણે જામ્બવાનને કહ્યું, ‘ઋક્ષરાજ, હું આ સ્યમન્તક મણિને લેવા માટે જ તમારી ગુફામાં આવ્યો છું. એના દ્વારા મારી ઉપર મૂકવામાં આવેલો ખોટો આરોપ અને જૂઠું કલંક હું દૂર કરવા માગું છું.’ ભગવાને આવું કહ્યું ત્યારે જામ્બવાને અત્યંત આનંદથી માત્ર સ્યમન્તક મણિ જ નહિ, પરંતુ પોતાની પુત્રી જામ્બવતીને પણ તેમનાં ચરણોમાં સમર્પિત કરી દીધી.
Your Content Goes Here




