સ્મૃતિ

એક હિંદુએ કેવી રીતે જીવનયાપન કરવું જોઈએ, એ વિષયમાં નિર્દેશ આપતાં મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓ કેટલાય ગ્રંથોની રચના કરી ગયા છે. ખાસ કરીને આવી જાતના ગ્રંથોને ‘સ્મૃતિ’ કહે છે, જો કે સામાન્ય રૂપે વેદો સિવાય બાકીના બધા શાસ્ત્ર-ગ્રંથોને સ્મૃતિ કહેવામાં આવે છે. મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓ રચિત આ સ્મૃતિ દ્વારા એ જાણી શકાય છે કે હિંદુએ પોતાનું જીવન કેવી રીતે વિતાવવું જોઈએ. એમાં વર્ણ તથા આશ્રમ અનુસાર મનુષ્યનાં વિભિન્ન કર્માેનો નિર્દેશ છે. એમાં એ પણ લખ્યું છે કે હિંદુએ પોતાના પારિવારિક જીવનમાં કયાં કયાં અનુષ્ઠાનો કરવાં જોઈએ. આ ઉપરાંત સ્મૃતિકારો હિંદુ પરિવાર તથા સમાજને માટે કેટલીક વ્યવસ્થાઓનો નિર્દેશ કરી ગયા છે કે જે અંગ્રેજોના શાસન દરમ્યાન પણ પ્રચલિત હતી.

સંક્ષેપમાં કહીએ તો વર્ણ તથા આશ્રમના માધ્યમથી હિંદુઓએ કેટલાં કાર્યાેમાં પ્રવૃત્ત થવું અને કેટલાં કાર્યોથી નિવૃત્ત થવું એ જ સ્મૃતિનો ઉદ્દેશ છે. એટલા માટે સ્મૃતિમાં વિધિ-નિષેધોનું વિધાન છે. મનુષ્યના મનને ધીરે ધીરે પવિત્ર કરીને એને એક-એક પગલું પૂર્ણતાની તરફ અગ્રેસર કરવું એ જ સ્મૃતિઓનું એક માત્ર લક્ષ્ય છે. કહેવું ન જોઈએ કે સ્મૃતિઓ પૂર્ણરૂપે શ્રુતિઓ (વેદો) ઉપર આધારિત છે. છતાં પણ આ ધ્યાન રાખવું પડશે કે સામાજિક પરિવેશમાં પરિવર્તન અનુસાર વિધિ-નિષેધની વ્યવસ્થાઓ પણ બદલાતી રહે છે. જોવામાં આવે છે કે હિંદુ સમાજના જુદા જુદા યુગ તથા સ્થાનરૂપી આવરણ બદલાવાની સાથે સાથે નવી સ્મૃતિઓની રચના થઈ છે. મનુના ઘણા સમય પછી રઘુનંદની સ્મૃતિ રચાઈ અને તે પણ ફક્ત બંગાળના હિંદુ સમાજને માટે જ હતી. વર્તમાન હિંદુ સમાજ છેલ્લા સ્મૃતિકારથી બહુ દૂર ચાલ્યો ગયો છે, એટલે લાગે છે કે એક નવી સ્મૃતિની રચના કરવાનો સમય પાકી ગયો છે.

દર્શન

વેદ-મહાવાક્યોને આધાર બનાવીને પરમાર્થ-તત્ત્વના વિષયમાં છ ભિન્ન ભિન્ન મતવાદો ઉદ્‌ભવ્યા. આ છ મતવાદોના આધાર પર છ દર્શનો પણ રચાયાં. એમને સામૂહિકરૂપે ષડ્‌-દર્શન કહેવામાં આવે છે. જૈમિની, વ્યાસ, કપિલ, પતંજલિ, ગૌતમ, અને કણાદ એના રચયિતા છે અને એમણે અનુક્રમેઃ પૂર્વ-મીમાંસા, ઉત્તર-મીમાંસા, સાંખ્ય, યોગ, ન્યાય તથા વૈશેષિક દર્શનોની રચના કરી. આ દર્શનોની એક વિશેષ રચના-શૈલી છે. જેમ સંસ્કૃત વ્યાકરણ સૂત્રોના રૂપમાં ઉપલબ્ધ છે, તે જ પ્રમાણે આ દર્શનો પણ સૂત્રોના રૂપમાં રચવામાં આવ્યાં છે. આ સૂત્રોને સમજવાને માટે વ્યાખ્યાની વિશેષ જરૂરિયાત હોય છે. એટલા માટે સમયાંતરે પ્રત્યેક દર્શનની ઉપર અનેક ભાષ્ય-ટીકાઓ વગેરેની રચના થઈ.

આ દર્શનોમાં પૂર્વ-મીમાંસામાં વેદોના કર્મકાંડ અને ઉત્તર-મીમાંસામાં જ્ઞાનકાંડ પર ચર્ચા કરવામાં આવી છે. ઉત્તર-મીમાંસાનો આધાર ઉપનિષદ છે. એટલા માટે મહર્ષિ વ્યાસ દ્વારા રચિત આ દર્શનને વેદાંત અથવા બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે. બ્રહ્મસૂત્ર હિંદુ ધર્મનો જાણે કે એક સ્તંભ છે. પછીના સમયમાં શંકર, રામાનુજ વગેરે આચાર્યાેએ આના ઉપર ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણો વડે મૂલ્યવાન ભાષ્યોની રચના કરી.

પુરાણ

દર્શન ચોક્કસ જ કઠિન છે. તે ફક્ત વિદ્વાનો દ્વારા જ પઠન-યોગ્ય છે. જન- સાધારણ માટે હિંદુ ઋષિઓએ ‘પુરાણ’ નામનાં એક બીજી શ્રેણીનાં શાસ્ત્રોનું પ્રણયન કર્યું હતું. પુરાણોનો ઉદ્દેશ છે- અતિ સરળ અને મનોહર શૈલીમાં ધર્મનું શિક્ષણ આપવું. પુરાણ વિવિધ પ્રકારની કથાઓ તથા રૂપકોના માધ્યમથી ધર્મનાં કઠણ તત્ત્વોને આપણા હૃદયમાં અંકિત કરી દે છે.

આ ઉપરાંત એમાં ભારતના પ્રાચીન ઇતિહાસની થોડી થોડી ઝલક પણ મળી જાય છે. પુરાણોની સંખ્યા અઢાર છે. આમાં મુખ્ય છે- વિષ્ણુ-પુરાણ, પદ્મ-પુરાણ, વાયુ-પુરાણ, અગ્નિ-પુરાણ, સ્કન્દ-પૂરાણ, માર્કંડેય-પુરાણ તથા શ્રીમદ્દ ભાગવત-પુરાણ. શ્રી ચંડી અથવા દુર્ગા-સપ્તશતીની કથા આપણે બધા જાણીએ છીએ. આ કથા માર્કંડેય પુરાણનો એક ભાગ છે. એનો પાઠ હિંદુઓના પ્રત્યેક પૂજા-પર્વનું એક આનુષંગિક અનુષ્ઠાન હોય છે.

Total Views: 237
By Published On: April 1, 2022Categories: Nirvedananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram