સુભાષિતની એક સૂક્તિ આપણને સરળ વિદ્યાર્થી જીવનઘડતરની પ્રેરણા આપતાં કહે છે-
काकचेष्टा बकोध्यानं श्वाननिद्रा तथैव च।
अल्पाहारी गृहत्यागी विद्यार्थी पंचलक्षणम्।।
काकचेष्टा – એક કાગડો હતો. તેને ખૂબ તરસ લાગી હતી. તે પાણીની શોધમાં દૂર દૂર સુધી ભટકી રહ્યો હતો, ત્યારે તેની દૃષ્ટિ એક કૂજા પર પડી, જે અડધો ભરેલો હતો. કાગડો કૂજા પર બેઠો, પાણી પીવા અસમર્થ હતો કારણ કે પાણી સુધી તેની ચાંચ પહોંચી શકે તેમ ન હતી. તેણે પાણી પીવા માટે ઉપાય શોધ્યો. તે ઊડી ઊડીને કાંકરા લાવતો અને ઘડામાં નાખતો. આમ કરવાથી પાણીનું સ્તર ઊંચું આવી ગયું. તેણે પાણી પીધું અને પોતાની તરસ છિપાવી. કાગડાની આ ચેષ્ટાથી, પ્રવૃત્તિથી આપણે આપણું વિદ્યાર્થીજીવન ઘડી શકીએ. બાળપણમાં આ વાર્તા લગભગ આપણે સૌએ સાંભળી જ હશે. આ નાની એવી વાર્તામાં જ વિદ્યાર્થીજીવનનો ગૂઢ અર્થ રહેલો છે કે આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. કાગડો પોતાના લક્ષ્યમાં સિદ્ધ ન થયો ત્યાં સુધી નિરંતર કૂજામાં કાંકરા નાખતો જ રહ્યો. આવી જ રીતે વિદ્યાર્થીઓએ પણ અભ્યાસ વિશે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. કાગડો જો થોડાક કાંકરા નાખીને હાર માની લેત તો તે પોતાનું લક્ષ્ય ક્યારેય સિદ્ધ ન કરી શકત. આપણે પણ આવી જ રીતે પોતાનો પ્રયત્ન સતત ચાલુ રાખવો પડશે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘નિરાશા મળે તેથી શું ? આ નિષ્ફળતાઓ તદ્દન સ્વાભાવિક છે, જીવનનું ખમીર છે. તેના વિના જીવન કેવું થઈ જાય? જો જીવનમાં સંગ્રામ ન હોય તો પછી તેની કંઈ જ કિંમત રહે નહિ. જીવનમાંથી કાવ્યનું માધુર્ય જ ઊડી જાય. ભૂલોથી કે અથડામણથી ગભરાવું નહિ. ગાયને કદી જૂઠું બોલતાં સાંભળી છે ? છતાં ગાય તે તો ગાય જ છે, તે મનુષ્ય નથી. માટે આ નિષ્ફળતાઓથી કદીય પાછું પડવું નહિ. આદર્શને પકડી રાખવાનો એક હજાર વાર પ્રયત્ન કરો અને હજાર વાર નિષ્ફળ જાઓ તોપણ ફરીથી પ્રયત્ન કરજો.’
ખરેખર બાળપણમાં કંઈક જાણવાની ઇચ્છા સ્વાભાવિક હોય છે કે ‘આ શું છે? આનાથી શું થાય?’ વગેરે. પણ મોટા થયા પછી આ અભ્યાસ અટકી જાય છે. આ અભ્યાસને જો ટકાવી રાખી શકીએ, તો એ દિવસ દૂર નથી કે જ્યારે આપણી આસપાસ ઘણા વૈજ્ઞાનિકો હશે. ન્યૂટનનું જ ઉદાહરણ લઈએ, તો એક સફરજનને નીચે પડતું જોઈને એ વિચારવા લાગ્યા કે આ સફરજન નીચે જ કેમ પડ્યું? ઉપર કેમ ન ગયું? અને આના પર ઊંડો વિચાર કરી, પોતાના પ્રયત્નના ફળ સ્વરૂપે તેમણે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી. આપણે પણ યાદ રાખવું જોઈએ કે પ્રયત્નોને પાંખો હોય છે અને તે આપણને ઊંચાઈઓ સુધી લઈ જશે! એટલે અસફળતા પછી પણ પ્રયત્નો ચાલુ રહેવા જોઈએ. અને કંઈક જાણવાની ઇચ્છા પણ હોવી જોઈએ, કંઈક એવી કે જે આપણી સફળતાનો મંત્ર હોય.
बकोध्यानम् – મહાભારતમાં દ્રૌપદી-સ્વયંવરમાં માછલીની આંખ વીંધવાની હતી કારણ કે માછલીની ગતિ અત્યંત ચંચળ હોય છે તેથી તેનું લક્ષ્ય સાધવું મુશ્કેલ જણાય છે. આ રીતે ત્યાં અર્જુનની એકાગ્રતાની પરીક્ષા થાય છે. આવી ચંચળ ગતિવાળી માછલીઓને પણ બગલો પોતાની એકાગ્રતાના બળ વડે પકડી લે છે. બગલો પાણીમાં એક જ પગે ઊભો રહી પોતાની એકાગ્રતા પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત કરી રાખે છે અને તેના લક્ષ્યના આવવાની સાથે જ પોતાની સમગ્ર એકાગ્રતાથી લક્ષ્ય પર તૂટી પડે છે. બગલાનો આ ગુણ વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું અનુપમ ઉદાહરણ છે. વિદ્યાર્થી પણ આવી રીતે પોતાના લક્ષ્ય પર એકાગ્ર થાય તો તે પણ સફળતાના શિખર સુધી પહોેંચી શકે છે. ખરેખર તો મારા મત પ્રમાણે કેળવણીનો સાર મનની એકાગ્રતા જ છે, હકીકતો એકઠી કરવી તે નહિ. આ વિશે સ્વામી વિવેકાનંદના વિચાર આ પ્રમાણે છે-
‘જો મારે મારું શિક્ષણ ફરીથી લેવાનું હોય અને એ બાબતમાં મારે કશું કહેવાનું હોય, તો હું તો હકીકતોનો મુદ્દલ અભ્યાસ ન કરું; હું તો એકાગ્રતા અને અલિપ્તતાની શક્તિ જ કેળવું અને પછી સંપૂર્ણ સજ્જ થયેલા મનરૂપી સાધન વડે ઇચ્છા મુજબની હકીકતો એકઠી કરું. બાલ્યાવસ્થામાં જ એકાગ્રતાની તેમજ અલિપ્તતાની શક્તિ સાથોસાથ જ કેળવવી જોઈએ.’
ઘણી વખતે વિદ્યાર્થીઓ વાંચવા તો બેસે છે, પણ પુસ્તકનું એક જ પૃષ્ઠ લાંબા સમય સુધી ખુલ્લું રહે છે. કંઈ જ સમજ નથી પડતી, કારણ કે તેનું મન બીજે ક્યાંક ફરતું હોય છે. એક એકાગ્રતા વિહીન વિદ્યાર્થીમાં યાદશક્તિનો અભાવ હોવો સ્વાભાવિક છે, જેના કારણે વિષયને સારી રીતે સમજવો તેના માટે અઘરું બની જાય છે અને તેના ફળ સ્વરૂપે તેનામાં વિષય પ્રત્યેના જ્ઞાનનો અભાવ રહે છે. આમ જ્ઞાનના અભાવે તે અસફળ બનશે.
શું વિદ્યાર્થી પોતાની એકાગ્રતા વધારી શકે છે? આવો, આપણે એકાગ્રતા વધારવાના સંદર્ભમાં થોડા સચોટ ઉપાયોનો સંક્ષિપ્તમાં વિચાર કરીએ. સર્વપ્રથમ તો આપણું મન જેટલું શુદ્ધ હશે, તેટલું એકાગ્ર થશે. બીજું, જે વિષયમાં આપણી રુચિ હોય, તેમાં આપણું મન જાતે જ એકાગ્ર થઈ જાય છે તેથી પોતાના અભ્યાસમાં રુચિ ઉત્પન્ન કરવી જોઈએ. ત્રીજું, જે બાજુ આપણને પ્રોત્સાહન કે સફળતા મળે છે તે બાજુ આપણી રુચિ પણ વધવા લાગે છે અને તેના પર આપણું મન એકાગ્ર થવા લાગે છે. ચોથું, અભ્યાસ કરતાં કરતાં પણ આપણે એકાગ્રતા વધારી શકીએ છીએ. પાંચમું, થોડીક શારીરિક રમતો છે, જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને એકાગ્રતા પણ વધે છે. આવી રમતો રમવાથી ઘણો લાભ થાય છે. આમ વિદ્યાર્થીઓએ વિભિન્ન રીતે પોતાની એકાગ્રતા વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
श्वाननिद्रा – વિદ્યાર્થીઓની ઊંઘ શ્વાન અર્થાત્ કૂતરા જેવી હોવી જોઈએ. જેવી રીતે કૂતરો થોડોક અવાજ થતાં જ બેઠો થઈ જાય છે, તેવી રીતે વિદ્યાર્થીઓએ પણ સજાગ રહેવું જોઈએ. વિદ્યાર્થીઓએ આવશ્યકતાથી વધારે સૂવું જોઈએ નહીં. જે વિદ્યાર્થી સવારે ઊઠીને યોગ-વ્યાયામ વગેરેમાં લાગી જાય છે, તેમનાં શરીર અને મન પ્રફુલ્લિત રહે છે. તેમની ક્ષમતા મોડા ઊઠનારા
વિદ્યાર્થીઓથી વધારે હોય છે. સ્વામી વિવેકાનંદ નિર્બળતાને જ આપણી પ્રગતિનો અવરોધક કહેતા હતા કે નિર્બળતા ન તો આ લોક માટે યોગ્ય છે, ન પરલોક માટે. નિર્બળતાથી મનુષ્ય પરાધીન બને છે. નિર્બળતાથી જ બધા પ્રકારનાં શારીરિક અને માનસિક દુ :ખો આવે છે. નિર્બળતા જ મૃત્યુ છે. આળસના કારણે યુવાવસ્થામાં જ નિર્બળતા આવી જાય છે. નીચેનું સુભાષિત આળસનું પરિણામ બતાવતાં કહે છે-
अलसस्य कुतो विद्या अविद्यस्य कुतो धनम् ।
अधनस्य कुतो मित्रम् अमित्रस्य कुतः सुखम् ।।
અર્થાત્ આળસુ વ્યક્તિને વિદ્યા ક્યાંથી? વિદ્યાહીનને ધન ક્યાંથી? ધનહીનને મિત્ર ક્યાંથી? અને મિત્રહીનને સુખ ક્યાંથી મળે?
શું આળસને દૂર કરી શકાય છે? હા, આનું નિવારણ છે- અને તે છે દૃઢતા અને ઇચ્છાશક્તિ. આવો, આના પર આપણે વિચાર કરીએ. ઘણા વિદ્યાર્થી એવું નક્કી કરે છે કે તે સવારે ઊઠીને વાંચશે, પણ જ્યારે એલાર્મ વાગે છે ત્યારે મન કહે છે કે પાંચ મિનિટ હજી સૂઈ લઈએ. આ પાંચ મિનિટમાં ક્યારેક ક્યારેક એક-બે કલાક પણ વીતી જાય છે. આવી સ્થિતિમાં એલાર્મ વાગતાં જ વિદ્યાર્થીએ ઊઠી જવું જોઈએ અને મનમાં એવો ભાવ રાખવો જોઈએ કે મન મારો દાસ છે, હું મનનો દાસ નથી. એક વિદ્યાર્થીને સવારે ઊઠવાની ઇચ્છા તો થતી, પણ તે ઊંઘમાં જ એલાર્મ બંધ કરીને સૂઈ જતો હતો અને પછી તેને ખૂબ પસ્તાવો થતો હતો. ત્યાર બાદ તેણે એલાર્મને કબાટની ઉપર રાખવાનું શરૂ કર્યું જેના કારણે તેને કબાટ પાસે એક ખુરશી રાખવી પડતી અને પછી તેના પર ચડીને એલાર્મ બંધ કરવું પડતું. આવી રીતેટેવ પાડી તેણે પોતાની ઊંઘ પર વિજય મેળવ્યોે. તેથી વિદ્યાર્થીઓ દૃઢ ઇચ્છાશક્તિ દ્વારા ઊંઘ સામે યુદ્ધ કરીને આળસનો ત્યાગ કરી શકે છે.
अल्पाहारी – અહીં અલ્પાહારી શબ્દનો અર્થ ઓછું ખાવું એવો નથી, પરંતુ જરૂરિયાત મુજબ જમવું અથવા વધારે પ્રમાણમાં ન જમવું એવો છે. વિદ્યાર્થી જો જરૂર કરતાં વધારે જમશે તો તેને ઊંઘ આવશે અને તે વાંચવા માટે અનુકૂળ સ્થિતિ નહીં બને. આવી રીતે વધારે પડતા ભોજનના અભ્યાસથી શરીર સ્થૂળ થઈ જાય છે અને સ્થૂળતાને કારણે આળસ તેમજ બીમારીનો પ્રકોપ થવા લાગે છે. આળસ અને બીમારીના કારણે નિર્બળતા આવે છે અને વિદ્યાર્થી બુદ્ધિહીનતાનો શિકાર બને છે. સ્વામી વિવેકાનંદ આહાર વિશે નિર્દેશ કરતાં કહે છે કે કોઈ બીજા પ્રકારના આહાર છે જેનો શરીર પર પ્રભાવ પડે છે અને બીજી રીતે મન ઉપર પણ ખૂબ પ્રભાવ પડે છે. આનાથી આપણે ખૂબ મોટો પાઠ શીખીએ છીએ કે જે દુ :ખોને આપણે ભોગવી રહ્યા છીએ તેનો મોટો ભાગ આપણા ખાધેલા આહારથી જ નિર્મિત થાય છે. વધુ માત્રામાં અને પચવામાં મુશ્કેલ ભોજન કર્યા પછી આપણે જોઈએ છીએ કે મનને વશમાં રાખવું કેટલું કઠિન બની જાય છે. તેવી જ રીતે જરૂરિયાતથી ઓછું ખાવાથી પણ શરીર અને મન દુર્બળ બની જાય છે માટે જરૂરિયાતથી ઓછું જમવું પણ યોગ્ય નથી.
તેથી એક શ્રેષ્ઠ વિદ્યાર્થીએ દૃઢ સંકલ્પ કરવો જોઈએ કે તે લોભવશ ભોજન નહીં કરે પણ પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબનું ભોજન કરશે. આપણે પોતે વિચાર કરીને પોતાના સ્વાસ્થ્યને અનુકૂળ સુપાચ્ય ભોજન જ કરવું જોઈએ. સાથે ને સાથે આપણે પરિશ્રમ, રમતગમત અને કસરત વગેરે પણ કરવાં જોઈએ. ભગવાન બુદ્ધના મધ્યમપથના ઉપદેશનો આધાર લેવો જોઈએ. આમ, વિદ્યાર્થીઓએ ન તો સાવ ઓછું, કે ન તો ખૂબ અધિક ભોજન કરવું જોઈએ.
गृहत्यागी – ગૃહત્યાગીનો અર્થ શું ઘરબાર છોડીને ચાલ્યા જવું એ છે? શું માતાપિતાનો ત્યાગ કરવો? ક્યારેય નહીં. આનું તાત્પર્ય છે- ઘરમાં ઉપલબ્ધ ભૌતિક સુખસુવિધાઓથી દૂર રહેવું કે જેથી આપણે બરાબર અભ્યાસ કરી શકીએ. પ્રાચીનકાળમાં વિદ્યાભ્યાસ માટે ગુરુ-ગૃહવાસની પરંપરા હતી, જેમાં આ જરૂરિયાત આપમેળે જ પૂરી થઈ જતી હતી. પણ વર્તમાન સમયમાં આમ કરવું ખૂબ અઘરું બની ગયું છે કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરમાં રહીને જ અભ્યાસ કરે છે, જ્યાં વાલીઓ હંમેશાં કાં તો ટીવીની સામે બેસી કાર્યક્રમો જોયા કરે છે, કાં તો મોબાઈલ-કમ્પ્યૂટર વગેરેમાં વ્યસ્ત હોય છે. બાળકો પણ આ જ પરિવેશમાં ઊછરે છે. શરૂઆતમાં તો બાળકો ગેમ્સ અને કાર્ટૂનના માધ્યમથી આવાં સાધનોના અભ્યસ્ત થઈ જાય છે. મોટાં થતાંની સાથે જ તેમની રુચિઓ બદલાવા લાગે છે કારણ કે તે હવે આ સાધનોથી અભ્યસ્ત થઈ ગયાં હોય છે અને તેમની રુચિ મુજબના વિષયો આ સાધનો દ્વારા સરળતાથી મળી પણ જતા હોય છે. તેથી આવા વિદ્યાર્થીઓ માટે આ એક નશા સમાન બની જાય છે. ત્યારે વાલીઓ પણ તેમને આવાં સાધનોથી દૂર કરી શકતા નથી. અહીંયાં એક પ્રશ્ન કરી શકાય કે તો શું આવાં સાધનો સાવ બંધ જ કરી દેવાં? નહીં, આધુનિક શિક્ષણ પ્રણાલીમાં આપણને ટેક્નિકલ જ્ઞાન હોવું જરૂરી છે. ટીવી વગેરેમાં જો તેઓ માત્ર મનોરંજનના કાર્યક્રમ જ જોતાં રહે તોે તેઓમાં સર્જનાત્મક શક્તિનો અભાવ થવા લાગશે. વિદ્યાર્થીઓએ આ સાધનોનો ઉપયોગ રચનાત્મક કાર્યો કરવા માટે કરવો જોઈએ.
ગૃહત્યાગીનો બીજો અર્થ આ પણ છે કે વિદ્યાર્થી પારિવારીક સમસ્યાઓથી દૂર રહી વિદ્યાભ્યાસ કરે. ઘરમાં સભ્યો વચ્ચે ઝઘડો ચાલ્યા કરતો હોય તો તેનાથી બાળકને માનસિક તણાવ ઉત્પન્ન થશે. આવા બાળકો નાનપણથી જ નકારાત્મક વિચારવાળા અથવા માનસિક અસ્વસ્થ બની જાય છે. તેના કારણે તેઓ ક્યારેય સારા વિદ્યાર્થી બની શકતા નથી. એક સ્વસ્થ અને બુદ્ધિમાન બાળક પણ યોગ્ય વાતાવરણના અભાવે વિદ્યાભ્યાસ નથી કરી શકતું. તેથી વિદ્યાર્થીએ ઘરમાં ઉપલબ્ધ આરામદાયક જીવનથી અને ઘરની સમસ્યાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ઘર વિશે ઉપર કહેલી બન્ને પ્રકારની આસક્તિનો ત્યાગ કરવો એ જ વિદ્યાર્થીનું ઉત્તમ લક્ષણ છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણા મોટા ભાગના ક્લેશોનું કારણ અનાસક્તિની ક્ષમતાનો અભાવ છે. તેથી મનની એકાગ્રશક્તિના વિકાસની સાથે સાથે આપણે અનાસક્તિની ક્ષમતાનો પણ વિકાસ કરવો પડશે. બધી બાજુએથી મનને ખેંચી લઈ કોઈ એક વસ્તુ પર તેને કેન્દ્રિત કરવું જ નહીં, પરંતુ એક ક્ષણમાત્રમાં જ ત્યાંથી ખેંચી બીજી કોઈ વસ્તુ પર કેન્દ્રિત કરવાનું પણ આપણે શીખવું જોઈએ. આને સરળ બનાવવા માટે આ બન્નેનો અભ્યાસ એકી સાથે વધારવો જોઈએ. આ મનનો સુવ્યવસ્થિત વિકાસ છે.
ઉપસંહાર – એક શ્રેષ્ઠ વિદ્યાર્થીએ નિષ્ફળતા પછી પણ પ્રયત્ન કરતા રહેવું જોઈએ. તેણે મનને નિયંત્રિત કરી અભ્યાસમાં પરોવવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ, સંયમિત આહાર કરવો જોઈએ. તેણે ઘરની સુખ-સુવિધાઓથી દૂર રહીને વિદ્યાભ્યાસ કરવો જોઈએ. ઉપર જણાવેલા નિયમોનું પાલન કરવા માટે
વિદ્યાર્થીઓએ પોતાનાં થોડાંક અંગત સુખનો ત્યાગ કરવો જ પડે.
सुखाथिर्नः कुतो विद्या विद्याथिर्नः कुतः सुखम्।
सुखार्थी वा त्यजेत्विद्यां विद्यार्थी वा त्यजेत् सुखम्।।
અર્થાત્ સુખ ઇચ્છનારને વિદ્યા ક્યાંથી? વિદ્યાર્થીને સુખ હોતું નથી. સુખ ઇચ્છનારે વિદ્યાનો ત્યાગ કરવો પડે છે અને વિદ્યાર્થીએ સુખનો.
ઉપર્યુક્ત વિશ્લેષણના માધ્યમથી સમજી શકાય છે કે આ પાંચ લક્ષણો જીવનમાં ન ઉતારવાથી પરિણામ શું આવે. વિદ્યાર્થીજીવન એવો સમય છે કે જેમાં આપણે વિવિધ સમસ્યાઓને પડકારવી પડે છે અને વિભિન્ન પ્રલોભનો વચ્ચેથી પસાર થવું પડે છે. પણ જે વિદ્યાર્થી પોતાના પથ પર અડગ રહે છે તે જ સફળ થઈ શકે છે. ખરેખર તો વિદ્યાર્થીજીવન જિંદગીનો પાયો છે. આ સમયગાળામાં આપણે જેવો અભ્યાસ કરીએ છીએ તે જ સંસ્કાર આપણા જીવનનો વારસો બની જાય છે. આમ આ પાંચ લક્ષણોના સમન્વય દ્વારા વિદ્યાર્થી પોતાને એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બનાવી શકે છે.
Your Content Goes Here




