શાલ્વ સાથે યુદ્ધ

પ્રદ્યુમ્નના સારથિએ એને શાંત કરતાં કહ્યું, ‘આયુષ્યમાન ! મેં જે પણ કર્યું છે તે સારથિધર્મને અનુરૂપ જ કર્યું છે. યુદ્ધનો નિયમ છે કે સંકટ આવ્યે સારથિ રથીની રક્ષા કરે. આ ધર્મ પ્રમાણે મેં આવું આચરણ કર્યું છે. શત્રુના પ્રહારથી આપ મોટા સંકટમાં હતા. હવે આપ સ્વસ્થ થઈ ગયા છો અને હું આપને રણભૂમિમાં પાછો લઈ જાઉં છું.’

પ્રદ્યુમ્ને રણભૂમિમાં પહોંચતાં જ દ્યુમાન પર આક્રમણ કર્યું અને પોતાનાં તીખાં બાણોથી એનું માથું કાપી નાખ્યું. સાત્યકિ વગેરે યદુવંશી વીરો તો શાલ્વની સેનાનો સંહાર કરી જ રહ્યા હતા. આ ભયંકર યુદ્ધ સત્તાવીશ દિવસો સુધી ચાલતું રહ્યું.

આ સમયે શ્રીકૃષ્ણ ઇન્દ્રપ્રસ્થમાં હતા. રાજસૂય યજ્ઞ થઈ ગયો હતો અને શિશુપાલનું મૃત્યુ પણ થઈ ગયું હતું. ત્યાં એમણે ભયંકર અપશુકનો જોયા. એમણે જાણી લીધું કે દ્વારકામાં કંઈક અશુભ બની રહ્યું છે. આથી એમણે કુંતી અને પાંડવોની અનુમતિ લઈને દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું. રસ્તમાં તેઓ મનમાં ને મનમાં કહેવા લાગ્યા, ‘હું બલરામજીની સાથે અહીં ચાલ્યો આવ્યો. હવે શિશુપાલના પક્ષપાતી ક્ષત્રિયો જરૂર દ્વારકા પર આક્રમણ કરી રહ્યા હશે.’ દ્વારકા પહોંચ્યા પછી એમને શાલ્વનાં કરતૂતોની જાણ થઈ. બલરામજીને નગરની રક્ષાનો ભાર સોંપીને એમણે પોતાના સારથિને કહ્યું, ‘દારુક! તું શીઘ્રાતિશીઘ્ર મારો રથ શાલ્વની પાસે લઈ જા. જુઓ, આ શાલ્વ મોટો માયાવી છે. પણ તું જરાય ડરતો નહીં.’ ભગવાનની આવી આજ્ઞા મેળવીને દારુક રથને લઈને શાલ્વની તરફ ચાલ્યો. શ્રીકૃષ્ણના રથની ધજા ગરુડચિહ્ન વડે શોભાયમાન હતી. એને જોઈને યુદ્ધભૂમિમાં બધાએ શ્રીકૃષ્ણને ઓળખી લીધા. શ્રીકૃષ્ણને જોતાં જ શાલ્વે એમના સારથિ પર એક બહુ જ મોટી શક્તિ ચલાવી. એના પ્રકાશથી દિશાઓ ચમકી ઊઠી હતી. એ શક્તિને પોતાના સારથિની તરફ આવતી જોઈને શ્રીકૃષ્ણે પોતાનાં બાણો વડે એના ટુકડે ટુકડા કરી નાખ્યા. ત્યાર પછી એમણે શાલ્વને પોતાનાં બાણોનું નિશાન બનાવ્યો. શાલ્વે પણ શ્રીકૃષ્ણના ડાબા હાથમાં, જેમાં ભગવાને પોતાનું ધનુષ્ય ધારણ કર્યું હતું, ત્યાં બાણ માર્યું. આથી શ્રીકૃષ્ણના હાથમાંથી ધનુષ્ય પડી ગયું. આ એક અદ્‌ભુત ઘટના હતી. જે લોકો આકાશ અથવા પૃથ્વી પરથી યુદ્ધને જોઈ રહ્યા હતા તેઓ આ જોઈને ‘હાય, હાય’ કહીને પોકારી ઊઠ્યા. ત્યારે શાલ્વે ગર્જનાપૂર્વક શ્રીકૃષ્ણને કહ્યું, ‘મૂઢ! તેં અમારા લોકોને જોતાં જોતાં રુક્મિણીનું અપહરણ કરી લીધું અને રાજસૂય યજ્ઞમાં મારા મિત્ર શિશુપાલને મારી નાખ્યો. હું આજે તને મારાં તીવ્ર બાણો વડે ત્યાં પહોંચાડીશ, જ્યાંથી પછી કોઈ પાછું આવી શકતું નથી.’

આના જવાબમાં ક્રોધિત થઈને શ્રીકૃષ્ણે શાલ્વને કહ્યું, ‘અરે મંદબુદ્ધિ! વ્યર્થનો બકવાસ ન કર. તને ખબર નથી કે તારા શિર પર મોત ચક્કર મારી રહ્યું છે. વીર પુરુષો નકામો બકવાસ કરતા નથી. તેઓ પોતાનું પરાક્રમ જ દેખાડે છે.’ આવું કહીને શ્રીકૃષ્ણે પોતાની ગદા વડે શાલ્વના ગળા પર પ્રહાર કર્યાે. શાલ્વ મોઢામાંથી લોહી બહાર કાઢીને ધ્રૂજવા લાગ્યો. પણ જોતજોતામાં તે પોતાના માયાવી રથમાં બેસીને અદૃશ્ય થઈ ગયો. શ્રીકૃષ્ણ એને શોધવા લાગ્યા. એક-બે ક્ષણ વીત્યા બાદ એક વ્યક્તિ શ્રીકૃષ્ણ પાસે આવી અને રડતાં રડતાં એમને કહ્યું, ‘મને તમારી માતા દેવકીએ મોકલ્યો છે. એમણે કહ્યું છે કે આપના પિતા વસુદેવજીને જેમ કોઈ કસાઈ પશુને બાંધીને લઈ જાય છે, એ પ્રમાણે બાંધીને લઈ ગયો છે.’

આ અપ્રિય સમાચાર સાંભળીને શ્રીકૃષ્ણ ઉદાસ બની ગયા અને વિચારવા લાગ્યા, ‘મારા ભાઈ બલરામજીને તો અસુર અને દેવતાઓ પણ જીતી શકતા નથી. શાલ્વનું બળ-પૌરુષત્વ તો અત્યંત અલ્પ છે. તો પછી એમને શાલ્વે કેવી રીતે જીતી લીધા અને કેવી રીતે મારા પિતાજીને બાંધીને લઈ ગયો?’ શ્રીકૃષ્ણ આ રીતે વિચારી રહ્યા હતા ત્યાં જ શાલ્વ વસુદેવજીના જેવો જ એક માયાવી મનુષ્ય લઈને ત્યાં આવી પહોંચ્યો અને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો, ‘મૂર્ખ! જો આ તારો બાપ છે, જેના માટે તું જીવી રહ્યો છે. હું તારી સામે જ આને પતાવી દઉં છું. જો આને બચાવવાનું સામર્થ્ય હોય તો બચાવી લે.’ આમ કહીને શાલ્વે પોતાની તલવારથી એ માયારચિત વસુદેવજીનું શિર ઉડાવી દીધું. આ ઘટના જોઈને શ્રીકૃષ્ણ થોડી ક્ષણો માટે સાધારણ મનુષ્યોની જેમ શોકમાં ડૂબી ગયા. પરંતુ પછી તેઓ સમજી ગયા કે આ શાલ્વની આસુરી માયા છે. એમણે જોયું કે શાલ્વ પોતાના વિમાનમાં બેસીને આકાશમાં ચક્કર લગાવી રહ્યો . એ જોઈ તેઓ તેનો વધ કરવાને તૈયાર થઈ ગયા.

શાલ્વ હવે ઘણી જ ઝડપથી શ્રીકૃષ્ણ પર શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યો. શ્રીકૃષ્ણે ત્યારે પોતાનાં બાણોથી શાલ્વને ઘાયલ કરી દીધો અને એના કવચને છિન્નભિન્ન કરી નાખ્યું. સાથે જ પોતાની ગદાના પ્રહારથી એના વિમાનને પણ જર્જરિત કરી દીધું. એમના પ્રહારોથી તે વિમાન ચૂરેચૂરા થઈને સમુદ્રમાં પડી ગયું. શાલ્વ પોતાના હાથમાં ગદા લઈને જમીન પર કૂદી પડ્યો અને શ્રીકૃષ્ણ ઉપર તરાપ લગાવી. ત્યારે શ્રીકૃષ્ણે પ્રલયકારી સૂર્યની સમાન તેજસ્વી સુદર્શન ચક્ર વડે શાલ્વના માથાને ધડથી અલગ કરી દીધું.

શાલ્વના મરતાં જ એનો મિત્ર દંતવક્ર પોતાના મિત્રના મોતનો બદલો લેવા એકલો જ આવી ચડ્યો. શ્રીકૃષ્ણ એને આવતો જોઈને જલદીથી હાથમાં ગદા લઈને પોતાના રથમાંથી કૂદી પડ્યા. ઘમંડના નશામાં મદમસ્ત થયેલ દંતવક્રે પોતાની ગદા પકડીને શ્રીકૃષ્ણને કહ્યું, ‘કૃષ્ણ, તેં મારા મિત્રને મારી નાખ્યો છે અને હવે મને પણ મારવા ઇચ્છે છે. પરંતુ આજે હું મારી વજ્રસમાન ગદાથી તારા ટુકડે ટુકડા કરી નાખીશ.’ આમ કહીને એણે શ્રીકૃષ્ણના મસ્તક પર પોતાની ગદા વડે પ્રબળ વેગથી પ્રહાર કર્યાે. પરંતુ શ્રીકૃષ્ણ જરાય વિચલિત થયા નહીં અને એમણે પોતાની ગદાથી દંતવક્રની છાતી પર પ્રહાર કર્યાે. એ એક પ્રહારથી જ દંતવક્રનું કલેજું ફાટી ગયું અને તે નિષ્પ્રાણ થઈને ધરતી પર પડી ગયો. એના શરીરમાંથી એક સૂક્ષ્મ જ્યોતિ નીકળી અને શ્રીકૃષ્ણના દેહમાં સમાઈ ગઈ.

Total Views: 111
By Published On: September 1, 2021Categories: Raghaveshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram