એ સમયે સ્વામીજીની દેહકાંતિ અત્યંત સુંદર અને સારી હતી. એમનો ચહેરો વિલક્ષણ અપાર્થિવતાથી ભરેલો અને દેદીપ્યમાન તેમજ બહાર ધસી આવતો દેખાતો હતો. એમના તરફ ભયચકિતતાને કારણે જોવું દુષ્કર હતું અને જો મારી આંખો એમની સાથે મળી હોત તો તેમની નજરે મારી આંખોને ખરેખર દઝાડી દીધી હોત. જ્યારે તેઓ પોતાના વિચારોમાં ડૂબેલા રહેતા ત્યારે તેઓ ઘરની પરસાળમાં સિંહની માફક આમતેમ ડગ માંડતા. જો કે એમણે ભગવું ધોતિયું પહેર્યું હતું છતાં પણ તેઓ આધ્યાત્મિક વિશ્વના નેપોલિયન સમા લાગતા હતા. જાણે કે ભવ્ય ઊર્જા સઘન રીતે ઝંકૃત થઈ રહી હતી અને એમનાં ચરણો નીચેની ધરતી પગલે ને પગલે કંપતી અને તૂટતી જતી હતી.
થોડા દિવસોમાં સ્વામીજીએ કાલીકૃષ્ણ અને બીજા ત્રણ બ્રહ્મચારીઓને (સુશીલ-સ્વામી પ્રકાશાનંદ ; કનાઈ- સ્વામી નિર્ભયાનંદ અને યોગેન – સ્વામી નિત્યાનંદ) સંન્યાસ દીક્ષા આપવાનું નક્કી કર્યું. વિરજા હોમ કરીને સંન્યાસ લેતા ત્રણેયને માર્ગદર્શન આપવા સ્વામીજીએ પોતાના ગૃહસ્થભક્ત શરતચંદ્ર ચક્રવર્તીને કહ્યું. સ્વામી રામકૃષ્ણાનંદજીએ પ્રારંભિક પૂજા કરી અને એ માટે યોગ્ય મંત્રોચ્ચાર સાથે સર્વત્યાગનો અગ્નિ પ્રકટાવ્યો. આ મંત્રદીક્ષા પછી સ્વામીજીએ કાલીકૃષ્ણને ‘વિરજાનંદ’ નામ આપ્યું.
જે દિવસે એમણે સંન્યાસ ગ્રહણ કર્યાે એ દિવસ સ્વામી વિરજાનંદના મનમાં હંમેશાંને માટે અંકિત થઈ ગયો. તે દિવસે એમણે સ્વામીજીનું જે દેદીપ્યમાન સ્વરૂપ નિહાળ્યું તે હમેશાં તેમના હૃદયને પ્રકાશિત બનાવતું રહ્યું. એમના પોતાના શબ્દોમાં કહીએ તો, ‘વિરજાહોમના અગ્નિથી વધુ તેજસ્વી બનેલ, આભાથી ચળકતા, એમના સહજ રીતે ચમકતા ચહેરા સાથે જાણે કે અગ્નિદેવ પોતે માનવરૂપે ત્યાં વિરાજેલા હતા! … અને અમને સંન્યાસ આપીને તેઓ કેટલા બધા આનંદમય બની ગયા! કદાચ પ્રથમ સંતાનના જન્મ વખતે માતપિતા પણ આટલાં બધાં આનંદપ્રસન્ન નહીં બનતાં હોય!’
સ્વામીજીએ ચાર નવા સંન્યાસીઓને પોતાના હૃદયપૂર્વકના આશીર્વાદ આપતાં કહ્યું, ‘તમારામાં માનવજીવનનાં ભવ્યોન્નત પ્રતિજ્ઞા કે ધ્યેયને વરવાનો અજબનો ઉત્સાહ છે. તમારો જન્મ, તમારું કુટુંબ અને તમને ગર્ભમાં માનવરૂપે ધારણ કરનાર માતા ખરેખર ધન્ય અને ઈશ્વરની અમીકૃપાવાળાં બન્યાં છે!’ સ્વામીજી કે જેઓ ત્યાગનું મૂર્ત સ્વરૂપ હતા તેમણે કોઈકને આ સંન્યાસીઓ વિશે કહ્યું, ‘બ્રહ્મતેજથી પ્રકાશિત તેઓ ઝળહળતા અગ્નિસમું જીવન જીવશે!’
આ ઘટના પછી થોડા સમય બાદ ગોપાલની મા મઠમાં આવ્યાં અને નવા સંન્યાસીઓને જોઈને તેઓ ખૂબ રાજી થયાં. કાલીકૃષ્ણને વિરજાનંદ એવું સંન્યાસી નામ મળ્યું એ જાણીને તેમણે આનંદ અને આશ્ચર્યથી કહ્યું, ‘ખરેખર આ સુંદર મજાનું નામ છે. કારણ કે ‘વિરજા’ એટલે ‘બેજાર’ (બંગાળી ભાષામાં રોજિંદી વાતચીતમાં ‘બેજાર’નો અર્થ ચીઢ અથવા સંતાપ થાય. વાસ્તવમાં તેનો અર્થ સંસ્કૃતાં ‘વિરજા’ એટલે નિષ્કલંક થાય).
હવે વિરજાનંદના જીવનમાં નવું પ્રકરણ શરૂ થયું. હવે એમને સ્વામીજીની વ્યક્તિગત સેવા કરવાનો વિરલ અવસર સાંપડ્યો. સ્વામીજીના આદેશથી તેઓ થોડા દિવસ માટે દુષ્કાળ રાહતકાર્ય કરવા દેવઘર પણ ગયા. એમના કુનેહભર્યા માર્ગદર્શનથી આ રાહતકાર્ય ઘણી સારી રીતે ચાલ્યું. અહીં તેઓ મહાન વિદ્વાન રાજનારાયણને મળ્યા.
સ્વામી તુરીયાનંદજી મઠમાં શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા. વિરજાનંદજી પહેલા માળના દાદરા નીચેની નાની જગ્યામાં બેસતા અને દિવસનું વાંચનકાર્ય કરતા. જ્યારે સ્વામી તુરીયાનંદજી દાદરો ચડતા ત્યારે તેઓ તેમને અવારનવાર જોતા અને કઠિન અર્થ સમજવામાં મદદ કરતા. સ્વામી તુરીયાનંદજીના પવિત્ર સંગાથનો વિરજાનંદજીના આધ્યાત્મિક જીવન પર જબરો પ્રભાવ પડ્યો હતો. પછીથી તેમણે લખ્યું હતું, ‘આલમબજાર મઠમાં સ્વામી તુરીયાનંદજી મોટે ભાગે આત્મચિંતનમાં જ ડૂબેલા રહેતા. એક વખત જ્યારે તીર્થાટન પછી મઠમાં પાછા આવવાના હતા ત્યારે સ્વામી રામકૃષ્ણાનંદજીએ મને કહ્યું, ‘કેવા સંતહૃદયના સંન્યાસી તેઓ છે એ તને જોવા મળશે.’ પ્રથમ વખત તો એમની સામે જતાં હું થોડો બેચેન બન્યો પરંતુ એમણે મારા પર એવાં પ્રેમ-ઉષ્મા વર્ષાવ્યાં કે એમના નિરાંતના સમયે હું ઘનિષ્ટતાથી એમની સંગાથે રહેતો, એમની સેવા કરતો, એમની સાથે વાતો કરતો અને જુદી જુદી બાબતોની ચર્ચા પણ કરતો.
મઠમાં શાસ્ત્રોનું વાંચન અને શાસ્ત્રો પરનાં વ્યાખ્યાન તે વખતે નિયમિત રીતે ચાલતાં. સ્વામીજીનો વિચાર એવો હતો કે દર રવિવારે દરેક સંન્યાસીએ પોતાની પસંદગીના વિષય પર તૈયાર કરીને બીજા સંન્યાસી સમક્ષ વક્તવ્ય આપવું કે લખેલા લેખનું વાંચન કરવું. સ્વામી તુરીયાનંદજીને વિરજાનંદની બોલવાની શૈલી ખૂબ ગમતી. એક વખત કોઈ પૂર્વ તૈયારી વિના બલરામ બસુના ઘેર વિરજાનંદે એક સંક્ષિપ્ત વક્તવ્ય આપ્યું. એ સાંભળીને સ્વામીજી ખૂબ રાજી થયા.
૧૮૯૮ના ફેબ્રુઆરીમાં મઠનું સ્થળાંતર બેલુરમાં નીલાંબર મુખરજીના ઉદ્યાનગૃહમાં થયું. એ જ વર્ષની ૯ મી ડિસેમ્બરે બેલુર મઠનું પ્રતિસ્થાપન થયું. ૧૮૯૯ના પ્રારંભમાં સ્વામીજીએ વિરજાનંદ અને પ્રકાશાનંદને વ્યાખ્યાન આપવા ઢાકા જવા કહ્યું. પરંતુ વિરજાનંદજીએ આમ કહીને વાંધો ઉઠાવ્યો, ‘મેં કોઈ તપસાધના કર્યાં નથી અને હું ઈશ્વરની અનુભૂતિ કરી શક્યો નથી તો હું કેવી રીતે ઉપદેશ આપી શકું?’
આ વિરોધ અને પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું, ‘તમારે ઉપદેશક કે શિક્ષકની જેમ બોલવાનું નથી. સેવા કરવાના ભાવ અને વલણથી વક્તવ્ય આપવું.’ પ્રારંભમાં તો વિરજાનંદ જવા ખૂબ ખચકાયા પરંતુ અંતે એણે પોતાના ગુરુદેવની વિનંતીને માન આપવું પડ્યું. પોતાના ગુરુદેવ અને એમની વચ્ચે આ પ્રસંગે થયેલી આનંદમય ચર્ચા આ પ્રકરણના પ્રારંભમાં વર્ણવવામાં આવી છે.
વિરજાનંદ અને પ્રકાશાનંદની ઢાકાની વિદાય પહેલાં સ્વામીજી મઠના મંદિરમાં ગયા અને લાંબા સમય સુધી ધ્યાન ધર્યું. ત્યાર પછી તેમણે પ્રકાશાનંદ અને વિરજાનંદને બોલાવ્યા અને એમના મસ્તકનો સ્પર્શ કરીને વારંવાર આશીર્વાદ આપ્યા. સ્વામીજીએ તેમને કહ્યું, ‘એટલી શ્રદ્ધા રાખજો કે ‘એમની’ શક્તિ તમારા પર ઊતરી છે. એટલું ચોક્કસ જાણજો કે રામકૃષ્ણ સંઘ એ શ્રીરામકૃષ્ણનો સામૂહિક દેહ છે.’ એ દિવસની ઘટનાનું વિરજાનંદજીનું એમની નોંધપોથીનું વર્ણન ઘણું પ્રેરણાદાયી છે. સ્વામીજીના નિર્ભયતાના આશીર્વાદથી બળવત્તર બનીને આ બન્ને બંધુ સંન્યાસી-શિષ્યો ૪ ફેબ્રુઆરી, ૧૮૯૯ના રોજ બાંગ્લા દેશ (એ વખતનું પૂર્વ બંગાળ) જવા નીકળ્યા.
થોડા જ દિવસોમાં સ્વામીજીએ પ્રકાશાનંદને પાછા બોલાવ્યા અને ઢાકા, મેમનસિંગ અને બારીસાલમાં શ્રીરામકૃષ્ણના સંદેશનો પ્રચારપ્રસાર કરવા વિરજાનંદ ત્યાં એકલા રહ્યા. એમના વિનમ્ર અને મધુર સ્વભાવ તેમજ તેમની શાંત રીતભાતથી તેમના સંપર્કમાં આવનારનાં હૃદય તેઓ જીતી લેતા. બારીસાલમાં તેઓ શ્રીરામકૃષ્ણને મળનાર સુખ્યાત વિદ્વાન અશ્વિની કુમાર દત્ત સાથે રહેતા. એ સમય દરમિયાન ઘણા યુવાનો તેમની પાસે માર્ગદર્શન અને સલાહસૂચન લેવા આવતા.
પ્રકાશાનંદ બેલુર મઠ ગયા તે પહેલાં વિરજાનંદજી અને પ્રકાશાનંદ મહાન ભક્ત નાગમહાશયને મળવા દેવભોગ ગયા હતા. આ બન્ને સંન્યાસીઓને જોઈને નાગમહાશય ઘણા રાજી થયા. વિરજાનંદ આ પહેલાં મઠમાં અને કાંકુડગાછિમાં નાગમહાશયના પવિત્ર સંગાથમાં થોડો સમય રહ્યા હતા. પોતાની જન્મભૂમિમાં આ મહાન ભક્તને મળીને વિરજાનંદ ખૂબ ખુશ થયા.
બાંગલાદેશમાંથી પાછા ફરીને વિરજાનંદે પોતાનાં મનપ્રાણ સ્વામીજીની સેવામાં લગાડી દીધાં. અતિપરિશ્રમને કારણે સ્વામીજીની તબિયત લથડી ગઈ હતી, એટલે આરોગ્ય સારવાર માટે તેમને બલરામ બસુના મકાનમાં રાખવામાં આવ્યા હતા. સ્વામી તુરીયાનંદજી પણ ત્યાં જ રહેતા. વિરજાનંદની ભક્તિભાવપૂર્ણ અને અતિ ચોકસાઈભરી સેવાથી સ્વામીજી તેમના પર ખૂબ ખુશ થયા. દિવસ દરમિયાન વિરજાનંદને ભાગ્યે જ એકાદ પળ આરામ કે નિરાંત માટે મળતી કારણ કે તેઓ રાંધવામાં અને બીજાં કાર્યાે કરવામાં વ્યસ્ત રહેતા. રાતને સમયે પણ કદાચ સ્વામીજીને કઈંક જરૂર પડે એ અપેક્ષા અને ભયથી તેઓ મોટેભાગે જાગતા રહેતા. આ બધું હોવા છતાં પણ તેમને જરાય થાકનો અનુભવ થતો ન હતો. એનાથી ઊલટું તેઓ હંમેશાં આનંદમાં રહેતા કારણ કે તેઓ પોતાના ગુરુદેવની સેવા-ચાકરી કરતા હતા. સ્વામી તુરીયાનંદજીએ આ બધું જોયું અને એક દિવસ તેમણે પૂછ્યું, ‘બેટા, તું ક્યારેય સૂતો નથી?’ વિરજાનંદે કહ્યું, ‘ના, હું સૂતો નથી.’ સ્વામી તુરીયાનંદજીને આશ્ચર્ય થયું અને એમણે ફરીથી પૂછ્યું, ‘તને થાક લાગતો નથી?’ વિરજાનંદજીએ આનંદથી જવાબ આપ્યો, ‘થાક કેમ લાગે?, જરાય લાગતો નથી!’ આવી રીતે એકીસાથે ઘણા દિવસો સુધી વિરજાનંદ ઊંઘ્યા નહીં.
સ્વાસ્થ્યનાં કારણોસર સ્વામીજી પશ્ચિમમાં પાછા જાય એવો નિર્ણય લેવાયો. તેઓ જવા નીકળે તે પહેલાં ૧૯મી જૂને સ્વામીજી સાથે બધા સંન્યાસીઓનો એક ફોટો પડાવ્યો. એ વખતે વિરજાનંદ સ્વામીજીનું ભોજન રાંધવામાં પ્રવૃત્ત હતા અને એમને વારંવાર બોલાવ્યા. અંતે તેઓ એ સમૂહમાં જોડાવા ઝડપથી આવ્યા. જો કે એમને પહેરણ પહેરવાનો સમય ન હતો એટલે તેઓ ફોટામાં ખુલ્લી છાતી સાથે દેખાય છે. ફોટો પડી ગયા પછી તેઓ પાછા પોતાની ફરજ બજાવવા ચાલ્યા ગયા. પણ તેઓ લગભગ રડમસ થઈ ગયા કારણ કે હવે થોડાક જ કલાકોમાં પોતાના ગુરુદેવની સેવાચાકરી કરવાનું સદ્ભાગ્ય પૂરું થવાનું હતું. બીજે જ દિવસે સ્વામીજી કોલકાતાના બંદરેથી જવા રવાના થયા. તેઓ અમેરિકા જતા હતા. તેમની સાથે સ્વામી તુરીયાનંદ અને ભગિની નિવેદિતા હતાં.
(ક્રમશઃ)
Your Content Goes Here




