બ્રાહ્મણ પત્નીઓની ભક્તિ
સુદામા ચરિત્ર :
સુદામા નામના એક વેદજ્ઞ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના પરમ મિત્ર હતા. કિશોર અવસ્થામાં સાંદિપની મુનિના ગુરુકુળમાં તેઓ તથા શ્રીકૃષ્ણ સહપાઠી હતા. સુદામા નિર્લાેભી, શાંતચિત્ત અને સંતોષી હતા. ગૃહસ્થ હોવા છતાં પણ તેઓ કોઈ જાતનો સંગ્રહ કરતા ન હતા અને જે કંઈ પણ મળતું એનાથી જ સંતુષ્ટ રહેતા હતા. એમનાં વસ્ત્રો તો ફાટેલાં તથા જૂનાં જ હતાં. એમની પત્ની તથા બાળકોનાં પણ વસ્ત્રો તેવાં જ હતાં. જરૂરી ભોજનના અભાવમાં પતિ-પત્ની તથા બાળકો અત્યંત દુર્બળ થઈ ગયાં હતાં.
એક દિવસ પોતાનાં બાળકોનું દુ:ખ ન જોઈ શકવાને કારણે સુદામાની પત્નીએ પતિને કહ્યું, ‘સ્વામી! આપે ઘણીય વાર મને કહ્યું છે કે સાક્ષાત્ લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણ તમારા પરમ મિત્ર છે. મેં એમની કીર્તિ સાંભળી છે. તેઓ ઘણા દયાળુ અને ગરીબોના બેલી છે. તેઓ જ સાધુ-સંતો અને સત્પુરુષોના એકમાત્ર આશ્રય છે. તમે કૃપા કરીને એમની પાસે જાઓ. ત્યારે તેઓ જાણશે કે તમારે એક પરિવાર છે કે જેના સભ્યો અન્નના અભાવથી દુ:ખી છે. તેઓ અત્યારે દ્વારકા રહે છે અને એટલા ઉદાર છે કે જેઓ એમના ચરણકમળોનું સ્મરણ કરે છે, તેઓને એ ઇચ્છિત વસ્તુ પ્રદાન કરે છે.’ પોતાની પત્નીની આ વાતો સાંભળીને સુદામાનું હૃદય દુ:ખ થઈ ગયું. જ્યારથી એમનાં લગ્ન થયાં હતાં ત્યારથી સુદામા પોતાની પત્નીને પેટ ભરીને ભોજન પણ આપી શક્યા ન હતા. આટલાં વર્ષાે પછી પહેલી વાર પોતાની પત્નીએ કંઈક માગવાને માટે મોં ખોલ્યું હતું. તે પણ પોતાના માટે નહીં, પરંતુ પોતાનાં બાળકો માટે. સુદામાએ વિચાર્યું, ‘હું શ્રીકૃષ્ણની પાસે મારી પત્નીની વાત કરવાને માટે જઈશ. મને ધનની તો કોઈ ઇચ્છા નથી, પણ આ બહાને વર્ષાે પછી ભગવાનનાં દર્શન થઈ જશે.’ આવું વિચારીને એમણે પોતાની પત્નીને પૂછ્યું, ‘કલ્યાણી! ઘરમાં કંઈક ભેટ આપવા યોગ્ય વસ્તુ છે કે? જો હોય તો આપો.’ સુદામાના ઘરમાં ભલા ભેટ આપવા જેવું શું હોય! એમની પત્ની આડોશ-પાડોશ બ્રાહ્મણોનાં ઘેરથી ચાર મુઠ્ઠી પૌંવા માગીને લાવી અને એને કપડામાં બાંધીને પોટલી પોતાના પતિને આપી. પૌંવાની પોટલી લઈને દરિદ્ર પરંતુ ધર્માત્મા સુદામા શ્રીકૃષ્ણ-મિલનની અભિલાષા લઈને દ્વારકા જવા પગપાળા જ ચાલવા લાગ્યા. રસ્તામાં તેઓ એટલા ઉતાવળા થતા હતા કે એ ક્ષણ ક્યારે આવે કે જ્યારે પોતે ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરે.
દ્વારકા પહોંચીને સુદામા યાદવોના મહેલોની પાસે આવી પહોંચ્યા. વચ્ચો વચ્ચ ભગવાનની રાણીઓના મહેલો હતા. ચોકીદારને પૂછતાં એમને જાણવા મળ્યું કે શ્રીકૃષ્ણ એ સમયે કયા મહેલમાં રહે છે. સુદામાએ ચોકીદારે બતાવેલ અત્યંત શોભાયમાન મહેલમાં પ્રવેશ કર્યાે. એમણે થોડેક દૂરથી જોયું કે શ્રીકૃષ્ણ રુક્મિણીની સાથે પલંગ પર બેઠેલા છે. શ્રીકૃષ્ણ સુદામાને દૂરથી જ જોઈને એકદમ ઊભા થઈ ગયા. તેઓ સુદામા સમીપે દોડતા આવ્યા અને ઘણા જ આનંદથી સુદામાને પોતાના આલિંગનમાં લીધા. પોતાના પ્રિય મિત્રને વર્ષાે પછી જોઈને એમનાં કમળ સમાન નેત્રોમાંથી પ્રેમાશ્રુ વરસવા લાગ્યાં. સુદામા પણ ભગવાનનાં અંગોનો સ્પર્શ થતાં જ પુલકિત બની ગયા. શ્રીકૃષ્ણે સુદામાને પોતાના પલંગ પર બેસાડ્યા, એમનાં ચરણો પખાળ્યાં તથા એ ચરણામૃતને પોતાના મસ્તક પર છાંટ્યું. રુક્મિણી બાજુમાં ઊભાં રહીને સુદામાને પંખો કરવા લાગ્યાં. સુદામાએ અત્યંત જૂનાં ૫ુરાણાં ફાટેલાં વસ્ત્રો પહેર્યાં હતાં. એમના શરીરની બધી જ નસો દેખાતી હતી. અંત:પુરની સ્ત્રીઓ આ જોઈને અત્યંત વિસ્મિત થઈ રહી હતી કે શ્રીકૃષ્ણ એક મેલા-ઘેલા અને દરિદ્ર બ્રાહ્મણનો આટલો બધો સત્કાર કરે છે! શ્રીકૃષ્ણ અને સુદામા એકબીજાના હાથ પકડીને પોતાના ગુરુકુળમાં વિતાવેલા સુખદ દિવસોની ચર્ચા કરવા લાગ્યા.
આ પછી શ્રીકૃષ્ણે વિનોદ કરતાં સુદામાને પૂછ્યું, ‘મિત્ર, તું મારા માટે શું ભેટ લાવ્યો છે? મારો ભક્ત મને પ્રેમથી જો થોડીક જ વસ્તુ અર્પણ કરે છે તો તે મારા માટે ઘણી બની જાય છે.’ આ સાંભળીને સુદામાને અત્યંત સંકોચ થયો. લજ્જાવશ બનીને લક્ષ્મીપતિને તેઓ ચાર મુઠ્ઠી પૌંવા આપી ન શક્યા અને પોતાનું મુખ નીચે કરીને બેઠા રહ્યા. ભગવાન શ્રીકૃષ્ણ સમસ્ત પ્રાણીઓના મનના પ્રત્યેક વિચાર જાણે છે. એમણે સુદામાના હૃદયની વાત જાણી લીધી અને વિચાર્યું, ‘એક, તો આ મારો વહાલો મિત્ર છે; બીજું, એણે ક્યારેય ધનની કામનાથી મારું ભજન કર્યું નથી. આ તો પોતાની પતિવ્રતા પત્નીના આગ્રહથી જ આવ્યો છે. હવે હું એને એવી સંપત્તિ આપીશ, જે દેવતાઓ માટે પણ દુર્લભ છે. શ્રીકૃષ્ણે આવો વિચાર કરીને સુદામાને ફરીથી એમણે લાવેલ ભેટ આપવાનો આગ્રહ કર્યાે. પરંતુ જ્યારે એમણે જોયું કે સુદામા હજુ પણ એમને તે પૌંવા આપવાનું સાહસ કરી શકતા નથી, એટલે એમણે સુદામા પાસેથી તે પોટલી ‘આ શું છે’ એમ કહીને પોતે જ છીનવી લીધી. એમણે એ પોટલીને ખોલી અને પૌંવા જોઈને બોલ્યા, ‘મિત્ર! આ તો તું મારી અત્યંત પ્રિય વસ્તુ લાવ્યો છે. આ પૌંવા ફક્ત મને જ નહીં પણ સમસ્ત સંસારને તૃપ્ત કરવા માટે પર્યાપ્ત છે.’ આવું કહીને શ્રીકૃષ્ણ એક મુઠ્ઠી પૌંવા આરોગી ગયા. તેઓ બીજી મુઠ્ઠી પૌંવા આરોગવાના હતા ત્યાં જ રુક્મિણીએ હસતાં હસતાં એમને રોકી લીધા અને કહ્યું, ‘સ્વામી! બસ, બસ!’ આવું એમણે શા માટે કહ્યું? હકીકતમાં એ એક મુઠ્ઠી પૌંવાના બદલામાં શ્રીકૃષ્ણે સુદામાને
વિશ્વની સમસ્ત સંપત્તિ પ્રદાન કરી દીધી હતી. રુક્મિણીએ વિચાર્યું કે જો શ્રીકૃષ્ણ બીજી મુઠ્ઠી પૌંવા આરોગશે તો સ્વયંનું સ્વાર્પણ સુદામાને કરી દેવું પડશે!
સુદામા એ રાત્રે શ્રીકૃષ્ણના મહેલમાં આનંદપૂર્વક રહ્યા. એમણે ઘણા આરામથી ત્યાં ખાધું-પીધું અને એવો અનુભવ કર્યાે કે જાણે પોતે વૈકુંઠમાં પહોંચી ગયા છે. બીજા દિવસે શ્રીકૃષ્ણની રજા લઈને પોતાનાં તે જ જૂનાં પુરાણાં ફાટેલાં કપડાં પહેરીને સુદામા પોતાને ઘેર જવા નીકળી પડ્યા. (ક્રમશ:)
Your Content Goes Here




