પોતાના મહેલમાં રાજા બહુલાશ્વે શ્રીકૃષ્ણને એક સુંદર આસન પર બેસાડ્યા અને એમનાં ચરણારવિંદ પખાળ્યાં. ત્યાર પછી રાજાએ ભગવાન અને ભગવત્ સ્વરૂપ ઋષિઓની ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, ગાય-બળદો વગેરે સમર્પિત કરીને પૂજા કરી. જ્યારે બધા લોકો ભોજન આરોગીને તૃપ્ત થઈ ગયા ત્યારે રાજા બહુલાશ્વ શ્રીકૃષ્ણના ચરણોને પોતાના ખોળામાં રાખીને, એને ધીરે ધીરે દબાવતા દબાવતા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.
બહુલાશ્વે કહ્યું, ‘પ્રભુ! આપ આ સમસ્ત પ્રાણીઓના આત્મા અને સાક્ષી છો અને સ્વયંપ્રકાશ છો. અમે હંમેશાં આપના ચરણકમળોનું સ્મરણ કરીએ છીએ. આથી આપે અમને આજે દર્શન આપીને કૃતાર્થ કરી દીધા છે. એક વાર આપે કહ્યું હતું, ‘મારું નિરંતર સ્મરણ કરનાર મારો ભક્ત મને મારા ભાઈ બલરામજી, અર્ધાંગિની લક્ષ્મી અને પુત્ર બ્રહ્માથી પણ અધિક પ્રિય છે.’ આપનાં આ વચનોને સત્ય કરવા તથા અમને કૃતાર્થ કરવા માટે આપ મારા ઘેર પધાર્યા છો. પ્રભુ! આપને મારી પ્રાર્થના છે કે આપ થોડાક દિવસો સુધી મુનિમંડળ સહિત અમારે ત્યાં રહો અને આપના ચરણોની રજથી મારા ઘરને પવિત્ર કરો.’ બહુલાશ્વની ભક્તિથી પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણ થોડાક દિવસો સુધી એમના ઘરે રહ્યા.
બરાબર આ જ સમયે શ્રીકૃષ્ણ અકિંચન બ્રાહ્મણ શ્રુતદેવને ઘેર પણ પધાર્યા. ભગવાન અને મુનિમંડળને પોતાને ઘરે આવેલા જોઈને શ્રુતદેવ પણ આનંદવિહ્વળ બની ગયા. શ્રુતદેવે શેતરંજી, તકિયા અને કુશાસન પાથરીને એના પર ભગવાન શ્રીકૃષ્ણ અને મુનિઓને બેસાડ્યા, સ્વાગત-ભાષણ વગેરે દ્વારા એમનું સ્વાગત કર્યું તથા પોતાની પત્ની સાથે ઘણા જ આનંદથી સૌનાં ચરણ પખાળ્યાં. આ સમયે એમના બધા જ મનોરથો પૂર્ણ થઈ ગયા હતા અને તેઓ હર્ષના અતિરેકથી મત્ત થઈ રહ્યા હતા. તેઓએ પણ ભક્તિભાવપૂર્વક શ્રીકૃષ્ણની પૂજા કરી અને ત્યાર બાદ એમની સ્તુતિ કરતાં કહ્યું, ‘પ્રભુ! આપ પુરુષોત્તમ છો. જેવી રીતે સૂતેલો પુરુષ સ્વપ્નમાં મનોમન સ્વપ્ન-જગતની સૃષ્ટિ કરી લે છે, તેવી જ રીતે આપે પોતાનામાં જ પોતાની માયાથી જગતની રચના કરી લીધી છે. અને હવે એમાં પ્રવેશ કરીને અનેક રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છો. અમે આપના સેવક છીએ. અમને આજ્ઞા આપો કે અમે આપની સેવા કરી શકીએ!’
શ્રીકૃષ્ણે શ્રુતદેવની પ્રાર્થના સાંભળીને હસતાં હસતાં કહ્યું, ‘પ્રિય શ્રુતદેવ! આ મહાન ઋષિ-મુનિઓ પોતાના ચરણોની રજથી માનવજાત અને પૃથ્વી આદિ વિવિધ લોકને પવિત્ર કરતા રહી મારી સાથે વિચરણ કરી રહ્યા છે અને તમારા પર કૃપા કરવા માટે જ અહીં પધાર્યા છે. તમે એમને મારું જ સ્વરૂપ જાણીને પૂરી શ્રદ્ધાથી એમની પૂજા કરો. આમ કરવાથી તમે અનાયાસ જ પરમગતિ પ્રાપ્ત કરી શકશો!’
શ્રીકૃષ્ણ પોતાના બન્ને ભક્તોને પ્રસન્ન કરવા માટે થોડાક દિવસો સુધી મિથિલામાં રહ્યા અને ત્યાર બાદ દ્વારકા પાછા આવ્યા.
અર્જુન અને બ્રાહ્મણ
એક દિવસની વાત છે, દ્વારકામાં કોઈ બ્રાહ્મણીના ગર્ભથી એક પુત્ર ઉત્પન્ન થયો. પરંતુ તે પુત્ર જન્મ લેતાં જ મૃત્યુ પામ્યો. બ્રાહ્મણ પોતાના બાળકનું મૃત શરીર લઈને રાજમહેલના દરવાજે ગયો અને ત્યાં એ મૃત પુત્ર રાખીને અત્યંત વિહ્વળ અને દુઃખી મનથી વિલાપ કરતો કહેવા લાગ્યો, ‘એમાં સંદેહ નથી કે બ્રાહ્મણદ્રોહી, ધૂર્ત, કંજૂસ અને વિષયી રાજાના કર્મદોષથી જ મારા બાળકનું મૃત્યુ થયું છે. જે રાજા હિંસક અને અસંયમી હોય છે એની સેવા કરનારી પ્રજા દરિદ્ર થઈને દુઃખ અને દુઃખ ભોગવતી રહે છે તેમજ એની સામે ઉપરાઉપરી સંકટ આવતાં રહે છે.’ આ રીતે ઘણા સમય સુધી વિલાપ કર્યા બાદ તે બ્રાહ્મણ પોતાના ઘેર પાછો ફર્યાે.
એ બ્રાહ્મણની પત્નીએ ફરી એક બાળકને જન્મ આપ્યો. પરંતુ તે પણ જન્મતાં જ મૃત્યુ પામ્યો. એ બ્રાહ્મણે આ વખતે પણ મૃત બાળકને રાજમહેલના દરવાજા પર રાખીને રાજા પર દોષારોપણ કર્યું. આવું એક વાર નહીં, બે વાર નહીં, પરંતુ નવ વાર બન્યું. બ્રાહ્મણને નવ પુત્રો જન્મ્યા અને તે બધા જ જન્મતાં જ મૃત્યુ પામ્યા. નવમા બાળકના મૃત્યુ સમયે જ્યારે તે બ્રાહ્મણ રાજા પર દોષારોપણ કરી રહ્યો હતો, એ સમયે અર્જુન શ્રીકૃષ્ણની પાસે બેઠા હતા. અર્જુને બ્રાહ્મણનાં કટુ વચનો સાંભળીને એને સાંત્વના આપતાં કહ્યું, ‘બ્રહ્મન્! જેવી રીતે તમે કહ્યું, જો કોઈ રાજાના રાજ્યમાં પ્રજા દુઃખી થઈ રહી છે તો એ માટે રાજા જવાબદાર છે. રાજાનું કર્તવ્ય છે કે તે પ્રજાનું રક્ષણ કરે, નહીં તો તે રાજા ક્ષત્રિય નથી. હું તમને વચન આપું છું કે હું તમારા હવે પછીના જન્મનારા સંતાનની રક્ષા કરીશ. જો કદાચ હું મારી પ્રતિજ્ઞા ન પૂરી કરી શકું તો આગમાં કૂદીને બળી મરીશ.’
Your Content Goes Here




