ગતાંકથી આગળ….
હું- બૌદ્ધોનું વિપાસના-ધ્યાન શું છે?
મહારાજ- ‘સર્વં ક્ષણિકં દુઃખં ત્યજ્યમ્’ દુઃખનિવૃત્તિનો ઉપાય ‘આર્યસત્ય ચતુષ્ટય.’ Zen Buddhist ‘constant alertness’ ની વાત કરે. તમે જે પણ કાર્ય કે ચિંતન કરો, સદા જાગૃત ભાવે કરો- mindfulness. જે પણ કરે પૂરેપુરું મન પરોવીને કરશે, અર્ધા મનથી નહીં. જે કરે તે પૂર્ણ અંતઃકરણથી કરે, એટલે વિક્ષેપ પેદા થાય નહીં. ત્યારે જ સત્ય ઉજાગર થાય. બૌદ્ધોનું લક્ષ્ય છે શૂન્યમ્ – Void. માધ્યમિકોના મને શૂન્ય જેવું કાંઈ નથી, વિક્ષેપનો અભાવ અથવા alertness of truth.
એક જણ બે વર્ષથી વાસનાક્ષય કરી રહ્યો છે. તેના મનમાં થયું- હું વાસનાઓને દૂર કરવાના સમયે અન્યાન્ય વાતોનું મનન તો કરું જ છું. એણે આ વાત ગુરુને કરી, પૂરા મનથી વાસના ધૂઓ, ત્યારે જ સમગ્ર વિશ્વનું રહસ્ય પ્રગટ થશે. સ્વામીજી કર્મયોગમાં કહે છેે- આપણે જો પૂરા મનથી કાર્ય કરીએ, તો આપણા મનની સંપૂર્ણ ચંચળતા દૂર થઈ જાય. ચંચળતા દૂર થવાની સાથે જ એની પાછળ જે સત્તા રહેલી છે, અર્થાત્ આત્મા છે તે પ્રકાશિત થઈ ઊઠશે.
હું- ગીતાના કર્મયોગ અને સ્વામીજીના કર્મયોગમાં કાંઈ તફાવત છે?
મહારાજ- ગીતાનું ‘ફલાર્પણ’ અને સ્વામીજીનું ‘ફલાકાંક્ષા વર્જન’ એક જ વાત છે. એક જ સત્યની positive અને negative બાજુ. ગીતાનો ઉપદેશ છે, બધાં જ કર્માેનું ફળ પ્રભુને સમર્પિત કરવું. સ્વામીજીના કર્મયોગમાં નિઃસ્વાર્થ ભાવે કર્મ કરવાની વાત છે. સ્વાર્થપરાયણતા છોડવી પડશે. ફળની આશા મૂકીને કર્મ કરો. કર્મ મનમાં વિક્ષેપ પેદા કરે છે. કેમ કે આપણે આની પાછળ – પેલાની પાછળ દોટ મૂકીએ છીએ. સ્વામીજી અને બુદ્ધના કર્મયોગમાં સમાનતા છે. બંધનમાંથી છૂટવા માટે મન પરોવીને કર્મ કરો. આમ કરવાથી મનનો વિક્ષેપ ભાવ ચાલ્યો જશે અને સત્ય પ્રકાશિત થશે. સત્યનો પ્રકાશ સ્વયંસિદ્ધ. અનાવરણ કરવું એ જ આધ્યાત્મિક જીવન. બીજી કાંઈ જરૂરત નહીં. આ જ કર્મયોગનો ઉદ્દેશ્ય છે.
શંકર-મતાનુસાર કર્મયોગથી ચિત્તશુદ્ધિ-ત્યારપછી જ્ઞાન. પરંતુ આ બંન્નેમાં વળી પાછો ઉપાસના-યોગનો સમાવેશ કરે છે. એની કાંઈ જરૂર હતી નહીં. કારણ કે બ્રહ્મ તો સ્વયં જ પ્રકાશિત છે. કોઈ બ્રહ્મને પ્રકાશિત ન કરી શકે. નિષ્કામ ભાવે કર્મ કરીને માત્ર વિઘ્નોને હટાવવાથી જ થયું. શંકર-મતાનુસાર અજ્ઞાન માત્ર જ્ઞાનથી જ દૂર થાય. તેથી જ તેમણે વચમાં બ્રહ્માકાર વૃત્તિનો યોગ કર્યાે. આ વૃત્તિ અજ્ઞાનવૃત્તિને હટાવી દેશે. સ્વામીજી કહે છે-અજ્ઞાનવૃત્તિનો નાશ થાય તો પછી શું રહેશે? બ્રહ્મ તો સ્વયંપ્રકાશ.
સવારે સાડા-દશ વાગે મહારાજ પાસે જતાં પહેલાં સેવકે મને જ બોલવા માટે કહ્યું, જેથી મહારાજ વધારે બોલે નહીં. મેં મહારાજને કેટલીક વાતો કરી. એક સંન્યાસિની કોન્વેન્ટમાં ખૂબ ભાગ લેતી. તેથી Mother Superior એ સંન્યાસિનીને કહે છે, ‘તું દશ વર્ષ સુધી માત્ર બે જ શબ્દ વ્યવહાર કરીને રહી શકે.’ પ્રથમ દશ વર્ષ સુધી તે સંન્યાસિની બોલતી રહી, ‘Food bad.’ પછીનાં દશ વર્ષ – ‘Very Tired.’ અને ત્યાર પછીનાં દશ વર્ષ, ‘I quit.’
મહારાજ હસવા લાગ્યા અને બોલ્યા, ‘ઘણા લોકો ચાલ્યા જાય. વધુ નિયમો પસંદ કરે નહીં.’
મેં God Lived with Them પુસ્તકમાંથી શરત મહારાજના જીવનમાંથી કેટલીક વાતો વાંચી સંભળાવી, જેમાં હતી પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજીની સ્મૃતિકથા, જે મને અશેષાનન્દજીના ઘરે એક drawerમાંથી મળી હતી. શરત મહારાજે ઠાકુર પાસે બધા જીવોમાં બ્રહ્મદર્શન થાય એવી પ્રાર્થના કરી , તો ઠાકુરે કહ્યું હતું, ‘તને થશે’.
પ્રવ્રાજિકા ભારતીપ્રાણાની સ્મૃતિકથા ઃ એક ભક્તે સ્વામી સારદાનંદજીને પ્રશ્ન પૂછ્યો, ‘મહારાજ, તમે અમને આટલો બધો પ્રેમ કેમ કરો છો? જોજો, છેવટે જડ ભરતની જેમ બદ્ધ ન થઈ જાઓ!’ સ્વામી સારદાનંદજીએ કાંઈ બોલ્યા નહીં. કેટલાક દિવસો પછી જ્યારે એ ભક્ત ઉદ્બોધન આવ્યા ત્યારે કહ્યું, ‘એ દિવસે બેલુર મઠ જઈને ઠાકુરને પ્રણામ કર્યા. ઠાકુરે આવિર્ભૂત થઈને મને કહ્યું – તારે બધાંયને પ્રેમ કરવો, કેમ કે તું બધાંયમાં મને જ તો જુએ છે. એ દિવસે તમે જે પ્રશ્ન કર્યાે હતો, આ રહ્યો તેનો ઉત્તર.’
ત્યાર પછી મહારાજ એક ઊંડા નિશ્વાસ સાથે છલોછલ આંખે ગીતા(૬.૩૦)નો શ્લોક બોલ્યા,
यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति।
૮/૮/૧૯૯૩, બેલુર મઠ, સવારે ૯.૦૦ વાગ્યે.
હું- આધ્યાત્મિક અનુભૂતિ true કે false કેવી રીતે સમજાય?
મહારાજ- બે ઉપાય છે. પ્રથમ, સ્વસંવેદ્ય અર્થાત્ જેણે પોતે અનુભવ્યું છે તે જાણે. અને બીજું, પરસંવેદ્ય અર્થાત્ બીજા જુએ. અનુભૂતિનાં બાહ્ય લક્ષણો ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોમાં જણાવ્યાં છે. એ લક્ષણોની સાથે પોતાના અનુભવોને સરખાવવાથી જણાઈ આવશે કે તે true કે false છે. ગીતામાં આ લક્ષણો ઠીક ઠીક બતાવવામાં આવ્યાં છે.
હવે, ભાગવતમાં ત્રણ લક્ષણોનો ઉલ્લેખ છે. ૧. ભગવાન પ્રતિ તમારી ભક્તિ વધશે. ૨. તમારું મન ઇન્દ્રિય-વિષયોથી મુક્ત થશે. અને ૩. સત્ય સંબંધે તમારો દૃઢ નિશ્ચય થશે અને તે વિશે કોઈપણ પ્રકારની શંકા-સંદેહ રહેશે નહીં. भक्तिः परेशानुभवो विरक्तिरन्यत्र चैष त्रिक एककालः । प्रपद्यमानस्य यथाश्नतः स्युस्तुष्टिः पुष्टिः क्षुदपायोऽनुघासम् ।। (ભાગવત, ૧૧.૨.૪૨)- ભૂખી વ્યક્તિના મનમાં શાંતિ રહેશે નહીં. તે શારીરિક દુર્બળતા અનુભવશે. પછી તીવ્ર ક્ષુધા વખતે જ્યારે તેને ભોજન આપવામાં આવે ત્યારે દરેક કોળિયે તે તુષ્ટિ અનુભવશે, શરીરમાં બળ અનુભવશે, મનમાં શાંતિ આવશે અને ભૂખનું દુઃખ દૂર થશે. આ ત્રણ લક્ષણો દ્વારા પ્રકૃત અનુભવને જાણી શકાય. જો તે સત્યનું દર્શન કરીને ભીતરમાં તુષ્ટિ અનુભવે, આધ્યાત્મિક શક્તિ અનુભવે અને ભગવત્ વિષયમાં રહેલા બધા જ સંદેહ દૂર થઈ જાય ત્યારે તેને સ્પષ્ટ જણાઈ આવશે કે તેનું દર્શન કે અનુભવ બરાબર છે.
હવે પરસંવેદ્ય એટલે બીજી વ્યક્તિ દ્વારા દર્શનનું મૂલ્યાંકન, પરંતુ આમાં સંદેહ રહી શકે. કોઈ વ્યક્તિ માને કે તેને આધ્યાત્મિક અનુભૂતિ અથવા દર્શન થયું છે તેમજ અનુકરણ કરીને બીજાને મનાવી પણ શકે. તે બીજાને છેતરી શકે પરંતુ પોતે તો અંદરખાને સમજે જ કે આ સત્ય નથી. ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને તેરમા અધ્યાયમાં અહિંસા, ક્ષાન્તિ, આર્જવમ્ (अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम्। आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः।।१३.८।।) વગેરે સટીક લક્ષણો છે.
હું- આજકાલ પશ્ચિમમાં ઘણાંના મુખે સાંભળવા મળે છે કે તેમને અનુભૂતિ થઈ છે અથવા તો કુંડલિની જાગૃત થઈ છે. તમે શું કહેશો?
મહારાજ- ઘણા ઓછા લોકો જાણે કુંડલિની શું છે? વાસના-જાગરણને કુંડલિની-જાગરણ સમજી લે. કથામૃત વાંચીને સમજી લે કે તેમની કુંડલિની જાગૃત થઈ ગઈ છે. મને એક જણાએ એમ જ કહ્યું હતું. મેં એને ડોક્ટરની સલાહ લેવા કહ્યું. High blood pressure હોઈ શકે.
હું- શું કરીએ તો ઈશ્વરનો આદેશ મળે?
મહારાજ- ત્રણ દૃષ્ટિકોણ છે, ૧. સ્વબોધ, ૨. સ્વાનુભૂતિનો શાસ્ત્ર સાથે તાલમેળ અને ૩. સંશય નિરસન. એ પ્રમાણે જણાઈ આવે કે ઈશ્વરનો આદેશ થયો છે કે નહીં. અનેક વખતે વાસના જાગે, મનમાં થાય કે આ તો ઈશ્વરની ઇચ્છા છે.
૯/૮/૧૯૯૭, બેલુર મઠ, સવારે ૭.૦૦ વાગ્યે.
હું- St. John of the cross આધ્યાત્મિક જીવનમાં Dark night of the Soul આ વિષય પર બોલ્યા છે. ઘણા લોકો આધ્યાત્મિક જીવનમાં dry spell અનુભવે. આમાંથી કેમ કરીને બચી શકાય?
મહારાજ- કોઈક ને કોઈક સમયે દરેકના જીવનમાં આ રીતનો શુષ્ક ભાવ આવે. ઉદ્યમ ન હોય તો આધ્યાત્મિક જીવનમાં શુષ્ક ભાવ અનાયાસે આવી ચઢે. સાધક હતાશ થઈ બેસે. પકડી રાખવું પડે. ક્યારેય સાધન-ભજન છોડવું નહીં. એ ભાવ કેટલો સમય રહેશે? મન ફરીથી ઊઠશે. ભગવત્ કૃપાથી depression ચાલ્યું જાય. કૃપાની ખૂબ જ જરૂરત, સ્વપ્રયત્ને બધું ન થાય. Self-effort પ્રારંભમાં ખૂબ જ જરૂરી. છેલ્લે તો ઈશ્વરકૃપા જ. अङ्गुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा सदा जनानां हृदये संनिविष्टः । तं स्वाच्छरीरात्प्रवृहेन्मुञ्जादिवेषीकां धैर्येण । तं विद्याच्छुक्रममृतं तं विद्याच्छुक्रममृतमिति।।
અંગુષ્ઠપરિમિત અંતરાત્મા પુરુષ સર્વે લોકોનાં હૃદયમાં સર્વદા અવસ્થિત છે. મુંજ નામના કોમળ ઘાસમાંથી એનો રેસો ખૂબ કાળજીપૂર્વક કાઢી શકાય છે, એ જ પ્રમાણે ધૈર્યપૂર્વક આ અંતરાત્માને શરીરથી અલગ કરવો જોઈએ. (કઠ.૨.૩.૧૭). ઠાકુરે હરિ મહારાજને કહ્યું હતું, ‘ઓ કુશ-લવ, કરશો નહીં અભિમાન, પકડાવા ન દીધો હોત તો શું પકડી શક્યા હોત?’
હું- શું કરીએ તો ઠાકુર પ્રતિ પ્રેમ આવે? આનું રહસ્ય અમને જણાવો.
મહારાજ- Love generates love. પ્રેમ પ્રેમને વધારી દે. ભાગવતમાં આવે છે- भक्त्या संजायते भक्तिः। આ આગંતુક માટે. છેવટે તો તમારે ઈશ્વર પ્રતિ આત્મસમર્પણ કરવું પડે. પહેલાં પહેલાં અહંકારનું પ્રયોજન રહેલું છે, જ્યાં સુધી પક્ષીની જેમ ઊડી ઊડીને થાકો નહીં. જ્યારે બરાબર થાકો ત્યારે જહાજના કૂવા સ્થંભ ઉપર બેસો. ઠાકુરનો આ જ ઉપદેશ છે.
હું- એક દિવસે વાત વાતમાં Thoma Merton’s International Societyનાં એક બહેનને કહ્યું, ‘જુઓ, તમારા ધર્મમાં અમારી જેમ ગુરુ-ઇષ્ટ-મંત્ર નથી.’ તેમણે આ વાત Contemplative Outreach ના President Father Thomas Keatig ને કરી. તેમણે તે બહેનને કહ્યું કે તેમનાં સાધન-ભજન માટે Mathew 6.6 માં ઉપદેશ છે ઃ
“When you pray, go to your room, close the door, and pray to your Father, who is unseen. And your Father who sees what you do in private, will reward you openly.’ ખ્રિસ્તીઓ પ્રાર્થના ઉપર ભાર મૂકે, અને આપણે જપ-ધ્યાન કરવાનું કહીએ- આમાં શો તફાવત છે?
મહારાજ- તમે જ્યારે જપ કરો ત્યારે માત્ર યંત્રવત્ ભગવાનના નામનું ઉચ્ચારણ ન કરો. તમારું લક્ષ્ય ભગવાન છે, તેમનું સ્મરણ કરવાનો પ્રયત્ન કરો. જપનું લક્ષ્ય છે સતત સ્મરણ-મનન. ખ્રિસ્તીઓની પ્રાર્થના કરવા પાછળનું રહસ્ય છે – ઈશ્વર સાથે સંપર્ક કરવો. (ક્રમશઃ)
Your Content Goes Here




