(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ અને શ્રદ્ધાની વાત આપણે પહેલાં જ કહી ગયા છીએ. એના જન્મ સમયે એનાં માતાપિતાને દિવ્યદર્શનો પ્રાપ્ત થયેલાં એની વાતો મહોલ્લાની સ્ત્રીઓએ પહેલેથી જ સાંભળી હતી. દેવદેવીના ભાવાવેશે ગદાધર સમાધિમાં ચાલ્યો જતો, એ પણ જોયું હતું. એની ઝળહળતી દેવભક્તિ, પુરાણકથા કરતી વખતની તન્મયતા, મધુરકંઠનું સંગીત, અને આત્મીય સરળ ઉદાર વ્યવહારથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતાં. આ લેખમાં ગદાધરની મધુર બાળલીલાનું અનન્ય વર્ણન છે. – સં.)
સ્ત્રીવેશે ગદાધર
કોઈ કોઈ દિવસે ગદાધર સ્ત્રીનો વેશ ધારણ કરીને એમની (મહોલ્લાની સ્ત્રીઓ) સામે ખાસ નારી-ચરિત્રોનો અભિનય કરતો. એ રીતે શ્રીમતી રાધારાણીનો અથવા એમની મુખ્ય સખી વૃન્દાનો વેશ ભજવતી વખતે રમણીઓ એને ઘણીવાર સ્ત્રીવેશ સજવા માટે આગ્રહ કરતી. બાળક પણ એમના એવા મનોરથ પૂરા કરતો. એવે પ્રસંગે એના હાવભાવ, બોલવું ચાલવું બધું યે અસલ સ્ત્રીના જેવું થઈ જતું. એ જોઈને એ બધી કહેતી કે સ્ત્રીનો વેશ સજાવેલા ગદાધરને કોઈયે પુરુષ તરીકે ઓળખી જ ના શકે. આ ઉપરથી સમજાશે કે બાળકે સ્ત્રીઓની એકેએક ચેષ્ટાને તે પહેલાં કેટલી ઝીણવટપૂર્વક અવલોકી હશે! ગમ્મતપ્રિય બાળક એ વખતે એક દિવસ સ્ત્રીના જેવી વેશભૂષા પહેરીને કાંખમાં ઘડો ઘાલીને પુરુષોની સામે થઈને હાલદારપુકુરે પાણી ભરવા નીકળેલો ત્યારે કોઈ એને ઓળખી શકેલું નહિ.
સીતાનાથ પાઈનના પરિવારજનો સાથે ગદાધરનો ગાઢ સંબંધ
ગામના ધનવાન શેઠ સીતાનાથ પાઈનનો ઉલ્લેખ અમે આ પહેલાં કરેલો છે. સીતાનાથને સાત દીકરા અને આઠ દીકરીઓ હતી અને દીકરીઓ પરણી ગયા પછી પણ સીતાનાથને ઘરે જ રહેતી-ખાતી. સાંભળ્યું છે કે સીતાનાથના કળશી કુટુંબના રાંધણામાં એટલો મસાલો ખપતો કે રોજ તે દસ છીપરો પર વટાતો! તે સિવાય સીતાનાથના દૂરનાં ઘણાં સગાંઓ તેમના ઘરની નજીક પોતાનું ઘર બનાવીને વસેલાં. તેથી કામારપુકુરનો આ લત્તો વણિકશેરીને નામે ઓળખાતો અને તે ખુદીરામના (ગદાધરના પિતાના) ઘરની પાસે જ હોવાથી ઘણી વણિક સ્ત્રીઓ, તેમાંયે ખાસ કરીને સીતાનાથના ઘરની વહુ-દીકરીઓ નવરાશની વેળાએ ચંદ્રાદેવી (ગદાધરની માતા) પાસે જતી તેથી આ સમયે ગદાધરની સંગે એમનો મનમેળ થઈ ગયેલો. એ બધાં ઘણી વાર બાળકને પોતાને ઘેર લઈ જતાં અને સ્ત્રીનો વેશ સજીને ઉપર કહ્યું તેમ અભિનય વગેરે કરવા આગ્રહ કરતાં. વડીલોની મનાઈને કારણે કુટુંબની ઘણી સ્ત્રીઓ ઘરની બહાર બીજે ક્યાંય જઈ શકતી નહિ અને તેથી ગદાધરના મુખેથી કથાવાર્તા, ગીત કીર્તન સાંભળવાનું સદ્ભાગ્ય એમને મળતું નહિ તેથી જ લાગે છે કે તેઓ આવી રીતે બાળકને પોતાને ઘરે તેડાવતાં. આમ વણિકશેરીમાં, ચંદ્રાદેવી પાસે જતી-આવતી ના હોય એવી પણ ઘણી સ્ત્રીઓ ગદાધરની ભક્ત બની ગયેલી. જેવી એમને કોઈને મોઢેથી ખબર પડતી કે ગદાધર સીતાનાથને ઘેર આવેલો છે કે ત્યાં પહોંચી જઈને એના કથાવાર્તા સાંભળીને ને અભિનય જોઈને આનંદ માણતી. ઘરના મોભી સીતાનાથ ગદાધર ઉપર ઘણો પ્રેમ રાખતા અને વણિકશેરીના બીજા પુરુષો પણ એના બધા સદ્ગુણોથી માહિતગાર હતા. તેથી એમના ઘરની સ્ત્રીઓ તેની પાસે બેસીને આવી રીતે ભજન-કીર્તન સાંભળે છે તે જાણવા છતાં કશી હરકત કરતા નહિ.
વણિકશેરીમાં ફક્ત એક દુર્ગાદાસ પાઈન આ બાબતમાં વાંધો ઉઠાવતા અને પોતે જો કે ગદાધર ઉપર શ્રદ્ધા ભક્તિ રાખતા પણ અંતઃપુરના પડદાનો સખત રિવાજ કોઈને પણ ખાતર કદી સહેજે ઢીલો થવા દેતા નહિ. એમના ઘરના અંતઃપુરની વાત જાણવાની કોઈની તાકાત નથી અને એમના ઘરની સ્ત્રીઓને ક્યારેય કોઈએ દીઠી નથી એવી બડાશ તે ઘણીવાર સીતાનાથ અને બીજાં સગાંવહાલાં આગળ માર્યા કરતા. ટૂંકમાં સીતાનાથ અને બીજા જે જે લોકો પોતાની માફક સખત પડદાપ્રથાની તરફેણ નહોતા કરતા તેમને બધાને ઊતરતા ગણી કાઢતા.
દુર્ગાદાસનો અહંકાર ઉતાર્યો
એક દિવસે દુર્ગાદાસ એમના કોઈ સંબંધીની સમક્ષ આવી જાતની બડાશો હાંકતા હતા, ત્યારે ગદાધર ત્યાં હાજર હતો. એ જાતની વાતો સાંભળીને તે બોલ્યો, ‘ઓઝલ પડદાના રિવાજથી તે વળી સ્ત્રીઓનું રક્ષણ થતું હશે? સારી કેળવણી અને ઈશ્વરભક્તિનો પ્રભાવ જ તેમનું ખરું રક્ષણ કરી શકે. હું ધારું તો તમારા ઘરની ભીતરમાં રહેલી બધીયને જોઈ આવું અને બધી વાતો પણ જાણી લાવું.’ એ સાંભળીને દુર્ગાદાસ તેથીયે વધુ તોરમાં આવી જઈને બોલ્યા, ‘જોઉં તો ખરો કે કેમનો તું જાણી લાવે છે?’ એટલે ગદાધર પણ ‘ઠીક છે, જોયું જશે’ એમ બોલીને તે દિવસે તો ચાલ્યો ગયો.
પણ પછી એક દિવસ બપોર પછીના સમયે કોઈને પણ કાંઈ જણાવ્યા વગર બાળક એક જાડો મેલો સાડલો, હાથે રૂપાનાં બલોયાં ને એવું બધું પહેરીને ગરીબ વણકર સ્ત્રીનો વેશ સજી, કાંખમાં ટોપલી ને ઘૂમટે ચહેરો ઢાંકીને સાંજ પડવા આવેલી તેવે વખતે દુર્ગાદાસના ઘરની સામે આવીને ઊભો રહ્યો. દુર્ગાદાસ તે ટાણે મિત્રો સાથે બહારની ઓસરીમાં જ બેઠેલા. સ્ત્રીનો વેશ ધરેલા ગદાધરે એક વણકરની બૈરી તરીકે પોતાની ઓળખાણ આપીને કહ્યું કે બીજે ગામથી ગુજરીમાં સૂતર વેચવા આવેલી અને તેની સંગાથે આવનારીઓ એને મૂકીને જતી રહી હોવાથી પોતે મુસીબતમાં મુકાઈ ગઈ છે. તેથી જો રાત પૂરતો આશરો મળે તો મોટી મહેરબાની થશે.
સાંભળીને દુર્ગાદાસે એ કયે ગામ વસે છે એવા એકાદ બે સવાલ જવાબ કરીને કહ્યું કે ‘ઠીક અંદર બૈરાંઓ પાસે જઈને આશરો લે.’ એ સાંભળીને ગદાધરે એમને પાયે પડીને ઉપકાર માન્યો અને અંદર પ્રવેશ કરીને સ્ત્રીઓને પણ એ જ મુજબ પોતાની ઓળખાણ આપીને અલકમલકની વાતોએ ચડાવીને ખુશ કરી દીધી. એની નાની ઉંમર અને મીઠી મીઠી વાતોથી રાજી થઈને દુર્ગાદાસના અંતઃપુરની રહેનારીઓએ એને ત્યાં રહેવાની રજા આપી અને તેને સૂવાનું ઠેકાણું દેખાડીને ખાવા માટે મમરા, ગોળ પાયેલી ડાંગરની ધાણી વગેરે દીધાં. ચીંધેલી જગ્યાએ બેસીને ગદાધર ખાતાં ખાતાં ભીતરના બધા ઓરડાઓ અને એક એક સ્ત્રીને બરાબર ઝીણી નજરે નિહાળવા લાગ્યો અને એમની વાતચીતો સાંભળવા માંડ્યો તથા એની મહીં વચ્ચે વચ્ચે ટાપશી પુરાવવાનું ને સવાલો કરવાનું ય ભૂલ્યો નહિ!
આ પ્રમાણે લગભગ એક પહોર જેટલી રાત વીતવા આવી. આ બાજુએ આટલી રાત થઈ તોય ગદાધરને ઘેર ના આવેલો દેખીને ચંદ્રાદેવીએ રામેશ્વરને એને શોધી લાવવા મોકલ્યા અને વણિકશેરીમાં એ ઘણીવાર જતો તે જાણતા હોવાથી ત્યાં તપાસ કરવાનું કહ્યું. એટલે રામેશ્વરે પહેલાં સીતાનાથને ઘેર જઈને પૂછયું તો બાળક ત્યાં તો નહોતો આવેલો. પછી દુર્ગાદાસના ઘર પાસે ઊભા રહીને ‘ગદાધર, ઓ ગદાઈ’ એમ એના નામની મોટેથી બૂમો પાડવા લાગ્યા. એમનો સાદ સાંભળીને બહુ રાત થઈ ગયેલી જાણીને ગદાધરે દુર્ગાદાસના ઘરની અંદરથી જ ‘એ આવ્યો મોટાભાઈ’ કહીને જવાબ દીધો અને ઝટપટ ઉતાવળે પગલે એમની પાસે પહોંચી ગયો.
ત્યારે દુર્ગાદાસને બધી વાત સમજાઈ ગઈ અને પહેલાં તો આ છોકરડો પોતાની ને ઘરનાં બધાંયની સાથે આવી બનાવટ કરી ગયો એમ લાગવાથી ઝંખવાણા પડી ગયા ને કંઈક ગુસ્સે પણ થઈ ગયા, પછી બીજી જ ક્ષણે તેણે એક ગરીબ વણકર સ્ત્રીના પહેરવેશનું ને બોલવા ચાલવાનું આટલી હદે આબેહૂબ અનુકરણ ખરું કર્યું, એવો વિચાર આવતાં હસવા માંડ્યા. બીજે દહાડે આ વાત સીતાનાથ અને એમનાં સગાંવહાલાંના જાણવામાં આવતાં ગદાધરને હાથે દુર્ગાદાસના અભિમાનના ચૂરેચૂરા થઈ ગયેલા જોઈને સહુ આનંદથી હસવા લાગ્યા. ત્યાર પછી સીતાનાથને ઘેર બાળક આવતો ત્યારે દુર્ગાદાસના ઘરની સ્ત્રીઓ પણ એની પાસે આવવા લાગી.
Your Content Goes Here




