(હરિ મહારાજ—સ્વામી તુરીયાનંદ—શ્રીરામકૃષ્ણ-દેવના અતિ કઠોર તપસ્વી સંન્યાસી શિષ્ય હતા. ગુરુભ્રાતા સ્વામી વિવેકાનંદના આહ્વાને તેઓએ પોતાની તપસ્યા ત્યાગીને અમેરિકામાં વેદાંત પ્રચાર કર્યો હતો. સ્વામી યતીશ્વરાનંદે તેમની સાથે થયેલ વાર્તાલાપની એક પ્રેરણાપ્રદ ઝલક આપણને અહીં આપી છે. -સં.)
૧૯૧૧ની સાલની શરૂઆતમાં બેલુર મઠમાં સ્વામી તુરીયાનંદજીનાં પહેલી વાર દર્શન કર્યાં ત્યારે હું સાધુ બનવા માટે પ્રયત્ન કરતો હતો. ત્યાર પહેલાં તેમના કઠોર ત્યાગ-તપસ્યાની વાતો તેમના ગુરુભાઈઓના મુખે સાંભળી હતી. પ્રથમ દર્શનમાં જ તેમના પ્રત્યે વિશેષરૂપે આકર્ષિત થયો હતો તથા મઠમાં આવતાં જ તેમની સાથે ધર્મવિષયક વાર્તાલાપ અને તેમની સેવા કરવાનો સુયોગ શોધતો હતો. તેઓ એટલા સ્વાવલંબી અને આત્મનિર્ભર હતા કે ત્યારે અસ્વસ્થ હોય તોપણ અમસ્તું બીજાની સેવા લેવા માટે સહમત નહોતા થતા. વચ્ચે વચ્ચે તેઓ અવશ્ય બીજાની સામાન્ય સેવા લેતા, પરંતુ તે પણ ઘણી અનિચ્છા સાથે.
સાધુ થવા માટે તેઓ અમને ખૂબ ઉત્સાહ આપતા અને સમયે સમયે સ્વામીજીની આ વાત કહેતા, ‘Young man of Bengal, to you I especially appeal. (બંગાળી તરુણો, તમને લોકોને હું વિશેષપણે અપીલ કરું છું). સ્વામીજી કેટલી આશા રાખીને ગયા હતા કે તમારા જેવા અનેક યુવકો તેમના દ્વારા આરંભાયેલ સેવાધર્મ સ્વીકારશે. તમે સાધુ થઈ તેમનું કાર્ય કરો અને ધન્ય થાઓ.’
ઉપરોક્ત વર્ષના (૧૯૧૧ના) ઑક્ટોબર મહિનામાં પુરીધામમાં સ્વામી તુરીયાનંદના દર્શનલાભનો ફરીથી સુયોગ પ્રાપ્ત થયો. તે જ સમયમાં મેં પુરીમાં પૂજ્યપાદ સ્વામી બ્રહ્માનંદ મહારાજની પાસે જઈને સંઘમાં યોગદાન કર્યું તથા તેમની સાથે ‘શશી નિકેતન’માં રહેતો. તેઓનો પવિત્ર સંગલાભ એકાદ માસ મેળવ્યા બાદ મને મદ્રાસ મઠમાં મોકલવામાં આવ્યો. પુરીમાં હરિ મહારાજે પહેલાં શંકરાચાર્યની પ્રકરણ-ગ્રંથાવલી વાંચવા માટે મને પ્રોત્સાહિત કર્યાે. ત્યાંના (પુરીના) ઉચ્ચ રાજ-કર્મચારી શ્રી અટલ બિહારી મૈત્રના ઘરમાં તે વખતે જગદ્ધાત્રીપૂજાનું આયોજન થયું. મહારાજે મને પૂજક તરીકે નિયુક્ત કર્યાે તથા પૂજા પહેલાં મને પૂજાપદ્ધતિ સ્વામી અંબિકાનંદજી દ્વારા સારી રીતે શીખવી દીધી. ઉપરોક્ત પૂજામાં પૂજનીય હરિ મહારાજ મુખ્ય તંત્રધારક અને સ્વામી અંબિકાનંદ સહકારી તંત્રધારક હતા. બ્રહ્માનંદજી મહારાજ પણ પૂજાના સ્થાને ઉપસ્થિત હતા. જગદ્ધાત્રીપૂજા ખૂબ જ વિસ્તૃત અને ઘણા કલાકો સુધી ચાલી. આટલી મોટી પૂજા મેં ત્યારે પ્રથમ વખત જ કરી. આનુષ્ઠાનિક પૂજાના દીર્ઘ ન્યાસાદિ કરવાનો અનુભવી ન હોવાથી મારું મન વચ્ચે વચ્ચે ક્લાન્તિનો અનુભવ કરતું હતું. પરંતુ ધ્યાનના સમયે આનંદ મળતો હતો, તેથી થોડી વધારે વાર ધ્યાન કરતો હતો. હરિ મહારાજે એક-બે વાર તેની નોંધ લીધી. પછી દૃઢસ્વરે બોલી ઊઠ્યા, ‘ધ્યાન થઈ ગયું છે, હવે પૂજા શરૂ કર.’
યથાસમયે માની પૂજા શરૂ થઈ. થોડીક ક્ષણો પછી ઔપચારિક પૂજાથી મનમાં અવસાદનો અનુભવ થયો, પરંતુ ધ્યાનનો સમય આવતાં જ તે નાશ પામ્યો. હું ખૂબ આનંદથી ધ્યાન કર્યે જાઉં છું, સમય થઈ રહ્યો હોવા છતાં પણ એ વિષે ખ્યાલ ન રહ્યો. આ વખતે હરિ મહારાજ પહેલાં કરતાં પણ દૃઢતર કંઠે અને થોડાક તિરસ્કારના સ્વરે બોલ્યા, ‘ખૂબ લાંબો સમય ધ્યાન થઈ ગયું, હવે પૂજા શરૂ કર. વધારે ધ્યાન કરીને પૂજામાં વિલંબ કરીને ભક્તો માટે અસુવિધા ઊભી કરીશ નહીં.’
પૂજામાં જેઓ વ્યસ્ત હતા તેઓ બધા સાથે જલપાન કરવા બેઠા. હરિ મહારાજે પોતાની થાળીમાંથી સારી સારી વસ્તુઓ મારી થાળીમાં પ્રેમથી રાખી દીધી. પૂજા સમયના ઠપકાથી મારા મનમાં જે થોડું દુઃખ થયું હતું તે અદૃશ્ય થઈ ગયું અને તેમની કૃપાથી મન આનંદથી ભરાઈ ગયું.
પૂજા પૂરી થતાં અમે બધા ‘શશી નિકેતન’માં પાછા ફર્યા. હરિ મહારાજે મને પાસે બોલાવીને કહ્યું, ‘પૂજાના સમયે તારો જે ધ્યાનનો ભાવ આવ્યો હતો તે ઉત્તમ છે, પરંતુ વધારે ધ્યાન કરે તો પૂજા તથા ભોગરાગ અને ભક્તોનો પ્રસાદગ્રહણ વગેરે પૂરું થતાં ખૂબ મોડું થાય, તે કોઈ રીતે ઇચ્છનીય નથી.’ તેઓએ બીજું પણ કહ્યું, ‘જાણે છે આપણો આદર્શ શું છે? જ્યારે પણ ધ્યાનની ઇચ્છા થાય ત્યારે જ અંતર્મુખ થઈ મનના દરવાજા બંધ કરી ધ્યાનમગ્ન થઈ શકો. ફરી આવશ્યકતા ઊભી થાય તો ધ્યાન છોડીને સહજભાવે બહિર્મુખ થઈ કાર્ય કરી શકો.’ તેઓ સાધુજીવનના ઉચ્ચ આદર્શનું અનુસરણ કરવા માટે મને ખૂબ પ્રોત્સાહિત કરતા. મદ્રાસ જતા પહેલાં તેઓએ તથા મહારાજે પરામર્શ કરી મને બ્રહ્મચારી નિત્યચૈતન્ય નામ આપ્યું અને ખૂબ આશીર્વાદ આપ્યા.

સ્વામી તુરીયાનંદનાં દર્શન કર્યા પછીથી તેમના પવિત્રસંગમાં રહીને હું તેમની સેવા કરવાની આંતરિક ઇચ્છા રાખતો હતો. આ ઇચ્છા પૂર્ણ કરવાની સોનેરી તક મને ઈ.સ. ૧૯૨૦ના મે માસમાં મળી. શ્રીમા તે સમયે બાગબજાર મઠમાં અંતિમ માંદગી સમયે પથારીવશ હતાં. હું સવારે કાશી પહોંચીને બપોરે જ્યારે હરિ મહારાજનાં દર્શન કરવા ગયો ત્યારે તેઓ પોતાની મેળે જ બોલ્યા, ‘તું મારી પાસે કેમ રહેતો નથી? સનત શ્રીમાનાં દર્શન કરવા બેલુર મઠ જાય છે.’
ત્યારથી (૧૯૨૦ના મે માસથી) ઈ.સ. ૧૯૨૧ના માર્ચ મહિના સુધી તેમનો પવિત્ર સંગ અને સેવા કરવાનો અધિકાર મેળવીને ધન્ય થયો હતો. હું વચ્ચે વચ્ચે પૂજનીય હરિ મહારાજ સાથે ખૂબ સત્સંગ કરતો. હું એક દિવસ તેમની સાથે ચર્ચા કરી રહ્યો હતો. મારી ધારણા હતી કે આત્મસમર્પણ કરવું એટલું કઠિન નથી. પરંતુ હરિ મહારાજે કહ્યું, ‘સાચેસાચ આત્મસમર્પણ ત્યારે જ કરી શકાય જ્યારે ઠાકુરે ઉદાહરણ સ્વરૂપ કહેલ ‘જહાજ પરના પક્ષી’ની જેમ ઊડી ઊડીને બંને પાંખો એટલી થાકી જાય કે હવે ઊડવાની શક્તિ ન રહે. પ્રાણપણે પ્રયત્ન કરીને જ્યારે સાધક જુએ કે હવે પ્રયત્ન કરવાનું સામર્થ્ય નથી ત્યારે જ શરણાગતિનો ભાવ સાચેસાચ આવે.’
Your Content Goes Here




