શારીરિક અને માનસિક બન્નેય પ્રકારના તણાવ મનુષ્ય-અસ્તિત્વનું અવિભાજ્ય અંગ છે. મનુષ્ય રોગ, અપક્ષય અને મૃત્યુને વશ છે. બાલ્યાવસ્થામાંથી પુખ્તાવસ્થાના વિકાસમાં માતા-પિતાની સંભાળમાં ઉપેક્ષા અને નવીનતર પડકારોના સામનાનો ભય રહેલો છે. પતિ-પત્નીમાંથી એકાદના મૃત્યુ જેવી ગંભીર ઘટનાથી માંડીને મહેમાનના સ્વાગત અને બદલાતી જતી ખાવાની આદતોમાં તણાવની બાબતમાં ભિન્નતા જોવા મળે છે. વ્યક્તિ આવી સ્થિતિમાં ઉદ્વિગ્નતા અને ઉશ્કેરાટ રૂપે પ્રતિક્રિયા કરે છે. આમ જીવમાત્રનાં અસ્તિત્વ, વિકાસ અને ઉત્ક્રાંતિમાં ઉદ્વિગ્નતા અને ઉશ્કેરાટ અતિ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાની કાર્યક્ષમતાની કાલ્પનિક કે વાસ્તવિક સમજશક્તિ વિષાદ કે હતાશા પેદા કરે છે. બાહ્યજગતના વાસ્તવિક ભય પર આધારિત ઉદ્વિગ્નતાને ‘વાસ્તવિક-ઉદ્વિગ્નતા’ કહેવામાં આવે છે. પરંતુ ઉદ્વિગ્નતાનો અતિરેક એટલે કે ઇષ્ટતમ કરતાં વધુ માત્રા વ્યક્તિની જરૂરિયાતો સંતોષવાની કાર્યક્ષમતાને ઘટાડી દે છે અને પારસ્પરિક સંબંધોને અવ્યવસ્થિત કરી મૂકે છે. ઉદ્વિગ્નતાના અતિરેકથી કોઈ ઉપયોગી હેતુ સધાતો નથી. તેને બદલે તો તે દ્વિધા ઉત્પન્ન કરે છે અને કાર્યશૈલીને અવરોધે છે.
ઉદ્વિગ્નતા, ચીડિયાપણું, ક્રોધ, હતાશા વગેરેના રૂપમાં અસ્વસ્થ પ્રતિભાવો જોવા મળે છે. જ્યારે ઉશ્કેરાટજનક પરિસ્થિતિ અનિચ્છનીય ધમકીના રૂપમાં ઉપસ્થિત થાય છે ત્યારે પરેશાની કે ઉદ્વિગ્નતા પેદા થાય છે. જ્યારે આવી વ્યક્તિને તેને પોતે ઉશ્કેરાટજનક પરિસ્થિતિને પહોંચી નહીં વળાય તેવું જણાય છે ત્યારે અસહાયતા, હતાશા અને ઉદાસીનતાનો ભાવ જાગે છે. તેવી વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ કે ઈશ્વરીય સહાયતા બાબતે અશ્રદ્ધાને કારણે આવું બને છે. તેથી ધાર્મિક વિચારણાઓમાં પોતાનામાં વિશ્વાસ અને ઈશ્વરમાં શ્રદ્ધાનું દૃઢતાપૂર્વક સમર્થન કરવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદ સિવાય અન્ય કોઈ આત્મવિશ્વાસના મહાન સમર્થક નથી.
ન્યૂટોરિક અથવા ઍન્ડોજિનિયસના નામે ઓળખાતી બીજા પ્રકારની ઉદ્વિગ્નતા (અને હતાશા) છે જેમાં ઉદ્વિગ્નતા બાહ્ય પરિસ્થિતિના વસ્તુલક્ષી મૂલ્યાંકન પર આધારિત નથી હોતી પરંતુ કલ્પનાજન્ય ધમકીઓમાંથી ઉદ્ભવ પામે છે. આનાં મૂળ માત્ર મનુષ્યના વૈયક્તિક મનોવલણમાં રહેલાં છે અને માત્ર દવાથી તેને મટાડી શકાતાં નથી. પરંતુ મનોવૈજ્ઞાનિક ઉપચારની જરૂર રહે છે. આપણે ન્યૂટોરિક પ્રકારની ઉદ્વિગ્નતા અને તેની સારવારની વિગતપૂર્ણ આલોચનામાં ઊતરવાની જરૂર નથી. છતાંય આપણે તણાવ સાથે સંકળાયેલ ઉદ્વિગ્નતાને નાથવાના ઉપાયોની ચર્ચા કરીએ.
ધર્મ:
વિશ્વના ધર્મોએ તણાવપૂર્ણ પરિસ્થિતિઓ અને ઉદ્વિગ્નતાને સંલગ્ન રીતો અને ઉપાયો વિકસાવ્યા છે. સારરૂપે જણાવતાં અને વ્યાખ્યાયિત કરતાં કહી શકાય કે ધર્મ શ્રદ્ધા-વિશ્વાસની પદ્ધતિઓ છે- અતિમાનવીય, જીવનધારક અને જીવનરક્ષક શક્તિમાં શ્રદ્ધા-વિશ્વાસ. સ્ટ્રેસ મૅનૅજમેન્ટમાં આવા પ્રકારનાં શ્રદ્ધા-વિશ્વાસ એક અગત્યનો ઉપાય છે. શ્રદ્ધા-વિશ્વાસ વિહોણી વ્યક્તિ કરતાં આવાં શ્રદ્ધા-વિશ્વાસ ધરાવતી વ્યક્તિ વિશેષ બળપૂર્વક તણાવનો સામનો કરી શકે છે અને આવી વ્યક્તિ વ્યગ્ર કે હતાશ ઓછા પ્રમાણમાં થાય છે.
સંસ્કૃત શબ્દ ‘ધર્મ’ની વ્યુત્પત્તિ મૂળ ધાતુ ‘धृ’ અર્થાત્ ધારણ કરવું એ ક્રિયાપદથી થઈ છે. એનો અર્થ થાય ધારણ કરવાની શક્તિ. સદાચારના સ્વરૂપમાં ધર્મ મહત્તર પ્રમાણમાં ધારકબળ છે. જે વ્યક્તિ આદત સ્વરૂપે અને અવિરતપણે નૈતિકમૂલ્યોનું અનુપાલન કરે છે અને સદાચારના માર્ગે અનુગમન કરે છે તે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ભાંગી પડવાનું કે ધમકીઓ અને પ્રલોભનોના પ્રવાહમાં વહી જવાનું વલણ અલ્પ પ્રમાણમાં ધરાવે છે. સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય જેવાં મૂલ્યોનું સતત આચરણ વ્યક્તિને તણાવ સામે નૈતિક રીતે બળવાન બનાવે છે. મહાત્મા ગાંધી સિવાય આ પ્રકારના જીવનનું વધુ સારું અન્ય કોઈ ઉદાહરણ નથી.
આશ્રમની વિભાવના:
વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ ‘આશ્રમ’ શબ્દનો અર્થ થાય તણાવમુક્ત સ્થાન. શ્રમ અર્થાત્ તણાવ, ચિંતા, શ્રમ; આશ્રમ અર્થાત્ તણાવ વિનાનું. પૂર્વ પ્રત્યય ‘अ’ લાગતાં બનતા શબ્દનો અર્થ થાય તણાવ વિહોણું સ્થાન, અવસ્થા કે પરિસ્થિતિ. આ દૃષ્ટિએ હિન્દુઓના જીવનકાળનું નીચે મુજબના ચાર ભાગમાં થયેલું વિભાજન મહત્ત્વપૂર્ણ છે- બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. ઉછેર પામતો, તરુણ યુવાન વિદ્યાર્થી વિશેષ તણાવ વિના વિભિન્ન પ્રકારનાં કૌશલ્ય, કળા ને વિજ્ઞાનનું અધ્યયન કરી શકે છે. એવી જ રીતે તે ઇન્દ્રિયસંયમ અને મનોનિગ્રહ જેવી બાબતોને તે જીવનગાળામાં મુશ્કેલી વિના સિદ્ધ કરી શકે છે. ત્યાર પછી તે તરુણ કે તરુણી ગૃહસ્થ જીવનમાં પ્રવેશ અને પરિવાર તેમજ સમાજ પ્રત્યેની પોતાની ફરજો અદા કરવા યોગ્ય બને છે. વળી આ બધું તણાવમુકત સ્થિતિમાં જ થવું જોઈએ. જીવનકાળની મધ્ય અવસ્થામાં પરિપક્વતા પ્રાપ્ત કરીને ગૃહસ્થ વ્યક્તિ પોતાની સંતતિને જવાબદારીઓનું ઉત્તરદાયિત્વ સોંપ્યા બાદ તણાવમુક્ત વાનપ્રસ્થાશ્રમી રૂપે નિવૃત્ત જીવન ગાળી શકે છે. અંતમાં બધી જ સાંસારિક એષણાઓ સંતોષીને કે તેનું ઊર્ધ્વીકરણ કરીને વ્યક્તિ આંતરિક સંઘર્ષો કે ચિંતાઓથી મુક્ત થઈ ત્યાગી જીવન વ્યતીત કરી શકે છે.
તણાવ સામે પ્રતિક્રિયા:
તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં વિભિન્ન પ્રકારની મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાઓ ઉદ્ભવી શકે છે. જો વ્યક્તિ તણાવપૂર્ણ સ્થિતિને ધમકીરૂપે નહીં ગણે તો ઉદ્વિગ્નતા ઉદ્ભવશે નહીં. તણાવ અને ઉદ્વિગ્નતાને ઘટાડી દેવા માટેનો આ અગત્યનો સિદ્ધાંત છે. એક ગામમાં વસતા ઝેન ગુરુ વિશેની વાર્તા છે. એક વાર તે સ્થળે નિર્દય સૈન્યે હુમલો કર્યો. તે સાધુ સિવાયના બધા જ તે સ્થળેથી પલાયન થઈ ગયા. જ્યારે સેનાપતિએ સૈનિકોને ગામમાં તપાસ કરવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું કે એક સાધુ સિવાય ગામમાં એક પણ વ્યક્તિ રહી નથી. સેનાપતિ સાધુ પાસે ગયો અને કહ્યું, ‘તમે જાણતા નથી કે હું આંખના પલકારામાં સમગ્ર સ્થાનને રગદોળી નાખી શકું છું?’ શાંતિપૂર્ણ ભાવે સાધુએ પ્રત્યુત્તર આપ્યો, અને ‘હું આંખના પલકારો માર્યા વિના તેમ કરી શકું છું.’ સાધુને કોઈ ઉદ્વિગ્નતા કે કોઈ ભય ન હતો કેમ કે ધમકીરૂપ ગંભીર સમસ્યાને તેમણે કદાપિ જોઈ ન હતી. બધી જ ધાર્મિક પદ્ધતિઓ આવા જ પ્રકારનાં માનસિક સ્વસ્થતા ધરાવતાં વ્યક્તિત્વો હોવા અંગેનું ધ્યેય ધરાવે છે કે જે ગંભીરતમ કુદરતી આફતો કે મહાનતમ પ્રલોભનો સામે પણ ડગે નહીં.
આવા ઉદ્વિગ્નતા અને હતાશામુક્ત તણાવપ્રતિકારક સ્થિર વ્યક્તિત્વનું રહસ્ય શું છે? આપણે આગળ જોયું તેમ કોઈપણ વ્યક્તિએ ગમે તેવી પરિસ્થિતિને ધમકીરૂપે સ્વીકારવી જોઈએ નહીં. શા માટે? કારણ કે તેઓ જાણે છે કે પોતે સ્વભાવતઃ દિવ્ય આત્માઓ છે અને સર્વ પ્રકારે દેહ-મન દ્વારા સર્જિત પરિવર્તનો સામે અસરમુક્ત છે. તેઓ નથી તો મૃત્યુ પામી શકતા, નથી તો ઈજાગ્રસ્ત થઈ શકતા, નથી તો કશાયથી પ્રલોભન પામી શકતા. અલબત્ત, બૌદ્ધવાદીઓ આત્માનો સ્વીકાર કરતા નથી. તેના બદલે તેઓ માન્યતા ધરાવે છે કે કંઈ જ શાશ્વત નથી-સઘળું ચલાયમાન છે. તેથી ધમકીનો અનુભવ કરવો કે ઉદ્વિગ્ન બની જવું એ અબૌદ્ધિક ઘટના છે. ભક્તજન દિવ્ય પરમાત્મા સાથે તાદાત્મ્ય ધરાવે છે. પોતાના પરમ પ્રિય પરમાત્માએ પ્રસ્તુત કરેલ પ્રત્યેક પરિસ્થિતિનો તે સ્વસ્થતાપૂર્વક સ્વીકાર કરે છે. અથવા તો ભક્તને દૃઢ વિશ્વાસ છે કે પરમાત્મા તેનું રક્ષણ કરશે. અન્ય શબ્દોમાં, ઘણા બધા પ્રકારનાં અધ્યાત્મલક્ષી મનોવલણો છે કે જે વ્યક્તિને ઉદ્વિગ્નતા, હતાશા કે તણાવથી પૂર્ણતઃ મુક્ત રાખે છે.
ખરાબમાં ખરાબ પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર રહેવાનું અન્ય પ્રકારનું મનોવલણ વ્યક્તિને તણાવમુક્ત બનાવી શકે છે. સ્વામી વિવેકાનંદ જ્યારે યુવાન હતા ત્યારે તેમના પિતાએ કહ્યું હતું કે કોઈ પણ બાબતથી પ્રભાવિત થઈશ નહીં. માયાના રાજયમાં સઘળું શક્ય છે. અપેક્ષા જાતે જ તણાવ પેદા કરે છે કારણ કે જયારે તે સંતોષાતી નથી ત્યારે તમે હતાશા કે નિરાશા અનુભવો છો.
તપ:
તણાવ સામેની બીજા પ્રકારની પ્રતિક્રિયા છે હકારાત્મક આનંદ. આ પ્રતિક્રિયામાં તણાવનો ધમકીરૂપે નહીં પણ એક પડકાર કે તકના રૂપમાં સ્વીકાર કરાય છે. જ્યારે તણાવની પરિસ્થિતિઓ ઉપસ્થિત થાય છે ત્યારે આવા મનોવલણવાળી વ્યક્તિ આનંદિત થઈ ઊઠે છે. કંઈક અંશે, આવી વ્યક્તિ આ પ્રકારની તણાવયુક્ત પરિસ્થિતિઓ શોધતી ફરે છે કે જેથી કરીને તેની સામે લડીને તે પોતાની અંતર્નિહિત સંભાવનાઓને પ્રગટ કરી શકે. સ્વામી વિવેકાનંદ આ મનોવલણના પ્રખર સમર્થક હતા. સકારાત્મક વલણ દ્વારા સ્વીકારાતી પ્રત્યેક તણાવપૂર્ણ પરિસ્થિતિ ચારિત્ર્ય ઘડતરના એક પરિબળનું કાર્ય કરી શકે છે અને વળી આંતરિક શક્તિઓના પ્રગટીકરણનું સાધન પણ બની શકે છે. સાચે જ, જેઓએ પોતાની બાલ્યાવસ્થામાં જ અત્યંત વિકટ દીર્ઘકાલીન તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે, તેઓ શારીરિક અને માનસિક એમ બન્નેય રીતે મજબૂત બન્યા છે. જેઓ આવી પરિસ્થિતિઓમાંથી પસાર નથી થયા તેમના કરતાં તેઓ વધુ સારી રીતે વિકટ પરિસ્થિતિઓમાં સાનુકૂળ રીતે તણાવનો સામનો કરવા સક્ષમ બન્યા છે.
તપની ધાર્મિક વિભાવનાની આ ઉપયોગિતા છે. વિવિધ પ્રકારના ઉપવાસો અને રાત્રી-જાગરણો સાચું જોતાં સ્વૈચ્છિક રીતે પળાતી, સુનિયોજિત અને ગણતરીપૂર્વકની તણાવયુકત પરિસ્થિતિઓ છે. આ બધું દેહ અને મનને તણાવ તરફના ઝોકથી દૂર રાખે છે. બધા ધર્મોમાં એક સર્વસામાન્ય બોધ છે-
‘સગવડભર્યું જીવન કદાપિ ન ઇચ્છો.’
ક્રોસના સેન્ટ જ્હોન કહે છે-
સર્વદા પસંદગી કરો,
કઠિનતમની, નહીં કે સરળતમની;
સૌથી કંટાળાજનકની, નહીં કે મોહકતમની;
અપાકર્ષકની, નહીં કે પ્રલોભકની;
દુ:ખપ્રદની, નહીં કે દિલાસાજનકની;
મુશ્કેલીપ્રદની, નહીં કે મુસીબત-નિવારકની;
નિકૃષ્ટની, નહીં કે સર્વોત્કૃષ્ટની….
ધ્યાન:
ધ્યાનનો બધા જ ધર્મોમાં કોઈ ને કોઈ સ્વરૂપે સર્વસ્વીકૃત, સર્વસામાન્ય પદ્ધતિ તરીકે સ્વીકાર કરાયો છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રાર્થના અને માસ, હિન્દુ ધર્મમાં ત્રિકાળ સંધ્યા, જૈન ધર્મમાં સામાયિક અને ઇસ્લામ ધર્મમાં નમાઝ એ બધાં ધ્યાન પદ્ધતિનાં વિવિધ સ્વરૂપો છે. ધર્મજીવનનું પાલન કરનારે આ ધર્માનુષ્ઠાનોનું પ્રામાણિકતાપૂર્વક, નિયમિત રીતે અને ખંતપૂર્વક દીર્ઘકાળ સુધી અનુપાલન કરવું જોઈએ- ના, જીવનપર્યંત. આ પ્રક્રિયાઓ દ્વારા અનુપાલન કરનારમાં સમર્પણભાવ, સ્થિરતા અને એકાગ્રતા જેવાં મૂલ્યોનો વિકાસ થાય છે. આ મૂલ્યો તેને ભાવનાત્મક સુસ્થિરતા ઊભી કરવામાં તેમજ તેના વ્યક્તિત્વને સંગઠિત કરવામાં પણ વિશેષતઃ મદદરૂપ બને છે. ઉદ્વિગ્નતા કે હતાશા ઉત્પન્ન કરતી તણાવપૂર્ણ પરિસ્થિતિઓ સામે કામ પાર પાડવામાં આવાં મૂલ્યો બેહદપણે ઉપકારક નિવડે છે.
ધર્મો દ્વારા જેનું સમર્થન કરાયું છે તે બીજા પ્રકારનાં મૂલ્યો છે- અનાસક્તિ અને નિષ્પક્ષપણું. પ્રત્યેક પરિસ્થિતિ અને તેને સંલગ્ન પ્રવૃત્તિ સાથે તેના પરિણામોના સંદર્ભમાં નિશ્ચિત પ્રમાણમાં અનિશ્ચિતતા અને અનિર્ધારિતતા જોડાયેલ હોય છે.
જો કોઈ વ્યક્તિ સાહસિકતાની સફળતાઓ- પરિણામો સાથે આસક્તિપૂર્વક જોડાયેલી હશે તો કોઈ ને કોઈ દિવસે તેની નાસીપાસ થવાની સંભાવના છે. પ્રવૃત્તિ સાથેનું વળગણ અને નિશ્ચિત પરિણામની અપેક્ષા આપણી શક્તિઓને એકાગ્ર બનાવવામાં ઉપયોગી બને છે, સાથે ને સાથે પરિણામ અને અપેક્ષા પ્રત્યેની આસક્તિ અનુચિત તણાવ અને ચિંતા ઊભાં કરે છે. અને તેથી જ અનાસક્તભાવે કાર્ય કરવાની, સફળતા કે નિષ્ફળતા, હાર કે જીત, હાનિ કે લાભમાં સંતુલિત રહેવાની સલાહ આપવામાં આવે છે. આવા પ્રકારની સંતુલિત મનોવૃત્તિ વિના કાર્યમાંનાં તણાવ અને ચિંતા, ઉચાટ અને ઉદ્વિગ્નતા દૂર કરવાં અશકય છે.
ધર્મક્ષેત્રે વધુ બે પ્રકારની મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ પ્રવર્તમાન છે. ઈશ્વરનું સતત સ્મરણ અને ભારપૂર્વકનું મનોમંથન કે જગત અસત્ય અથવા તો બિનમહત્ત્વપૂર્ણ છે અને તેનું મૂલ્ય મીણબત્તીથી કંઈ જ વધુ નથી. ઈશ્વરનું સતત સ્મરણ તણાવપૂર્ણ સ્થિતિ અને વ્યક્તિની વચ્ચે પ્રતિક્રિયા-અવરોધકનું કાર્ય કરે છે. આપણે દુશ્મનો દ્વારા સતામણી કરાતા સંતોનાં જીવનકથાનકોમાં વાંચીએ છીએ કે જેમાં આવા સંતો તણાવનો અનુભવ કરતા નથી અથવા તો તેનો અતિ દૃઢતાપૂર્વક પ્રતિકાર પણ કરતા નથી. વાસ્તવમાં તેઓએ પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હતો અને તેથી તે સહજતાથી સહી લીધી હતી.
કોઈપણ બાબતને સહજ-સરળ રીતે સ્વીકારો:
જગતને અસત્ય, નાશવંત, દુઃખપૂર્ણ, જીવવા માટે અથવા તો ધારણ કરવા માટે અયથાર્થ છે તેવું સતત ચિંતન કરતા રહેવાથી પરેશાની પેદા કરતા પ્રસંગો મધ્યે મન ભયમુક્ત રહે છે. રામકૃષ્ણ સંઘના પૂર્વ ઉપાધ્યક્ષ સ્વામી યતીશ્વરાનંદે સલાહ આપી છે – ‘માનસિક આભાસ’ શબ્દને ગંભીરતાપૂર્વક ન લો.
આપણે પરિસ્થિતિઓને વધુ મહત્ત્વ આપીને તથા વિશેષ પ્રતિક્રિયા કરીને પોતાની ઉદ્વિગ્નતાઓ અને હતાશાઓ ઊભાં કરીએ છીએ. તણાવ સંકલિત વર્તમાન સમયમાં આ સમસ્યા સવિશેષ ગંભીર બની છે. ઝડપથી દોડતા વર્તમાન સમયમાં ટૂંકા સમયગાળામાં વધુમાં વધુ કાર્યો પૂર્ણ કરવાનું દબાણ જોવા મળે છે. સીમાંકન થયેલું જોવા મળે છે – આટલા સમયગાળામાં આટલું કાર્ય થવું જ જોઈએ વગેરે. આવી સમય સાથે સંલગ્ન ઉદ્વિગ્નતા અને તણાવ માનવસર્જિત છે.
સમયની વિભાવના; તેનું વરસો, મહિનાઓ, દિવસો, કલાકો, મિનિટો અને સેકંડો વગેરેમાં થયેલું વિભાજન માનવસર્જિત છે. એક વખત સ્વામી વિવેકાનંદ કોઈ એક પ્રવચનમાં મોડા પડ્યા. શ્રોતાગણ પ્રતીક્ષા કરતો હતો. જ્યારે આયોજકે ફરિયાદ કરી કે સ્વામીજી મોડા પડ્યા છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે ‘તમે લોકો સમયમાં જીવો છો અને હું શાશ્વતમાં જીવું છું.’ આધુનિક માનવે સમય સાથે સંલગ્ન તણાવ અને ઉદ્વિગ્નતા સામે લડવાનું શીખવું પડશે.
Your Content Goes Here




