ઓ ભારતવાસી! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓના તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહીં કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન ઇંન્દ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વ્યક્તિગત અંગત સુખ માટે નથી; તું ભૂલતો નહીં કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહીં કે તારી સમાજવ્યવસ્થા, અનંત વિશ્વવ્યાપી માતૃત્વનું પ્રતિબિંબ માત્ર છે; તું ભૂલતો નહીં કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ચમાર, ભારતનો ઝાડુ મારનારો ભંગી સુધ્ધાં તારા રક્તમાંસનાં સગાંઓ છે, તારા ભાઈઓ છે. હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી છે, અને ગર્વપૂર્વક ગર્જના કર કે, ‘હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું પોકારી ઊઠ કે, ‘અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાલ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી, દરેક ભારતવાસી મારો ભાઈ છે!’ તારી કમર પર પહેરવા ભલે માત્ર એક લંગોટી જ રહી હોય, તોપણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર કે, ‘ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારું જીવન છે, ભારતનાં દેવદેવીઓ મારો ઈશ્વર છે; ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે, મારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયિની વારાણસી છે.’ ભાઈ! પોકારી ઊઠ કે ‘ભારતની ધરતી એ મારું સર્વોચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે.’ અને અહોરાત્ર પ્રાર્થના કર કે, ‘હે ગૌરીપતે, હે જગજ્જનનિ અંબે! તું મને મનુષ્યત્વ આપ! હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હટાવ! મને મર્દ બનાવ!’

– સ્વામી વિવેકાનંદ

Total Views: 112
By Published On: April 28, 2022Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram