માસ્ટર: જી, ઈશ્વર સાકાર, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને?

શ્રીરામકૃષ્ણ: માટીની શા માટે? ચિન્મય પ્રતિમા.

માસ્ટર ‘ચિન્મય પ્રતિમા’ એ સમજી શક્યા નહિ. તે બોલ્યા, ‘વારુ, જેઓ માટીની પ્રતિમાની પૂજા કરે તેમને તો આપણે સમજાવી દેવું જોઈએ ને, કે માટીની પ્રતિમા એ ઈશ્વર નથી, અને પ્રતિમાની સામે ઈશ્વરને જ ઉદ્દેશીને પૂજા કરવી જોઈએ?

‘લેક્ચર’ (Lecture) અને ઠાકુર શ્રીરામકૃષ્ણ

શ્રીરામકૃષ્ણ (નાખુશ થઈને): તમારા કોલકાતાના લોકોમાં આ એક ટેવ, કે કેવળ લેકચર આપવાં, અને બીજાને સમજાવી દેવું! પોતાને કોણ સમજાવે તેનું ઠેકાણું નહિ! સમજાવનારા તમે કોણ? જેનું જગત છે તે જ સમજાવશે. જેણે આ જગત સર્જ્યું છે, ચંદ્ર, સૂર્ય, માણસ, જીવજંતુ બનાવ્યાં છે, જીવજંતુઓના ખાવા – પીવાની વ્યવસ્થા કરી છે, પાલનપોષણ કરવા માટે માબાપ કર્યાં છે, માબાપમાં સ્નેહ મૂક્યો છે, તે જ સમજાવશે. તેમણે આટલી વ્યવસ્થા કરી છે, તો પછી આને માટે વ્યવસ્થા કરી નહિ હોય? જો સમજાવવાની જરૂર પડશે તો તે જ સમજાવી દેશે.

એ તો અંતર્યામી છે. અગર આ માટીની પ્રતિમાની પૂજા કરવામાં કાંઈ ભૂલ થતી હોય તો શું જાણતા નથી કે એ તેમની જ પૂજા થાય છે? તે આ પૂજાથી જ સંતોષ માનશે. એને માટે તમને આટલી બધી માથાકૂટ શા માટે? તમને પોતાને જેથી જ્ઞાન મળે, ભક્તિ મળે, તેનો પ્રયાસ કરોને.

માસ્ટરનો અહંકાર કદાચ આ વખતે સંપૂર્ણ ઓગળી ગયો. તે વિચાર કરવા લાગ્યા કે આ જે કહે છે તે તો સાચું છે! મારે બીજાને સમજાવવા જવાની શી જરૂર? મેં શું ઈશ્વરને જાણ્યો છે, કે મને તેના ઉપર ભક્તિ આવી છે? પોતાને સૂવાનું ઠેકાણું નહિ ને બીજાને બોલાવે! હું પોતે જાણું-સમજું નહિ ને બીજાને સમજાવવા જાઉં, એ તો ભારે શરમની વાત અને હીનબુદ્ધિનું કામ! આ તે શું ગણિત, કે ઇતિહાસ, કે સાહિત્ય છે કે બીજાને સમજાવાય? આ તો છે ઈશ્વરતત્ત્વ! તેઓશ્રી જે કહે છે તે બરાબર લાગે છે.

ઠાકુરની સાથે માસ્ટરનો આ પહેલો અને છેલ્લો વાદ.

શ્રીરામકૃષ્ણ: તમે માટીની પ્રતિમાની પૂજા કહેતા હતા ને? અગર તે માટીની હોય તો પણ તે પૂજાનોય ઉપયોગ છે. જુદી જુદી જાતની પૂજાનું ઈશ્વરે જ વિધાન કર્યું છે, જેનું જગત છે તેણે જ આ બધું બનાવ્યું છે, પાત્રના ભેદ પ્રમાણે. જેને જે માફક આવે તે પ્રમાણે મા રસોઈ બનાવે તેમ. એક માને પાંચ છોકરાં. તહેવાર આવ્યો. મા તે વખતે જેને જે માફક આવે અને પાચનશક્તિ પ્રમાણે કોઈને માટે લાડુ, કોઈને માટે શીરો, તો કોઈને માટે દૂધપાક બનાવે, સમજ્યા?

માસ્ટર: જી હા.

ભક્તિનો ઉપાય

માસ્ટર (વિનયપૂર્વક): ઈશ્વરમાં કેવી રીતે મન જાય?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ, અને સત્સંગ. ઈશ્વરના ભક્ત કે સાધુ, એવાની પાસે અવારનવાર જવું જોઈએ. સંસારમાં અને વહેવારની અંદર રાતદિવસ રહેવાથી ઈશ્વરમાં મન જાય નહિ. વચ્ચે વચ્ચે એકાંતમાં જઈને ઈશ્વરનું ચિંતન કરવાની બહુ જરૂર છે. શરૂઆતમાં અવારનવાર એકાંતમાં ન જઈએ તો ઈશ્વરમાં મન લગાડવું બહુ જ કઠણ.

‘રોપ નાનો હોય ત્યારે તેની ચારે બાજુએ વાડ કરી લેવી જોઈએ. વાડ ન કરીએ તો ગાય બકરાં ખાઈ જાય.’

‘ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં. હંમેશાં સત્ અસત્નો વિચાર કરવો. ઈશ્વર જ સત્ એટલે નિત્ય વસ્તુ, બીજું બધું અસત્ એટલે અનિત્ય. એવી રીતે વિચાર કરતાં કરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો.’

માસ્ટર (વિનયપૂર્વક): સંસારમાં કેવી રીતે રહેવું?

ગૃહસ્થ – સંન્યાસઃ ઉપાય – એકાંતમાં સાધના

શ્રીરામકૃષ્ણ: બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો છે. પણ મનમાં બરાબર સમજવું કે એમાંથી કોઈ આપણું નથી.

‘મોટા માણસના ઘરની કામવાળી શેઠનું બધું કામ કરે, પણ તેનું મન હોય ગામડામાં પોતાને ઘેર. વળી, તે શેઠનાં છોકરાંને પોતાનાં છોકરાંની માફક મોટાં કરે. ‘મારો રામ’ ‘મારો હરિ’ એમ કહીને બોલાવે; પણ મનમાં સારી રીતે સમજે કે એમાંથી મારું કોઈ નથી.’

‘કાચબી પાણીમાં તર્યા કરતી હોય, પણ તેનું મન ક્યાં હોય તે ખબર છે? કાંઠા પર, જ્યાં તેનાં ઈંડાં પડ્યાં હોય ત્યાં. સંસારનું બધું કામ કરવું. પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું.’

‘ઈશ્વર ભક્તિ પ્રાપ્ત કર્યા વિના જો સંસાર ચલાવો તો ઊલટા વધુ સપડાઓ. સંકટ, શોક, તાપ એ બધાંથી હેરાન હેરાન થઈ જાઓ; અને સંસારના વિષયોનું ચિંતન જેમ જેમ વધુ કરો તેમ તેમ આસક્તિ વધે.’

‘હાથે તેલ લગાડીને પછી ફણસ ચીરવું જોઈએ, નહિતર તેનું દૂધ હાથે ચોંટી જાય. ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સંસારનાં કામમાં હાથ લગાડવો જોઈએ.’

‘પણ આ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો એકાંત હોવું જોઈએ. માખણ કાઢવું હોય તો એકાંતમાં દહીં જમાવવું જોઈએ. દહીંને હલાવ હલાવ કર્યે દહીં જામે નહિ. ત્યાર પછી એકાંતમાં બેસી, બધાં કામ છોડી, દહીંને વલોવવું જોઈએ; તો જ માખણ નીકળે.’

Total Views: 432
By Published On: March 1, 2022Categories: Master Mahashay0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram