સંસારનો નિયમ જ એવો, શોક-તાપ, દુઃખ-કષ્ટ, દાહ-યંત્રણા આ બધું જ સંસારમાં છે. માત્ર સુખ-શાંતિ સંસારમાં અતિ વિરલ છે. આ જન્મ-મૃત્યુના પ્રવાહને કોઈ રોકી શક્યું નથી. એ મનુષ્યના હાથમાં નથી. એક માત્ર ઈશ્વર જ આ જગતની સૃષ્ટિ, સ્થિતિ અને લયના કર્તા છે અને તેમની જ ઇચ્છાથી જીવ આ સંસારમાં જન્મે છે. તેઓ જેટલા દિવસ રાખવા માગે તેટલા દિવસ રાખે છે તથા જ્યારે ઇચ્છા થાય ત્યારે લઈ લે છે. આ જ્ઞાન હૃદયમાં દૃઢ કરવું જોઈએ કે જન્મ, સ્થિતિ અને મૃત્યુના કર્તા એકમાત્ર ઈશ્વર છે, તેઓ જ જીવને આ સંસારમાં પિતા, માતા, સ્ત્રી, પુત્ર, બંધુ અને બાન્ધવ રૂપે મોકલે છે અને જેટલા દિવસ ઇચ્છે તેટલો વખત જીવને કોઈ ને કોઈ સંબંધથી જકડી રાખે છે અને જ્યારે ઇચ્છે ત્યારે લઈ જાય છે. જ્યાં સુધી મનુષ્યને આ જ્ઞાન પાકું ન થાય, આ ધારણા ન થાય ત્યાં સુધી તેને શોક-સંતાપ થવાનો જ, પરંતુ આ જ્ઞાન, આ ધારણા પાકી થાય, દૃઢ બને તો પછી શોક-સંતાપ થતો નથી દુઃખ માટે કોઈ કારણ રહેતું નથી.
પરંતુ એ જોવું જોઈએ કે ભગવાને જેઓને આપણી સાથે કોઈ સંબંધથી જોડ્યા છે તેમની સેવામાં કોઈ ત્રુટિ રહી ન જાય. જો એવું થાય તો તેને દુઃખ ભોગવવું પડે. શોક જ કર્યા કરવો એ મનુષ્યનું એક માત્ર કામ નથી. બીજાં ઘણાં બધાં કામ છે. સાંસારિક કામો તો છે જ – તે સિવાય માનવજીવનનું જે લક્ષ્ય છે તે તરફ પ્રગતિ કરવી જોઈએ. બાકી તો હાય, હાય અને શોક કરવાથી શું વળે? જીવન શોક કરવા માટે નથી. જન્મ, વૃદ્ધત્વ અને મૃત્યુની પેલી પાર જવું પડશે, એ પરમ પ્રેમાસ્પદ શ્રી ભગવાનને પ્રાપ્ત કરવા પડશે અને ત્યારે જ બધાં દુઃખ નાશ પામશે.
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥
‘જે (આત્મસાક્ષાત્કાર) પ્રાપ્ત કરીને માનવી વિચારે છે કે જે મળ્યું છે એનાથી વધારે કશું જ નથી અને જે અવસ્થા પ્રાપ્ત કર્યા પછી ભયાનક દુઃખથી પણ એ માનવી વિચલિત થતો નથી.’ દુઃખ, કષ્ટને પ્રેમાસ્પદ શ્રી ભગવાનના આશીર્વાદ સમજી આનંદથી સ્વીકારી લેવાં. જ્યાં સુધી ભગવાનની સંપૂર્ણ શરણાગતિ ન થાય ત્યાં સુધી જીવ આ બધો શોક-તાપ વિચલિત થયા વિના સહન કરી શકતો નથી. સામાન્ય માનવી માટે સંસારના ઘાત-પ્રત્યાઘાત સહન કરવા ખૂબ કઠિન છે. ખરો ભક્ત માત્ર ઈશ્વર પ્રત્યે પોતાના વિશ્વાસના બળ વડે સાંસારિક શોક-તાપથી અભિભૂત થતો નથી. માનવજીવનનું લક્ષ્ય તો એ જ છે – એ જ શુદ્ધભક્તિ, શુદ્ધપ્રેમ મેળવવો, ભૂમાનંદ-બ્રહ્માનંદના અધિકારી થવું. ભગવાનની તરફ આગળ વધો, જેટલા તેમના તરફ આગળ વધશો તેટલી શાંતિ મળશે. આ સંસાર અનિત્ય છે. આ સંસારમાં કશે પણ શાંતિ નથી, ભગવાનનાં ચરણકમળ એ જ, એકમાત્ર શાંતિધામ છે. (‘આનંદધામના પથ પર’ પૃ.૧૬૧)
Your Content Goes Here




