સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન – ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવાદિનના રૂપમાં ઊજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે. યુવાવસ્થામાં જ સ્વામી વિવેકાનંદજીએ મહાનતાનાં શિખરોને આંબી લીધાં હતાં અને યુવાવસ્થામાં જ પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાનું (૧૨ ભાગોમાં)અધ્યયન કરવાથી જાણવા મળશે કે તેમનો સંદેશ આજના યુવા વર્ગ માટે વિશેષ રૂપે ઉપયોગી છે. તેમણે લખેલ મોટા ભાગના પત્રો યુવા ગુરુભાઈઓ અથવા યુવા શિષ્યો (આલાસિંગા પેરુમલ, ભગિની નિવેદિતા વગેરે)ને ઉદ્દેશીને લખવામાં આવ્યા હતા. તેમના વાર્તાલાપો યુવા શિષ્યો – શરતચંદ્ર ચક્રવર્તી વગેરેની સાથે થયા હતા. તેમનાં ભાષણોના મોટા ભાગના શ્રોતાઓ યુવકો હતા. ભારતમાં આપેલાં તેમનાં ભાષણોને વાંચીને કેટલાય યુવકોએ પોતાનું સર્વસ્વ માતૃભૂમિ કાજે હોમી દીધું હતું. મહાત્મા ગાંધીએ કહેલું, “સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચ્યા બાદ મારી દેશભક્તિ હજારગણી વધી ગઈ”. સુભાષચંદ્ર બોઝ, ડૉ. રાધાકૃષ્ણન્ અને અનેક ક્રાંતિવીરોના પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. ડૉ. રામતીર્થ લાહોરની કૉલેજમાં લેક્ચરર હતા. સ્વામી વિવેકાનંદજીનું વેદાંત પરનું વ્યાખ્યાન સાંભળીને તેમણે યુવાવસ્થામાં જ સંન્યાસ લઈ લીધો અને બની ગયા સ્વામી રામતીર્થ. મિસ માર્ગારેટ નૉબેલે પોતાનું સર્વસ્વ ભારતમાતાને ચરણે નિવેદિત કરી દીધું; સ્વામી વિવેકાનંદજી પાસેથી બ્રહ્મચર્યદીક્ષા મેળવી બન્યાં ભગિની નિવેદિતા. આજે પણ અસંખ્ય યુવા ભાઈ-બહેનો સ્વામી વિવેકાનંદજી પાસેથી પ્રેરણા મેળવી રહ્યાં છે. વર્તમાન યુવા વર્ગની બધી સમસ્યાઓનો ઉકેલ સ્વામી વિવેકાનંદજીના જીવનસંદેશમાં મળી રહે છે. આજે ભારતના યુવા વર્ગની સામે ત્રણ મુખ્ય સમસ્યાઓ છે: (૧) બેરોજગારી (૨) ધર્મ પર અવિશ્વાસ (૩) આદર્શોના અભાવમાં નૈતિક અને માનસિક સંઘર્ષ. સ્વામી વિવેકાનંદજીને પોતાની યુવાવસ્થામાં આ ત્રણેય સમસ્યાઓ સામે ઝૂઝવું પડેલું. એવા સમયમાં જ્યારે સ્નાતક થવું એક વિરલ વાત હતી, ત્યારે, યુવક નરેન્દ્રનાથને બી.એ.ની ડિગ્રી મેળવીને, કાયદાનો અભ્યાસ કરતી વખતે, પોતાના પિતાના આકસ્મિક અવસાન બાદ નોકરી શોધવા ઘેર ઘેર ભટકવું પડેલું! સ્પેન્સર, હેગલ, કાંટ વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોના ગ્રંથોના અધ્યયન બાદ સ્વામી વિવેકાનંદ ઈશ્વરના અસ્તિત્વ વિશે સંશયશીલ બની ગયા હતા. બધા મહાપુરુષોને તેઓ પૂછ્યા કરતા, શું આપે પોતે ઈશ્વરનાં દર્શન કર્યાં છે. ક્યાંયથી તેમને સંતોષજનક ઉત્તર નહોતો મળતો. છેવટે, શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી તેમને ઉત્તર મળ્યો, ‘હા દીકરા, મેં ઈશ્વરનાં દર્શન કર્યા છે. જેમ તને જોઉં છું એથીય વધુ પ્રત્યક્ષ રીતે તેનાં દર્શન કરું છું. તું ચાહે તો તને પણ તેનાં દર્શન કરાવી શકું.’

નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને ગુરુરૂપે સ્વીકારે છે અને આધ્યાત્મિક સાધનામાં રત થઈ જાય છે અને પછી આવે છે તેમના જીવનમાં નૈતિક અને માનસિક સમસ્યાઓનો વંટોળિયો, જેનું વિસ્તૃત વર્ણન તેમના સહપાઠી શ્રી બ્રજેન્દ્રનાથ સીલે કર્યું છે. (Life of Swami Vivekananda by His Eastern and Western Disciples). સ્વામી વિવેકાનંદજીએ પોતાની યુવાવસ્થામાં આજના યુવા વર્ગની સમસ્યાઓનો સામનો જાતે કર્યો હતો અને માટે જ તેમનો સંદેશ આજના યુવા વર્ગ માટે વિશેષ પ્રાસંગિક બની જાય છે.

Total Views: 192
By Published On: January 1, 2022Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram