એક રાજા હતો. તેની પાસે અનેક હજૂરિયાઓ હતા. આ બધા હજૂરિયાઓ એમ કહેતા કે, પોતાના રાજા માટે જીવન અર્પણ કરવા તેઓ હંમેશાં તૈયાર છે; તેઓ પોતે જ સાચા સેવકો છે.
થોડા સમય પછી એક સંન્યાસી રાજા પાસે આવ્યો.
રાજાએ સંન્યાસીને કહ્યું : ‘પહેલાંના કોઈ પણ રાજા પાસે નહીં હોય એટલા સાચા હજૂરિયાઓ મારી પાસે છે.’
સંન્યાસીએ હસીને કહ્યું : ‘હું તો એ વાત માનતો નથી.’
રાજા કહે : ‘તમને ઠીક લાગે તો એ બાબતની ખાતરી કરી લો.’
સંન્યાસીએ જાહેર કર્યું કે, પોતે એક મોટો યજ્ઞ કરનાર છે, જેને પરિણામે રાજાનું રાજ્ય ઘણાં વરસો સુધી ચાલશે. એણે માત્ર એક શરત મૂકી કે, એક મોટો કુંડ બંધાવીને તેમાં રાજાના દરેક હજૂરિયાએ રાતના અંધારામાં એક એક ઘડો ચોખ્ખા દૂધનો ઠાલવી જવો.
રાજાએ સ્મિત કર્યું અને કહ્યું : ‘બસ, આ જ તમારી કસોટી છે?’
રાજાએ હજૂરિયાઓને પોતાની પાસે બોલાવ્યા અને શું કરવાનું હતું એ વાત સમજાવી. તેઓ સૌ આનંદભેર સંમતિ આપીને પોતપોતાને ઘેર ગયા.
રાતના અંધારામાં વારાફરતી સહુ હજૂરિયાઓ આવ્યા અને કુંડમાં પોતાનો ઘડો ઠાલવી ગયા.
પણ સવારે જોયું તો કુંડ કેવળ પાણીથી જ ભરાયેલ હતો!
હજૂરિયાઓને બોલાવીને એનું કારણ પૂછવામાં આવ્યું.
દરેક જણે શ૨માઈને કહ્યું : ‘મેં એમ ધારેલું કે દૂધના એટલા બધા ઘડા ઠલવાયા હશે એમાં મારા એક ઘડા પાણીની વાત કોઈ જાણશે નહિ!’
કમનસીબે આપણામાંના ઘણાને આવા જ વિચાર આવે છે, અને આ વાતમાંના હજૂરિયાઓની પેઠે આપણે આપણા કાર્યનો ભાગ ભજવતા નથી.
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘ચાલો સાંભળીએ : સ્વામીજી વાર્તા કહે છે’માંથી સંકલિત)
Your Content Goes Here




