(ગતાંકથી આગળ…)

અવતારના અલૌકિક જન્મ

કોલકાતાથી લગભગ એંશી માઈલ દૂર આવેલા કામારપુકુર ગામમાં રહે ખુદીરામ ચટ્ટોપાધ્યાય એક અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ ગરીબ બ્રાહ્મણ. કુળપરંપરાગત શ્રીરામચંદ્રની ભક્તિમાં તેઓ એટલા લીન કે શ્રીરઘુવીરની પૂજા કર્યા પછી જ અન્ન ગ્રહણ કરે. એક વાર તેઓ કામપ્રસંગે બીજે ગામ ગયા અને ત્યાં પાછા ફરતી વખતે થાકી ગયા હોવાથી રસ્તામાં એક ઝાડ તળે વિસામો ખાવા બેઠા, થોડી વારમાં તો તેમને ઊંઘ આવી ગઈ. થોડી વાર પછી સ્વપ્નમાં તેઓ જોવા લાગ્યા કે, તેમના ઇષ્ટદેવ નવદુર્વાદળ-શ્યામતનું ભગવાન શ્રીરામચંદ્ર જાણે દિવ્ય બાળકના વેશે તેમની સામે ઊભેલા છે, અને એક સ્થળ ચીંધીને બોલી રહ્યા છે કે, ‘અહીંયાં હું કેટલાય દિવસોથી સારસંભાળ વગરનો અને આહાર વિના પડી રહેલો છું. મને તારે ઘેર લઈ જા. તારી સેવા ગ્રહણ કરવાની મને ઉત્કટ અભિલાષા જાગી છે.’ આવાં વચન સાંભળીને ખુદીરામ વિહ્વળ થઈ પ્રણામ કરીને બોલવા લાગ્યા, ‘પ્રભુ! હું ભક્તિહીન અને સાવ જ દરિદ્ર. મારે ઘેર આપને યોગ્ય સેવા થવી ક્યારેય સંભવિત નથી. ઊલટાનું, સેવાની ત્રુટિના અપરાધી થઈને મારે નરકમાં જવું પડે, એટલે આવો અણછાજતો આગ્રહ શીદને કરી રહ્યા છો ?’ તેના ઉત્તરમાં બાળક વેશધારી શ્રીરામચંદ્રે તેમને પ્રસન્ન મુખે અભયદાન આપતાં કહ્યું : ‘સહેજ પણ ડરવાની વાત નથી. હું ક્યારેય તારી ત્રુટિને ધ્યાનમાં નહિ લઉં. મને લઈને ચાલ.’ નિદ્રાભંગ થયા પછી ખુદીરામે ઊઠીને જોયું તો સામે જ સ્વપ્નમાં જોયેલા જેવી જગ્યા દેખાઈ. ત્યાં ડાંગરના ક્યારા પાસે પહોંચતાં જ જોયું કે, એક સુંદર શાલિગ્રામની શિલા ઉપર એક ફણીધર ફેણ માંડીને બેઠેલો છે ! પાસે જતાં જ સર્પ અદૃશ્ય થઈ ગયો અને તેમણે ‘જય રઘુવીર’ એમ ઉચ્ચ સ્વરે ઘોષણા સહિત શિલાને હાથમાં લીધી. શિલાનાં બધાં લક્ષણોનું નિરીક્ષણ કરીને જોયું તો સાચે જ એ ‘રઘુવીર’ નામની શિલા હતી. આનંદ અને વિસ્મયથી અધીરા ઉતાવળા તેઓ ઘેર પાછા ફર્યા અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંસ્કાર કરીને પોતાના ગૃહદેવતા તરીકે પ્રતિષ્ઠા કરીને તેનું નિત્યપૂજન કરવા લાગ્યા. આમ, સામે ચાલીને પ્રભુ પોતે ભક્ત પાસે ‘રઘુવીર’ શિલારૂપે આવ્યા. આ ઘટના ઈ.સ. ૧૮૨૦ની આસપાસ બની.

આ ઘટનાનાં લગભગ ૧૬ વર્ષ પછી રઘુવીર પોતે પુત્રરૂપે દેહ ધારણ કરે છે. શ્રીરામકૃષ્ણે ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં કહ્યું : ‘મારા બાપુજી ગયાધામ ગયા હતા. ત્યાં રઘુવીર સ્વપ્નમાં આવ્યા અને કહે કે, ‘હું તારો દીકરો થઈને આવું છું.’ બાપુ બોલી ઊઠ્યા કે, ‘પ્રભુ! હું સાવ ગરીબ બ્રાહ્મણ, કેવી રીતે તમારી સેવા કરીશ?’ રઘુવીર બોલ્યા ‘એ થઈ રહેશે.’

૧૮૩૫માં ગયાધામથી ખુદીરામ જ્યારે પાછા ફર્યા ત્યારે તેમની પત્ની ચંદ્રાદેવીમાં તેઓ અદ્ભુત પરિવર્તન જુએ છે. તેમને પણ આ ગાળામાં દિવ્ય દર્શનો થયેલાં. પતિ-પત્ની બંને એક મહાપુરુષના અવતરણની રાહ જુએ છે. અને ખરેખર ! બધાંના આશ્ચર્યની વચ્ચે ૧૮૩૬માં ૬૧ વર્ષની મોટી ઉંમરે અલૌક્કિ રીતે ખુદીરામને પુત્ર સાંપડે છે. ગદાધર વિષ્ણુની કૃપાના ફળરૂપે માની તેનું નામ ‘ગદાધર’ રાખવામાં આવે છે જેને જગત આજે રામકૃષ્ણ પરમહંસ તરીકે ઓળખે છે. શ્રીરામનો જન્મ યજ્ઞમાં હોમતાં બાકી વધેલા ચારુભક્ષણથી અલૌક્કિ રીતે થયો હતો, શ્રીકૃષ્ણનો જન્મ પણ કંસના કારાવાસમાં દેવકીના ગર્ભમાં અલૌક્કિ રીતે થયેલો અને શ્રીરામકૃષ્ણનો જન્મ પણ આમ અલૌક્કિ રીતે થાય છે.

શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ

યુગના પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. શ્રીરામ ત્રેતાયુગમાં આવે છે- રાવણ, કુંભકર્ણ આદિ દૈત્યોનો વિનાશ કરવા માટે. આથી તેઓ ક્ષત્રિય વંશમાં રાજા રૂપમાં આવે છે. શ્રીરામકૃષ્ણ આવે છે જડવાદિતારૂપી રાક્ષસ અને સંશયરાક્ષસનો વધ કરવા, ત્યાગનો આદર્શ દેખાડવા માટે. આથી તેઓ શુદ્ધ સત્ત્વગુણનું ઐશ્વર્ય લઈને આવે છે એક ગરીબ બ્રાહ્મણની ઝૂંપડીમાં. એટલે સ્વાભાવિક છે કે, બંને અવતારોમાં ઘણું પાર્થક્ય હોય. આમ છતાંય બંને ચરિત્રોમાં કેટલીક બાબતોમાં અદ્ભુત સામ્ય દેખાય છે.

શ્રીરામકૃષ્ણના કુળદેવતા શ્રીરામ હતા. સમસ્ત પરિવાર શ્રીરામનો ભક્ત હતો અને આથી ઘણાંનાં નામ પણ ‘રામ’ સાથે સંકળાયેલાં હતાં. પિતાનું નામ હતું ખુદીરામ, પિતામહનું નામ હતું માણિકરામ, પિતાના ભાઈઓનાં નામ હતાં નિધિરામ અને કાનાઈરામ અને પિતાની બહેનનું નામ હતું રામશીલા. તેમના પોતાના ભાઈઓનાં નામ હતાં રામકુમાર અને રામેશ્વર. ભાણેજનાં નામ હતાં – રામરતન, રાજારામ, રાઘવ અને હૃદયરામ. ભત્રીજાઓનાં નામ હતાં રામલાલ અને શિવરામ, બીજા સંબંધીઓનાં નામ હતાં – રામચંદ્ર (બંદોપાધ્યાય), રામતારક (હલધારી), વગેરે. તેમના શ્વસુરનું નામ રામચંદ્ર હતું અને તેમના કુળદેવતા પણ રામ હતા. શ્રીરામકૃષ્ણના પ્રમુખ ભક્તોનાં નામ હતાં – બલરામ બોઝ અને રામચંદ્ર દત્ત. શ્રીરામકૃષ્ણના બાળપણના મિત્રનું નામ શ્રીરામ મલ્લિક હતું.

શ્રીરામ વાનરોના મિત્ર હતા. શ્રીરામકૃષ્ણ બાળપણમાં ગદાધર અથવા ‘ગદાઈ’ના લાડકવાયા નામથી ઓળખાતા. રામાયણ કથા સાંભળવામાં અને કહેવામાં ગદાઈ કુશળ હતો. નાટકોમાં અભિનય કરવાનો તો તેને ખૂબ શોખ હતો. બાળપણમાં વાનરો સાથે ગદાઈ રમતો. એક વાર માતા સાથે મામાને ગામ માયાપુર જતી વખતે વાનરોના ટોળાને જોઈ ગદાઈ ગેલમાં આવી ગયો અને વાનરો સાથે રમવા માંડ્યો. વાનરો પણ આનંદથી તેની સાથે રમવા માંડ્યા. શું વાનરોએ પોતાના શ્રીરામને તેનામાં જોયા હશે !

શ્રીરામકૃષ્ણની હનુમાન ભાવે દાસ્યભક્તિની સાધના

જગન્માતા કાલીનાં દર્શન પછી શ્રીરામકૃષ્ણનું ચિત્ત પોતાના કુળદેવતા શ્રીરઘુવીર તરફ ખેંચાયું. હનુમાનના જેવી અનન્ય ભક્તિ વડે શ્રીરામનાં દર્શનનો લાભ સંભવિત છે, એમ સમજીને તેઓ પોતાનામાં હનુમાનના ભાવનું આરોપણ કરી દાસ્યભક્તિની સાધનામાં પ્રવૃત્ત થયા. આ સમયે તેમની કેવી અવસ્થા થઈ હતી તેનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણ કહેતા : ‘એ સમયે આહાર-વિહાર વગેરે તમામ કાર્યો હનુમાનની માફક કરવાં પડતાં. ઇચ્છા કરીને હું એ પ્રમાણે કરતો એમ નહિ, પણ એની મેળે જ એમ થઈ જતું, પહેરવાનાં કપડાંને પૂંછડીના જેવું બનાવીને કમરે બાંધતો, ઠેકડા મારતો મારતો ચાલતો, ફળમૂળાદિ સિવાય બીજું કાંઈ ખાતો નહિ. તેની વળી છાલ કાઢી નાખીને ખાવા જેવી પ્રવૃત્તિ બનતી નહિ. ઝાડની ઉપર જ ઘણો વખત નિર્ગમન કરતો અને નિરંતર ‘રઘુવીર, રઘુવીર’ એમ બોલીને ગંભીર સ્વરે બૂમ પાડતો. તે વખતે બંને આંખોમાં ચંચળતા આવી હતી અને આશ્ચર્યની વાત એ કે, મારી કરોડનો છેવટનો ભાગ એક ઈંચ વધી ગયો હતો.’ થોડાં વર્ષો પછી એ ભાગ પૂર્વવત્ થઈ ગયો હતો.

સીતાજીનાં દર્શન

દાસ્ય-ભક્તિની સાધના કરતી વખતે શ્રીરામકૃષ્ણને એક વાર સીતાજીનાં અદ્ભુત દર્શન થયાં હતાં. આ દર્શનનું વર્ણન કરતી વખતે શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, ‘એ વખતે પંચવટી નીચે (કોલકાતાના દક્ષિણેશ્વર મંદિરમાં) એક દિવસ બેઠો હતો, કાંઈ ધ્યાન-ચિંતન કરતો હતો તેમ ન હતું. સહજ બેઠો હતો. એ સમયે અનુપમ જ્યોતિવાળી એક સ્ત્રીમૂર્તિ નજીકમાં આવિર્ભૂત થઈ અને તે જગ્યાને પ્રકાશમાન કરી દીધી. તે વખતે તે મૂર્તિને જ હું દેખતો હતો એમ નહિ, પણ પંચવટીનાં ઝાડપાન, ગંગા ઇત્યાદિ સકલ પદાર્થાેને પણ દેખી શક્તો હતો. મેં જોયું કે, મૂર્તિ માનવની છે, કારણ કે દેવીઓની માફક તેને ત્રણ આંખો હતી નહિ. પરંતુ પ્રેમ-દુ:ખ-કરુણા-સહિષ્ણુતાપૂર્ણ તેમના મુખના જેવો અપૂર્વ ઓજસ્વી ગંભીર ભાવ સાધારણ રીતે દેવીની મૂર્તિઓમાં પણ જોવામાં આવતો નથી. પ્રસન્ન દૃષ્ટિપાતથી મોહિત કરીને એ દેવી-માનવી ધીરમંદપદે ઉત્તર દિશામાંથી દક્ષિણમાં મારા તરફ આવવા લાગ્યાં. ચક્તિ થઈને મેં વિચારવા માંડ્યું કે, કોણ આ ? એ સમયે એક વાંદરો ક્યાંકથી એકાએક ‘હૂપ’ શબ્દ કરીને આવી તેમના પગની આગળ આળોટી પડ્યો અને અંદરથી મન બોલી ઊઠ્યું – ‘સીતા ! જનમદુ:ખિની સીતા ! જનકરાજનંદિની સીતા! રામમયજિવિતા સીતા!’ ત્યારે ‘મા’ ‘મા !’ બોલીને અધીરો બનીને તેમના પગ આગળ પડી જાઉં છું, ત્યાં તે (પોતાનું શરીર બનાવીને) આની અંદર દાખલ થયાં. આનંદ વિસ્મયથી પરવશ થઈ, બેભાન બની પડી ગયો.’

આ દર્શન વખતે શ્રીરામકૃષ્ણે સીતાજીના હાથમાં ડાયમંડ કટવાળી બંગડીઓ જોઈ હતી, ઠીક તેવી જ બંગડીઓ તેમણે મા શારદાદેવી માટે કરાવીને રમૂજમાં કહ્યું : ‘મારી સાથે તેનો આવો જ સંબંધ છે.’ બ્રહ્મ અને શક્તિ અભિન્ન છે. શ્રીરામ સાથે સીતાનું અને શ્રીકૃષ્ણ સાથે રાધાનું આગમન થાય છે, તેમ શ્રીરામકૃષ્ણ સાથે મા શારદાનું આગમન થાય છે. રામેશ્વરના શિવલિંગની પૂજા કરતી વખતે મા શારદાથી બોલાઈ ગયું હતું : ‘જેમ રાખી ગઈ હતી તેમ જ છે.’ (ક્રમશ:)

Total Views: 115
By Published On: May 1, 2021Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram