(પ્રો. આર. એસ. ત્રિવેદી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ છે.)
શા માટે વૈકલ્પિક શાળા- વ્યવસ્થા કરવાની જરૂર ઉપસ્થિત થઈ છે?
સંભવતઃ રાજ્ય સરકારની આર્થિક સમસ્યા, વહીવટી ગૂંચને લીધે થતી ગુંગળામણ, શાળા એટલે કે આચાર્ય – શિક્ષક અને સંચાલક ત્રણેયને અર્થહીનતાનો અહેસાસ, બહુતિક શાળાઓની કાર્યક્ષમતાનો અભાવ, અને સમગ્રપણે બિનજવાબદાર વૃત્તિ વગેરે કારણોને લીધે આ પ્રકારની જરૂરત ઊભી થઈ હોય. શિક્ષણમાંથી ઊઠી ગયેલ સામાન્ય વિશ્વાસ – શિક્ષણ પ્રત્યે ઉદ્ભવેલ અવિશ્વસનીયતા – આ બધાં કારણોને લીધે શિક્ષણ વ્યવસ્થા ખખડી ગયાનો અનુભવ અને છતાંય વૈકલ્પિક વ્યવસ્થા વિચારવાની તૈયારીનો અભાવ. ઉપરાંત ઉપલકિયા દૃષ્ટિથી એવા તારણ તરફ જવાનું મન થાય છે, કે વર્તમાન વ્યવસ્થા ખરાબ તો છે જ પણ એમાંથી જેટલો લાભ લઈ શકાય તેટલો લાભ લેવાની મનોવૃત્તિ જેવાં કારણોને લીધે એક પ્રકારનો શૈક્ષણિક અજંપો થયો છે.
આનો ઉપાય ખરો? આપણે વિચારીએ કે આપણને શું કઠે છે? શિક્ષણની સાચી સમજને વળગીને વ્યવહાર થાય છે? કેવળ આર્થિક મૂંઝવણ જ આપણને સતાવે છે? સરકાર પણ કેવળ આર્થિક ભીંસને લીધે શિક્ષણમાં કાપ મૂકવાનું વિચારે છે? પ્રવર્તમાન વ્યવહાર અને પદ્ધતિમાં રહી સુધાર લાવી શકાય તેમ છે? આ વ્યવહાર અને પદ્ધતિને બાજુએ રાખી સ્વતંત્ર પદ્ધતિ અને માળખાનો વિચાર થઈ શકે તેમ છે?
આ બધા પ્રશ્નોમાં પ્રમુખ મુદ્દો શૈક્ષણિક વિચારનો છે. શિક્ષણ વ્યવહાર દ્વારા શિક્ષક, આચાર્ય અને સંચાલક પણ એકંદરે રક્ષણ અનુભવે છે. પણ શિક્ષણ રક્ષણ વિહોણું બન્યું છે. જે “શિક્ષણ”ને લીધે આપણું અસ્તિત્વ છે તે શિક્ષણને જ પાંગળું બનાવ્યું છે. આથી આપણું સામાજિક અસ્તિત્વ પણ જોખમાયું છે. આ પ્રતીતિ જ્યાં સુધી નહિ થાય ત્યાં સુધી “સુધાર” યા “નવા માળખા”નો વિચાર નહિ કરી શકીએ.
કોઈ પણ આદર્શનાં સૂત્રો વાગોળ્યા વિના આપણે શિક્ષણ વ્યવહારમાં પરિવર્તન લાવવું છે? શક્ય હોય તો હાલના માળખામાં રહીને અને અથવા નવા માળખાનો ખ્યાલ કરીને પ્રવર્તમાન માળખામાં રહી શું કરી શકીએ? ચાલો વિચારીએ:
(૧) શાળાના સમગ્ર વૃંદને શિક્ષણ માટે તૈયાર કરીએ.
(૨) શાળાનો સમય નકામો ન જાય એવો વ્યવહા૨ અમલમાં મૂકીએ.
(૩) બને તો શાળાનો સમય ૨૦૦થી ૨૨૦ દિવસનો નિશ્ચયપૂર્વક અમલમાં મૂકીએ.
(૪) AIRની માફક રોજ નહિ તો પખવાડિયે શિક્ષકગણની એક બેઠક યોજવી અને સાથે બેસી શાળા વ્યવહાર અંગે ચર્ચા-વિચારણા કરતા રહી સૂચનાને આપણી કક્ષાએ અમલમાં મૂકી વ્યવહા૨ને સરખા કરતા રહેવું.
(૫) સમય પત્રક એક વખત તૈયાર થયા પછી સંજોગો બદલાય નહિ તો વળગી રહેવાનો નિર્ણય કરીએ.
(૬) મૂલ્યાંકન વ્યવહા૨ને ઓપ આપીએ એટલે કે કેવળ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન નહિ પરંતુ સમગ્ર શિક્ષણવ્યવહારનું દર બે માસે બધાએ સાથે મળી મૂલ્યાંકન કરતા રહેવું અને સુધાર પ્રમાણે અમલમાં ફેરફાર કરતાં રહેવું.
(૭) શિક્ષકની નિમણૂંક અંગે વેળાસર નિર્ણય લેવાનો આગ્રહ રાખવો. કોઈ પણ વર્ગ, વિષય, શિક્ષક વગરનો ન રહે એ માટે આગ્રહ રાખીએ:
નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર માટે વિલંબ અટકાવવો. આ માટે કેન્દ્રિય ધોરણે શિક્ષણાધિકારી પાસે જિલ્લા શિક્ષણાધિકારી પાસે એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ના શિક્ષકોની યાદી હોવી જરૂરી છે અને એ પ્રમાણે નામાવલી શિક્ષણાધિકારીઓ જે શાળાની માગ હોય ત્યાં મોકલી આપી શિક્ષકની નિમણૂંકનો અમલ કરવો.
શાળાએ પોતે મગાવેલ અરજી પરથી શિક્ષકોનો સંપૂર્ણ ડેટા તૈયાર કરી ગુણાંકન પદ્ધતિ પ્રમાણે નિમણૂંક કરી શકે એ સત્તા શાળા પાસે હોવી જોઈએ. આ અંગેની માહિતી શિક્ષણાધિકારીને તથા બૉર્ડને મોકલી આપવી. વિવાદાસ્પદ પરિસ્થિતિમાં સરકારે જ બૉર્ડે જ પસંદ કરેલો પ્રતિનિધિ મધ્યસ્થી દ્વારા નિમણૂંક કરી નિકાલ કરવો.
નોંધ: બૉર્ડના પ્રતિનિધિ એટલે બૉર્ડનો સભ્ય નહિ પણ જે તે જિલ્લાના સ્વીકૃત કેળવણીકા૨ની નિમણૂંક થવી જોઈએ.
શાળાની પ્રતિષ્ઠા અને સિદ્ધિ પ્રમાણે શાળાનું વર્ગીકરણ બૉર્ડે કરવું જોઈએ. આ વર્ગીકરણમાં ઉપલી કક્ષામાં આવતી શાળાને પોતાના વ્યવહાર માટે સ્વતંત્ર ગણવી જરૂરી છે. જેમ કે વિષયોના તાસની ફાળવણી, રજા, શાળાનો સમય, તાસનો સમય, પરીક્ષા વગેરેની વ્યવસ્થા કરવા શાળા સંપૂર્ણ રીતે સ્વતંત્ર રહે એ ઈચ્છનીય છે. અન્ય વર્ગો પર બૉર્ડ પોતાના નિયમોના પાલનનો આગ્રહ સેવે.
જે શાળાઓ પ્રગતિ કરી વર્ગીકરણમાં ઉપર આવે તે શાળાઓને એમના વ્યવહાર માટે મુક્ત ગણવી જોઈએ. આમ નાની બાબતો માટે પત્રવ્યવહારને અવકાશ નહિ રહે.
વર્ગીકરણમાં આગળ આવીએ તો શાળાઓ પોતાના વ્યવહાર માટે સંપૂર્ણ સ્વતંત્ર રહેશે.
(૮) આચાર્ય અને શિક્ષકની સજ્જતા માટે શાળા-જૂથ યા સંઘોને સહાય આપી ઓપવર્ગને ઉત્તેજન અપાવું જોઈએ. જરૂર પડે આ જૂથોને આ કાર્ય માટે આર્થિક સહાય આપવી જોઈએ.
(૯) ગ્રાંટ આપવાની પદ્ધતિ સરળ બનવી જોઈએ અને સમયસર હપ્તા મળવા જરૂરી છે. શિક્ષણાધિકારી દ્વારા ગ્રાંટ અંગે વ્યવહાર જરૂર થાય પણ કોઈ પણ શાળાને આ અંગે લાચારી અનુભવવી ન પડે તે પ્રકારની વ્યવસ્થા જરૂર થવી જોઈએ. શાળા સ્વાતંત્ર્યનો આ એક પ્રમુખ મુદ્દો છે. શાળાઓએ પણ વિના કારણે પોતાની વગ વાપરી ગ્રાંટ વેળાસર લેવાનો આગ્રહ પડતો મૂકવો જોઈએ.
(૧૦) શાળામાં જેને ઈન્સ્પેક્શન કહીએ છીએ તેમાં સુધારો ક૨વાની જરૂર છે. જે તે વિસ્તારના શાળાના આ વ્યવહાર માટે જૂથ બનાવી આ અંગેની શૈક્ષણિક મુલાકાત અને માર્ગદર્શન માટે આ શાળા-જૂથ જ મુલાકાતી ટીમ બનાવે, બને તો તે વિસ્તારના અગ્રણી, કેળવણીકાર, (તાલીમી સંસ્થાના પ્રતિનિધિ નિવૃત્ત આચાર્ય – શિક્ષકનો સમાવેશ કરી શકાય) જ આવે. શિક્ષણાધિકારી – જ આવી મુલાકાત લે તેવો આગ્રહ નહિ હોવો જોઈએ. વહીવટી તપાસ માટે સરકારના પ્રતિનિધિ જ આવે, શિક્ષણાધિકારી જ આવી મુલાકાત લે તેવો આગ્રહ નહિ હોવો જેાઈએ.
(૧૧) અત્યારની પરીક્ષા પદ્ધતિમાં સુધાર ક૨વાની જરૂર છે, આથી પરીક્ષા કેન્દ્રની સંખ્યા સીમિત કરવી જરૂરી છે. ગમે તેને પરીક્ષા કેન્દ્ર આપી શકાય નહિ, પરીક્ષાનો સઘળો વહીવટ બૉર્ડ જ કરે એ આગ્રહ રાખવો. બૉર્ડમાં ચૂંટાયેલ પ્રતિનિધિની પરીક્ષા અંગે જવાબદારી છે.
બૉર્ડ સારા આચાર્યો, સારા શિક્ષકો અને પ્રતિષ્ઠાવાન સંચાલકોની યાદી તૈયાર કરે અને પરીક્ષાનું કાર્ય લોકો ઉપાડી લે તેવી વિનંતી કરવી જરૂરી છે.
જે શાળાઓ પોતાના વ્યવહાર સારી રીતે ચલાવે છે, તેવી શાળાઓને જાહેર પરીક્ષાનું નેતૃત્વ સોંપવું જોઈએ. જરૂર પડે તાલુકા અને જિલ્લા કક્ષાએ કૉલેજોના મકાનનો ઉપયોગ થવો જરૂરી છે. પરીક્ષા અંગેનો એક code કરવો જરૂરી છે અને આ code ના ભંગ કરનારને અત્યારે જે સત્તા છે તે સત્તા પ્રમાણે શિક્ષા થવી જોઈએ. બધા જ સંઘોનો સહકાર આ બાબતમાં લેવો જરૂરી છે. પરીક્ષા વહીવટનો નહિ પણ શિક્ષણનો વ્યવહાર છે એમ સૌએ સ્વીકારી ચાલવાનું રહે છે.
શાળાનું આંતરિક મૂલ્યાંકન એટલે માત્ર કસોટી નહિ પરંતુ નિદાનાત્મક વ્યવહાર માટે આંતરિક મૂલ્યાંકન છે. અહીં ઉપચારાત્મક પગલાંનો પણ વિચાર કરવો જરૂરી છે.
નં. ૧થી ૧૦ સુધીની બાબતો હાલની વ્યવસ્થામાં થઈ શકે તેમ છે અને હાલની પદ્ધતિ વ્યવહારને સુધારી શકાય તેમ છે.
હવે જોઈએ વૈકલ્પિક વ્યવસ્થા:
વૈકલ્પિક વ્યવસ્થા એટલે હાલની સિસ્ટમ કરતાં અલગ સિસ્ટમની વિચારણા:
આ વિચારણામાં પ્રમુખ મુદ્દો શિક્ષણને ચોક્કસ કેડી પર મૂકી સમાજને ઉપયોગી થવાનો છે. ઉપરાંત હાલ અનુભવાતા કેટલાક દબાવોમાંથી મુક્તિ અને નોન ગવર્મેન્ટ પદ્ધતિની ધીમે ધીમે સ્થાપના.
હાલ રાજ્ય સરકાર પણ શિક્ષણનો આર્થિક બોજ હળવો કરવા વિચારે છે. ઉપર્યુક્ત ઉદ્દેશોને અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી વૈકલ્પિક સિસ્ટમનો ખ્યાલ કરી શકાય જેમ કે (૧) સ્વાયત્ત શિક્ષણ સંસ્થા, (૨) નોન ફૉર્મલ એજન્સી (૩) વૉલન્ટરી એજન્સી (૪) કોર્પોરેટ્સ વગેરે.
પ્રાથમિક પ્રયોગરૂપે હાલની ગ્રાંટ લેતી સંસ્થાઓને પ્રાયોગિક ધોરણે સ્વાયત્ત સંસ્થા તરીકે જાહેર કરવી. આ સંસ્થાની પસંદગી કોઈ એક ઍકૅડૅમિક એજન્સી દ્વારા કરવામાં આવે. શૈક્ષણિક દૃષ્ટિએ આ સંસ્થા સંપૂર્ણપણે સ્વાયત્ત બને. બૉર્ડ અથવા સરકારના, શિક્ષણની દૃષ્ટિએ, કોઈ બંધનો ન રહે. અને પ્રયોગની મુદ્દત પસંદ થયેલ સંસ્થા માટે બે વર્ષના ગાળાની રહે.
બે વર્ષના અંતે મૂલ્યાંકન દ્વારા સ્વાયત્ત ક્ષમતા આ સંસ્થા સાચવી ન રાખે તો “સ્વાયત્તતા” પાછી ખેંચવી.
ધો-૧૦, ૧૨ની પરીક્ષાનું સંચાલન પરીક્ષણ મૂલ્યાંકન પોતાના વિદ્યાર્થીનું આ સંસ્થા જ કરે. બૉર્ડ આ રીતે પાસ થયેલ વિદ્યાર્થીને પ્રમાણપત્રમાં કાઉન્ટર સિગ્નેચર કરે. પ્રમાણપત્ર શાળાનું હોય જેથી શાળાની આઈડેન્ટિટિ અલગ રહે અને સમાજમાં એની પિછાણ પણ થાય.
આ સંસ્થાને પોતાનું ભંડોળ વધારવાની છૂટ રહે, જે ભંડોળની મદદથી શિક્ષકોને તથા સારા વિદ્યાર્થીઓને પોતાના ભંડોળમાંથી પ્રેરણા આપી શકે. આ અંગે ધારામાં યોગ્ય ફેરફાર કરવાનો રહે છે.
સંપૂર્ણ સ્વાયત્ત સંસ્થા:
આ સંસ્થા માટે પણ એકેડેમિક કાઉન્સિલ હોવી જરૂરી છે જે શૈક્ષણિક તેમજ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપી શકે.
આ પ્રકારની સંસ્થા પોતાની જ પરીક્ષા લે અને વચગાળાના સમય પૂરતો બૉર્ડના કાઉન્ટર સિગ્નેચર સ્વીકારે. આમાંથી પણ સમયાંતરે આ સંસ્થા મુક્ત થાય.
આર્થિક દૃષ્ટિએ સરકારે ગ્રાંટ આપવાની નહિ પરંતુ પ્રોત્સાહન ગ્રાંટ એક વર્ષને અંતે શાળાને સજ્જ કરવા પૂરતી આપે. કેટલા પ્રમાણમાં આપવી તેનો નિર્ણય સરકાર પોતે કરે. આ વિચાર નવી ઉભી થતી સંસ્થાને પ્રેરણા પૂરું પાડશે. આ સંસ્થા શિક્ષકોની નિમણૂંક, વિદ્યાર્થી પાસેથી લેવાની ફી વગેરે બાબતોમાંથી બંધન મુક્ત હશે. વાલીઓની માંગને સંતોષે અને વાલીઓ સ્વીકારે તો સરકારે બંધનો લાદવાની જરૂર નથી. શિક્ષકો આ સંસ્થા સાથે અનુકૂળ એવી કોન્ટ્રેક્ટ પદ્ધતિથી કાર્ય કરશે.
ગુણવત્તાની હરિફાઈ માટે પણ આવી સંસ્થાની જરૂર છે.
આમ જનતાનાં બાળકો માટેના શિક્ષણની જવાબદારી સરકારની જ રહે. આ માન્યતાના અમલ માટે સરકારે સ્વયં હાલની સરકારી સંસ્થાઓ તેમજ હાલની ખાનગી સંસ્થાઓ ઈચ્છે તો જ બંને મળીને કેન્દ્રીય સંગઠન – સેન્ટ્રલ – સ્કૂલની માફક એક સંગઠનની રચના કરે અને સંગઠનના આશ્રયે બધી શાળા ચાલે. સંગઠનની શાળાની આર્થિક જવાબદારી સરકારે સ્થાપેલ સંગઠનની રહેશે.
સરકાર સંગઠનને આર્થિક મદદ કરવામાં સહાયરૂપ થાય. ઉદ્યોગને સહાયરૂપ થવામાં જી.આઈ.ડી.સી., જી.એસ.એફ.સી. જેવી સંસ્થાઓ છે. સંગઠનને મદદરૂપ થવામાં આ પ્રકારની સંસ્થા સક્રિય બને.
શિક્ષણ કોર્પોરેટ્સઃ
આ પ્રકારની સંસ્થાઓ એક પ્રકારના સ્વાયત્ત કૉર્પોરેશનના આશ્રય નીચે આવે. આર્થિક બાબતો આ પ્રકારના કૉર્પોરેશન સંભાળી લે. જૂની શાળાઓ તથા નવી શાળાઓ આ પ્રકારના કૉર્પોરેશનના સભ્ય બને. સભ્યપદ તેમજ રજિસ્ટ્રેશન માટે ફી રાખવામાં આવે.
શૈક્ષણિક દૃષ્ટિએ કૉર્પોરેશન પોતાની આગવી વ્યવસ્થા રાખે. જાહેર પરીક્ષા બૉર્ડને અધીન રહે.
શિક્ષકોની નિમણૂંક અને ફી તેમજ પગાર બાબતમાં કાર્પોરેશન સ્વતંત્ર રહે. સરકાર અને કોર્પોરેશન શિક્ષણ સંસ્થાનો આર્થિક બોજ ૩૦ : ૭૦ના પ્રમાણમાં વહેંચે.
એન.આર.આઈ. દ્વારા નવી શિક્ષણ સંસ્થાઓ શરૂ થાય એ માટે સંચાલક મંડળ તેમજ સરકારે પ્રયત્નો કરવા જોઈએ. આ સંસ્થા સંપૂર્ણ સ્વાયત્ત રહે અને ગુજરાતની સ્વાયત્ત સંસ્થા જેટલા શૈક્ષણિક અધિકારો ભોગવે. આર્થિક રીતે સ્વાયત્ત હોવાથી વહીવટી દૃષ્ટિએ પણ આ પ્રકારની સંસ્થા સ્વતંત્ર રહે. આ પ્રકારની સંસ્થાનું જોડાણ વિદેશી શૈક્ષણિક સંસ્થા સાથે પણ થઈ શકે. આનો આધાર એન.આર.આઈ.ની વગ ૫૨ ૨હે છે.
પ્રશિક્ષણ અધ્યાપન કૉલેજો સાથે સંલગ્ન શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની વ્યવસ્થા પ્રશિક્ષણ મહાવિદ્યાલયો સાથેના સંલગ્ન પદ્ધતિ નીચે પણ કરી શકાય. રાજ્યમાં લગભગ ૪૬ જેટલાં મહાવિદ્યાલયો છે. પ્રત્યેક વિદ્યાલયો ૫૦ જેટલી શાળાઓને સંલગ્ન સંસ્થા તરીકે સ્વીકારે, આમ કરવાથી શિક્ષણની ગુણવત્તા શાળાની દૃષ્ટિએ અને શિક્ષકોની દૃષ્ટિએ જળવાશે.
આ પદ્ધતિ દ્વારા શાળા અને અધ્યાપન કૉલેજોને સંયુક્તબ્લૉક, ગ્રાંટ ફાળવવાની વ્યવસ્થા કરવી. શિક્ષણ સ્તરમાં ઉણી ઉતરતી સંસ્થા માટે બ્લૉક ગ્રાંટમાં કાપ મૂકી શકાય.
ગ્રામ્ય વિસ્તારનું શાળા સંકુલ:
ગ્રામ્ય વિસ્તારના શાળા સંકુલનો પણ વિચાર કરી શકાય. આ દિશામાં નજીક નજીકની શાળાઓનું આશરે ૧૦થી ૧૫ શાળાનું એક સંકુલ બને અને એ વર્તુળની ત્રિજ્યા પર ગ્રંથાલય, પ્રયોગશાળા, જીમનેશિયમ અને રમતનાં મેદાનો સરકાર કેન્દ્રિય રચાય, આમ થવાથી અલગ ગ્રંથપાલ, અલગ શારીરિક શિક્ષક નહિ મૂકતાં કેન્દ્રિત સેન્ટરોમાં વિશિષ્ટ યોગ્યતાવાળા માણસોની નિમણૂંક થાય. હાલના નિયુક્ત થયેલ શિક્ષકોને પણ આ પ્રકારના કેન્દ્રોમાં ખસેડી શકાય. બને તો એક સારું રિસોર્સ સેન્ટર આ જૂથને આપીને ગ્રામ્ય શાળાઓને સારી મદદ કરી શકાય. રિસોર્સ સેન્ટરમાં ઓડિયો અને વિડિયો કેસેટસ પણ દર્શાવી શકાય, જેથી સારા શિક્ષકોનો લાભ ગામડાંના વિદ્યાર્થીઓને મળી શકે.
આવતા દશકામાં વિદ્યાર્થી સંખ્યાનો વિસ્ફોટ થશે અને આ સંખ્યા કેવળ ફૉર્મલ સિસ્ટમમાં સમાવિષ્ટ થઈ શકશે નહિ. આ મુશ્કેલી દૂર કરવા ઓપન યુનિવર્સિટી માફક ઓપન ઉચ્ચતર માધ્યમિક શાળાની યોજના વિચારવી જોઈએ.
આ પ્રવાહનો વિવિધ વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર ગુજરાતે કરવો જરૂરી છે. ગુજરાતના પરિવર્તિત થતા ઔદ્યોગિક વ્યવહારે વ્યવહારના સંદર્ભે એક પ્રકારની જડતાવાળી શિક્ષણ પ્રથા ચાલશે નહિ. ઉપરાંત આર્થિક દૃષ્ટિએ ઉદ્યોગ, વાણિજ્ય અને અન્ય ઉત્પાદક ક્ષેત્રોએ શિક્ષણને સહાયરૂપ થવું પડશે. જો આમ નહિ થાય અને સરકાર પર જ બધી જવાબદારી રાખવામાં આવશે તો આપણે ગુજરાતમાં ક્યારેય પ્રગતિ સાધી શકીશું નહિ.
હવે તો શિક્ષણની સમજ એવી બદલાતી જાય છે કે કોઈ પણ એક વ્યક્તિ માટે વ્યવસાય, શિક્ષણ અને નિવૃત્તિ અલગ રીતે વિચારી શકાશે નહિ.
Your Content Goes Here



