(રામકૃષ્ણ મિશન સ્ટુડન્ટ્સ હોમ, મદ્રાસમાં તા. ૧૫-૨-૧૯૮૧ને દિવસે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાઘ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ભાષણનો ગુજરાતી અનુવાદ)
આપણે રામકૃષ્ણ મિશન વિદ્યાર્થીગૃહ (Students’ Home)ની પ્લેટિનમ જયંતી ઉજવવા અહીં એકત્ર થયા છીએ. આ સંસ્થાની છેક શરૂઆતના દિવસોથી એટલે કે ૧૯૧૬ની સાલમાં હું રામકૃષ્ણ મઠમાં બ્રહ્મચારી હતો ત્યારથી મારો પણ એની સાથે સંપર્ક રહેલો છે. પણ તે છતાં સંસ્થા વિશે હું તમને ખાસ વાત નહિ કહું.
આજે તો અત્યારે જે શિક્ષણપ્રણાલી દેશમાં પ્રવર્તી રહેલી છે તેને વિશે થોડાક વિચારો તમારી સમક્ષ હું રજૂ ક૨વા માગું છું. ચારે બાજુ જ્યાં પણ નજર નાખીએ – પછી ભલે તે રાજકારણનું ક્ષેત્ર હોય કે અર્થકારણનું, સામાજિક સંબંધોનું હોય કે અંતે જતાં શિક્ષણ સુધ્ધાનું – ત્યાં તમામ સ્થળે માત્ર નિરાશાજનક સ્થિતિ જોવામાં આવે છે. શિક્ષણની પ્રણાલીની દશા તો કદાચ આ બધામાં સૌથી વધારે ખરાબ છે. આ દેશમાં જે અંધાધૂંધી પ્રવર્તી રહેલી છે તે બધાના મૂળમાં શિક્ષણ પ્રણાલીમાં આપણી પાયાની ભૂલ રહેલી છે. વિદ્યાર્થીઓ તો જેવી એમને કેળવણી મળે તે પ્રમાણે મોટા થાય. અને એ કેળવણીની પદ્ધતિ જ જો ખામી ભરેલી હોય તો એ ખામી લોકો મોટા થાય ત્યારે તેમનામાં ઊતરેલી પણ જોવા મળે, એમાં આપણે એમનો દોષ કાઢી ના શકીએ. આજે પણ આપણે, અંગ્રેજો અહીં આવ્યા ત્યારે તેમણે જે શિક્ષણપ્રણાલી આપણા પર લાદી હતી તેનું જ અનુસરણ ઓછેવત્તે અંશે લગભગ કરી રહ્યા છીએ. તેમની પશ્ચિમની સામાજિક પરિસ્થિતિ માટે એ અનુકૂળ હશે પણ આપણી બાબતમાં એ રીતે બિલકુલ બંધબેસતી નથી. લગભગ એની એ જ પદ્ધતિને અત્યારે અનુસરીએ છીએ. એ શિક્ષણપ્રણાલીના ઉદ્દેશ્યો અને રાષ્ટ્રની આકાંક્ષાઓની વચમાં કોઈ પણ જાતનો તાલમેળ છે જ નહિ. સદીઓથી માંડીને રાષ્ટ્રની અભિલાષા ચરમ સત્યનો સાક્ષાત્કાર કરવાની રહેતી આવી છે. અને આપણા સમાજને એ રીતે વળાંક આપવામાં આવ્યો છે, અને એવી સુયોગ્ય રીતે સમયે સમયે અનુકૂળ બનાવવામાં આવ્યો છે, જેથી દરેક જણ અમુક માત્રા પર્યંતનો આ સંસારનો ઉપભોગ કરીને એ લક્ષ્યે પહોંચી શકે. શિક્ષણ માટે પણ એ જ પદ્ધતિ હતી. પરા વિદ્યા – આધ્યાત્મિક વિદ્યા ઉપર ખૂબ ભાર મૂકાતો. અપરા વિદ્યા (વ્યાવહારિક વિદ્યા)નો બહિષ્કાર કે અવગણના થતી એમ તો નહોતું. કારણ કે એ યુગમાં ભારત અપરા વિદ્યામાં પણ અગ્રણી હતું. પણ વિશેષ મહત્ત્વ અપાતું પરા વિદ્યા પર; ચારિત્ર્યનિર્માણ, નૈતિક મૂલ્યો અને એવાં બધાં મૂલ્યો ૫૨. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને એવી યોગ્ય રીતે વિકસાવવામાં આવતું કે જેથી તેઓ રાષ્ટ્રે ઝંખેલા લક્ષ્યે પહોંચી શકે. અત્યારના વખત જેવી યુનિવર્સિટીઓ અને કૉલેજો તો ત્યારે હતી નહિ. શાસ્ત્રાભ્યાસ ઉપરાંત વિદ્યાર્થીઓને એક રીતે બીજી બહારની એવી અમુક પ્રવૃત્તિઓમાંથી પસાર થવું પડતું કે જે બધી એમના ચારિત્રનિર્માણમાં, મન શુદ્ધ કરવામાં, અને મનને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ થઈ રહેતી. એમને પોતાના વિદ્યાર્થીજીવન દરમ્યાન ચુસ્તપણે બ્રહ્મચર્ય અને એ જાતના વિશિષ્ટ નીતિનિયમોનું પાલન કરવાનું રહેતું. એ બધાં એમના મનના ઘડતરમાં સહાયક થતાં. અને છેવટે તો મન જ જ્ઞાનનું સાધન છે અને એ સાધન જ જો ખોડખાંપણભરેલું હોય, સરખી રીતે એને વિકસાવવામાં આવ્યું ના હોય તો તેવા મનને માટે જ્ઞાનભંડાર ભેગો કરવાનું કામ અઘરું થઈ પડે છે.
સ્વામી વિવેકાનંદની બાબતમાં જ જુઓને! એમનું મન એટલું તો ઉત્તમ રીતે કેળવાયેલું હતું કે જરાક વારમાં ગ્રંથો વાંચી કાઢતા. એક વખત એમના પરિભ્રમણના કાળમાં તેઓ મેરઠમાં પોતાના ગુરુભાઈ સહિત રહેતા હતા. ત્યાં નજીકમાં જ એક લાઈબ્રેરી હતી. સ્વામીજીએ પોતાના ગુરુભાઈને એ ગ્રંથાલયમાંથી થોડાં પુસ્તક આણી આપવા કહ્યું. દરરોજ એ ગુરુભાઈ લાઈબ્રેરીમાં જઈને સ્વામીજીએ સૂચવેલ શીર્ષક અનુસાર એકાદ બે દળદાર ગ્રંથો લઈ આવે અને સ્વામીજી બીજે દિવસે એ પુસ્તકોને પાછાં પરત કરીને નવા ગ્રંથો મંગાવે. ગ્રંથપાલના મનમાં થયું કે, ‘આ તે કેવી વાત? આમાનાં એકાદ ગ્રંથનો પણ અભ્યાસ કરવામાં મહિનાના મહિના વીતી જાય અને અહિંયાં વળી રોજે રોજ એ ગ્રંથો પાછા આપી દેવામાં આવે છે. આ બધો નર્યો ડોળ કરવામાં આવે છે કે શું?’ એણે પોતાના મનની શંકા ગુરુભાઈને કહી નાખી અને ગુરુભાઈએ જઈને વાત સ્વામીજીને કરી. એટલે સ્વામીજી જાતે એક દિવસે ગ્રંથાલયમાં ગયા અને ગ્રંથપાલને કહ્યું કે અત્યાર સુધીમાં એણે જેટલા પણ ગ્રંથો મોકલ્યા હોય તેમાંથી કોઈપણ સવાલ પૂછી લે. એટલે ગ્રંથપાલે સ્વામીજીને સવાલો પૂછ્યા અને સ્વામીજીએ બધા જ સાચા જવાબ કહ્યા. સ્વામીજીએ જણાવ્યું: ‘જુઓ, તમે શબ્દોનું વાંચન કરો છો. જ્યારે તમે કોઈ ચોપડી લો છો ત્યારે શબ્દે શબ્દ એને વાંચો છો પરંતુ હું શબ્દે શબ્દ વાંચતો નથી. હું તો પાને પાને વાંચું છું. એક પાનાની શરૂઆતના શબ્દો ને પાનાના છેલ્લા થોડાક શબ્દો વાંચું એટલે મને એ આખા પાનામાં શું આલેખ્યું છે તે સમજાઈ જાય છે.’ એટલે, જ્યારે સ્મરણશક્તિને, મનને અમુક રીતે વિકસાવવામાં આવે છે ત્યારે તે આપણને જ્ઞાન વધુ ઝડપથી મેળવી લેવામાં સહાયરૂપ થઈ પડે છે. આપણી આધુનિક શિક્ષણપ્રણાલીમાં મનની આવી જાતની તાલીમનો નર્યો અભાવ છે. આમ પરા વિધાની આવી ઉપેક્ષાના કારણે અને તેની સાથોસાથ – ફક્ત વ્યાવહારિક શિક્ષણને આપવામાં આવેલ મહત્ત્વ – એ બન્ને ભેગા મળ્યાને કારણે શિક્ષણપ્રણાલીમાં આ બધી મુસીબતો ઊભી કરેલી છે, અને એને જ કારણે આટલી બધી અવ્યવસ્થા આપણી નજરે પડે છે.
અને આટલું ઓછું હોય તેમ વધારામાં રાજકારણી દળો વિદ્યાર્થીઓને પોતપોતાના પક્ષમાં જોડાઈને પોતાના પ્રચારમાં સહાયક બનાવવા માટે તેમને પોતા ભણી ખેંચી લેવાની જે તાણાતાણ મચાવી રહેલાં છે તેની ભારે ખરાબ અસર થઈ રહેલી છે. આપણા દેશમાં શિક્ષણપ્રણાલીની દુર્ગતિ આણવામાં આ બધાનો ફાળો છે. ઉત્તર ભારતની એક યુનિવર્સિટીમાં તો ૧૯૭૮ની સાલમાં પૂરી થયેલી પરીક્ષાઓનાં પરિણામ હજી પણ જાહેર થવાનાં બાકી છે અને ત્યાર પછીની પરીક્ષાઓમાં બેઠેલા વિદ્યાર્થીઓનાં પરિણામ તૈયાર હોવા છતાં રોકી રાખ્યાં છે; કારણ કે આ પહેલાંની પરીક્ષાનાં પરિણામ જાહેર થયાં નથી! આવું તો ચાલે છે આપણું શિક્ષણનું ગાડું! જ્યાં સુધી શિક્ષણના સિદ્ધાંતોમાં ધરમૂળથી પરિવર્તન લાવીને પરાવિદ્યા એટલે કે ચારિત્ર્યઘડતર, મનોનિગ્રહ વગેરેને પૂરતું મહત્ત્વ આપીએ નહિ ત્યાં સુધી વધુ મહાન ભારતનું નિર્માણ કરવું દુષ્કર છે.
એક વખત એક વિજ્ઞાનના પ્રાધ્યાપક આપણી એક કૉલેજમાં પ્રયોગશાળા જોવા આવેલા. એ વિભાગના પ્રાધ્યાપક એમને પ્રયોગશાળામાં નિરીક્ષણ માટે લઈ ગયા. ફરતાં ફરતાં જ્યાં સૂક્ષ્મદર્શક યંત્રો રાખવામાં આવેલાં ત્યાં આવતાં મહેમાન પ્રાધ્યાપકે એક સૂક્ષ્મદર્શકમાંથી નજર કરી જોવાનો પ્રયત્ન કર્યો. પણ એમાંથી સ્પષ્ટ દેખાયું નહિ. એટલે તેમણે સૂક્ષ્મદર્શક યંત્રનો કાચ (લૅન્સ) બહાર કાઢ્યો, રૂમાલ વડે સાફ કર્યો અને ફરી પાછો ગોઠવી દીધો. પછી બધું સ્પષ્ટ જોઈ શક્યા. આ સૂક્ષ્મદર્શક યંત્ર તે વસ્તુઓનું નિરીક્ષણ ક૨વાનું અને તેને અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે. હવે એને જો સાફ ના રાખવામાં આવે અને ગંદું રહેવા દેવામાં આવે તો જે વસ્તુનું નિરીક્ષણ કરતા હો તેનો સ્પષ્ટ ખ્યાલ તમને કેવી રીતે આવી શકે? લૅન્સને તો સાફ રાખવો જ પડે. તે જ પ્રમાણે અમુક પ્રકારના નીતિ અને સદાચારના સિદ્ધાંતોનું પાલન કરીને મનને નિર્મળ અને સબળ બનાવવામાં આવે તો જ તે મન સૂક્ષ્મ સત્યને સહેલાઈથી પકડી લઈ શકે. શિક્ષણનું આ પાસું જે પ્રાચીન ભારતમાં આપણી પાસે હતું તેને જ આપણે ખોઈ બેઠા છીએ.
આવી જાતના ‘વિદ્યાર્થીગૃહ’નો એક મોટો લાભ એ છે કે કૉલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા અપાતા શિક્ષણમાં જે ખૂટે છે, વિદ્યાર્થીઓના અહીંના છાત્રાવાસના નિવાસકાળ દરમિયાન તેની પૂર્તિ થાય છે અને એ પ્રમાણે થઈ જ રહ્યું છે. અને તેથી જ આપણે આ સંસ્થામાંથી આટલા બધા મેઘાવી તરુણો બહાર પડીને રાષ્ટ્રના જીવનમાં તેઓને મહત્ત્વપૂર્ણ સ્થાનોએ પહોંચતા જોઈ રહ્યા છીએ.
અને માત્ર અહીંના જ ‘વિદ્યાર્થીગૃહ’ને વિશે જ નહિ પણ અમારા દ્વારા બીજે બધે ઠેકાણે સંચાલિત છાત્રાલયયુક્ત શાળાઓ ને વિદ્યાર્થીગૃહોની બાબતમાં પણ આ વાત તેટલી જ સાચી છે. અને એવું પણ નથી કે લૌકિક વિદ્યાના શિક્ષણની ઉપેક્ષા થઈ હોય. કારણકે અમારા તરુણો યુનિવર્સિટી પરીક્ષાઓમાં પણ જે પરિણામો લઈ આવે છે તે બતાવી આપે છે કે લૌકિક વિદ્યાના શિક્ષણમાં પણ એમણે એટલી જ પ્રગતિ સાધી છે, અને છતાં પણ પરા વિદ્યાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પ્રવર્તમાન શિક્ષણપદ્ધતિને જ્યાં સુધી દેશની વિવિધ સમસ્યાઓને સુપેરે ઉકેલતા જાય તેવા ચારિત્ર્યવાન મનુષ્યોના ઘડતર માટે જવાબદાર બનાવવામાં નહિ આવે ત્યાં સુધી આપણે માટે આશાનું કોઈ ચિહ્ન નથી.
તેથી દેશના શિક્ષણક્ષેત્રમાં પડેલા કેળવણીકારોને હું નિવેદન કરું છું કે પરાવિદ્યાના આ આદર્શોને પણ આપણી વર્તમાન શિક્ષણપ્રણાલીમાં વણી લેવામાં આવે. ભગવાન શ્રીરામકૃષ્ણ આ કાર્યમાં સહાયરૂપ બનો. આ સંસ્થા પર, એના વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણ પ૨ તથા એની સાથે સંકળાયેલ બધા લોકો પર તેમની શુભાશિષ વરસો. એમના આશીર્વાદ સૌના પર વરસતા રહો એવી હું આંતરિક પ્રાર્થના કરું છું.
(‘માતૃભૂમિ પ્રત્યે આપણું કર્તવ્ય’ (દ્વિતીય સંસ્કરણ) પૃ.સં. ૧૨થી ૧૭, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)
Your Content Goes Here



