કોલકાતાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત તેમની સેવા કરી રહ્યા છે. તેમાં મુખ્ય છે – નરેન્દ્રનાથ, જેમને સંસાર આજે સ્વામી વિવેકાનંદના નામે જાણે છે.
આ જ બગીચામાં શ્રીરામકૃષ્ણદેવે પોતાના નશ્વર દેહનો ત્યાગ ૧૬ આૅગસ્ટ, ૧૮૮૬ના દિવસે કર્યો હતો. તેમની મહાસમાધિના બે દિવસો પહેલાંની વાત. શ્રીરામકૃષ્ણદેવની પથારી પાસે નરેન્દ્રનાથ ઊભા છે. અચાનક એક ભયંકર સંશય તેમના મનમાં જન્મ્યો, ‘લોકો તો શ્રીરામકૃષ્ણને ઈશ્વરનો અવતાર માને છે. તેઓ પોતે ઈશ્વરનો અવતાર છે એવું અનેક વાર બોલી ચૂક્યા છે. પરંતુ તો પછી આવી શારીરિક પીડા અને અસહ્ય વેદના તેઓ કેમ ભોગવી રહ્યા છે ? આવી અવસ્થામાં પણ જો તેઓ કહી શકે કે, ‘હું ઈશ્વરનો અવતાર છું’ તો જ હું એમને માનીશ.’ નવાઈની વાત, નરેન્દ્રનાથનો વિચાર પૂરો થયો ન થયો કે તરત જ શ્રીરામકૃષ્ણ એના તરફ ફર્યા અને પૂર્ણશક્તિથી સ્પષ્ટ રીતે બોલ્યા, ‘અરે નરેન! તને હજી ખાતરી થતી નથી ? જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણરૂપે આ દેહમાં વિરાજે છે; અને એ પણ તારી વેદાંત-દૃષ્ટિથી નહિ !’ નરેન્દ્રનાથ તો આ સાંભળીને ભોંઠા પડી ગયા અને આવી શંકા કરવા માટે પસ્તાવો કરવા લાગ્યા.
આ અનુભૂતિ પછી જ સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણ વિશે સંસ્કૃત સ્તોત્રની રચના કરી લખ્યું હતું – ‘જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચંડાલ તરફ પણ વહેતો હતો, પ્રકૃતિ પર અતિમાનવ હોવા છતાં જેમણે લોકકલ્યાણનો માર્ગ ક્યારેય ત્યજ્યો નહોતો, જેમનો મહિમા ત્રણેય લોકમાં અપ્રતિમ છે, જે સીતાના પ્રાણરૂપ હતા, પરમ જ્ઞાનરૂપી જેમનો દેહ સીતારૂપી મધુર ભક્તિથી ઢંકાયેલો હતો, જેઓ આવા શ્રીરામરૂપ હતા; જેમણે કુરુક્ષેત્રના યુદ્ધમાંથી ઊઠતા પ્રલયકાળના જેવા ભયંકર નાદને શાંત કરી દીધો હતો, જેમણે પ્રકૃતિસહજ છતાં ભયંકર એવી અજ્ઞાનરાત્રિનો નાશ કર્યો હતો, જેમણે મધુર છતાં શાંત ગીતાની સિંહગર્જના કરી હતી, તે પ્રખ્યાત પુરુષ આજે રામકૃષ્ણ રૂપે જન્મ્યા છે.’
આપણી માતૃભૂમિની આ વિશેષતા છે કે, જ્યારે જ્યારે આપણા દેશમાં – સમાજમાં, વિપત્તિઓ આવે છે, સંકટ આવે છે, ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે આ પુણ્યભૂમિમાં ઈશ્વર મનુષ્યરૂપે અવતરે છે અને ધર્મની પુન :સ્થાપના કરે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ।।
(ગીતા – અધ્યાય ૪/૭-૮)
‘જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હે અર્જુન ! હું પોતે પ્રગટ થાઉં છું. સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોનો વિનાશ કરવા માટે યુગે યુગે ધર્મની સ્થાપના કરવા માટે હું જન્મ લઉં છું.’
‘શ્રીરામચરિતમાનસ’માં પણ શિવજી પાર્વતીજીને ભગવાન રામના અવતારના હેતુ વિશે કહે છે :
તસ મૈં સુમુખિ સુનાવઉં તોહી ।
સમુઝિ પરઈ જસ કારન મોહી ।।
જબ જબ હોઈ ધરમ કૈ હાનિ ।
બાઢહિં અસુર અધમ અભિમાની ।।
કરહિં અનીતિ જાઈ નહિં બરની ।
સીદહિ બિપ્ર ધેનુ સુર ધરની ।।
તબ તબ પ્રભુ ધરિ બિબિધ સરીરા ।
હરહિં કૃપાનિધિ સજ્જન પીરા ।।
(શ્રીરામચરિતમાનસ : બાલકાંડ – ૧૨૦/૩-૪)
‘જેવું મને સમજાય છે, તે કારણ હે સુમુખી ! હું તમને સંભળાવું છું. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધમ અભિમાની અસુરો વધી પડે છે, વર્ણવી ન શકાય તેવી અનીતિ કરે છે; તેમજ બ્રાહ્મણો, ગાયો, દેવો તથા પૃથ્વી દુ :ખ પામે છે, ત્યારે કૃપાના ભંડાર પ્રભુ અનેક પ્રકારનાં શરીરો ધરી સજ્જનોની પીડા હરે છે.’
દરેક યુગમાં, પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. ભગવાન રામ ત્રેતાયુગની સમસ્યાઓનું સમાધાન પોતાના જીવન દ્વારા કરે છે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વાપરની સમસ્યાઓનું સમાધાન પોતાના જીવન અને સંદેશ દ્વારા કરે છે અને આપણા આ યુગની સમસ્યાઓના સમાધાન માટે ભગવાને શ્રીરામકૃષ્ણરૂપે અવતાર ગ્રહણ કર્યો છે. પુરાણોમાં ગાથા આવે છે કે હિરણ્યાક્ષ જ્યારે પૃથ્વીને ચોરીને લઈ જાય છે, ત્યારે ભગવાન વરાહના રૂપમાં અવતાર લઈ હિરણ્યાક્ષનો વધ કરે છે અને પૃથ્વીનો ઉદ્ધાર કરે છે. હિરણ્યકશિપુ જ્યારે સંસાર પર અત્યાચાર કરવા લાગે છે અને પ્રહ્લાદનો વધ કરવા જાય છે, ત્યારે ભગવાન નૃસિંહના રૂપમાં અવતાર લઈ હિરણ્યકશિપુનો વધ કરીને પ્રહ્લાદની રક્ષા કરે છે. ત્રેતાયુગમાં શ્રીરામના રૂપમાં અવતરી રાવણ, કુંભકર્ણ, વગેરેનો વધ કરે છે અને દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપમાં અવતરી શિશુપાલ, દન્તવક્ત્ર અને કંસ વગેરેનો વધ કરે છે. અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે :
આ બધા અવતારોના હાથમાં શસ્ત્રો દેખાય છે પણ શ્રીરામકૃષ્ણદેવના હાથમાં તો કોઈ શસ્ત્ર દેખાતું નથી. તેમણે ક્યા અસુરોનો વધ કર્યો ? કેવી રીતે કર્યો ?’
વાત સાચી છે. આપણા યુગની સમસ્યાઓ પૌરાણિક યુગની સમસ્યાઓ કરતાં જુદી છે. કારણ કે પહેલાંંના યુગોની સમસ્યા વ્યક્તિપરક હતી. થોડા ક્રૂર અને અત્યાચારી દૈત્યોએ પોતાની અપાર ક્ષમતા અને શક્તિ દ્વારા પૃથ્વીમાં અત્યાચાર કર્યો હતો. આજે આપણને રાવણ, કુંભકર્ણ, મેઘનાદ જેવી શક્તિશાળી વ્યક્તિઓ જોવા નથી મળતી કે, જેઓ સમસ્ત વિશ્વ પર શાસન કરી અત્યાચાર કરતી હોય. પણ તેનો અર્થ એવો નથી કે આપણા યુગની સમસ્યા સરળ છે.
આ સંદર્ભમાં એક મજેદાર પ્રસંગ છે. ભારતના પ્રસિદ્ધ રામાયણ-પંડિત રામકિંકર ઉપાધ્યાયનું ‘રામચરિત-માનસ’ પર પ્રવચન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ચાલી રહ્યું હતું. તુલસીદાસજીએ આ ગ્રંથમાં વર્ણન કર્યું છે કે રાવણ અને કુંભકર્ણના ત્રણ જન્મો થયા. સત્યયુગમાં હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષના રૂપમાં, ત્રેતાયુગમાં રાવણ અને કુંભકર્ણના રૂપમાં અને દ્વાપરમાં શિશુપાલ અને દન્તવક્ત્રના રૂપમાં. યુગો તો ચાર છે, જે નીચે મુજબ છે.
સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ. એક વ્યક્તિએ કહ્યું કે, તો તો આપણો આ યુગ સૌથી સારો. કારણ કે આ યુગમાં રાવણ અને કુંભકર્ણનો જન્મ નથી થતો, જો જન્મ થયો હોત તો જરૂર તુલસીદાસજી એનું વર્ણન કરત. પંડિતજીએ હસીને જવાબ આપ્યો – ‘નહીં ભાઈ, એવું નથી. વાત એમ છે કે બીજા યુગોમાં તો રાવણ અને કુંભકર્ણ તો એક એક વ્યક્તિના રૂપમાં આવ્યા પણ આ યુગમાં તો આ બંંને એટલા રૂપમાં આવ્યા કે કોનું નામ લખવું અને કોનું ન લખવું !’ ખરેખર તો આપણા યુગની સમસ્યા તો વધારે મુશ્કેલ છે. કારણ કે આ આપણા બધાની સમસ્યા અંત :કરણમાં રહેવાવાળી દુર્વૃત્તિઓ અને દુર્વિચારોની છે. આપણા બધામાં કુંભકર્ણ, કામરૂપી મેઘનાદ, વગેરે રાક્ષસો નિવાસ કરી રહ્યા છે અને તેમનો વિનાશ કરવો વધારે દુષ્કર છે.
‘વિનયપત્રિકા’ ગ્રંથમાં ગોસ્વામી તુલસીદાસજી આ યુગના આ રાક્ષસોનું વર્ણન કરતાં લખે છે –
મોહ દશમૌલિ તદ્ભ્રાત અહંકાર
પાકારિજિત કામ બિશ્રામહારી ।
લોભ અતિકાય, મત્સર મહોદર
દુષ્ટ, ક્રોધ પાપિષ્ટ વિબુધંતકારી ।।
‘આ શરીરરૂપી લંકામાં મોહરૂપી રાવણ, અહંકારરૂપી તેનો ભાઈ કુંભકર્ણ અને શાંતિ નષ્ટ કરવાવાળો કામરૂપી મેઘનાદ છે. લોભરૂપી અતિકાય, મત્સરરૂપી દુષ્ટ મહોદર, ક્રોધરૂપી મહાપાપી દેવાન્તક વગેરે રાક્ષસો છે.
સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત કામ, ક્રોધ, લોભરૂપી આ રાક્ષસોના વધ માટે જ ઈશ્વર આ વખતે પરમ સત્ત્વગુણનું ઐશ્વર્ય લઈને શ્રીરામકૃષ્ણરૂપે અવતરે છે અને કામ-કાંચન ત્યાગના સર્વોત્કૃષ્ટ આદર્શને પોતાના જીવનમાં આચરી તેનો ઉપદેશ વિશ્વને આપે છે. ઔદ્યોગિક ક્રાંતિ અને જડવિજ્ઞાનની શોધે પાશ્ચાત્ય દેશોમાં જડવાદી સભ્યતા આણી, જે આજે સમસ્ત વિશ્વમાં વ્યાપી રહી છે. તેને પરિણામે ભોગલાલસા, સ્વાર્થપરાયણતા, લોભ, વગેરે માણસ માત્રના રગેરગમાં ઘૂસી ગયાં છે, ધર્મ અને સત્યાચરણ પરથી આસ્થા જતી રહી છે, માનવમૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે અને ઈશ્વરના અસ્તિત્વ પર પણ સંદેહ થઈ રહ્યો છે.
આ જડવાદિતારૂપી રાક્ષસ અને ‘સંશયરાક્ષસ’નો વધ કરવા માટે જ આ યુગમાં ઈશ્વરનું શ્રીરામકૃષ્ણરૂપે આગમન થયું છે. એટલે જ સ્વામી વિવેકાનંદ ‘શ્રીરામકૃષ્ણ સ્તોત્ર’માં લખે છે – ‘संशयराक्षस नाश महास्त्रं’.
પોતાના ગુરુભાઈને ૧૮૯૧ના પત્રમાં સ્વામી વિવેકાનંદે લખ્યું હતું- ‘જે દિવસથી શ્રીરામકૃષ્ણ અવતારનો આવિર્ભાવ થયો ત્યારથી સત્યયુગનો પ્રારંભ થયો છે. આ અવતારમાં જ્ઞાનની તલવાર વડે નાસ્તિક વિચારોનું છેદન થશે. ભક્તિ અને (દિવ્ય) પ્રેમથી આખું જગત સંયુક્ત બનશે.’
ગાંધીજીએ પણ કહ્યું હતું, ‘સંશયવાદના આ જમાનામાં શ્રીરામકૃષ્ણ ઉજ્જવળ અને જીવંત ધર્મનું જે ઉદાહરણ રજૂ કરે છે, તે હજારો નરનારીઓને સાંત્વન આપે છે.’
કાૅલેજના વિદ્યાર્થી નરેન્દ્રનાથ કૅન્ટ, હેગેલ, હર્બટ સ્પેન્સર, વગેરે પાશ્ચાત્ય દાર્શનિકોનાં પુસ્તકો વાંચી પાશ્ચાત્ય વિચારસરણીથી પ્રભાવિત થઈ ઈશ્વર પરની શ્રદ્ધા ગુમાવી બેઠા હતા. સત્યના સાક્ષાત્કાર માટે તેમની તાલાવેલી એટલી વધી ગઈ હતી કે અવસર મળતાં જ કોઈ સંત અથવા મહાપુરુષને પૂછી બેસતા, ‘શું આપે પોતે ઈશ્વરનાં દર્શન કર્યાં છે ?’ પણ કોઈ તેમના પ્રશ્નનો સંતોષજનક ઉત્તર ન આપી શકતા.
જ્યારે શ્રીરામકૃષ્ણ સાથે તેમનો મેળાપ થયો ત્યારે તેમને પણ તે જ પ્રશ્ન પૂછ્યો : ‘મહાશય, આપે પોતે ઈશ્વરનાં દર્શન કર્યાં છે ?’ શ્રીરામકૃષ્ણે ઉત્તર આપ્યો : ‘હા, જેવી રીતે હું તને અહીં જોઉં છું તેવી જ રીતે ઈશ્વરને જોઉં છું. ફેર એટલો જ કે એને હું વિશેષ સ્પષ્ટતાથી જોઉં છું.’ એટલું જ નહિ, શ્રીરામકૃષ્ણે નરેન્દ્રનાથને કહ્યું, કે તેઓ તેને ઈશ્વરનાં દર્શન કરાવી દેશે. અને ખરેખર, નરેન્દ્રનાથને નિર્વિકલ્પ સમાધિ સુધીની અનુભૂતિઓ તેમણે કરાવી. આ હતો ધર્મનો વિજ્ઞાન પર વિજય, પ્રાચ્યનો પાશ્ચાત્ય પર વિજય, આધ્યાત્મિકતાનો જડવાદિતા પર વિજય. આ પછી એ જ નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદના રૂપમાં શિકાગો ધર્મમહાસભામાં ભારતીય આધ્યાત્મિક મૂલ્યો અને સંસ્કૃતિનો ગૌરવમય ધ્વજ ફરકાવે છે અને સમસ્ત વિશ્વમાં ભારતીય અમૂલ્ય આધ્યાત્મિક વારસાથી પ્રાપ્ત થયેલા આદર્શાેનો પ્રસાર કરે છે. આવી રીતે શ્રીરામકૃષ્ણ-અવતારમાં સંશયરાક્ષસનો વધ થાય છે. (ક્રમશ 🙂
Your Content Goes Here




